Gazal Gujarati

અજવાળું ઉઠી ગયું છે

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કો ઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

– અનિલ ચાવડા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.