Gazal Gujarati

આભે ચડયો ઉન્માદ

આભે ચડયો ઉન્માદને વરસી પડ્યો વરસાદ થૈ
ભીંજવતી યાદોમાં તું ટપકી પડયો વરસાદ થૈ

યાદોની ચમકી વીજળી ને ઝળહળી ગઇ રાત કૈ
ફરિયાદનાં ફોરામાં જો ઝઘડી પડયો વરસાદ થૈ

શ્રાવણ ને ભાદરવાનું ભારણ, ભારે બે માસનું ભૈ
હૈયે નિતરતો સ્નેહ પણ ચટકી પડયો વરસાદ થૈ

તપતી ઘરા, કેવી ખબરને વરાળ જોડે મોકલી!
આવી પલક ઝબકારે એ વળગી પડયો વરસાદ થૈ

વિજળી ને છંછેડી છે તાન મહી બહુ આવી જઈને
ભયભીત થઇ ધરતી ઉપર સરકી પડયો વરસાદ થૈ

લીલી એ ચોમાસાની વાતો આકરી લાગે ઘણી
મને લીલ જેવું જકડતો લપસી પડયો વરસાદ થૈ

બાકી રહી છે તરસ મારી આટલાં વરસાદ માં
એ દેશની મીટ્ટી મહી લપટી પડયો વરસાદ થૈ

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.