હિન્દુ ધર્મનું સાહિત્ય

હિન્દુ ધર્મનું સાહિત્ય ઘણું વિસ્તીર્ણ છે. હિન્દુધર્મ અતિ પ્રાચીન છે. હિન્દુજીવન અને હિન્દુસંસ્કૃતિમાં ધર્મ અને અધ્યાત્મ કેન્દ્રસ્થ અને સૌથી પ્રધાન તત્વ છે. આમ હોવાથી હિન્દુધર્મમાં અપરંપાર ગ્રંથોની રચના થઈ છે.

વિધર્મી આક્રમણકારો, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, પુસ્તકોની જાળવણીના આધુનિક સાધનોનો અભાવ, ઘણો લાંબો કાળ આદિ કારણોને લીધે હિન્દુધર્મ, આધ્યાત્મવિધા અને દર્શનના ઘણાં ગ્રંથો નષ્ટ થઈ ગયા છે. આમ છતાં જે ગ્રંથો ઉપલબ્ધ છે, તેમની સંખ્યા પણ લગભગ અગણિત છે. આ બધા ગ્રંથોના માત્ર નામની યાદી કરીએ તો પણ એક મોટો ગ્રંથ બને. હજારો ગ્રંથો એવા પણ છે કે જે હસ્તલિખિત સ્વરૂપમાં છે, અને હજુ સુધી પ્રકાશિત થયા નથી.

હિન્દુધર્મના સમગ્ર પ્રમાણભૂત સાહિત્યને અગિયાર વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમ કે વેદ, વેદાંગ, ઉપવેદ, ઈતિહાસ, પુરાણ, સ્મૃતિ, દર્શન, નિબંધ, ભાષ્ય, સાંપ્રદાયિક ગ્રંથો અને આગમ ગ્રંથો.

(૧) વેદ : –

વેદ એટલે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યને સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. મંત્રસંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, સુત્રગ્રંથો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણી.

👉 મંત્રસંહિતા :
વેદ મુલત: એક છે, પરંતુ ભગવાન વેદવ્યાસે વેદને ચાર વેદમાં વહેંચ્યા છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મંત્રો હવે ગ્રંથસ્થ થયા છે. પ્રાચીનકાળમાં વેદ ગ્રંથસ્થ થતાં નહિ. હજારો વર્ષથી વેદ કર્ણોપકર્ણ પરંપરાથી જ જળવાયા છે. વેદપાઠ કરવાની આપણી ઘણી પ્રાચીન પરંપરા છે. પ્રત્યેક વેદની અનેક શાખાઓ છે. આ બધી શાખાઓમાંથી ઘણી લુપ્ત થઈ ગઈ છે અને કેટલીક અદ્યાપિ પર્યત અખંડ સ્વરૂપે ચાલુ રહી છે.

👉 બ્રાહ્મણ ગ્રંથો :
વેદમંત્રોનો યજ્ઞમાં ક્યારે અને કેવી રીતે ઉપયોગ થાય, વેદમંત્રોનો રહસ્યાર્થ શું છે, વેદમંત્રોના ઉપયોગપૂર્વક થતાં ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગો કેવી રીતે થાય. આદિ બાબતોની વિચારણા બ્રાહ્મણગ્રંથોમાં કરવામાં આવી છે. ચારેય વેદના કુલ મળીને સત્તર બ્રાહ્મણગ્રંથો થાય છે. આમાં ઋગવેદનું અતૈરેય બ્રાહ્મણ, કૃષ્ણ યજુર્વેદનું તૈત્તિરીય બ્રાહ્મણ અને શુક્લ યજુર્વેદનું એક શતપથ બ્રાહ્મણ ઘણા પ્રચલિત છે. વેદની કેટલીય શાખાઓની સાથે ઘણાં બ્રાહ્મણગ્રંથો પણ લુપ્ત થઈ ગયા છે.

👉 આરણ્યક ગ્રંથો :
બ્રાહ્મણ ગ્રંથોના ભાગરૂપે આરણ્યકો રહેલા છે. અરણ્ય (વનમાં) ચયન થયું અને અરણ્યમાં અધ્યયન થયું, તેથી આ ગ્રંથોને આરણ્યકો કહે છે. વર્તમાનકાળમાં 6 આરણ્યકો ઉપલબ્ધ છે. ઋગવેદના ત્રણ આરણ્યક છે – ઐતરેય આરણ્યક, શાંખાયન આરણ્યક અને કૌષીતકિ આરણ્યક. કૃષ્ણ યજુર્વેદના બે આરણ્યકો છે – તૈત્તિરીય બ્રાહ્મણ અને મૈત્રાયણી આરણ્યક. શુક્લ યજુર્વેદનું એક આરણ્યક છે – બૃહદારણ્યક. શતપથ બ્રાહ્મણનો અંતિમકાંડ તે જ બૃહદારણ્યક છે. આ બૃહદારણ્યકના અંતિમ અધ્યાયો, તે જ બૃહદારણ્યક ઉપનિષદ છે.

👉 ઉપનિષદો :
ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ 300 ની છે. આમાંના પ્રધાન 13 ઉપનિષદો ગણાય છે. જેમ કે ઈશ, કેન, કઠ, માંડૂક્ય, મૂંડક, પ્રશ્ન, ઐતરેય, તૈત્તિરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વર, કોષીતિકી અને નૃસિંહતાપની. આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.

👉 સુત્રગ્રંથો :
વૈદિક સુત્રગ્રંથો ત્રણ સ્વરૂપનાં છે. શ્રૌતસૂત્ર, ગુહ્યસુત્ર અને ધર્મસૂત્ર. શ્રૌતસૂત્રમાં વૈદિક કર્મકાંડની વિચારણા કરવામાં આવી છે. ગુહ્યસુત્રોમાં કુલાચારનું વર્ણન છે. અને ધર્મસુત્રોમાં ધર્માચારનું વર્ણન છે. આ ત્રણ પ્રકારના સુત્રો ઉપરાંત, શુલ્બસૂત્રો નામના સુત્રો પણ વૈદિક સાહિત્યમાં મળે છે. શુલ્બસુત્રમાં વૈદિક ભૌતિક વિજ્ઞાનનું વર્ણન કરવામાં આવેલું છે. યજુર્વેદમાં કાત્યાયન શૂલ્બસૂત્ર છે, જેમાં ભૂમિતિ શાસ્ત્રનું વર્ણન છે. ઘણા શુલ્બસુત્રો લુપ્ત થઈ ગયા છે.

👉 પ્રાતિશાખ્ય :
વેદની અનેક શાખાઓ છે. પ્રત્યેક શાખાને પોતાની વિશિષ્ટ પરંપરાઓ હોય છે. શાખાની આ વિશિષ્ટ હકીકતોની નોંધ આ પ્રાતિશાખ્યમાં કરવામાં આવે છે. ઉચ્ચાર પધ્ધતિ, યજ્ઞવિધિવિધાન, આહારવિહારની વિશિષ્ટતાઓ આદિ હકીકતો શાખાની પરંપરા પ્રમાણે પ્રત્યેક શાખાની પોતાની આગવી હોય છે. આ વિશેષ હકીકતોની નોંધ પ્રાતિશાખ્યમાં થાય છે. ઋકપ્રાતિશાખ્ય, તૈત્તિરીયપ્રાતિશાખ્ય, પ્રાતિશાખ્યસુત્ર મળે છે.

👉 અનુક્રમણી :
વેદોની રક્ષા અને જાળવણી માટે વેદોની ભિન્ન ભિન્ન અનુક્રમણીઓની રચના થઈ છે, જેમાં દરેક વેદની અનુક્રમણીઓના વિવિધ નામો છે.

(૨) વેદાંગ : –

વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના 6 સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. જેમાં

👉 શિક્ષા :
મંત્રના સ્વર, અક્ષર, માત્રા તથા ઉચ્ચારનું વિવેચન શિક્ષામાં થાય છે. વેદનાં અનેક શિક્ષા ગ્રંથો ઉપલબ્ધ છે.

👉 વ્યાકરણ :
ભાષાના નિયમો સ્થિર કરવા તે વ્યાકરણનું કાર્ય છે. વ્યાકરણની સહાયથી મંત્રનો અર્થ સમજી શકાય છે.

👉 નિરુકત :
નિરુકત વેદની વ્યાખ્યા પધ્ધતિ દર્શાવે છે. નિરુકતને વેદોનો વિશ્વકોશ કહી શકાય.

👉 છંદ :
છંદના જ્ઞાનથી વૈદિક મંત્રોનું બંધારણ સમજાય છે. અનેક છંદ ગ્રંથો અત્યારે પણ ઉપલબ્ધ છે.

👉 કલ્પ :
કલ્પમાં યજ્ઞોની વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. અગાઉ આપણે જોઈ ગયેલા તમામ સુત્રગ્રંથોનો યજ્ઞીય વિધિ સાથે સંબંધ છે. આપ જાણતા જ હશો કે કોઈપણ યજ્ઞવિધિ માં પહેલા સંકલ્પ કરાવવામાં આવે છે. આ સંકલ્પનું મુળ ‘કલ્પ’ માં છે.

👉 જ્યોતિષ :
જ્યોતિષનું પ્રધાન પ્રયોજન સંસ્કારો તથા યજ્ઞો માટે મુહૂર્ત બતાવવાનું છે. અત્યારે જ્યોતિષ શાસ્ત્રનો ઘણો વિકાસ થયો છે.

(૩) ઉપવેદ : –

પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે. ઋગવેદનો આયુર્વેદ, યજુર્વેદનો ધનુર્વેદ, સામવેદનો ગાંધર્વવેદ અને અથર્વવેદનો સ્થાપત્યવેદ છે.

👉 આયુર્વેદ :
સપ્તધાતુની સમતુલા અને શરીરના સ્વસ્થ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે. આયુર્વેદ માનવ શરીરમાં સપ્તધાતુની સમતુલા સિધ્ધ કરે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે. આયુર્વેદ અધ્યાત્મપથમાં સહાયક છે તેથી તે ઉપવેદ ગણાય છે. શરીર રચના, રોગના કારણ, લક્ષણ, ઔષધિ, ગુણ નિદાન અને ચિકિત્સાનું વર્ણન આયુર્વેદમાં કરેલ છે.

👉 ધનુર્વેદ :
ધનુર્વેદ રક્ષાનું વિજ્ઞાન છે. દેશ, સંસ્કૃતિ, ધર્મસ્થાનો, પ્રજા અને પોતાની જાતની રક્ષા માટે ધનુર્વેદનું મૂલ્ય હતું.

👉 ગાંધર્વવેદ :
સંગીત, નૃત્ય અને નાટયની વિદ્યાને ગાંધર્વવેદ કહેવામાં આવે છે. રાગ, તાલ, સ્વર, વાદ્ય, નૃત્ય, નાટક આદિ તત્વોની વિશદ વિચારણા આ વિધામાં થઈ છે. ભારતીય સંગીતની ઉત્પતિ સામગાનમાંથી થઈ હોવાનું મનાય છે.

👉 સ્થાપત્યવેદ :
મંદિર નિર્માણ, ગૃહ નિર્માણ, મૂર્તિવિધાન, દુર્ગનિર્માણ, નગરનિર્માણ વગેરે વિધાઓ સ્થાપત્યવેદમાં સમાવેશ થાય છે.

(૪) ઈતિહાસ :-

ઈતિહાસ અને પુરાણોમાં વેદના તત્વનું જ વિશેષ વર્ણન થયું છે. આમ હોવાથી વેદના આધારને સમજ્યા વિના ઈતિહાસ અને પુરાણોને સમજી શકાય નહિ અને વેદના અર્થને સમજવા માટે ઈતિહાસ અને પુરાણો ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તેથી જ ઈતિહાસપુરાણને વેદનું ઉપાંગ કહેવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકિ રચિત વાલ્મીકીય રામાયણ અને ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત – આ બે ઈતિહાસના પ્રધાન ગ્રંથો છે. હરિવંશ, અધ્યાત્મ રામાયણ આદિ ઈતિહાસના બીજા ગ્રંથો પણ છે. આધુનિક ઈતિહાસ જે અર્થમાં ઈતિહાસ છે, તે અર્થમાં આ ગ્રંથોને ઈતિહાસના ગ્રંથો ગણી શકાય નહિ. આધુનિક ઈતિહાસ તથ્યપ્રધાન છે. હિન્દુધર્મના ઈતિહાસગ્રંથો સત્યપ્રધાન છે.

(૫) પુરાણો :-

પુરણા સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદોમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહ્યા છે. પુરાણો અઢાર છે. તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે.

બ્રહ્મપુરાણ (10000), પદ્મપુરાણ (55000), વિષ્ણુપુરાણ (23000), શિવપુરાણ (24 000), શ્રીમદ્ ભાગવત (18000), નારદપુરાણ (25000), માકઁડેય પુરાણ (9000), અગ્નિપુરાણ (15400), ભવિષ્ય પુરાણ (14500), બ્રહ્મવૈવર્તપુરાણ (18000), લિંગ પુરાણ (11000), વરાહ પુરાણ (24000), સ્કંદ પુરાણ (81100), વામન પુરાણ (10000), કૂર્મપુરાણ (17000), મત્સ્ય પુરાણ (14000), ગુરુડ પુરાણ (19000) અને બ્રહ્માંડપુરાણ (12000).

આમ, અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે. આ અઢારપુરાણો ઉપરાંત ઉપપુરાણો પણ અઢાર છે. જેવા કે સનતપુરાણ, નારસિંહ પુરાણ, નારદપુરાણ, શૈવપુરાણ, કપિલપુરાણ, માનવપુરાણ, ઔશનસ પુરાણ, વરુણપુરાણ, કાલિકા પુરાણ, સાંબપુરાણ, સૌરપુરાણ, આદિત્યપુરાણ, માહેશ્વરપુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠપુરાણ, નંદિપુરાણ, પારાશપુરાણ અને દુર્વાસાપુરાણ.

(૬) સ્મૃતિ :-

હિન્દુધર્મ અને હિન્દુ સમાજની બહિરંગ વ્યવસ્થા સ્મૃતિગ્રંથઓ દ્વારા ગોઠવાઈ છે. સ્મૃતિઓમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – એમ ચારે પુરુષાર્થોનું વર્ણન છે. સ્મૃતિઓમાં વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, વર્ણાશ્રધર્મ, વિશેષ પ્રસંગોના ધર્મ, આચાર ધર્મ, લગ્નવ્યવસ્થા, પ્રાયશ્ચિતકર્મો, શાસનવિધાન, દંડવ્યવસ્થા, મોક્ષસાધન વગેરે અનેક વિષયોનું વર્ણન કરવામાં આવેલ છે.

સ્મૃતિઓની સંખ્યા સૌથી પણ વધુ છે. અંહી મુખ્ય સ્મૃતિઓના નામ પ્રસ્તુત છે. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, હારિત સ્મૃતિ, ઔશનસ્ સ્મૃતિ, આંગિરસ સ્મૃતિ, યમ સ્મૃતિ, આપસ્તમ્બ સ્મૃતિ, સંવર્ત સ્મૃતિ, કાત્યાયન સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, શાતાતપ સ્મૃતિ, વસિષ્ઠ સ્મૃતિ અને પ્રજાપતિ સ્મૃતિ.

(૭) દર્શન : –

તત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુદર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણિત પ્રધાન હિન્દુદર્શન 6 છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈશેષિક દર્શન, ન્યાય દર્શન, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. આ પ્રત્યેક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સુત્રગ્રંથ છે. સાંખ્યસુત્ર પર સંદેહ કરવામાં આવે છે, સાંખ્ય દર્શનના પ્રમાણભૂત ગ્રંથ તરીકે સાંખ્ય કારિકા ગણાય છે. બાકીના પાંચે દર્શનોના પ્રમાણગ્રંથ તરીકે તે તે દર્શનના સૂત્રગ્રંથો માન્ય છે. આ પ્રત્યેક સૂત્રગ્રંથો પર અનેક આચાર્યોના અનેક ભાષ્યગ્રંથો લખાયા છે. તેથી દર્શનોની અનેક શાખાઓ આજે ઉપલબ્ધ છે. દા.ત. બ્રહ્મસૂત્ર પર વેદાંતના અનેક આચાર્યોએ અનેક ભાષ્ય લખ્યાં છે, અને તે પ્રમાણે વેદાંતદર્શનના અનેક સ્વરૂપો છે. દર્શન શાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો પણ હજારો છે.

(૮) નિબંધ :-

આપણા દેશમાં મધ્યયુગમાં વિશાળ નિબંધ સાહિત્યની રચના થઈ છે. સ્મૃતિઓ અને પુરાણોમાં ધર્મ અને તત્વજ્ઞાનના જે નિર્દેશો મળે છે, તેમનું વિસ્તારથી સંકલન આ નિબંધગ્રંથોમાં થયું છે. સ્મૃતિઓ અને પુરાણોમાં પરસ્પર ભિન્નતા અને અસ્પષ્ટતા જોવા મળે છે, તેમનું સ્પષ્ટીકરણ અને એકવાક્યતા નિબંધ ગ્રંથોમાં થયું છે. પ્રમાણ આપીને પ્રત્યેક વિષયનું વિસ્તારપૂર્વક વિવેચન આ નિબંધ ગ્રંથોમાં થયું છે, તેથી ધર્મશાસ્ત્રના વિદ્વાનો આ નિબંધ સાહિત્યને સ્મૃતિગ્રંથો જેટલું જ પ્રમાણ માને છે.

પ્રધાન નિબંધ ગ્રંથો આ પ્રમાણે છે : દાયભાગ, કાલવિવેક, વ્યવહાર માતૃકા, સ્મૃતિ તત્ત્વ રધુનંદન (28 ભાગ), હારલતા, અશૌચ વિવરણ, પિતૃદયિતા, આચાર સાગર, પ્રતિષ્ઠા સાગર, અદ્ભૂત સાગર, દાન સાગર, આચારદર્શ, સમય પ્રદીપ, શ્રાધ્ધ કલા, સ્મૃતિ રત્નાકર, આચાર ચિંતામણિ, આહિનક ચિંતામણિ, કૃત્યચિંતામણિ, તીર્થ ચિંતામણિ, વ્યવહાર ચિંતામણિ, શુધ્ધિ ચિંતામણિ, શ્રાધ્ધ ચિંતામણિ, તિથિનિર્ણય, દ્વૈતનિર્ણય, સ્મૃતિ ચંદ્રિકા, ચતુર્વર્ગચિંતામણિ, નિર્ણય સિન્ધુ, કૃત્યકલ્પતર, ધર્મસિન્ધુ અને નિર્ણયામૃત

(૯) ભાષ્ય અને ટીકા ગ્રંથો :-

વૈદિક ગ્રંથોથી પ્રારંભ કરીને નિબંધગ્રંથો સુધી અપરંપાર ગ્રંથરાશિ છે. આ ગ્રંથો પર અગણિત ભાષ્યો અને ટીકાઓ લખાયા છે. આ ભાષ્યો અને ટીકાઓ પર પણ ટીકાઓ લખાઈ છે. મહાભારત જેવા મહાન ગ્રંથ પર પણ ટીકા લખાઈ છે. આ ભાષ્યગ્રંથોમાં ચાર પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે – ભાષ્ય, ટીકા, કારિકા અને સારસંગ્રહ. હિન્દુ ધર્મ સાહિત્યમાં ભાષ્ય સાહિત્યનો જેટલો વિકાસ અને વ્યાપ થયો છે, તેનો જોટો વિશ્વ સાહિત્યમાં ક્યાંય જોવા મળે તેમ નથી.

(૧૦) સાંપ્રદાયિક ગ્રંથો : –

હિન્દુધર્મ ઘણો વિશાળ ધર્મ છે, એક વિશાળ વટવૃક્ષ સમાન છે. હિન્દુધર્મના અનેક સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો છે. ઉપરોક્ત વેદાંતના સંપ્રદાયો ઉપરાંત શૈવમત, શાક્યમત, કબીરમત, રાધાસ્વામી મત, દાદૂપંથ, રામસ્નેહી, પ્રણામી, ચરણદાસી, સ્વામીનારાયણ પંથ, ઉદાસીનતા, નાથસંપ્રદાય, રામાનંદી પંથ, કાશ્મીર શૈવમત, પાશુપતમત, વીરશૈવમત, મહાનુભાવી પંથ, વારકરી સંપ્રદાય આદિ અનેક સંપ્રદાયો હિન્દુધર્મમાં છે. હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યનો સૌ કોઈ સ્વીકાર કરે છે, પ્રમાણભૂત માને છે. પરંતુ તે ઉપરાંત પ્રત્યેક સંપ્રદાયને પોતાનું સ્વતંત્ર સાંપ્રદાયિક સાહિત્ય પણ ઘણું છે. પ્રત્યેક સંપ્રદાયના આચાર્યો દ્વારા આવા સાંપ્રદાયિક ગ્રંથોની રચના થઈ છે. આ સાંપ્રદાયિકગ્રંથોની સંખ્યા પણ હજારોની છે. આ સાંપ્રદાયિક ગ્રંથો તે તે સંપ્રદાયોનું પ્રમાણભૂત સાહિત્ય મનાય છે. અને તેથી હિન્દુધર્મના પ્રમાણભૂત સાહિત્યમાં તેમનો સમાવેશ પણ થાય છે.

(૧૧) આગમ યા તંત્રગ્રંથો : –

વેદોથી પ્રારંભ કરીને સાંપ્રદાયિક ગ્રંથો સુધીની પરંપરાને ‘નિગમ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પરંપરા પણ છે. તેને ‘આગમ’ પરંપરા કહે છે. આગમના બે ભાગ છે. દક્ષિણાગમ (સમયમત) અને વામાગમ (કૌલમત)

સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે. દેવતાઓનું સ્વરૂપ, ગુણ, કર્મ, તેમના મંત્રો અને મંત્રોના ઉદ્ગાર, ધ્યાન, પૂજાવિધિ વગેરેનું વિવેચન આગમગ્રંથોમાં થાય છે.

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.