શાહિદ અફરીદી : ધ રઉફ ‘‘લાલા’’

ચોપાનિયા, છાપા, મેગેઝિનો, સોશિયલ મીડિયા પર બનેલા નાના એવા વૃતચિત્રોથી લઈને તમામ જગ્યાએ શાહીદ અફરીદી છવાયેલો છે. જેનું કારણ તેની રિસ્પેક્ટ, પણ પાકિસ્તાન તરફથી તો તેને ગાળો ખાવાનો વારો આવ્યો હશે ? આપણે પાકિસ્તાન સામે એક મેચ હારી જઈએ તો દોષ ટીવીને દઈએ છીએ, પાકિસ્તાનમાં પણ એવું જ થાય છે. જ્યારે ટીવીના કારણે દેશ મેચ હાર્યો હોય. પણ શાહિદ અફરીદી જ્યારે મૌલાના મસ્ત ફકિર હોય તેમ હારે કે જીતે તો પણ તેની સ્પોર્ટ સ્પીરીટી બરકરાર રહે છે. જળવાય રહે છે. ભારતીય ખેલાડીના બુટની લેઝ ખુલી જાય ત્યારે તેને બાંધવામાં છોછ નથી આવતો. વિરોધી ટીમનો ખેલાડી શતક મારે તો તાળીઓ પાડવામાં તેને આળસ નથી થતી. કોઈ દેશનો ઝંડો જોઈ જાય અને ફેન્સ સાથે ફોટો ખેંચવાનો હોય તો પણ ઝંડા સાથે જ પાડે છે. જે ગઈકાલનું તાજુ ઉદાહરણ. આ ઘટના તો સ્વીત્ઝર્લેન્ડમાં એક T-20 મેચનું આયોજન થયેલું ત્યારે બનેલી. સહેવાગની ટીમને અફરીદીની ટીમે હરાવી. અને હરાવ્યા બાદ અફરીદીનું ફેન સામે કંઈક આવું રિએક્શન હતું. જે જોઈ ભારતના લોકો સહિષ્ણુતા, ઉદારતા, દેશભક્તિની વાતો કરવા લાગ્યા. પત્થર ફેંકવાથી દેશભક્તિ નથી આવતી, પણ હા કોઈના ઝંડાની સાથે તસવીર ખેંચવાથી શાંતિ અને અમનનો સંદેશો જરૂર ફેલાય છે.

એ વર્ષ હતું 1996નું. પાકિસ્તાનનો રાઈટ આર્મ સ્પીનર સકલૈન મુસ્તાક ઘાયલ થયો અને સારવારમાં ગયો. પાકિસ્તાનની ટીમમાં બેટ્સમેનોની ભરમાર હતી. પણ મુસ્તાક જેવો સ્પીનર ન હતો. કંઈ આખી ઓવર ફાસ્ટ બોલરના હાથે થોડી ફેંકાવાય ? એટલે કેન્યામાં યોજાનાર શ્રીલંકા પાકિસ્તાન અને યજમાન કેન્યા સામેની મેચ માટે એક 16 વર્ષ 215 દિવસના છોકરાને મેદાનમાં ઉતાર્યો. નામ શાહિદ અફરીદી. પૂરા નામ સાહિબઝાદા મહોમ્મદ શાહિદ ખાન અફરીદી. જન્મ પાકિસ્તાનના ખૈબરફાટા આદિવાસી વિસ્તારમાં. કેન્યા સામેના મેચમાં તેને બેટીંગ ન મળી. બોલિંગમાં પણ કંઈ ખાસ ઉકાળી ન શક્યો. પાકિસ્તાનના ક્રિકેટરો હોય છે, તેવો ગોરો ચટ્ટો અને હેન્ડસમ હતો. એટલે સ્ટાર સ્પોર્ટસની સ્ક્રિનમાં આવતા જ યુવતીઓ તેની દિવાની થઈ ગઈ. કેન્યા સામેનો મેચ પાકિસ્તાન આસાનીથી જીતી ગઈ.

બીજી વન-ડે. પાકિસ્તાન સામે મજબૂત અને રાઈવલ ટીમ શ્રીલંકા. ચામિંડા વાસ જેવો ફાડુ ફાસ્ટ બોલર અને મુરલીધરન જેવો સ્પીનર. અત્યારે બોલરોના અભાવે રોહિત જેવા બેટ્સમેનો ત્રણ ત્રણ ડબલ સેન્ચુરી મારી જાય છે. પણ ત્યારે ચિત્ર એવું ન હતું. ત્યારે બોલરોની ધાક બોલતી અને એવા સમયે પાકિસ્તાનના ત્યારના ઓપનિંગ બેટ્સમેન સઈદ અનવરે 194 રનની ઈનીંગ રમેલી. શ્રીલંકા સામે પણ આ ઓપનિંગ બેટ્સમેને સેન્ચુરી ફટકારી. 120 બોલમાં 115 રન લગાવ્યા. એટલે 20 ઓવર પૂરી. પાછળ બેટ્સમેનોની ફોજ હોવાના કારણે સામે ઉભેલા કેપ્ટન સઈદ અનવરે નિર્ણય લીધો, ‘ઉતારો પેલા છોકરાને.’ કારણ કે એ આઉટ થઈ જાય તો પાછળ ઉભા જ હતા. રમીશ રાજ્જા, ઈજાજ અહેમદ, મોઈન ખાનથી લઈને ઓલરાઉન્ડર ગણાતા વસીમ અક્રમ જેવા ખેલાડીઓ. મેદાનમાં નવોસવો અફરીદી ઉતર્યો. અને બે હાથે તુટી પડ્યો. જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 207-3 વિકેટ હતી. સ્ટેડિયમમાં બેઠેલા કેન્યાના પ્રેક્ષકોનું ડાચુ ફાટી ગયું હતું. પાકિસ્તાનના લોકોની પાંપણ સ્થિર હતી. ત્યારે T-20ના શુક્રાણુઓ ન હતા બન્યા. અને આ ભાઈએ 37 બોલમાં સેન્ચુરી મારી દીધી. 11 સિક્સર, 6 ચોગ્ગા, સ્ટ્રાઈક રેટ 255નો. અને અફરીદી બીજી વનડેથી જ પાકિસ્તાનનો ઓલરાઉન્ડર બની ગયો.

આ મેચમાં અફરીદીએ જે બેટનો ઉપયોગ કર્યો હતો, તે બેટ સચિનનું હતું. સચિને વકાર યુનુસને આપેલું. અને વકારે એ વનડેમાં અફરીદીને આપ્યું. એ પછી તો વકાર યુનુસનો અંધશ્રદ્ધાળુ કીડો જાગ્યો, તેણે આફ્રિદીને કહેલું, ‘પાકિસ્તાનમાં જે સિઆલકોટ ખાતે વનડે રમાવવાની છે. તેમાં પણ તુ આ જ બેટ વાપરજે.’ ઈન્શા અલ્લાહ. આફ્રિદી હસતો હતો.

વર્ષો થયા બેટ બદલી ગયું, પણ આફ્રિદી એવો ને એવો જ રહ્યો. ઝડપથી રન ફટકારવા તેને ગમતા. ક્રિકેટ સ્ટેડિયમમાં ફેન્સ ગગનચુંબી છગ્ગા જોવા આવે છે, તમારી ટચુક ટચુક બેટીંગ નહીં. એટલે તેમને એન્ટરટેઈન કરો. મઝા કરાવો બસ, આ જ આફ્રિદીનો ઉસુલ રહ્યો છે. 37 બોલ પછી તો આફ્રિદીએ 45 બોલમાં પણ સેન્ચુરી ફટકારેલી. પણ બાદમાં કોરિ એન્ડરસન અને છેલ્લે ડિ.વિલીયર્સે અફરીદીનો રેકોર્ડ તોડી નાખ્યો. આજે કોઈ કોરી કે વિલીયર્સના રેકોર્ડને યાદ નથી કરતા કારણ કે તેમાં એવો ઈતિહાસ ધરબાયેલો નથી. ખાડો ખોદવાની મઝા તો જ આવે, જો ખબર હોય કે નીચેથી પાણી નીકળવાનું છે !

પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને અફરીદીની આ બેટીંગનો સૌથી મોટો ફાયદો એ થયો કે, પાકિસ્તાની ઓડિયન્સનો ક્રિકેટ પ્રત્યે પ્રેમ વધતો ગયો. લોકોની ભીડ અફરીદીને જોવા ઉમટવા માંડી. ગગનચુંબી સિક્સરો અને ઉપરથી મનોરંજન !

અફરીદીને વિકેટો મળતી સારી બેટીંગ કરતો, પણ કરિયરમાં કોઈ કોઈવાર જ સુપરસ્ટાર બનીને ઉભરતો. એટલે ધીમેધીમે લોકોનો વિશ્વાસ અફરીદી પરથી ઉતરતો ગયો. અફરીદી માટે ફેન્સને લાગ્યું કે, દો દીન કા ચાંદ થા. અને એટલે જ 2003ના વિશ્વકપમાં અફરીદી ન દેખાયો. ભારત સામેની જ મેચમાં કરારી શિકસ્ત મળ્યા બાદ સઈદ અનવરે સેન્ચુરી મારી હોવા છતા નિવૃતિ લેવાનો નિર્ણય લીધો. ઘરે બેઠેલા અફરીદીને આ મોકો મળી ગયો અને તેણે 44 બોલમાં 84 પ્રથમ વનડેમાં જ ફટકારી દીધા. હવે અફરીદી અટકવા નહોતો માગતો, પણ કિસ્મત ક્યાં બધાને સાથ આપે છે.

ખરાબ ફોર્મના કારણે અફરીદીએ રિટાયર્ટમેન્ટનું મન બનાવી લીધુ. વકાર યુનસે તેને સમજાવ્યો કે, તારામાં ઘણું ક્રિકેટ બાકી છે, પણ અફરીદી રહ્યો હરફનમૌલા બેટ્સમેન. ન માન્યો. સવારે આખા ગામને ખબર પડી ગઈ કે અફરીદી જાય છે. અફરીદીની રિટાયર્ટમેન્ટથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાંગી પડી. નાની મોટી ટુર્નામેન્ટ રમેલા છોકરાઓ ટીમમાં હતા. ઘાતક બોલરો કેન્યા જેવી ટીમ સામે પીટાય જતા. પાકિસ્તાનની હાલત બાંગ્લાદેશ જેવી થઈ ગઈ. એટલામાં બોબ વુલ્મરે એન્ટ્રી મારી. જેણે અફરીદીને બંધ બારણે સમજાવી કહ્યું કે, ‘તારે ટીમમાં પરત ફરવું પડશે, બાકી હવે 2007નો વિશ્વકપ જીતવાના કોઈ ચાન્સ નથી.’ વુલ્મરના કહેતા જ અફરીદી ટીમમાં આવ્યો.

વિશ્વકપનો એક મેચ પૂરો થયો એટલે કોચ વુલ્મરની લાશ રૂમમાં પડેલી હતી. અફરીદી પર પણ સવાલો ઉઠ્યા. એ બંધ બારણે થયેલી બેઠકમાં લોકો તર્ક વિતર્ક કાઢવા લાગેલા. પણ એ મોત અંધારા કુવામાં ગરક થઈ ગયું. આજે આ સસ્પેન્સકથાને જન્નત ફિલ્મ સિવાય ક્યાંય કોઈ યાદ નથી કરતું. અફરીદીએ ફરી એન્ટ્રી મારી અને બુમ બુમ….

આ શબ્દ ગુંજ્યો અફરીદીની ભારત સામેની એક ઈનિંગ્સથી. અને તેને આ હુલામણું ટાઈટલ આપવાનો શ્રેય જાય છે રવિ શાશ્ત્રીને. જેણે મેચ પૂરો થયા બાદ અફરીદી સાથે ખાસ વાત કરી અને તેને બુમ બુમ કહ્યો. લોકોને આ ગમ્યું અને અફરીદીને એટલું ગમ્યું કે તેણે પોતાના બેટમાં બુમ બુમનું સ્ટીકર લગાવી દીધુ. એક સમય એવો આવ્યો કે સચિન… સચિન કરતા બુમ બુમના નારા વધી જતા હતા.

હવે અફરીદીની થોડી ધમાચકડી પર નજર કરીએ. સાઉથ આફ્રિકા સામેની મેચ. 92 બોલમાં 112 રન કરવાના હતા. અફરીદી મેદાનમાં ધબધબાટી બોલાવતો હતો અને અચાનક એક નવાસવા ફાસ્ટ બોલરે અફરીદીને બોલ્ડ કરી આક્રામક સ્ટાઈલમાં ઉજવણી કરી. અફરીદી પવેલીયન ફરતા ફરતા બોલ્યો, ‘આઈ સી યુ નેક્સટ ટાઈમ…’

પણ નેક્સટ ટાઈમની ક્યાં જરૂર હતી. એ બોલ નો બોલ હતો ! હવે બોલરના શું હાલ થયા તે જુઓ. 150 મીટરની સિક્સ લાગી. બહાર ઉભેલી કોઈ સજ્જનની કારનો કાચ પણ તુટી ગયો.

નંબર 2 બાંગ્લાદેશ અને પાકિસ્તાનને આમ તો બાપે માર્યા વેર જેવુ છે. સ્ટેડિયમ આખુ બાંગ્લાદેશના પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલું હતું. ઉપરથી અગાવ પાકિસ્તાને જીતેલી મેચો દરમિયાન ઉજવણી કરી રહેલા પ્રેક્ષકોને ફટકારેલા પણ. વનડેમાં જીત માટે બાંગ્લાદેશ પ્રબળ દાવેદાર હતું, પણ સાતમો બેટ્સમેન ગ્રહણ સમાન ઉતર્યો. જેનું નામ અફરીદી. અફરીદીએ એક ઓવરમાં જ મેચ પૂરો થવાનો છે તેની ઘોષણા કરી દીધી. બાંગ્લાદેશની લેડી ફેન્સ રડવા માંડી અને કોમેન્ટેટર બોલ્યો, ‘ઓહ સોરી, બેબી…’

સ્પીનર તરીકે સૌથી ફાસ્ટ બોલ ફેંકવાનો અફરીદીનો રેકોર્ડ છે. આ બોલની સ્પીડ 134.5 હતી. વિરોધી ટીમ ન્યુઝિલેન્ડ હતી અને એલબીડબલ્યુ થયો ટીમ સાઉથી. જે રફ્તાર કોઈ સ્પીનર નથી મેળવી શક્યો, આમ તો હવે ફાસ્ટ બોલરો પણ આટલો ફાસ્ટ નથી ફેંકતા. અફરીદી દુધે ધોયેલો તો નથી જ. એવું પાકિસ્તાનને લાગે છે. કારણ કે ઘરની મુરઘીને તેનો માલિક જ જાણતો હોય. અર્શી ખાન સાથે ટ્વીટર પરની વાતચીત. અને મુંબઈની આ મોડેલનું બોલવું કે, ‘હા, મારે અને શાહિદને શારીરિક સંબંધો હતા.’ ઉપરથી બંન્ને દુબઈની સિતારા હોટેલના એક રૂમમાં જ રોકાયેલા. જુવાન ફુટડો હોય તો અફેર તો હોવાના જ ! પાકિસ્તાનના બે ઓપનર શાહિદ અફરીદી અને સઈદ અનવર- પાકિસ્તાન અને વિશ્વના એકમાત્ર એવા ઓપનર ખેલાડીઓ છે, જેમણે પોતાની મામાની દિકરી સાથે જ વેવિશાળ કર્યા હોય.

એક વખત કોઈએ અફરીદીને પૂછી લીધુ, ‘તમારો પ્રથમ પ્રેમ કોણ હતું ?’ આફ્રિદી બોલી ગયો, ‘નાદિયા, મારી સ્કુલ ટીચર.’ આ તો આપણે તેને બુમ બુમ કહીએ, પણ પાકિસ્તાની ફેન્સ તેને ‘લાલા’ કહે છે, જેનો અર્થ છે મોટોભાઈ. વિશ્વ ક્રિકેટમાં 400 છગ્ગા ફટકારવાનો તેનો રેકોર્ડ છે, જે હવે ગેલ તોડવાની નજીક છે. હવે તો તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે, સિવાય T-20. પણ એક મઝેદાર વાત કહું. આઈપીએલની પહેલી સિઝનમાં ડેક્કન ચાર્જર્સની ટીમ હારતી હતી. એવા સમયે અફરીદીને ઓપનીંગમાં ઉતાર્યો અને હર્ષલ ગીબ્સને બેસાડ્યો. પ્રથમ બોલે સિક્સ, બીજા બોલે સિક્સ, ત્રીજા બોલે સિક્સ, ચોથા બોલે સિક્સ પાંચમાં બોલે બોલ્ડ. પરત ફર્યો ત્યારે ગીબ્સે કહ્યું, ‘ટકવાની જરૂર હતી, આટલું ઉતાવળથી ન રમાયને ?’

‘મને એમ કે ઓવર હમણાં પૂરી થઈ જશે !’

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.