ચેતન સશિતલ : સર, ચેતન સશિતલે અવાજની કોપી કરી નાખી….

ચેતન સશિતલ જેને અવાજની દુનિયામાં BIG-Cના નામે ઓળખવામાં આવે છે. બાળપણમાં માટુંગામાં રહેતા ત્યારે ચેતન ડાળી પર બેસેલા કાગડાને જોઈ, તેના અવાજની નકલ કરતા અને મહજ ચાર વર્ષની ઉંમરે તેમણે કાગડાનો રિયલ અવાજ કાઢ્યો. બન્યું એવુ કે ત્યારે તેમના તમામ મિત્રો કાગડાનો અવાજ કાઢે. જે કા… કા… હોય, પણ હકિકતે માણસ જ્યારે તેને ધ્યાનથી સાંભળે ત્યારે આ…આ હોય… જેથી આજુબાજુની તમામ વ્યક્તિઓને તે કાગડાઓનો અવાજ લાગે. આ કારનામા બાદ તેમણે કબુતરનો અવાજ કાઢ્યો. આ તેમનું પહેલુ વોઈસ ઓવર હતું. ચેતનનું માનવુ છે કે આ દુનિયામાં બધા લોકો પાસે અવાજ છે. આ સૃષ્ટિમાં જેટલા લોકોનો જન્મ થયો છે, તે તમામ લોકો અવાજ કાઢી શકે છે, પણ તેઓ બીજાના અવાજને ધ્યાનથી સાંભળતા નથી. ચેતન સશિતલને તમે મળો એટલે તે માણસ પાંચ મિનિટમાં તમારા અવાજની કોપી કરતા હોય અને તમે તમારો અવાજ સ્પીકર પર હોય તેમ સાંભળતા હો. બાળપણથી જ અવાજમાં એવી નિપુણતા કે જો તમે તેને પહેલીવાર મળો, તો તેમનો રિયલ અવાજ કયો ? તે તમે પારખવામાં થાપ ખાઈ જાવ. અને આ જ તેમની સોથી મોટી યુ.એસ.પી છે. તેમણે એન્જીનીયરીંગ કરેલુ છે, પણ નામનું ! એકવાર કોલેજના ક્લાસરૂમમાં ચેતન એકલા બેઠા હતા. પ્રોફેસર આવ્યા અને બોલ્યા, ‘ચેતન સાંભળ્યુ છે કે, તુ બધાના અવાજની નકલ કરે છે ?’

ચેતન ફુલ ટુ શોક થઈ ગયા. પ્રોફેસરે તેમને કહ્યું કે, ‘ચેતન જો તુ મારા અવાજમાં નકલ કરી બતાવ, તો હું વાત માનું.’ ચેતને પ્રોફેસરને ખુરશી પર બેસાડ્યા અને કહ્યું કે, ‘હમણાં જુઓ.’ ચેતન બહાર ગયા અને જોરથી બુમ પાડી. તે પણ પ્રોફેસરના વોઈસમાં. બધા સ્ટુડન્ટસ ક્લાસરૂમમાં આવી ગયા. પ્રોફેસરે કહ્યું, ‘માન ગયે ઉસ્તાદ.’

આ પહેલીવાર નથી કે ચેતને લોકોને ઉલ્લુ બનાવ્યા હોય. એકવાર એન્જીનીયરીંગના એક પ્રોફેસર ધીમે ધીમે બોલતા હતા. ચેતન પોતાની આદત પ્રમાણે છેલ્લી પાટલીએ બેઠા હતા. અને અચાનક શું થયુ તે ઉભા થઈ ગયા, તદ્દન તે પ્રોફેસરના અવાજની નકલ કરવા લાગ્યા. આખો ક્લાસ હસવા લાગ્યો. પ્રોફેસરને આવ્યો ગુસ્સો. તેમણે ચેતનને સીધા કોલેજના ડિન પાસે લઈ જવાનું નક્કી કર્યુ. નક્કી શું કર્યુ લઈ ગયા. ચેતન ગયા, એટલે ડિનની ઓફિસમાં પેલા પ્રોફેસરે ફરિયાદ કરી, ‘સર યે મેરી નકલ કરતા હૈ ?’ ચેતને આરામથી પોતાના અવાજમાં કહ્યું, ‘ના સર, હું તો એમ કહેવા માગુ છું કે તમે વધારે જોરથી બોલો છેલ્લી બેન્ચ સુધી તમારો અવાજ સંભળાતો નથી.’ પેલા ડિન ચેતનના કોઈ દુરના અંકલ થતા હતા. તેમણે તુરંત જ પ્રોફેસરને બહાર જવાનું કહ્યું અને ચેતનને સમજાવ્યો. ત્યારે ચેતનનો જે જવાબ હતો, બોસ માની ગયા… ચેતને કહ્યું કે, જે માણસનો અવાજ ક્લાસરૂમની છેલ્લી બેન્ચ સુધી ન પહોંચતો હોય, તેમણે આ ફિલ્ડમાં આવવુ જ ન જોઈએ. અવાજની કિંમતની કદાચ તેમને ખબર ન હતી. તો ચેતન સશિતલ ઓળખ્યા, જેમણે મોગલીમાં બલુનો અવાજ આપ્યો, અલાદ્દિનમાં જીનીનો અવાજ આપ્યો, સલમાન ખાન અને સન્ની દેઓલ સલમાનની ફિલ્મોમાં ફુલ ફ્લેજ્ડ વોઈસ ઓવર કર્યો. ડોનાલ્ડ ડક, મિકી માઉસ અને આવા 200 જેટલા કેરેક્ટરના તેઓ વોઈસ કાઢી શકે છે. મિડલ ક્લાસમાં 1968માં જન્મેલા સશિતલના પપ્પા સામાન્ય એલ.આઈ.સીના કર્મચારી. અને ચેતને કર્યુ એન્જીનીયરીંગ જેની ડિગ્રી અને તે જમાનામાં એન્જીનીયર એક હોદ્દો ગણાતો, જોકે હવે નથી… મારી શેરીમાં પાંચ છે જેમનો 8000 પગાર છે અને મારો તેમનાથી વધુ. તો તે જમાનાની હાઈફાઈ નોકરીને ધક્કો મારી તેમણે નક્કી કર્યુ કે, બનવુ તો ડબીંગ આર્ટીસ્ટ. આ પછી ચેતનની લાઈફમાં શું શું થયુ… લેટ્સ સી….

કોલેજ કરતા હતા, ત્યારે તેમને તેમનો પહેલો અસાઈમેન્ટ મળ્યો. તે પણ તેમના મિત્રોના પ્રેશરના કારણે. તેમના મિત્રોએ તેમને કહ્યું કે યાર આટલી સારી મિમિક્રિ કરે છે. તો શું કામે વોઈસ ઓવરમાં એક ટ્રાઈ નથી મારતો. ચેતનને પણ લાગ્યુ, સાલ્લુ છે, તો સારૂ… આપણામાં આ વાત તો છે. અને પહોંચી ગયા ફિલ્મ ડિવીઝનમાં. ત્યારનું ડબીંગ એક બીબાઢાળ રીતે ચાલતુ. જેમ કે રમેશ ભાઈ જે પ્રમાણે બોલતા હોય તે પ્રમાણે જ સુરેશભાઈએ બોલવાનું. આકાશવાણીમાં આ વર્ષો સુધી ચાલ્યુ. અમીન સાઈની રેડિયો સિલોનમાંથી ઓન એર થયા અને થોડો બદલાવ આવ્યો, જો કે હજુ પણ અમિનની કોપી કરનારાઓનો કોઈ તુટો જડતો નથી. એટલે આવી એક સંસ્થાની મુલાકાતે ગયા કે, કામ મળી જાય તેટલે ચેતને પોતાના કદમ આગળ વધાર્યા. ત્યાં જઈ ચેતને કહ્યું, ‘ સર હું વોઈસિંગ કરવા માગુ છુ, તો પ્લીઝ કોઈ કામ હોય તો.. ’ ત્યાંના સાહેબે તેને એક કાગળ આપ્યો અને વાચવાનું કહ્યું. ચેતને વાંચ્યુ કે તેને તુરંત કહી દીધુ નહિ આમ ન હોય, ચેતનને થયુ તો કેમ હોય, પણ તેનો જવાબ કોઈ પાસે નહતો, તેનું કારણ 1988 ના સમયે કોઈ એક્ટિંગ વોઈસ ઓવર નહતું કરતુ. ચેતને તેને પોતાની ટેલેન્ટ બતાવી પણ એ ટેલેન્ટનું ત્યારની કમર્શીયલમાં કંઈ કામ ન હતું. જેથી તેમને પછી બોલાવશુ, આવો હુકમ આપવામાં આવ્યો. ચેતન નિરાશ થઈને ચાલ્યા ગયા અને એકદિવસ તેમને ફોન આવ્યો, ‘અરે યાર મશીનનો અવાજ તુ કાઢી શકે ? ચેતન શોક્ડ, તેણે તુરંત જ હા પાડી દીધી. તેમને ખબર નહતી, કે કઈ મશીનનો અવાજ કાઠવાનો છે. ત્યાં પહોંચ્યા અને કહેવામાં આવ્યુ, ‘મોપેડનો અવાજ.’ પાંચ મિનિટમાં તેમણે મોપેડના અવાજમાં રેકોર્ડ કરી કમ્પલીટ કર્યો. અને તે એડવર્ટાઈઝમેન્ટે ત્યારે પાંચે એર્વોડ જીતી લીધા. આ કોમર્શિયલના ડિરેક્ટર ગોપી ગોકડે હતા. અને ત્યાંજ તેમણે ચેતનને કર્ટન રેઝરના વોઈસ ઓવરની ઓફર કરી. આ કર્ટન રેઝર માટે તેમણે 18 વોઈસ કાઢ્યા અને તે પણ અલગ અલગ અંદાજમાં.

એ સમયે ઝી ટીવીનો દબદબો હતો. તેણે કાર્ટુન સિરિયલ હિન્દીમાં લાવવાનું પ્રણ લીધેલુ. ચેતન માટે આ એક નવો એક્સપિરિયન્સ થવાનો હતો. ત્યારે ફલાઈંગ ફોક્સ ઓફ સ્નો માઉન્ટન નામની એનિમેશન શ્રેણી આવેલી. જે ઓરિજનલી ઈંગ્લીશમાં ડબ થઈ હતી. જેમાં ચેતનને 20 જેટલા મેલ કેરેક્ટરના વોઈસ ઓવર કરવાના હતા. ચેતને આ બધા કરેક્ટરને એકલે હાથે પોતાના વોઈસથી રમાડી પોતાની તાકાતનો પરચો આપ્યો. અને હવે આવી ડિઝની. જેના કારણે સશિતલને એક નવી ઓળખ મળી. મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ગુફી, અને આવા ઘણા કાર્ટુન કેરેક્ટર પ્લે કર્યા. વોલ્ટ ડિઝનીએ મિકી માઉસનો અવાજ ખુદ આપેલો. અને તે હેવી સિગાર સ્મોકર હતા. એક સ્મોકરનો વોઈસ કાઢવો ખૂબજ આકરો હોય છે. કારણકે સ્મોકર પાસે ડિપ અથવા તીણો અવાજ હોય છે. સીધો પેટ એટલે કે ડાયફાગ્રામમાંથી બહાર આવે. વોલ્ટ ડિઝની મિકી માઉસના એટલા પ્રેમમાં એટલા પાગલ હતા, કે તેમણે ખુદેજ તેમનો વોઈસ આપ્યો હતો. અને તેમના અવાજની કોપી સશિતલે કરવાની હતી. જે ચેતને કરી બતાવ્યું. ચેતન સશિતલ માટે સૌથી મોટી ચેલેન્જ કોઈ હોય, તો એ હતી, અલાદ્દિનમાં જીનીનો વોઈસ આપવાની. રોબિન વિલયમ્સ આ પહેલા જીનીનો અંગ્રેજી ભાષામાં વોઈસ આપી પ્રતિષ્ઠા મેળવી ચુક્યા હતા. રોબિન જ્યારે એક્ટર ન હતા, ત્યારે સ્ટેજ આર્ટીસ્ટ હતા. જેથી તેમના માટે એ આસાન વાત હતી, પરંતુ તે અવાજની હિન્દીમાં નકલ કરવી અત્યંત મુશ્કિલ. પિયુષ પાંડેએ અલાદ્દિનની સ્ક્રિપ્ટ તૈયાર કરેલી. અને તે સીધા ચેતન પાસે પહોંચી ગયા. ચેતને ગમે તેમ કરી, રાત ઉજાગરા કરી જીનીના વોઈસની તૈયારી કરી. અને સોની પર આવતીએ સિરીઝમાં જીનીનો અવાજ ફેમસ થઈ ગયો. આજે પણ જ્યારે મનમાં જીનીનો વિચાર આવે ત્યારે એ અવાજનો પડઘો પણ કાનમાં પડતો હોય છે.

ચેતન સશિતલનો એક કિસ્સો જાણવા જેવો છે. સેકન્ડ યેર એન્જીનીયરીંગમાં હતા, ત્યારે તેમના એક મિત્ર ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરતા હતા. ત્યારે વિલનના રોલ પ્લે કરતા પીંચુ કુમારનું મૃત્યુ થઈ ગયુ. શુટીંગ કમ્પલીટ ડબિંગ ક્યાં ? આખરે ડિરેક્ટરે નક્કી કર્યુ કે, મુંબઈના વોઈસ ઓવર આર્ટીસ્ટને બોલાવવામાં આવે. બધા નિષ્ફળ ગયા. જેના પછી ચેતન સશિતલ આવ્યા. ત્યાં જઈ તેમણે કહ્યું કે, ‘ મારા મિત્રએ મને પીંચુ કપૂરની ડબિંગ માટે બોલાવ્યો છે.’ બધા દાંત કાઠવા માંડ્યા. એટલે ગુસ્સે થયેલા 18 વર્ષના ચેતન સશિતલે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરતા, તેમના પટ્ટાવાળાએ તાત્કાલિક ડિરેક્ટર સાથે તેમની મુલાકાત કરાવી. ડિરેકટરને પણ વિશ્વાસ નહતો કે આ માણસ કરી શકશે કે નહિ, પણ ચેતને કહ્યું કે, ‘એક ચાન્સ મને આપવામાં આવે. આ બધાની જેમ ફેલ જઈશ તો ચાલ્યો જઈશ, પણ હું ઓડિશન આપ્યા વિના નહિ જઉં’ કારણ કે લેક્ચર બંક કરીને આવેલા. છેલ્લે ડિરેકટર માની ગયા. સ્ટુડિયોમાં ગયા તો ત્યાં પૂછ્યું, ‘આ પહેલા કોઈ જગ્યાએ રેકોર્ડ કરેલુ છે ?’ પણ ચેતનનો આ પહેલો અનુભવ હતો. વોઈસમાં કોઈ પ્રકારનો બેઈઝ નહતો. નકલ સિવાય કંઈ આવડતુ ન હતું. રેકોર્ડિગ શરૂ થયુ અને અવાજ મેચ થઈ ગયો. રેકોર્ડિંગ કરનાર દોડીને બહાર આવ્યો, ‘સર આવાજ મેચ હો ગઈ…’ ડિરેકટર પાગલ જેવા થઈ ગયા પૂછ્યું ‘કોણે કરી…?’ તો જવાબ હતો ‘ચેતન સશિતલે.’ ચેતનની આવી ઘણી વાતો મેં સંઘરી રાખી છે, જે હવે પછી ક્યારેક…

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.