સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન

મારા સાહિત્યક મિત્રએ મને પૂછેલું, ‘આ આશુ પટેલથી લઈને સંજય ત્રિવેદી સુધીના ક્રાઈમ વિશે લખે છે, તે એમણે ગુના કર્યા હશે ?’ મારા મગજના વાળ ખેંચાઈ ગયા એટલે મેં પૂછ્યું: ‘કેમ આવો રાવણીય વિચાર આવ્યો ?’ જવાબ મળ્યો કે, ‘કવિઓ કવિતા લખવા પ્રેમમાં પડે, તો ક્રાઈમનું લખવાવાળા પુસ્તકમાં રિયાલીટી લાવવા ગુનાઓ ન કરી શકે !!’ આ પ્રશ્ન ધીરૂબહેન પટેલના પ્રશ્ન સાથે મેચ ખાય છે, ધીરૂબહેન પટેલે લગ્ન નથી કર્યા અને તેઓ આવું સારૂ લગ્નવિષયક લખી જાણે એટલે એક બેન પૂછી બેઠેલા, ‘તમે કોઈ દિવસ લગ્ન નથી કર્યા, તો તમારી લઘુ નવલકથાઓમાં પ્રેમની વાતો આટલી સાચી અને સ્પષ્ટ કેમ હોય છે ?’ ધીરૂબહેને જવાબ આપ્યો, ‘એમ તો અગાથા ક્રિષ્ટીએ પણ કોઈ મર્ડર નહતા કર્યા…’ આટલામાં સમજી જવું જોઈએ…

ગુનો કરવો અને ગુના વિશે લખવું એ બંન્ને એક સરખું છે, ગુનેગારે જે ગુનાઓ કર્યા હોય લેખક તેની શોધખોળમાંથી પસાર થાય એટલે એનું મગજ અડધુ ગુનેગારની જેમ રાચવા માંડે. ગુજરાતમાં મુંબઈની અંધારી આલમ વિશેનો આખો એન્સાઈક્લોપીડિયા આશુ પટેલે લખ્યો છે. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના બે ભાગ જે મુંબઈ સમાચારની પૂર્તિમાં છપાતા, ધ ડોન, વિષચક્ર, મેડમ એક્સ જે સંદેશમાં છપાતી. એટલે આશુ પટેલને ગુજરાતના ઐસ. હુસૈન. ઝૈદીની સમકક્ષ ગણવા રહ્યા. એ પછી આશુભાઈએ આવું બધુ લખવાનું બંધ કરી દીધુ. કારણ કે મહોમ્મદ અલી રોડથી મુંબઈના દરિયા કિનારા સુધીનો ક્રાઈમનો ઈતિહાસ તેઓ વર્ણવી ચુક્યા હતા. પણ તેમના ઘણા પાત્રો વિશે તેમના પુસ્તકમાં છુટુ છવાયુ લખાયું હતું. તેમાંના એક એટલે રાજેન્દ્ર સદાશિવ નિખાલજે. એટલે છોટા રાજન વિશે સંજય ત્રિવેદીએ લખ્યું છે.

આમ તો ગુજરાત સમાચારમાં આવતી ત્યારે વાંચતો, પણ સમયની બિનઅનુકૂળતાના કારણે કેટલાક પ્રકરણ છુટી ગયા. જે તેમની નકદ 250 રૂપિયાની નવલકથા રાજ રાજનનું ખરીદીને પુરા કર્યા. તો કેવી છે આ ચોપડી ? 211 પાનામાં ફેલાયેલો રાજનનો ઈતિહાસ વજનમાં પણ થોડા દળદાર છે, ઉપરથી તેમાં રાજનની માફક જ કોઈને મારવું હોય તો ગુંદર વધારે ચોંટાડેલું છે. જે પુસ્તક હાથમાં લેશો તો તેના વજન અને મજબૂતીનો ખ્યાલ આવી જશે. એનકેન પ્રકારનું તમારે કંઈ નથી વાંચવાનું. જેમ કે પ્રસ્તાવના આ પુસ્તકમાં છે જ નહીં. બાકી ઘણા લેખકો ચાર લેખકોની પ્રસ્તાવના લખી પોતાની પ્રશસ્તિ કરાવે ત્યાં મુખ્ય કથાવસ્તુ વાંચતા પહેલા જ વાંચક ઉંઘી જાય, પુસ્તક વાંચવું કે પ્રશસ્તિ ? પણ મને આ પુસ્તકની આભાર વિધિથી કાફી ડર લાગ્યો. ટોટલ 13 લોકોનો આભાર માન્યો છે, તેમાં પોલીસનો પણ આભાર માન્યો છે !! અને મને પોલીસથી ખૂબ ડર લાગે, ‘‘ડંડા ઉઠા ઉઠા કે મારતી હૈ…’’

પણ સિરિયસ વાત ઉપર આવું તો નવલકથા કે ફિલ્મ બે પ્રકારે ચાલતી હોય. સમાંતર અને અસમાંતર. આમાં તમને એ બંન્નેનું મિશ્રણ જોવા મળશે. સંજય ત્રિવેદીએ શરૂઆત એ રીતે કરી છે કે પ્રારંભિક પ્રકરણ તમને જકડી રાખશે. તો બીજી તરફ આશુ પટેલે ફેમસ કરેલો અને રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ડોન નવલકથા વાંચ્યા બાદ બોલાતો શબ્દ મારી આંખ માટે હાઈલાઈટ થયો છે. તે શબ્દ છે ‘‘ધગધગતુ શીશુ ઉતારી દીધુ.’’ એટલે કે ગોળી મારી દીધી. જે લોકો અહિંસાના ભક્ત હોય તેમને આ શબ્દ શું કહેવા માંગે છે, તેનો ખ્યાલ તુરંત નહીં આવે. પણ આશુ પટેલની ડોન બાદ સંજય ત્રિવેદીના પુસ્તકમાં પણ આ એક શબ્દ છે. આશ્ચર્યની વાત વચ્ચે આ સિવાય કોઈ બીજો શબ્દ ક્રાઈમની બુકમાંથી નથી લેવાયો. તો લખાણ પણ એકદમ સિમ્પલ અને નરમ છે, કોઈ ગાંધીયુગના શબ્દોનું અહીં વિમોચન નથી થયું.

કેટલીક જગ્યાએ ગ્રામેટિકલ ભુલ છે. પણ તેને અવગણવામાં આવે તો હિંસાનો ઉન્માદ તમને 80ના દાયકાની ધબધબાટીમાં મઝા કરાવશે. બીજુ કે ફ્રોન્ટ… વાંચકોએ અત્યાર સુધી નાના અક્ષરોની ચોપડીઓ વાંચી હશે, સંજય ત્રિવેદીએ આ પુસ્તકમાં ચશ્માના નંબર હોય તેવા વાંચકો પર મહેરબાની કરી છે. તેણે લગભગ 20ની સાઈઝના ફ્રોન્ટનો યુઝ કર્યો છે. ભગવતગીતા સાથે આ લેખકને બે ચાર જગ્યાએ લેણા દેણી છે. ગીતામાં આવે સંજય ઉવાચ ( સંજય ત્રિવેદી નહીં પણ મહાભારતનો સંજય અને ધ્રૂતરાષ્ટ્રનો ભાઈ) તેમ રાજન ઉવાચ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એસ. હુસૈન. ઝૈદીની ડોંગરી ટુ દુબઈમાં આલમઝેબ-અમીરઝાદાના કિસ્સાઓ છે, પણ તેમાં પર્ટીક્યુલર નથી લખ્યું કે આ માણસે સોપારી અપાવી અને હત્યા કરી. તેમાં માત્ર દાઊદનો હાથ હોવાનું જાણવા મળશે. જ્યારે આમા દાઊદની સાથે છોટા રાજનનો પણ મોટો હાથ હોવાનું સામે આવે છે. મારા હિસાબે ગણતરી કરવામાં આવે તો સંજયે આખા પુસ્તકમાં લગભગ 160 જેટલી બુલેટ ફોડી છે. સંરક્ષણ મંત્રાલયે લેખકોને પહેલેથી છુટ આપી છે કે, તમે ગમે તેટલી બુલેટો ચોપડીમાં ફોડી શકો, વાસ્તવિક જીવનમાં નહીં. જેનો અહીં પુરતો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં પ્રસ્તાવના નહતી એટલે મને લાગ્યું કે પાછળના ભાગે કોઈના રિવ્યુ લખેલા હશે, પણ ત્યાં 25માં પ્રકરણે રાજનભાઈ પકડાય જતા સમાપ્તિની ઘોષણા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં પ્રસ્તાવના અને કોઈપણ પ્રશસ્તિના શબ્દોનો ઉપયોગ કર્યા વિના ચોપડી છાપવી અને વેચવી એ મુશ્કેલ છે. પરંતુ એડવાન્સ બુકિંગના યુગમાં લેખકે ચોપડીના આગળના પૃષ્ઠમાં લખ્યું છે 6000 ચોપડી વેચાઈ ચુકી છે. કેટલાક લોકોને લાગશે કે લેખક ડિંગા મારે છે, તો મારૂ ફેસબુકનું સ્ટેટસ મેં આ બુક રાખ્યું ત્યારે 5થી 6 લોકોએ સામેથી પૂછ્યું કે, ‘અલ્યા ક્યાંથી લીધી ?’ જૂનાગઢમાં આમ પણ પુસ્તકો કરતા બાવા વધી ગયા છે, એટલે હવે 6 બુક મારે લેવી પડશે.

આવા પ્રકારની બુકો યાદશક્તિ માટે બની હોય છે એનો ખૂદ લેખકને ખ્યાલ નહીં હોય. રાજ રાજનનુંમાં દર પાને બે ચાર ગુંડાઓના નામ આવે. જેનું પોત ભવિષ્યના પાનાંઓમાં પ્રકાશે. એટલે નામ યાદ રાખવા પડે બાકી અગાઊના પાના ન વાંચ્યા બરાબર થાય. એટલે કે આ નવલકથા તમને વોર એન્ડ પીસની યાદ અપાવી જશે. જેમાં 600 કેરેક્ટર હતા. જે વાંચકોને ડોંગરી ટુ દુબઈ અને ભાયખલા ટુ બેંગકોક જેવા મસમોટા થોથા વાંચવામાં આળસ આવતી હોય તેમના માટે આ ક્રાઈમનો સંક્ષિપ્ત ઈતિહાસ છે. કારણ કે દાઊદ સાથેની મિત્રતા અને અરૂણ ગવલી સાથેની દુશ્મની હોવાથી રાજન મુંબઈની અંધારી આલમની તમામ ઘટનાઓનો સેન્ટર પોંઈન્ટ રહ્યો છે.

ગુજરાતને પ્રેમ કરતા લોકો માટે કહેવાનું કે અહીં અમદાવાદ અને સુરતની આછેરી ઝલક મળશે. બાકી મુંબઈ અને વિદેશનું વર્ણન સૌથી વધારે આવે છે. એમાં વિદેશ તો બરાબર પણ મુંબઈમાં લેખક વસવાટ કરતા હોય તેવી અનુભૂતિ થશે. હવે ગુજરાત સમાચારમાં કોઈ જેવી તેવી નવલકથા તો છપાય નહીં. એ માટે સંજય ત્રિવેદીને અભિનંદન. પણ ટીકા ન કરો તો વિવેચક શાના ? કેટલીક જગ્યાએ પ્રૂફ ભૂલ છે, જે આવતી આવૃતિમાં સુધરીને આવી જશે તેવી આશા રાખીએ.

નોંધ: સંજય ત્રિવેદીના ઘરે મેં પ્રથમ રાત્રીસભા કરેલી, જે પછી હું લાંબા સમય સુધી કોઈને નથી મળ્યો, એટલે હું બાવો નથી બની ગયો, કિન્તુ પરંન્તુ અમે બંન્ને એકબીજાને રાત્રીસભાના કારણે 8 કલાક પૂરતા જ ઓળખીએ છીએ. ખૂબ સારા માણસ છે, અને ત્યારે તે કોઈ બીજી નવલકથાની તૈયારીમાં હતા એટલે તેમના આગળના સાહિત્યક કાર્યનો મને ખ્યાલ નથી.

જોક્સ: ગઈકાલે આ બુક ક્રોસવર્ડમાંથી ખરીદતી વખતે મારી બાજુમાં ઉભેલા એક બેન બોલતા હતા, ‘ગુજરાતી ચોપડીઓમાં સુંગધ કેવી આવે, હું તો બેભાન થઈ જાવ…’

~ મયુર ચૌહાણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.