નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી…

ગુલઝારે અત્યાર સુધી ગીતો, કવિતા, વાર્તાઓથી મન મોહ્યું. સાહિત્યના તમામ પ્લેટફોર્મ તેમણે સર કર્યા હવે બાકી એક જ રહેતું હતું નવલકથા (!) ગુલઝારનો વાર્તાસંગ્રહ રાવી પાર વાંચો, તેના પરથી કે તેમની માચીસથી લઈને બનેલી અગણિત ફિલ્મો પરથી તેમની ઢાંસુ સ્ક્રિપ્ટિંગનો અંદાજો આવી જાય. ત્યારથી ઈચ્છા હતી કે ગુલઝારે કોઈ દિવસ ન ખેડેલા ખેતરમાં હવે પગ મુકવો જોઈએ. અને ભારતભરમાં વસતા તેમના અસંખ્ય ફેન્સ માટે તેમણે તે કરી બતાવ્યું. એ સાબિત કરી બતાવ્યું કે, નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી. કોઈ એજ તેમાં બાધારૂપ નથી થતી. નવલકથા તમે ક્યારે પણ લખી શકો છો. આ લખાય છે ત્યાં સુધી ‘દો લોગ’ નામની તેમની નવલકથાનો ઓર્ડર આપી દીધો છે. ગુલઝાર આ વખતે અનુવાદમાં પણ કોઈ રિસ્ક ઉઠાવવા નથી માંગતા એટલે તેમણે દો લોગનું અંગ્રેજી સંસ્કરણ પોતે જ ટ્રાંસલેટ કર્યું છે. એટલે અંગ્રેજીના વાંચકોને પણ ગુલઝારની સ્પષ્ટ અને ચોખ્ખી ઝાંખી થશે. તેનું કારણ જણાવતા તેમણે કહેલું કે, ‘હું આ નવલકથાના શબ્દોને જસ્ટીફિકેશન-ન્યાય આપવા માંગતો હતો.’ આ પહેલા જ અનુવાદકોના એક લેખમાં મેં કહેલું કે અનુવાદક જો પોતે જ પોતાની નવલકથા કે કોઈ કૃતિ ટ્રાંસલેટ કરે તો તેના અને વાંચકોના હિતમાં રહેવાનું, અન્યથા સાહિત્યમાં અહિત કરનારી પ્રજાની કમી નથી. (આ લાઈનને મારી કવિતા સાથે કંઈ લેવાદેવા નથી)

ગુલઝારની આ નવલકથા પણ 1946ના પાર્ટીશન ઉપર આધારિત છે. એટલે ભાગલા ગુલઝારની રગરગમાં વહે છે. સંપુર્ણસિંહ કાલરાએ આટલું વાંચ્યું છે, પણ લખવાનું તો હંમેશા તેમના જીવનમાંથી જ આવ્યું છે. રાખી સાથેના પ્રેમ પર લખ્યું. ફિલ્મીલાઈનના મિત્રો પર વાર્તાઓ લખી. ભાગલાની કહાનીઓનું રસપ્રચુર વર્ણન કર્યું અને હવે દો લોગમાં પણ તેમના દિલોદિમાગમાં અહર્નિશ તપતા એ સુરજને તેમણે વધારે ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.

તો હવે આર્ટિકલના મુળ મુદ્દા પર આવીએ. મુળ મુદ્દો છે કે નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી. ગુલઝાર જેવું જ થોડા વર્ષો પહેલા મહેશ ભટ્ટ પણ કરી ચુક્યા છે. જેમણે 60 પહોંચ્યા ત્યારે પહેલી નવલકથા ઓલ ધેટ કુડ હેવ બિન લખી. જેના પરથી હમારી અધૂરી કહાની નામની ભંગાર ફિલ્મના, સરસ મઝાના ગીતો બન્યા. ફિલ્મી લાઈનમાંથી આવતા ગુલઝારે કોઈપણ સાહિત્ય હિન્દીમાં જ રચ્યું. અંગ્રેજી, ઉર્દુ, પંજાબી જેવા વિષયો પર પકડ હોવા છતા અને ઘણી ભાષાઓના જાણકાર હોવા છતા કોઈ દિવસ ગુલઝારે ભાષા સાથે બાંધછોડ નથી કરી. આ ઉપર તેમણે એક પુસ્તક પણ લખ્યું છે, દિલ સે હિન્દી…

શ્રીમાન ગુલઝારે સાબિત કરી બતાવ્યું કે નવલકથાને કોઈ એજ લિમિટ નથી. સાહિત્યને આમ પણ ઉંમરની બાધા નડતી નથી. પોતાની સમગ્ર સાહિત્યક કારકિર્દીમાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ એકમાત્ર સરસ્વતીચંદ્ર આપી. જે આપી તે ક્લાસિક આપી. પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી નાખ્યું. ગુજરાતી કે હિન્દી ભાષામાં નવલકથા આધેડ વયની ઉંમરે લખનારની લિસ્ટ મારી પાસે નથી. સર્ચ કરવાથી ખ્યાલ આવ્યો કે અંગ્રેજીમાં આવા લેખકોની કમી નથી. જેમણે પોતાના શોખ અને રાઈટીંગ કરિયરને આગળ લઈ જવા છેક છેલ્લે નોકરી ધંધામાંથી આઝાદી મેળવી સાહિત્યની સેવા કરવાનું ભગીરથ કામ કર્યું.

ચાર્લ્સ બુકોવસ્કીએ 24 વર્ષની આયુમાં પ્રથમ વાર્તા લખેલી. જેનું ટાઈટલ હતું આફ્ટર મેથ ઓફ લેન્ગથી રેજીક્શન શિપ. એ પછી એક વાર્તા લખી તેમણે સાહિત્યને અલવિદા કરી નાખ્યું. દસ વર્ષ સુધી કોઈપણ પ્રકારની રચના ન કરી. 49 વર્ષની ઉંમરે સાહિત્યમાં ધગધગતા નવા લેખકોનો તુટો નહતો. સીડની સેલ્ડનથી લઈને સ્ટિવન કિંગ આવી ચુક્યા હતા, ત્યારે તેમણે પોસ્ટઓફિસ નામની નવલકથા આપી. ડોનાલ્ડ રે પોલક નામના લેખકિયાએ 55 વર્ષની ઉંમરે પ્રથમ નવલકથા ડેવિલ ઓફ ઓલ ટાઈમ લખી મારી. ડેબોર્થ ઈઝેનબર્ગ નામની મહિલા લેખિકાને સ્મોકિંગનું ઘેલુ ચડેલું. જેની સામે જીત મેળવવા તેણે 30 વર્ષની ઉંમરે હારૂકી મુરાકામીની માફક ધ્રુમ્રપાનનો ત્યાગ કરી અલવિદા કરી નાખ્યું. જેના 10 વર્ષ બાદ તેમણે 41 વર્ષની વયે ટ્રાંસેક્શન ઈન અ ફોરેન કરન્સી નામની નવલકથા આપી.

તો વધુ એક મહિલા લોરા વાઈડલરે 44 વર્ષની ઉંમરે તો પોતાની સાહિત્ય કારકિર્દીનું બાળક જીવંત કર્યું. છેક 66 વર્ષની આયુમાં લિટલ હાઊસ ઈન બિગ વુડ્સ નામની નોવેલ આપી. રેયમોન્ડ ચેન્ડલરને 1932માં 44 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા. ઓઈલ કંપનીમાં તેઓ કામ કરતા હતા, લાગ્યું કે સાહેબે હવે ઉંમરના કારણે પાણીચુ પકડાવવાનું નક્કી કર્યું છે એટલે પોતાના શોખ લખવાને તેમણે 44 વર્ષની વયે જીવતો કર્યો. જેના 8 વર્ષ બાદ બિગ શિપ નામની સસ્પેન્સ થ્રિલર નવલકથા તેમણે આટોપી. આ યાદીમાં સૌથી મોટું નામ જ્યોર્જ ઈલિયટનું આવે. 40 વર્ષની ઉંમરે તેમની પહેલી નવલકથા એડમ બેડ છપાયેલી. તો મિડલમાર્ચ જેવી ક્લાસિકકથા તેમના જીવતા તો પ્રિન્ટ જ ન થઈ.

એક જબરદસ્ત નવલકથા આપી હોય. પુલ્તિઝર પ્રાઈઝ મળ્યું હોય અને તો પણ બીજી નવલકથા લખવામાં દાયકાના દાયકા કાઢી નાંખે તેવા લેખકોની પણ આ દુનિયામાં કમી નથી. ટુ કિલ અ મોકિંગબર્ડ નામની નવલકથાનું નામ સાંભળ્યું હશે. જેના સીર પર આગલી લાઈનમાં લખ્યું તે પુલિત્ઝર પ્રાઈઝનું ઈનામ યશોગાથાની કિર્તી કરવા પુરતુ છે. હાર્પર લી નામની આ મહિલા લેખિકા ડોશી બની ગઈ, પછી છેટ તેની બીજી નવલકથા આવેલી. વિચારો 1960માં ટુ કિલ અ મોકિંગબર્ડ પ્રગટ થઈ, પછી છેક 2015માં ગો સેટ અ વોચમેન આવી.

આવા અઢળક ઉદાહરણો તમારી આસપાસ હશે. સર્ચ કરશો તો ક્યાંકને ક્યાંક મળી જશે. ઓલ્ડ એજ હોમમાં બેઠેલો ભાભો પણ કોઈ નવલકથા લખવાનો હોય કે લખી ચુક્યો હોય તેમ પણ બને ! ક્યાંક કોઈ ડોશીના હાથમાં માળાની જગ્યાએ કલમ આવી જાય તો પોતાની જીવનીને નવલકથામાં ઢાળીને લખી નાંખવાનું વિચારતી હશે. 20 વર્ષની કેદ ભોગવીને બહાર નીકળેલો કેદી પણ પોતાના પર થયેલા અત્યાચારને કાગળના પાના પર ઉતારવા 50ની ઉંમરે થનગનતો હશે. શાકભાજી વેચવાવાળી સ્ત્રી પોતાનો પરંપરાગત વ્યવસાય કોઈ બીજાને સોંપી દે પછી નવરાશથી કાગળના પાના પર ઢળતી ઉંમરે કંઈ ઉતારે તો તેને હાસ્ય નવલકથાની ક્લાસિક બનાવતા કોઈ રોકી ન શકે. ગુજરાતમાં આટલા બધા રિક્ષા ડ્રાઈવરો છે, અને તેમને રોજ ભાડુ મળી જાય તે શક્ય નથી, બિલ્કુલ નથી. શાયદ કોઈ અળવીતરો નવરો પડે કે કાગળમાં કંઈ ઉતારવા માંડે અને જે બને તે સાહિત્ય… જીવતુ જાગતું સાહિત્ય પણ બની શકે. પણ આ આખો ફકરો આપણી કલ્પનાસૃષ્ટિનો છે. ગુજરાતી સાહિત્ય માટે ઉપર નામ આપ્યા તે વ્યવસાયકારો જીંદગીથી જ એટલા કંટાળી ગયા હોય છે કે કોઈ દિવસ ‘‘નાવેલ’’ નહીં લખી શકે. શાકભાજીવાળી સ્ત્રી માટે ઘડપણમાં શાક શમારવાનું અને રિક્ષાવાળા માટે વૃદ્ધાઅવસ્થામાં પત્તા ટીંચવાનું કે ટાચર પંક્ચરની દુકાન ખોલવા સિવાય બીજુ કંઈ હાથમાં નહીં આવે. જેલમાંથી બહાર આવેલો કેદી બહાર નિકળી રડતો હોય શકે, જૂની જગ્યાએ જઈ પાપનું પરિક્ષણ કરતો હોઈ શકે ? પેલો ઓલ્ડ એજ હોમનો ભાભો અભી હમારા બેટા આકે હમે લે જાયેગાનો ફિલ્મી ડાયલોગ બીજા બહેરા વૃદ્ધોને સંભળાવતો હોય શકે ?

ઉતાવળીયા જમાનામાં નવા લેખકોને બધુ જલ્દીથી જોઈએ છે. એક છપાય ગઈ એટલે તુરંતુ બીજી નવલકથા કે ચોપડી છપાવી જ જોઈએ. બાકી સાહિત્યરસિકો આપણને યાદ નહીં રાખે. અરે, તમે પ્રથમ કૃતિ જ ઢાંસુ લખી હોય તો તમારી લોકો 10 વર્ષે પણ રાહ જોવાના. ગુલઝારની નથી જોતા ! સલમાન રશ્દિ માટે સાત વર્ષ નથી જોઈ. બીજા કોઈની નહીં આપણા ધ્રૂવ ભટ્ટ કે વિનેશ અંતાણીની વાત કરો, તેમની બુક આવતા જ ચપોચપ નથી ઉપડી જતી. સારી કૃતિ માટે સમય માંગે. રાહ જોવી પડે. માથે ધોળા આવી જાય ત્યારે પાંચમી કિતાબ છપાતી હોય અને લોકો રાહ જોતા હોય, તો સાહિત્યને તમારો કિંમતી સમય આપ્યાનું સાર્થક નિવડશે. સ્ટીવન કિંગની એક આદત મને ખૂબ ગમે છે. કોઈપણ નવલકથા લખવાનો આઈડિયો આવે એટલે કાગળમાં ભૂતનું સ્કેચ દોરી નાંખે. તેના પર લખવાની શરૂઆત કરે અને અડધે રસ્તે મઝા ન આવે એટલે બાજુમાં રાખી દે છે. કચરામાં ફેંકતા નથી ! રોજ રાતે સુતી વખતે કિંગ આ આઈડિયાને ડેવલપ કરવા શું કરવું તે વિચારને મગજમાં પ્રસરાવી ઉંઘ લે છે. એટલે થાય એવું કે આખી રાત તેમને એ નવલકથા પરના વિચારો અને દુ:સ્વપ્નો આવે. અને તેમાંથી IT, કેરી અને ડાર્ક ટાવરનો જન્મ થાય છે.

બાકી ગુલઝાર માટે તાલીયા હો જાયે. હું અને હાર્દિક સ્પર્શ ઘણીવાર ગુલઝારની વાર્તાઓ વાંચ્યા બાદ ગુલઝાર નવલકથા આપે તેવું વિચારતા હતા અને આપી એટલે હવે સાહિત્યના બધા ખુણાઓના આધુનિક સમયના બેતાજ બાદશાહ ગુલઝાર બની ચુક્યા છે. અલબત્ત હવે રિવ્યું કેવા હશે અને કેવા રહેશે તેનો તો વેઈટ કરવો રહ્યો. બાકી ગુલઝાર તો ગુલઝાર છે. આધેડ વયની યુવાની ભોગવતા ગુલઝારે સાહિત્યનો નવો સબક શિખવાડ્યો છે. અને એ સબક એટલે આ આર્ટિકલનું ટાઈટલ.

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.