ઈન્ડિપેનની ઈન્ડિપેન્ડન્ટ : પેન વગરનું લખાણ

બહાઉદ્દિન આર્ટસ કોલેજમાં મોટી મોટી બેન્ચ, તેના બંન્ને છેડે કાણા હોય. એકવાર અમારા પ્રોફેસરને મેં પૂછેલું કે, આ કાણા શેના છે ? તેનો જવાબ મળેલો, પહેલાના સમયમાં વિદ્યાર્થીએ ખડીયા લઈ આવવાના. ખડીયો તેમાં ફીટ કરવાનો અને પછી લખવાની શરૂઆત કરવાની. આજની તારીખે પણ તે ઐતિહાસિક કોલેજની મુલાકાત લેવા માટે જાવ ત્યારે એ બેન્ચ જોવા મળશે. મેઘાણી અને ધૂમકેતુ પણ ત્યાંજ ભણ્યા.

મોટાભાગનું આમા લખું તે રાજ ગૌસ્વામી બ્રેકિંગ વ્યુમાં લખી ચૂક્યા છે. તો નવું ક્યાંથી કાઢવું ? આ પ્રશ્ન સાથે થોડું ફંફોસ્યું અને મળ્યું. અત્યારે બોલપેનના જમાના તો ગયા. ગામડામાંને સૌરાષ્ટ્રમાં તેને ઈન્ડિપેન તરીકે ઓળખવામાં આવે. પહેલાથી શરૂઆત કરૂં તો પેલા ટકટકીયાવાળી બોલપેન આવતી. ક્લાસમાં તમારી એકની જ પેનનું ઈન્જીન ખરાબ હોય. લખવા માટે કાગળ પર ભાર મૂકો એટલે ફટ દેખાનું સ્પ્રિંગ સાથે ઉછડી સીધુ સાહેબના માથા ઉપર લેન્ડિંગ કરે. પછી સેલો ગ્રિપર આવી. સ્મૂથ, હળવી અને દોડ્યે જાય, વર્ષો સુધી ચાલી અને કેટલાક ત્યાંજ અટકીને રહ્યા તો આગળ જ ન વધ્યા અને અત્યારે ફ્લેરનો જમાનો છે. પણ હવે કમ્પયુટરના કારણે આ પેનો ભૂલાઈ ગઈ છે. મેં મિત્ર અચ્યુત ટિલાવત પાસેથી એકવાર પાર્કરની પેનનો ઈસ્તેમાલ કરેલો આ સિવાય કોઈ દિવસ પાર્કરને હાથ નથી અડાવ્યો. શરૂઆતમાં તો બોલપેન પોતાના રંગ પણ બતાવતી. સ્કૂલે જઈ પાછા આવો એટલે અડધો શર્ટ બ્લુ કલરનો થઈ ગયો હોય. વચ્ચે બંન્ને બાજુ બે અલગ કલરની રિફીલવાળી પેન આવતી. કમર ટટ્ટાર કરીને જ લખવું પડે, બાકી શર્ટમાં લીટા થાય. આને કહેવાય આયુર્વેર્દિક પેન… પેપર તપાસનાર લાલ પેનનો જ ઉપયોગ કરે અને કેટલાક અંધશ્રદ્ધાળુ જીવ કાળી પેનનો ઉપયોગ કરવાનું ટાળે, તો પણ ભરતીની પરિક્ષામાં આ અપશુકનિયાળ રંગને વધારે મહત્વ અપાય છે.

અગાઉ કહ્યું તેમ રાજ ગૌસ્વામીએ પોતાના લેખમાં રાઈટર્સની પેન વિશે લખ્યું હતું. તેમાં મારા ફેવરિટ ચંદ્રકાંત બક્ષી વિવિધ જાતજાતનીને ભાતભાતની કલરે-કલરની પેનનો ઉપયોગ કરતા હતા. તેમને પેન ભેગી કરવાનો શોખ હતો. સુરેન્દ્ર મોહન પાઠક લખવા માટે ટાઈપરાઈટર કે કમ્પયુટરનો આજની તારીખે પણ ઉપયોગ નથી કરતા. તેમના મતે તમે લખવા માટે બેસો ત્યારે પેનથી જે વિચાર આવે તેટલા ઝડપથી ટાઈપ કરવામાં નથી આવતા.

અર્નેસ્ટ હેંમિંગ્વે હમેશા લખવા સમયે પેન્સિલનો ઉપયોગ કરતા. જેના કારણે લખાણને રિ-રાઈટ કરવામાં તેમને કોઈ તકલીફ ન પડે. જ્યારે લખવા બેસે ત્યારે પેન્સિલ સાથે શાર્પર અને એક ક્નાઈફ અચૂક હોય. અ મુવેબલ ફિસ્ટ નામની પ્રત જે હજુ સચવાયેલી પડી છે, તે આવી જ રીતે લખાયેલી.

નીલ જાયમેને સ્ટારડસ્ટ નામની નોવેલ લખી. 2012ના ઈન્ટરવ્યુમાં તેમણે કહેલું કે, ‘હું 1920ની પૃષ્ઠભૂમિ પર આધારિત બુક લખી રહ્યો હતો, ત્યારે મને લાગ્યું કે તે સમયના લેખકો જે પ્રમાણે લખતા તેવી રીતે મારે લખવું જોઈએ. જેથી હું ફાઊન્ટનપેનનો ઉપયોગ કરવા લાગ્યો.’ 1994માં યુઝ કરેલી આ પેન નીલને એટલી ગમી ગઈ કે તેમણે ભવિષ્યમાં જેટલું લખ્યું તેટલું આ પેનથી જ લખ્યું. તેમની પાસે 60 અલગ અલગ પ્રકારની પેન હોય. તેમની સ્ક્રિપ્ટ હંમેશા વિવિધ રંગોની પેનથી લખાયેલી હોય. આ નીલનો શોખ હતો.

સ્ટીફન કિંગ વોટરમેન ફાઉન્ટનપેનનો ઉપયોગ કરે છે. જેને સ્ટિફન વિશ્વની બેસ્ટ પ્રોસેસ કરતી પેન તરીકે ઓળખાવે છે. કાર એક્સિડન્ટ બાદ તેમનું બેસવું અશક્ય હતું. ત્યારે તેમણે આ પેનનો ઉપયોગ કરી લખવાનું શરૂ કર્યું. કિંગનું માનવું છે કે વોટરમેન ફાઉન્ટનપેનના કારણે હું શબ્દો પર વધારે ધ્યાન આપી શકુ છું. પણ કિંગની બે નવલકથા એવી છે, જેમાં કિંગે પોતાના રાઈટર પ્રોટોગોનીસ્ટને ટાઈપ કરતો બતાવ્યો છે ! કિન્તુ ટેકનોલોજીના જમાનામાં કિંગ વોટરમેન હેમ્પશાયર પેનનો ઉપયોગ કરે છે.

માર્ક ટ્વેઈનને ગમે તે પેન ચાલે, પણ તેઓ પોતાની પાસે એક ટેબલ બુક રાખતા. જેમાં લખ્યા રાખવાનું. એક પાનામાં લખે કોઈવાર લાગે કે આ પાનું રિ-રાઈટ કરવાની જરૂર પડશે, તો પાડોશી પાનું ખાલી રાખી દે. જ્હોન સ્ટેઈનબકે બે સારી નવલકથા કહી શકાય તેવી આપી છે, ઈસ્ટ ઓફ ઈડન લખાઈ ત્યારે તેમણે 300 પેન્સિલોનો દાટ વાળી દીધેલો જ્યારે ગ્રેપ્સ ઓફ વર્થ માટે 60 પેન્સિલનો ઉપયોગ કર્યો હતો. જ્હોનને સિગરેટ જેટલું પેન્સિલનું વળગણ હતું.

જે.કે. રોલિંગે પોતાની હેરિ પોટર બુક સૌથી પહેલા કાગળમાં નહીં નેપ્કિનમાં લખી હતી. તેને વિચાર આવ્યો, તે ભૂલી ન જાય આ માટે નેપ્કિનનો ઉપયોગ કરી નાખ્યો.

દુનિયાને એ જાણવાની ઈચ્છા ચોક્કસ હોય કે કઈ પેનથી આર્થર કોનન ડોયનની શેરલોક હોમ્સ લખાઈ ? તેનું નામ છે પાર્કર ડન ફોલ્ડ ફાઉન્ટન પેન. સતત 40 વર્ષ સુધી તેમણે આજ પેનનો ઉપયોગ કર્યો. જેનો પછીથી ગ્રેહામ ગ્રીન નામના અમેરિકન રાઈટરે પણ એટલો જ ઉપયોગ કર્યો.

ગુજરાતીમાં કાજલ ઓઝા વૈદ્ય બોલીને લખાવે છે. મંન્ટો પાર્કરનો ઉપયોગ કરતા. તેમની લખવાની સ્ટાઈલ પણ જબરી હતી. ટૂંટીયુ વળીને કોઈ જીવડુ બેઠુ હોય તે રીતે લખતા ઈસ્મીત ચુગતાઈ તેમને મળવા ગયા અને મંન્ટો આ રીતે લખતા હતા, ઈસ્મિતે કહ્યું છે કે, ‘મંન્ટો કોઈ વંદા જેવા ક્રિએચર લાગતા હતા.’

અત્યારે તો ઉપરનું કશું કહેવાનો અર્થ નથી સરતો. ભૂતકાળના લેખકો માટે એમ કહેવામાં આવતું કે, તેની કલમમાં તેજાબીધાર હતી. વિચાર આવે કે, લખાય વિચારોથી તો કલમમાં એવી કઈ તેજાબી ધાર હશે ? અને હવેના લોકો માટે તેમનું કમ્પયુટર એ તેજાબી ધાર છે. હું શબ્દોને આંગળીના ટેરવે ઘુમાવું છું, આ હવે કહેવું અનૂકુળ લાગે. સાયન્સ ફિક્શન લખતા લેખકો માટે એક સારો ટોપિક એ છે કે ભવિષ્યમાં એવી પેન આવશે, જેનાથી તમારે જે લખવું હોય તે લખી શકો. પંદર રૂપિયાની ચિંતનાત્મક પેન આપી દો. જ્યાં સુધી અંદરની રિફીલ પૂરી ન થઈ જાય ત્યાં સુધી ચિંતનાત્મક લખાણ આવતું રહે. જેને નવલકથા લખવી હોય તેની અલગ કિંમત, વાર્તાઓની અલગ કિંમત અને કટાર લેખકો માટે અલગ. આ પેન પૂરી થઈ જાય પછી રાઈટરની શું વેદના હોય તે તમારી સાયન્સ ફિક્શનમાં ઠાલવી શકો.

પણ હવે પેન કોઈ નથી વાપરતું એટલે અક્ષરો લખવાનું ભૂલાતુ જાય છે. ભારતના ભાગલામાં કોઈ ઝીણા-બીણાનો નહીં પેનનો હાથ હતો. રામાયણ અને મહાભારત હાથેથી લખાય હતા. અને નવા રામાયણ અને મહાભારત કમ્પયુટરમાં ટાઈપ કરી લખાય છે. ભૂતકાળમાં કાગળ પર કંઈક નવું સર્જન કર્યા પછી તેને દાઢી પર ટેકવવી કે બે દાંત વચ્ચે રાખવી તેની હવે કલ્પના કરવી રહી. તમારી એક પેન કેટલા પાસે જાય તેનો તમને ખ્યાલ નહીં હોય, ફોર્મ ભરવા માટે તમારી પાસેથી ઉધાર પેન લઈ ગયેલો માણસ તે આરામથી પોતાનું કામ પત્યા પછી બીજાને પધરાવી દેશે. ભારતનો દરેક નાગરિક પેન માગવામાં કોઈ શરમ નથી રાખતો અને સામેનો માણસ ઝાંસી ભેટમાં આપી દીધુ હોય તેમ આપી દે છે.

ખુશવંત સિંહે કહેલું કે, ‘હું 99 વર્ષની ઉંમરે પણ આવું સેક્સી લખી શકુ છું, મારી પેનને કોઈ દિવસ કોન્ડોમની જરૂર નથી પડી.’ આ ડાઈલોગ હવે આપણે ન મારી શકીએ…. શું કહેવું ? મારી દસે દસ આંગળીઓને કોઈ દિવસ….

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.