એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૨ )

‘મેમ્બર બન્યે પણ આજે ત્રીજો દિવસ થઈ ગયો. પણ એના દર્શન જ દુર્લભ છે, આજે પણ આવશે કે ફેરો માથે પડશે?’ – લાયબ્રેરી સામે ના પાનના ગલ્લે ઉભા રહી સિગરેટ ના કશ મારતા મારતા અર્જુને કાનજી ને પૂછયું.

‘મને શું ખબર લા…હું કંઈ એનો પી.એ થોડો છું!અને એ કંઈ આપણી જેમ ટાઈમપાસ માટે થોડી આવતી હશે…જોયા નહોતા કેટલા મોટા થોથા લઇ ગઈ’તી… એ વંચાઈ રહે ત્યારે આવે ને!’ – કાનજી એ મફત ની સિગરેટ ની મજા મારતા જવાબ આપ્યો.

‘બાય ધ વે….એ માંજરી આંખો વાળી નું નામ ‘સિયા’ છે હો’ – કાનજી એ હળવેક થી ધમાકો કર્યો.

એ સાંભળી અર્જુન ને ઝાટકો લાગ્યો…’આ ટોપા ને નામ કઇ રીતે જડ્યું?’,આ પ્રશ્ન અર્જુન ની ફાટી આંખોમાં સ્પષ્ટ વાંચી શકાતો હતો. એ જોઈ કાનજી એ રોફ મારતો હોય એમ જવાબ આપ્યો, ‘યુ નો…’મિતાલી’… અરે એની ફ્રેન્ડ..! એ દિવસે જ્યારે એ બુક ઇસ્યુ કરાવતી હતી ત્યારે મેં એના આઈડી કાર્ડ પર એનું નામ વાંચી લીધું હતું અને પછી શોધી એને ફેસબુક પર… મોકલી આપી રિકવેસ્ટ… થઈ પણ ગઈ એક્સેપ્ટ… પછી wp, hike,insta બધે વાતો થઈ બે દિવસ…અને વાત વાત માં મેં એ સિયા નું નામ પણ જાણી લીધું,અને એ પણ જાણી લીધું કે સિયા બધી સોશિયલ સાઇટ્સ થી દૂર છે… બસ આખો દ’ન વાંચન જ વાંચન!’ –

‘સાલા હરામખોર…. ચેપો… અને પાછો મને ભાષણ આપતો હતો, છોકરીઓ નો પીછો ના કરાય ને ફલાણું…ફલાણું…!’ – સહેજ ચિડાઈ ને અર્જુને કાનજી ને બે ટપલી મારતા કહ્યું.

‘અરે લાલા…આ તો મેં તારા માટે જ કર્યું છે…બાકી મને મિતાલી માં કોઈ રસ…!’ – અર્જુને વચ્ચેથી વાત કાપતા કહ્યું, – ‘એમ તો કહેતો જ નહીં કે તને મિતાલીમાં કોઈ રસ નથી…મેં જોયો છે તને,એને જોઈ તું કેવી લાળ ટપકાવે છે એ…!’

અર્જુને કાનજી ની વાત પર થી ધ્યાન હટાવી બીજી સિગરેટ સળગાવી અને કશ મારતા મારતા સિયાના નામ નું રટણ કરવા લાગ્યો.

‘તો બે દિવસ તે મિતાલી પાછળ જ બગાડ્યા એમ ને…!તો તો ચોપડી તો અડકી પણ નહીં હોય કેમ?’ – અર્જુને અમસ્તા જ કાનજી ને પૂછ્યું.

‘ના રે ના…લાગીરેય નહિ…ચેતન ભગત લઇ ગયા તે લઇ ગયા…પણ એ પડી રહી’તી ખૂણા માં!’ – કાનજી એ ખડખડાટ હસતા કહ્યું.કોઈ પણ નવા લાયબ્રેરી મેમ્બરને પહેલા ચેતન ભગત જ યાદ આવે…એ જ એક નામ હોય જે એણે સાંભળ્યું હોય.એટલે અર્જુન અને કાનજી બંને પહેલા દિવસે ચેતન ભગત જ લઈ ગયા હતા.

‘તેં વાંચી શું ટણપા!?’ – કાનજી એ કઇંક આશ્ચર્ય સાથે પૂછ્યું.પોતે ના વાંચે તો કંઈ નહીં,પણ મિત્ર વાંચે એટલે સાલું લાગી આવે હં.

‘ના રે ભાઈ…મારે પણ એમ જ પડી રહી હતી.ઉપરથી મમ્મી ને મારા પર બગડવા એક નવું બહાનું મળી ગયું!કહેતી હતી,આ નવું કારસ્તાન હાથ પર લીધું જ છે તો પૂરું તો કરો!’ – અર્જુને હસતા હસતા જવાબ આપ્યો.

એટલામાં સામે એ સ્કૂટી પાર્ક થયું અને મિતાલી અને સિયા આવ્યા.સિયાએ આજે પણ એવું જ કાળું કપડું મોંઢે બાંધેલું જ હતું.

એમને જોઈ અર્જુન અને કાનજીએ બચેલી સિગારેટ ને નીચે ફેંકી, પગ તળે મસળી કાઢી અને તેમની પાછળ થયા.

ઉપર જઇ બંનેએ બુક જમા કરાવી.
લાયબ્રેરીયન સાહેબ ની આંખમાં હજી એજ પ્રશ્ન રમતો હતો, જે પ્રશ્ન એમણે ફોર્મ સબમિટ કરવા આવેલા અર્જુનને પૂછ્યો હતો – ‘ખરેખર વાંચવા માટે જ આવવું છે ને…કે કોઈ અન્ય કારણ છે!’ – આ પ્રશ્ન ઉભો થવા પાછળ અર્જુનના પિતાનું નામ જવાબદાર હતું.જ્યાં કંઈ પણ એમનું નામ લેવાતું,ત્યાં અર્જુન ‘અમિર બાપની બીગડેલ ઔલાદ’ તરીકે ચિતરાઈ જતો!અને અધૂરામાં પૂરું એનું અડધેથી છોડેલું એન્જીનીયરીંગ!

અર્જુન અને કાનજી સાહેબથી નજરો ચુરાવી બુકશેલ્ફસ ના જંગલ માં ખોવાઈ ગયા.અર્જુનને તો ક્યાં કોઈ બુકમાં સમજણ જ પડતી હતી એ તો બસ સિયાને શોધવા માં વ્યસ્ત હતો.ડાફેરા મારતા મારતા એ ચાલતો હતો,અને એકાએક પાછળ ફર્યો.તેની પાછળ સિયા ચાલી રહી હતી,અને અર્જુનના અચાનક પાછળ ફરવાના કારણે એનું માથું અર્જુનના માથા સાથે ભટકાયું.

‘ઓહ…સો સોરી..હું તને જ શોધતો હતો,અને મને ખબર નહીં કે તું મારી પાછળ જ છે!’ – અર્જુને બુકાની પાછળની માંજરી આંખોમાં તાકતા કહ્યું.

‘ઇટ્સ ઓકે…પણ મને જ શોધતો હતો મતલબ!’ – સિયાએ કઇંક આશ્ચર્ય થી પૂછ્યું.અને એના પરથી અર્જુનને એના બફાટ નો અંદાજ આવ્યો.

‘ના…ના..મતલબ નથિંગ સ્પેશિયલ..બસ એમ જ’ – અર્જુને ગોળ ગોળ જવાબ આપ્યો.
‘ઓકે..એની વે…હું તને આ બુક આપવા આવી હતી!’ – અને એણેઅર્જુન સામે એક બુક ધરી.
અર્જુને બુક હાથમાં લઈ ટાઇટલ વાંચ્યું – ‘સળગતા શ્વાસો’
‘ઓહ…થેંક યુ સિયા!’ – ઉતાવળે એણે બીજો બફાટ કર્યો.
‘હેય…તને મારુ નામ કઇ રીતે ખબર!?’
‘કેમ ન ખબર હોવી જોઈએ!’ – અર્જુને સહેજ હસતા કહ્યું.

‘ના ના..આઇ મીન આપણી આ પહેલી જ મુલાકાત છે અને તને મારુ નામ ખબર છે સો…થોડી નવાઈ લાગી…ચલ કંઈ નહીં…આ બુક વાંચજે!અને હા…આ બુક પત્યા પછી તારે મને એક પ્રોમિસ આપવું પડશે!’
‘પ્રોમિસ…?કેવું પ્રોમિસ?’ – અર્જુનના ધબકાર વધી ગયા.જે છોકરી માટે એ ત્રણેક દિવસથી વ્યાકુળ હતો,એ હાલ એને એક બુક આપી પ્રોમિસ લેવાની વાત કરી રહી હતી.

‘એ તો તને વાંચ્યા બાદ અંદાજ આવી જશે!
‘ઓકે…થેંક યુ અગેઇન’
‘ઉભો રહે…’કહેતા સિયાએ અર્જુનના વાળમાં હાથ નાખ્યો અને પોતાનું માથું ફરી એના માથા સાથે ટકરાવ્યું,અને કહ્યું – ‘મારી મમ્મી કહે છે કે એક વખત માથું ભટકાય એ સારું ન કહેવાય!’

અર્જુન તો હમણાં સાતમા આકાશે ઉડી રહ્યો હતો.
‘કાશ,દરેક ની મમ્મી આવું જ કહેતી હોય તો કેટલું સારું!’ – એવો એણે મનમાં વિચાર કર્યો.
ત્યારબાદ બંને એકબીજાનું નામ જાણી,હાથ મિલાવી ને છુટા પડ્યા.

અર્જુને કાનજીને આખી વાત કરી.એ મહાશય તો વધારે ફોર્મમાં આવી ગયા અને બોલ્યા…’નક્કી આ બુક પ્રેમકથા હશે અને એ તારી પાસે પ્રેમનું જ વચન માંગશે!’

‘રહેવા દે તું તો…બસ મને ચણા ના ઝાડે ચઢવ્યા સિવાય બીજું કોઈ કામ જ નથી તને!’ – અર્જુને કાનજી ની ઝાટકણી કાઢી નાંખી, પણ મનમાં એક ખૂણે લાડવા પણ ફૂટતા હતા,કે ખરેખર એવું હશે તો…!

પછી ખુશીના મારે અર્જુને કાનજીને બે સિગરેટ ફૂંકાવી અને બંને છુટા પડ્યા.
બપોર થી સાંજ અને સાંજ થી રાત થઈ ચૂકી હતી,અર્જુન એના પલંગમાં આરામથી પહોળો થઈ ગીતો સાંભળી રહ્યો છે..’પહેલા નશા…પહેલા ખુમાર’,અને જોડે,સવારથી હજારમી વખત વાળમાં હાથ ફેરવતા સિયાને યાદ કરી રહ્યો હતો,અને ત્યાંજ મોબાઈલમાં મેસેજ ની બીપ થઈ.

‘કાનજી:કાલે લાયબ્રેરી સેશન બાદ રેસ્ટોરાં માં મિતાલી અને સિયા સાથે એક નાનકડી મુલાકાત ગોઠવી છે…સો બી ઓન ટાઈમ!અને હા…મહેરબાની કરીને પેલો છોકરીઓ જેવો ગુલાબી શર્ટ ના પહેરીને આવતો…એન્ડ ડોન્ટ થેંક મી ફોર ધીસ!’

‘ખરો છે આ કાનજી’ – કહેતા અર્જુન હસી પડ્યો.
અર્જુનને કાનજી સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી ગઈ.આમ તો કાનજી અર્જુનથી બે વર્ષ નાનો હતો.નાનપણમાં સ્કૂલમાં એક વખત અર્જુને એને છોકરાંઓ નો માર ખાતા બચાવ્યો હતો,બસ ત્યારથી બંને ની દોસ્તી જાણે સજ્જડ બની ગઈ હતી.સ્ટેટ્સના તફાવતને કારણે લોકો તેમને ક્યારેક કૃષ્ણ – સુદામા પણ કહી દેતા.અર્જુનને માથે આભ તૂટે કે નાની ખરોચ આવે,કાનજી હમેશા તેના માટે ખડેપગે સામે હાજર જ હોય!

ઘડીભર રહી અર્જુનનું મન ફરી સિયા તરફ વળ્યું.અને સામે ટેબલ પર પડેલી બુક યાદ આવી.’કાલે એણે મને બુક વિશે કઇંક પૂછ્યું તો…!મેં તો એક પાનું પણ નથી ઉથલાવ્યું!’એમ કરતો એ ચોપડી લઇ વાંચવા બેઠો.

એક પ્રકરણ,બે પ્રકરણ કરતા કરતા એ એક જ સિટિંગમાં બુક પતાવી ગયો.એને પોતાને પણ આશ્ચર્ય થતું હતું કે એ આટલું બધું એક જ ઝાટકે કઇ રીતે વાંચી ગયો.અને બીજી તરફ ડર પણ લાગ્યો,સિયાએ ચોક્ક્સ મને સિગરેટ ફૂંકતા જોઈ લીધો હશે…!શું વિચારતી હશે એ માર વિશે?’કારણકે બુક હતી ‘ધુમ્રપાન’ વિશે,અને સિયાએ એ જ કારણે એને એ બુક વાંચવા આપી હતી.સિયાના મંતવ્ય કરતા હાલ એને એની પોતાના માટેની ચિંતા કોરી ખાતી હતી,પપ્પા એ આપેલી છૂટનો દુરુપયોગ કરી એ પોતાના સ્વાસ્થ્ય સાથે કેટલી મોટી રમત કરી રહ્યો હતો એનો એને અંદાજ આવ્યો!

‘કાલે સિયા કેવું રીએકટ કરશે મારા વિશે…અમારી પહેલી ઓફિશિયલ મુલાકાત કેવી હશે…કાલે શુ એ એનો બુકાની પાછળ છુપાયેલો ચહેરો દેખાડશે…?’ – આવા કેટલાય વિચાર કરતો અર્જુન ખુલ્લી ચોપડી પર માથું ઢાળી સુઈ ગયો!

Mitra✍😃

( ક્રમશ: )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.