કોરાફોરાં : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)

ઘરના મુખ્ય દ્વારને તાળાં લગાવી ગેઇટ બંધ કરી તેઓ મારૂતિની આગલી સીટ પર બેઠા અને દરવાજો બંધ કરીને બોલ્યા… “જે.કે. ચાલો…” વિન્ડશિલ્ડની અરપાર અનિમેષ તાકી રહેલા જે.કે. ભાવવિહિન સ્વરે બબડ્યા… “હં… પીળી સાડી… ગુરુવાર… સરસ” અને મરૂતિ કચેરી તરફ પુરપાટ દોડવા લાગી. મારૂતિ મુખ્ય રસ્તાના ટ્રાફિકમાં પ્રવેશી પછી થોડી જ વારમાં જે.કે. અન્ય કાર ચાલકોને ભાંડવા લાગ્યા. અન્ય ડ્રાઇવરોને ભાંડવાની તેમની આગવી જ શૈલી હતી. જે.કે. અન્ય ગાડીઓને બેફામ ઝડપે સાચી-ખોટી સાઇડથી ઓવરટેઇક કરીને ભાંડતા . ! તેઓએ ત્રાંસી આંખે જે.કે. સામે જોયું અને ભારપૂર્વક બોલ્યાં… “જે.કે….” ધ્વનિનો મર્મ પામી ગયેલા જે.કે.એ ખસિયાણું હસીને એક્સીલરેટર ઓછુ કર્યું.

મારૂતિ કચેરીના મુખ્ય દરવાજા બહાર ફૂટપાથ પાસે આંચકાભેર ઊભી રહી. તેઓ કારમાં થી છટાભેર ઉતર્યા અને દરવાજો બંધ કરતી વખતે મારૂતિના છાપરા પરથી રસ્તાપાર આવેલા ત્રિભેટે સહેજ ઝડપી નજર ફેરવી પરંતુ નિરાશાભેર, કારમાં વિન્ડશિલ્ડ આરપાર, નજરને સીધી જ રાખી બેઠેલા જે.કે. સામે જોયા વિના જ ઠસ્સાભેર ત્રણ પગથિયાં ચડી કચેરીના અંધકારમાં ઓગળી ગયાં. પૂંછડી પટપટાવતી તેમનો પીછો કરી રહેલી બે-ચાર નજરો લાચારીપૂર્વક કચેરી બહારના દાદર પર જ અટકી પડી. જે.કે. એ પણ બેપરવાઇથી નજરને સીધી રાખીને મારૂતિઇને ઝનૂનપૂર્વક પોતાની કચેરી તરફ દોડાવી.

કચેરીના પગથિયા ચડતાં ચડતાં તેઓને વિચાર આવ્યો કે “જે.કે.ને કાર તથા વ્યક્તિ વચ્ચે રહેલાં તફાવતનો ખ્યાલ હશે ?” પોતાની જગ્યા પર ટેબલ પરના કાચની નીચે ગોંધી રાખેલા ભગવાનોને અગરબત્તી કરી, વંદન કરી અનાયાસે જ સામે રહેલા ફોન તરફ તેમનો હાથ લંબાઇ ગયો… સામે છેડે મોબાઇલ પર વાગતી કોલરટ્યુનને તેઓ બંધ આંખે સાંભળી રહ્યાં. ક્લીક… “હલ્લોઓઓ… આજે કંઇ મારા પર મહેરબાન થયાને… રોજની જેમ ભગવાનનું નામ નથી લેવાનું?” તેઓના મોં પર એક સ્મિત રેલાઇ ગયું ને બંધ આંખે જ બોલ્યાં… “એ જ તો કરૂ છું… !” ભીનાં સ્વરે ઘણી વાતો થયા બાદ સામે છેડે રહેલો સ્વર બોલ્યો… “સાંભળ, આજે તારા જન્મ દિવસ નિમિત્તે મેં મારા સ્પંદનોને અક્ષરદેહ આપ્યો છે તે પત્ર તારા ટેબલ પર આવી કવરમાં આપી જઇશ… બધા સાંભળે તેમ કહીશ… “રમાબેનને આપી દેશો ? તેમના હસ્બંડના દસ્તાવેજ છે… ઓ.કે…. હં… હં… બાય… ટેઇક કેર… મી ટૂ…”

*****

“ગઇ કાલે રાત્રે મોડે…

પ્રિય જાનુ,

જિવનમાં ક્યારેય ન અનુભવેલી અનુભૂતિઓ, સંવેદનાના ઉદ્દીપક સમા તમે… કિશોરાવસ્થાના ઉંબરે પગ મુકતાં જ પડોશી મુગ્ધા પ્રત્યે જન્મેલા આકર્ષણ અને તમારા સમજણભર્યા, પરિપકવ ભાવોના જગતમાં મારૂં પદાર્પણ. અણસમજથી છલોછલ સમજણ સુધીની આ યાત્રા દરમિયાન હું કેટલાંય સમયખંડોમાં જીવ્યો છું. પરંતુ, હું, તમને કદી પામી શકવાનો નથી તેવી સ્પષ્ટ સમજણ સાથે મેં કરેલા તમારા સાંગોપાંગ સ્વિકારને ક્યારેક હૃદયનો નાસૂર બની જતો મેં અનુભવ્યો છે.

માંના ગર્ભમાં આપનું/મારૂં જે ક્ષણે સિંચન થયું, તે જ ક્ષણે આ સમગ્ર ઘટનાઓ આલેખાઇ ચુકી હતી… આપણે તો માત્ર આ ઘટનાક્રમને જીવી જવાનો છે.

તમે આવ્યા મારા જીવનમાં વસંતના પગલાં બનીને… તમારી જેમ મારૂં અસ્તિત્વ પણ…
મૃત:પ્રાય જ તો હતું…

અશરિરી આપણો પરિચય ક્યારે વાસ્તવિક બની ગયો …તને ખબર પણ પડી ? બે અંતિમ એક થયાં,
તમે નિરાશાની ગર્તામાં કહેતાં… ના… આવું કોઇ હોઇ શકે જ નહીં… હું પ્રતિક્ષાના વાદળોમાં… કહેતો હા… તમે છો… તમે છો… !

તમારી હયાતી થી અજ્ઞાત હોવા છતાં એક મનગમતી ફોરમ… હોવાપણું મારા ખમ્મખાલી અસ્તિત્વમાં સતત ગુંજ્યા કરતું. તમે અજંપાની કોઇક ક્ષણે મારી આંખમાં થી આંસુ બની સરી પડતા… તો વળી ક્યારેક ઉચ્છવાસ પછીના સ્વાસમાં મારા અણુએ અણુમાં ફરી વળતા . . બસ ત્યારે મનમાં એક અજવાસ ફેલાઇ જતો… પતંગીયા ઉડાઉડ કરતાં… જાણે કાળજું ફાટી પડશે તેટલી હદે સુખની અનુભૂતિ થતી… હા… તે તમે જ છો… ભલે અપ્રાપ્ય, પણ છો તે મારા… અને માત્ર મારા જ ને ? થાય છે કે આંખના બંધ પોપચાં સીવી લઉં ? થાય છે કે અંદર લીધેલા શ્વાસને છોડું જ નહીં !

હું મારી જાતને સતત સમજાવતો રહુ છું…મનાવતો રહુ છું… અને તમે પણ અનુભવ્યું છે કે હું “સ્થિર” બની શક્યો છું. પરંતુ ગઇ કાલે જ્યારે મારુ માનવ હોવું મારી આંખમાં થી અચાનક છલકાઇ પડ્યું ત્યારે સમજાયું કે તેમ કયા દોઝખમાં થી પસાર થતા હશો ! મને સમજાય છે કે એ આંસુ… એ પીડા કદાચ મારી નહોતી… પણ તમારી પીડા… યાતના… વ્યથા મારી અંદરથી છલકી રહી હતી. આમેય આપણે હવે અલગ ક્યાં છીએ ? જીવનમાં હંમેશા મારી યાત્રા કદાચ પામી લેવાની જ રહી છે… પણ એવું કેમ કે તમારા આવવા થી હું ધરમૂળમાં થી બદલાઇ ગયો ? મારા વિશ્વની તો જાણે ધરી જ તમે બની ગયાં… ! કોણ છો તમે ? તમને ઓળખવાની મારી ઇચ્છા ખરેખર તો મારી જાતને ઓળખવાની મથામણ તો નથી ને ? કારણ કે, હવે તો એવું લાગે છે કે “તું” ક્યાંથી શરૂ થાય છે અને “હું” ક્યાં થી એ અસ્પષ્ટ બની ગયું છે, કે પછી “તું-હું” નો ભેદ પણ ભુંસાઇ ગયો છે ?

જન્મ દિવસ તો સમયની ફૂટપટ્ટી પરનો એક કાપો માત્ર છે. કેટલાંય માનવ જંતુઓ આ પૃથ્વી પર આવા કાપા ઉજવી… ઉજવીને વિલીન થયા જ કરશે. પણ માનવજંતુઓના આ સમૂહમાં તમે કંઇક આગવા છો અને તેથી જ થાય છે કે આપને કાનમાં હળવેથી કહું… “જન્મ દિવસ મુબારક.” નિયતી… Destiny … ની અકળ ગણતરીએ આપણને બે અલગ અલગ કિનારે જાણે ખભા સુધી રેતમાં દાટી દીધા છે. અસહાયતા કોરી ખાય છે. પણ… તમારા તથા વ્યવસ્થાઓ પ્રત્યેના આદરથી તેને પણ સહી લેવાની જ રહી.

ક્યારેક તો આ અસહાયતા એટલી પ્રબળ બની જાય છે કે મારી અંદર એક ધુમ્મસ ફેલાઇ જાય છે. સમગ્ર અસ્તિત્વ બહેર મારી જાય છે. બાળપણમાં પણ આ જ અસહાયતાના ધુમ્મસભર્યા દેશમાં થી પસાર થયો છું… એટલે નવાઇ તો નથી લાગતી પરંતુ અન્દરથી પરપોટાની માફક એક પ્રશ્ન ઉઠે છે… ફરી… ?

તમે એક વાર બોલ્યા હતા “તમે મારાથી આગળ છો”… ત્યારે મારૂં આગળ હોવું ખુંચ્યુ હતું. આજે આપણે બન્ને જાણી ગયા છીએ કે કોઇ આગળ નથી… હું તો ઇચ્છું કે આપણા બેમાં થી કોઇ કદી આગળ ન નિકળી જાય… અન્યથા ધુમ્મસીયા આ દેશમાં દડમજલ અઘરી પડશે… બચપણથી આજ સુધી, આ અંધકાર ક્યારેક તો પુરો થશે, ની આશામાં જીવ્યે ગયા છીએ… આ યાત્રામાં એકમેકના અસ્તિત્વની મશાલે તો આશા જગાવી છે… તેમાંય જો હું કે તમે આગળ નીકળી જશો તો પછી… રહ્યું કોણ ? એ જ થીજાવી નાંખતો અંધકાર ? તો ચાલો… આજે “જન્મ દિવસે” એક પણ લઇએ… આપણી આ સહયાત્રા ભલે ગમે તે કક્ષાએ ચાલ્યા કરે પરંતુ બન્નેમાંથી કોઇ પણ એક આગળ તો નહીં જ જાય.

તમારા જન્મ દિવસે “હંમેશા સાથે રહીશ… આગળ નહીં જાવ…” ની ભેટ ગમશે ? જા આપી… બીજી એક ભેટ છે મારૂ એક સ્વપ્ન… લે આ રહ્યું…”

કમાટી બાગની “Children Train” સર્કલ પૂરૂં કરી પ્લેટફોર્મ પર ઊભી રહે છે… છેલ્લા ડબ્બામાંથી સફેદ વાળવાળો એક વૃદ્ધ ઉતરીને તેની જ પાછળ ઊતરતી વૃદ્ધાનો હાથ પકડીને ઉતારે છે ! વૃદ્ધ ટેકો આપવાના બહાને વૃદ્ધાનો હથ પસવારી લે છે… તેના મોં પર લુચ્ચું તોફાની સ્મિત છે… વૃદ્ધા શરમથી લાલ થઇ જાય છે, એ જાણે મારતી હોય તેવો દેખાવ કરીને કહે છે… “સોનુ…”

“મારીશ”

-અસ્તુ.

*****

કચેરી છુટતા સમયે તેઓ જેવો દાદર ઉતર્યા કે તરત જ સવારે દાદર પાસે અટકી ગયેલી નજરો ફરી પુંછડી પટપટાવતી તેમની પાછળ થઇ… મારૂતિની પ્રતિક્ષા દરમિયાન તેમની નજર અનેકવાર ત્રિભેટે જઇ ખાલીખમ્મ પાછી ફરી. મારૂતીનું આંચકાભેર ઉભું રહેવું… જે.કે.નું વિન્ડશિલ્ડની આરપાર શુન્યમાં અનિમેષ તાકી રહેવું… મારૂતિની આગલી સીટ પર બેસી જે.કે. સામે જોયા વગર જ તેઓ બોલ્યા “જે.કે. ચાલો…” અને જે.કે.એ ઝનૂનપૂર્વક એક્સીલરેટર આપ્યું અંને મારૂતિ આંચકાભેર મંઝીલ વગરની યાત્રા પર પૂરપાટ દોડી…

~ ધર્મેન્દ્ર ત્રિવેદી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.