લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…

અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence motion) એટલે શું?

◆◆ જાણવા ખાતર :- કે ૨૦૧૪માં સત્તા પર આવેલી નરેન્દ્ર મોદીની ભાજપા સરકાર વિરુદ્ધ આ પહેલી વખતની અવિશ્વાસની દરખાસ્ત સંસદમાં રજૂ થઈ છે. ◆◆

આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે. છતાંય ઘણા શબ્દોની સમજ આજ પણ સામાન્ય લોકો સુધી પહોંચતી નથી. વર્તમાન સમયમાં જ ભાજપ સરકાર સામે લોકસભામાં ખારીજ થયેલો ટીડીપી અને કોંગ્રેસ સરકારનો અવિશ્વાસ પ્રસ્તાવ એની સાક્ષી બન્યો છે. એટલે એની કામગીરી સમજતા પહેલા એ શું છે એ સમજવું પણ જરૂરી છે.

◆◆ પ્રધાનમંત્રીને પદભ્રષ્ટ કરવા માટેનું એકમાત્ર માધ્યમ છે અવિશ્વાસ પ્રસ્તાવનું બહુમતી દ્વારા લોકસભામાં પારીત થવું. કારણ કે સ્વયં રાષ્ટ્રપતિ પણ પ્રધાનમંત્રીને પદભ્રષ્ટ કરવામાં અસક્ષમ ગણાય છે. જ્યાં સુધી લોકસભા સદનમાં એમના વિશ્વાસ મતની બહુમતી માન્ય હોય. ◆◆

અવિશ્વાસ પ્રસ્તાવ વિશે જ્યારે વાતની શરૂઆત થાય, ત્યારે અમુક બાબતો સમજવી જોઈએ. જેમ કે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભા અથવા વિધાન સભામાં પારીત થાય છે. રાજ્યસભામાં નહીં… એક પક્ષ (વિપક્ષ) જ્યારે સત્તાધારી પક્ષ પર અવિશ્વાસનો દાવો કરે ત્યારે સદનમાં એ અંગેના કારણો અને પ્રશ્નોની ચર્ચાઓ આધારિત છેલ્લે સદનમાં મતદાન કરવામાં આવે છે, આ મતદાન દ્વારા મળતી બહુમતી આ વિધેય ને સ્વીકાર અથવા ખારીજ કરવા મહત્વનું બને છે.

લોકસભામાં કેન્દ્ર સરકાર અને વિધાનસભામાં રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સામાન્ય રીતે વિરોધ પક્ષ રજૂ કરતો હોય છે. કારણ કે સત્તા પક્ષ દ્વારા આવી કોઈ કાર્યવાહીનો ભૂતકાળમાં ઉલ્લેખ નથી જોવા મળતો. જો કે લોજીકલી એવું બનવાની સંભાવના પણ અશક્ય જ છે, છતાંય ત્યારે ઉદભવી શકે છે જ્યારે સરકાર એમના જ સભ્યોના કહ્યા બહાર ચાલતી હોય…

અવિશ્વાસ પ્રસ્તાવનો સામાન્ય અર્થ છે સત્તાધારી સરકારની કામગીરી પર સદનના સભ્યોનો તૂટતો જતો વિશ્વાસ. એક પ્રકારે એમ પણ કહી શકાય કે સદનના મત મુજબ સરકાર પોતના મનમાં આવે એમ દેશને ચલાવી રહી છે, અને સભ્યોના સૂચનો સતત અવગણાઈ રહી છે.

જો કે સામાન્ય રીતે તો વિરોધપક્ષને જ્યારે એવું લાગે કે સત્તાધારી સરકાર પાસે ગૃહ ચલાવવા માટે જરૂરી બહુમત નથી, કે ગૃહ સરકારમાંનો વિશ્વાસ પણ ગુમાવી ચૂક્યું છે, એવા સંજોગોમાં સરકારને પદભ્રષ્ટ કરવા અવિશ્વાસની દરખાસ્ત સદનમાં રજૂ કરવામાં આવે છે.

જો કે સદનના નિયમો મુજબ આ દરખાસ્ત રજૂ કરવા માટે પણ સદનની અંદર સરકાર પર અવિશ્વાસ જાતાવવા કમસેકમ ૫૦ સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. કોઈ એક પાર્ટી અથવા ૫૦ સભ્યોથી ઓછા સાંખ્યબળ સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી.

◆◆ જો સત્તાધારી પક્ષ વિશ્વાસ મત મેળવવામાં અસક્ષમ બને તો સરકારનું વિલોમીકરણ જાતે જ થઈ જાય છે. અને દેશ પોતાના પ્રધાનમંત્રી ખોઈ બેસવા મજબુર બને છે. એ જોતાં પ્રધાનમંત્રી ત્યાં સુધી જ સત્તામાં રહે છે, જ્યાં સુધી લોકસભા સદનમાં એમનો વિશ્વાસ મત બહુમતી દ્વારા સ્વીકાર્ય હોય ◆◆

પણ, જુલાઈ ૨૦૧૮માં ટીડીપી દ્વારા કરાયેલ મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તને સદનમાં મંજૂરી મળી ગઈ હતી, પણ આ દરખાસ્તની મંજૂરી મળી જાય એટલું જ પૂરતું નથી. જ્યારે એમણે આ વિશ્વાસ જતાવ્યો છે કે સરકાર લોકોના વિશ્વાસ અથવા સદનના વિશ્વાસ પર ખરી નથી ઉતરી શકી, ત્યારે ગૃહમાં સત્તાધારી પાર્ટી દ્વારા પણ જરૂરી સંખ્યાબળ પોતે ધરાવે છે એ સાબિત કરવું પડશે. અને વિપક્ષે પણ પોતે અવિશ્વાસ મત દ્વારા સરકાર હટાવવા મજબૂત છે એ સાબિત કરવું પડશે.

જો કે પ્રક્રિયા એટલી સરળ નથી હોતી. દરખાસ્ત પર અમલ કરવા દરેક પાર્ટી, સભ્યોને અવિશ્વાસની તરફેણમાં સાંખ્યબળ મુજબ સમય આપવામાં આવે છે. આ સમય દરમિયાન એમણે એ પ્રશ્નો રજુ કરવા ફરજીયાત છે, જે સરકાર પર અવિશ્વાસ જાતાવવા માટે એમણે આધાર ગણ્યા છે. ત્યાર બાદ સત્તાધારી પક્ષ પોતાના પર લગાવેલા એલિગેશનના જવાબ આપશે. સ્વયં પ્રધાનમંત્રી પણ પોતાનો પક્ષ અહીં સાબિત કરશે. અવિશ્વાસની દરખાસ્ત વિશે સદનમાં જરૂરી ચર્ચા પત્યા પછી જ સદનના સભ્યો દ્વારા તેના પર મતદાન થાય અને ત્યારબાદ થયેલા વોટિંગમાં બહુમતી વડે નિર્ણય લેવાય છે કે પ્રસ્તાવ સ્વીકાર્ય બને છે કે અસ્વીકાર્ય…

◆◆ બંધારણ અમલી બન્યા પછી સંસદમાં રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તો પૈકીની એકને બાદ કરતાં બાકીની તમામ નિષ્ફળ રહી હતી. ◆◆

આ આખી પ્રક્રિયા પ્રેક્ટિકલી સમજવા ૨૦૧૮ના અવિશ્વાસ પ્રસ્તાવની સરખામણી આ સાથે કરી જોઈએ. તો TDP દ્વારા આ પ્રસ્તાવ લોકસભામાં ભાજપ સરકાર સમક્ષ મુકાયો હતો. જો કે અન્ય પાર્ટીઓના સમર્થન દ્વારા જ સદનમાં એને મંજૂરી પણ મળી. છતાંય સરકાર માત્ર પ્રસ્તાવથી તો પડી ન જાય. કારણ કે સદનના કામકાજ હંમેશા બહુમતી સાથે જ સ્વીકારીત થતા હોય છે. જો આ પ્રસ્તાવ મુકાયા બાદ ગૃહ દ્વારા અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં ૫૦% થી વધુ મતદાન થયું હોત તો મોદીજીની ભાજપા સરકાર પડી ગઈ હોત. એનો અર્થ એવો પણ થાય કે મોદીજીની સરકાર હજુ કાર્યરત છે એનો અર્થ છે એમના પ્રત્યેનો વિશ્વાસ વધારે સભ્યો દ્વારા ફળ્યો છે. એમની પાસે સરકાર ચલાવવા સદનમાં બહુમતી છે, એ વોટિંગ દ્વારા સુનિશ્ચિત થયું. એટલે આ પ્રસ્તાવ સતત ચર્ચાઓના અંતે થયેલા નિર્ણયમાં સ્પીકર દ્વારા ખરીજ કરવામાં આવ્યો.

જો કે ભારતના આ વિશેષ વિધેયની વાત કરીએ, તો બંધારણમાં અવિશ્વાસ દરખાસ્તનો કોઈ જ ઉલ્લેખ નથી થયેલો. પણ હા, અનુચ્છેદ ૧૧૮ મુજબ દરેક ગૃહ પોતાના કાર્ય આધારિત પ્રક્રિયા સરળ બનવવા માટેના નિયમો બનાવી શકે છે. આમ જોતા અવિશ્વાસ પ્રસ્તાવ બંધારણીય નથી, પણ સદનના નિયમોમાં અને સદનની કાર્ય પ્રક્રિયામાં અવિશ્વાસ પ્રસ્તાવને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે.

◆◆ મોદી સરકાર વિરુદ્ધ માર્ચ મહિનામાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની વાતો સદનમાં થઈ હતી. પણ, એ વખતે વિપક્ષ એકતા દેખાડવામાં પાછો પડ્યો હતો. ◆◆

અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભાનો કોઈ પણ સભ્ય કરી શકે છે. પણ સદનના અધ્યક્ષ દ્વારા તેને મંજૂરી ત્યારે જ મળે છે, જ્યારે ૫૦ કરતા વધારે સભ્યો આ પ્રસ્તાવની તરફેણ કરે. જો કે અવિશ્વાસની દરખાસ્ત સંબંધી નિયમ 198 હેઠળ એવી વ્યવસ્થા છે કે ગૃહનો કોઈ પણ સભ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસની નોટિસ લોકસભાના અધ્યક્ષને લેખિતમાં આપી શકે છે. આગળની કાર્યવાહી સદનના અધ્યક્ષ બહુમતી અથવા નિર્ધારિત સાંખ્યબળના આધારે જ સ્વીકારે છે.

જો કે તેની પણ એ શરત છે કે અધ્યક્ષ એ નોટિસને સ્વીકારીને ગૃહની જે દિવસની કાર્યવાહીનો હિસ્સો બનાવે છે, અને તે જ ગૃહમાં પ્રસ્તાવ રજૂ થાય તો તેને સદનમાં હાજર ઓછામાં ઓછા ૫૦ સભ્યોનું પણ સમર્થન મળવું જરૂરી છે. એજ પ્રકારે અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળ્યા પછી, દશ દિવસમાં જ એના પર ચર્ચા માટે સત્ર બેસાડવામાં આવે છે. અથવા બેસાડવું પડે છે.

અલબત, લોકસભામાં ધમાલ અને સંભ્રમ (મતલબ કે અધ્યક્ષ ૫૦ સભ્યોની સ્પષ્ટ ગણતરી કરવામાં અસમર્થ હોય)ની સ્થિતિમાં આવી જાય તો એ દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તની ચર્ચા સદનમાં કરી શકાતી નથી. અવિશ્વાસ પ્રસ્તાવ દિવસભરની ચર્ચાના અંતે જ અંતિમ નિર્ણય સુધી પહોંચે છે.

■■ અવિશ્વાસ પ્રસ્તાવની દાસ્તાન ■■

ભારતીય સંસદના ઇતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવની સૌપ્રથમ રજુઆત ઓગસ્ટ, ૧૯૬૩માં જે. બી. કૃપલાણીજી દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે અવિશ્વાસ પ્રસ્તાવ એ સમયની તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકાર સામે હતો, જ્યાં આ દરખાસ્તની તરફેણમાં માત્ર ૬૨ જ મત પડેલા, જ્યારે એના વિરોધમાં ૩૪૭ મત પડ્યા હતા. આમ એ પ્રસ્તાવ ખારીજ થયો હતો.

જો કે પંડિત જવાહરલાલ નેહરુ સરકાર વિરુદ્ધની સંસદમાં રજુ થયેલી એ દરખાસ્ત પછી, સંસદમાં અત્યાર સુધીના સમયગાળામાં અનેકવાર અલગ અલગ વિપક્ષી સરકારો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો કે બહુ ઓછા પ્રસ્તાવ એવા છે જ્યારે સરકારો વિશ્વાસ મત મેળવવામાં અસફળ રહી હતી.

◆◆ સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુના શાસન સમયે ૧૯૬૩માં લાવવામાં આવ્યો હતો. જ્યાં પક્ષમાં માત્ર ૬૨ વોટ પડ્યા અને વિરોધમાં ૩૪૭ વોટ મળેલા… ◆◆

ત્યાર બાદ,
જવાહરલાલ નહેરુ પછી ભારતના વડાપ્રધાન પદ પર લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા હતા. એમના માત્ર ત્રણ વર્ષના ટૂંકા કાર્યકાળમાં પણ વિપક્ષે ત્રણ વખત સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. પણ આ ત્રણેય વખતે વિપક્ષની સરકારોના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું. પછી લાલબહાદુર શાસ્ત્રીજીના વધેલા કાર્યકાળમાં ઇન્દિરા ગાંધીજી દેશના વડાપ્રધાન તરીકે આવ્યા. એમના સામે પણ બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો.

જો કે અવિશ્વાસની સૌથી વધુ દરખાસ્તનો સામનો ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે કર્યો છે. ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકાર સામે સંસદમાં ૧૫ વખત અવિશ્વાસ પ્રસ્તાવની રજુઆત થઈ હતી. જો કે વિપક્ષને એકેય વખત સરકારને પદભ્રષ્ટ કરવાની તક સાંપડી નહિ. અને હા ઇન્દિરા ગાંધીજીની સરકાર સામે સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જ્યોતિ બસુના નામે છે. કારણ કે એમણે ચારેય અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ઇન્દિરા ગાંધી સામે જ મુક્યા હતા.

ભારતના સંસદીય ઇતિહાસમાં આઝાદી પછી પ્રથમ વખત વિપક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ પારીત કરવામાં સફળતા ૧૯૭૮ના સમયગાળામાં મોરારજી દેસાઈની સરકાર સામે મળી હતી. જો કે મોરારજી દેસાઈના કાર્યકાળમાં બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. પ્રથમ વખત કોઈ સમસ્યા વગર અવિશ્વાસ પ્રસ્તાવ ખારીજ થયો પણ બીજી વખતે પોતાની જ પાર્ટીમાં થયેલા મતભેદ વિશે એમને જાણ હતી. જો કે અવિશ્વાસ પ્રસ્તાવ પારીત થાય એ પહેલાં જ મોરારજી દેસાઈએ રાજીનામુ આપી દીધું હતું.

૧૯૯૩ના વર્ષમાં જ્યારે નરસિંહ રાવની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો, ત્યારે આ પ્રસ્તાવને નરસિંહ રાવની સરકારે બહુ ઓછી સરસાઈથી નિષ્ફળ બનાવી હતી.

ત્યાર બાદ ૧૯૯૯ આસપાસ પણ જ્યારે અટલબિહારી વાજપાઈજીની સરકાર હતી ત્યારે એમની વિરુદ્ધ પણ બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ સદનમાં રજૂ થયો. એકમાં તો એમને વાંધો ન આવ્યો પણ બીજા પ્રસ્તાવમાં એમણે ૧ વોટથી સરકાર ગુમાવી દીધી.

◆◆ લાલ બહાદુર શાસ્ત્રી અને નરસિંહ રાવની સરકારોએ અવિશ્વાસની ત્રણ-ત્રણ દરખાસ્તોનો સામનો કર્યો હતો. ◆◆

આગળ વાત કરીએ તો ૨૦૦૮માં પણ સીપીએમ દ્વારા મનમોહન સિંહના નેતૃત્વમાં ચાલતી યુપીએ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. અમુક વોટના નિમ્ન વોટ દ્વારા એમની સરકાર બચી હતી. આ પ્રસ્તાવ આવવા પાછળનું મુખ્ય કારણ અમેરિકા સાથે થયેલા પરમાણું સુલેહ સંબંધેનો અવિશ્વાસ હતો.

~ સુલતાન સિંહ
( સુધાર, લેખન અને સંકલન )

સંદર્ભો – BBC ગુજરાતી, હિન્દી.સાક્ષી.કોમ, વિકિપેડિયા અને અન્ય સ્રોતોના આધારે… ( માહિતીમાં કોઈ ક્ષતિ હોય તો આપ hello@sarjak.org પર જણાવી શકો છો.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.