ચાંદરણું : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)

ટૂંકી વાર્તા : ચાંદરણું


માનો કે ના માનો આ બારીમાં કંઇક છે . . સવલી વિચારતી. ઘણી વાર બારી ખોલતાં જો ભુલી જવાયુ હોય તો સવલીને એવો ભાસ પણ થતો કે એને કોઇક બોલાવે છે ! તે સમગ્ર ઘરમાં ફરીને જોઇ લેતી. બધા પોતપોતાના કામમાં મશગુલ હોય, તેને કોઇ ન બોલાવતું હોય ! તોય તેના કાનમાં પડઘા ઉઠતાં “આયા આયને . . . ન્યાં હું ડાટ્યું છ તારુ ? હવે તો કામેય પતી ગ્યું સ ” સવલીને અચરજ થતું. તે પોતાની ટચલી આંગળી કાનમાં નાંખીને જોર જોરથી હલાવતી, “છેને વળી ધાક પડી ગઇ હોય”. અવાજ પડઘાયા જ કરતો એના કાનમાં. સાવ છેલ્લે એ પોતાના રૂમમાં જતી. આખા રૂમમાં દરવાજા સિવાય, પ્રકાશના એક માત્ર સ્રોત સમી, ગલીમાં પડતી બારી બંધ હોય. ઓરડો ભેજ, અંધારા અને સડાની વાસથી ઉભરાઇ રહ્યો હોય. સવલી કમ્મરે હાથ દઇને ચારે તરફ ડર અને કુતુહલપૂર્વક જોઇ રહેતી. અહીં તેને કાનમાં સંભળાતા અવાજો બંધ થઇ જતાં. તે અવશપણે, ધીમા ડગલે બારી પાસે જાય અને હળવેથી બારી ખોલી નાંખે. બારી ખોલતા જ એક સમચોરસ પ્રકાશપૂંજ બારીમાંથી રેલાઇને દરવાજામાંથી પથરાતા અજવાસ સાથે હળવેથી ભળી જાય. સવલીની ભીતર પણ કંઇક આવો જ અજવાસ રેલાતો, પણ તે અજવાસ અંદરને અંદર એકલો જ રહી જતો. તેને હંમેશા લાગતું કે બારીમાંનો સમચોરસ પ્રકાશપૂંજ ઓરડાની અંદરની મૃત:પ્રાય હવાને ઓગાળી રહ્યો છે. સવલી સ્વગત જ બારીને ઉદ્દેશીને બોલતી, “બાઇ . . . તારે આશરે તો જન્મારો કાઢવાની હામ મળે સે, અને તું મને ગમ છ ઇમાં તો મારો સવારથ સે, પણ બાઇ તને હું સવારથ સે તે મને આમ બરક સ ? તને બઉ ચંત્યા રે સે ને મારી ? જો આ દન રાત્યના ઢસરડા કરીને લાગેલો થાક પણ આ તારા અમરતથી જ ઉડે સે. શરીરનો થાક તો બાઇ રાત્યે હુઇ જાઇ, તો હવારે ઉડી જાય, પણ આ મનખાનો થાક તો તારા વગર કોણ ઉતારે ? તારા આ ચોરસ ચાંદરડામાં બેહું ને તો જાણે પાછી હોળ વરહની થઇ ગઇ હોવ ને એવું લાગે “.

***

સવલી આજે સાવ નિરાશ બનીને બારીએ બેઠી હતી. તેની આંખો બહાર ચાલી રહેલી ગતિવીધિઓ ને જોઇ રહી હતી. પણ સવલીને આજે ક્યાંય ગમતું નહોતું. આજે મિતુડાને મારવો પડ્યો, તેની ચોપડીઓ ફેંકી દીધી, ન બોલવાના વેણ બોલાઇ ગયા. સવલી બારી પાસે બેઠી બેઠી બારી બહાર જોઇ રહી હતી, પણ તેની બહાર તાંકી રહેલી આંખો ખરેખર તો અંદર જોઇ રહી હતી. ભુતકાળના એક પછી એક પડળો વટાવતી વટાવતી એ ક્યાંય ઉંડાણમાં ગરકાવ થઇ ગઇ.

***

નાનકડો મિતુડો સ્કુલેથી આવીને બારી પાસે બેઠેલી એની માંના ગળામાં લટકી પડ્યો અને બોલ્યો. “માં, તું નવરી થા એટલે બારી સામે જ કેમ બેઠી રે છ ?” પત્યું સવલીની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા અને “તું ય ઇ જ પ્રશ્નો કર, લે લેતો જા . . .” અને મિતુડાને એક બે લપડાકો અને ત્રણ ચાર ધબ્બા મારી દીધા. થોડી વારે એને હોશ આવ્યા. આંખના અંગારા પર રાખ ફરી વળી. સવલીને ધીમે ધીમે ભાન થયું કે પોતે શું કરી બેઠી હતી. બે ત્રણ ઊંડા ઊંડા શ્વાસ લીધા. માંનુ આવું કાળઝાળ સ્વરૂપ જોઇને ડઘાઇને ઘરના ખુણામાં છૂપાઇને રડી રહેલા મિતુડાને તેણે બોલાવ્યો, “આંય આય, મારો દિકરો સે ને ?” રડતા રડતા મિતુડાએ થોડા ડર અને થોડા આશ્ચર્ય સાથે સવલી સામે જોયું. મિતુડાનો અચકાટ પામી ગયેલી સવલી બોલી “આયાં આય, મારી પાહે”. મિતુડો અચકાતો અચકાતો સવલી પાસે ગયો. સવલીએ તેના માથામાં હાથ ફેરવ્યો. અચાનક તેના અંતરમનમાં ઝણઝણાટી થઇ, થોડું સુખ અને વધુ તો પીડા. કોઇની ગેરહાજરીનો ખાલીપો તેની અંદર ફેલાવા લાગ્યો. થોડી વાર તો તેને પોતાને પણ કંઇ સમજાયું નહીં એટલે તેણે મિતુડાને ખોળામાં લીધો. તેના માથે હાથ ફેરવતા ફેરવતા બોલી “મારા દિકરાને બઉ વાગ્યું ? હવે કોઇ દિ નૈ મારૂ હો ! તું ઓલું અંગ્રેજીમાં શું કે છ ? આયમ છોલી, તો હુંય છોલી, મારા બચ્ચા” ! અને મિતુડો એની માંને વળગી પડ્યો. મિતુડાને બાથ ભરતા જ સવલીની આંખ ભરાઇ આવી. અંદર ધરબી રાખેલ આક્રોશ અને લાચારી, તેની આંખમાંથી અશ્રુ બનીને વહી રહ્યા. આંસુથી તેની દૃષ્ટી ઝાંખી થઇ ગઇ હતી પણ તેની અંદરની આંખો તો ક્યાંયની ક્યાંય જોઇ રહી હતી. જાણે સંજય દૃષ્ટિ . . .

***

જ્ઞાતિના રિવાજો મુજબ સવલી લગ્નનાં કેટલાંય વર્ષો બાદ આણું વાળીને સાસરે આવી હતી. ગામડામાં અને ગરીબ ઘરમાં સંકડામણમાં ઊછરેલી સવલીના નામે ઓળખતી સવિતા, પોતાની પરણિત બહેનપણીઓ પાસેથી લગ્નજીવનની સાંભળેલી વાતો આંખમાં આંજીને સ્વપ્નોની દુનિયાને જીવવા, પોતાના કરતાં “ખાધેપીધે” સુખી એવા સાસરે આવી હતી. પોતાના પતિને જોઇને વારે વારે લાજી મરતી સવલીની આંખોમાં ભાવી સુખોનો દરીયો હિલ્લોળા લઇ રહ્યો હતો. સઘળા કામ બને એટલી ઝડપથી આટોપતી સવલીને તેની જ ઉંમરની નણંદે રસોડામાં વડિલોની ગેરહાજરીમાં કોણી મારીને હસતા હસતા કહ્યું પણ ખરૂ “ભાભી, ગમે એટલું જલ્દી કામ કરશોને તોય રાતે અગિયાર પેલ્લા ભેળા થઇ હકવાના નથી હોં ! જોવો, પેલા પરથમ તો ઘરનું વાળુ પાણી જ રાત્યે દહ વાગે પતશે. પછી કામ પતાવી લેહો, તોય મારા ભાઇ ઇમના ભાઇબંધો પાહેથી સાડા અગિયાર પેલ્લા તો પાછા નઇ જ આવે ! ધીરજ રાખો, આટલા વરહ કાઢ્યા તો થોડા કલ્લાક માં હું લૂંટાઇ જાય છે ?”. શરમથી લાલ થઇ ગયેલી સવલી વ્હાલથી પોતાની નણંદને ધબ્બો મારવા ગઇ પણ બરાબર એ જ વખતે સવલીની “જબરી” ગણાતી સાસુએ રસોડામાં પગ મુક્યો. નણંદ આંખો ઉછાળતી અને છાના છાના અંગુઠો દેખાડતી નાસી ગઇ.

***

સવલીને એનો પતિ ઘણી વાર કહેતો “તું નવરી પડીને બારીએ જ બેઠી રે છો”. જો આ ગામમાં આપણી શાખ મોટી સે, ઇ તને ખબર સે ને ? તું આયા બારી પાસે જ બેઠી હો ને તો ગામ લોક વાતુ કરે “મોટાભાઇની વઉ બારીએ જ બેઠી હોય છે”. આ ગામમાં કોઇની તાકાત છે કે આપણા ઘરની સામે નજર ઉપાડીને ય જોવે ? બાપુની ધાક તને હજી ક્યાં ખબર છે ? સવલીના પતિના શબ્દો ધીમે ધીમે સવલીને સંભળાતા બંધ થઇ જતાં અને માત્ર તેના ફફડતા હોઠ જ દેખાતા. તેની નજર સામે મોડી રાતે ઘોર અંધારામાં ‘મોટાભાઇ’ના ઓરડામાંથી ચુપચાપ ગમાણ તરફ જઇ રહેલો, અને ત્યાં રાહ જોઇ રહેલા એક બીજા ઓળાના આગોષમાં સમાઇ જતો ઓળો તરવરી રહ્યો. એને બરોબર યાદ હતું કે થાકનો ડોળ કરીને સુઇ ગયેલા, નસકોરા બોલાવતા પોતાના પતિને ઢંઢોળીને ઉઠાડવાના વ્યર્થ પ્રયત્નો કરી જોયા હતાં, પણ કાયમની જેમ એ નહોતા ઊઠ્યા. કાંઇકતો બીક અને થોડી જિજ્ઞાસાની મારી સવલી જાગતી રહી હતી. મોડી રાતે દબાતે પગલે ઘરમાં પાછા ફરી રહેલા ઓળાને સવલીએ દબાતે અવાજે પડકાર્યો “કુણ સ ન્યાં?” ઓળો બોલ્યો “મુઇ તનેય મારી જેમ ઉંઘ નથ આવતી લાગતી. હુઇ જા છાનીમુની. આ તો ગમાઇણ દીમનો થોડોક સંચળ થયો, તી મને થ્યુ કે લાય જોઇ આવું”, અને સવલીની સાસુ સવલીના મનમાં અનેક પ્રશ્નો અને ધમસાણ છોડીને પોતાના ઓરડામાં જતી રહી. સવલીની આંખો સામે જ બીજો ઓળો નેળિયામાં સરકી ગયો, છતાં પણ, બધું જ જોઇ રહેલી સવલીને કંઇ પણ દેખાયુ નહોતું ! ઓરડામાં ભેજ, અંધારા અને સડાની વાસ તિવ્ર બની.

***

સવલી અને તેની બહેનપણીસમી નણંદ ગામના તળાવના કપડા ધોવાના ઓવારે મેલા કપડાં ધોતા હતાં. કપડાને સાબુ લગાવીને ધોકા મારવા માટે નણંદને કપડાં આપતી જતી સવલીએ કપડાનો એક ડુચો સંતાડ્યો. ચકોર નણંદ બોલી “ભાભી, તું ગમે એટલું હંતાડ, પણ મને ખબર સે તુ હું સંતાડ છ. બાઇ હવે આવા કપડા ધોવા નો પડે ઇમ કાંઇક કર ને તો હારૂ”. સવલી શરમ અને પીડાના મિશ્ર ભાવ સાથે પોતાની નણંદ સામે અકીટશે જોઇ રહી. નણંદના હાથમાંથી ધોકો ઝુંટવીને, નીચુ જોઇને ઝનૂનપૂર્વક ગાભાને ધોકાવવા માંડી ! પોતાને જ સંભળાય એમ બોલી, “મારે ય સુટવું સ આ બધી માથાકુટમાંથી, પણ તારા ભાઇને થાક કેટલો લાગે સે ? ઇમને જો થાક લાગતો બંધ થાય ને, તો મારે આ ગાભા ધોતા ધોતા હાથ નો દુખાડવા પડે. મનેય થોડો શોખ સે બાઇ ?”

***

ભણી-ગણીને મોટો અધિકારી બની ગયેલો સવલીના પતિનો બાળગોઠીયો શહેરથી આવ્યો હતો. હમણાં એની સાથે જ રાતે મોડા સુધી ફર્યા કરતા સવલીના પતિને, ઘરે આવે ત્યારે સવલી ક્યારની સુઇ ગઇ હોય એટલે “હાલો હુઇ જાઇ ? આજે તો બઉ થાક લાઇગો છ” નો જાપ રટવો પડતો નહોતો ! સવલી સામેના ખાલી ખોરડામાં સુઇ રહેતા એના પતિના મિત્રને ચા અને નાસ્તો આપવા જતી. એ રોજ મોડો ઉઠતો. સવલી ઘરના મોટા ભાગના કામ આટોપી લઇને પછી એના માટે ચા અને નાસ્તો લઇને જતી. એ હજુ સુતો હોય અને સવલી એને “અફસર સાયેબ, ઉઠો જોઉ . . . હવે તો નળીયા ય સોનાના થ્યા . . .”” એવા ટહુકા સાથે ઉઠાડતી. એ રોજ કહેતો “ભાભી તમે બધાને આવી મિઠાશથી જ ઉઠાડો છો ?” સવલી શરૂઆતમાં તો શરમાઇ જતી. પણ પછી ધીમે ધીમે તેની અંદર પણ એક બારી ખુલવા લાગી અને એક સમચોરસ ચાંદરણું બીજા અજવાસમાં ભળી જવા તેના અસ્તિત્વમાં રેલાવા લાગ્યું. એણે જવાબ આપ્યો કે “એમ અમારે ઉઠાડ્યે બધા ઊઠી જતા હોત તો તો જોઇયે હું બીજું ?” એ ઉઠીને કોગળા કરીને ચા પીવા બેસે તે દરમિયાન સવલી બધું ઝાપટઝુપટ કરીને છેલ્લે પથારી ઝાપટતી હતી. ગાદલા ઉપર ચાદર સરખી રીતે પાથરવાની મથામણ કરી રહી હતી, પણ ચાદર સરખી પથરાતી નહોતી. અચાનક સવલીને લાગ્યું કે કોઇ તેની બરાબર પાછળ, સાવ લગોલગ ઉભુ રહી ગયું છે. તેની પાછળથી બે ભરાવદાર કાંડા તેના પંજા સુધી લંબાયા અને ચાર હાથે હવામાં ફેલાઇને ચાદર સરખી રીતે ગાદલા ઉપર ફેલાઇ ગઇ. સાથોસાથ સવલીને પણ ચાદરની માફક પથરાઇ જવાનું મન થયું. બારીનો સમચોરસ પ્રકાશપૂંજ બારીમાંથી રેલાઇને દરવાજામાંથી સરકી આવતા અજવાસ સાથે ભળી ગયો.

***

ધીમે ધીમે ચા-નાસ્તા કરાવીને પરત આવવાનો સવલીનો સમય લંબાતો ગયો. લંબાતા જતા સમયને સવલીની સાસુ જેમ જેમ માપતી ગઇ તેમ તેમ તેની અવળચંડાઇ વધતી ગઇ. એક વાર તો એવું થયું કે પુરૂષો બધા વાડીએ હતા અને સવલી ફળીયાના ચુલા ઉપર બપોરાના રોટલા ઘડતી હતી. બહારથી સવલીની સાસુ એની ભેંસને લાકડીએ મારતી મારતી “ઘરના પાડાથી તો ભાગતી ફર સ, ને ઓલા કાંટીયા વરણના પાડામાં હું ભાળી ગૈ તી ? વેતર બગાડવું લાગે સે તારે?” એવુ બબડતી બબડતી, ભેંસને ગમાણ તરફ ઢસડવા પ્રયત્ન કરતી હતી. સુનકાર આંખે આ બધું જોઇ રહેલી સવલીને લાગ્યું કે જાણે કોઇ જીવડું તેના કાનમાં ગણગણાટ કરે છે, તેણે પોતાની ટચલી આંગળી કાનમાં નાંખીને જોર જોરથી હલાવી. ગમાણ તરફ જઇ રહેલી સાસુ અને ભેંસને પાછળથી તાંકી રહેલી સવલીના હોઠ ઉપર પ્રથમ તો આછુ તિરછું સ્મિત ઉભરી આવ્યું અને તરત જ મક્કમ પણે બન્ને હોઠ ખેંચાઇને તંગ બન્યા અને તેણે પેટ પરનું કાપડું થોડું ઢીલુ કર્યું.

***

રોજ રોજ મિતુડાના બાપુનો સ્વભાવ બગડતો જાતો હતો. હવે તો મિતુડો ચાર પગે ચાલતો થયો હતો એટલે ચારે તરફ દોડા દોડી કરી મુકતો. તે દિવસે મિતુડાના બાપુ ઘરે હતાં. સવલીએ એમને કહ્યું કે “તમે જો મિતુડાનું ઘડીક ધ્યાન રાખો ને, તો એટલી વારમાં હું એક બાજુ શાક વઘારીને, બીજી બાજુ રોટલા ઘડવાની તૈયારી કરું, ને ઝટ દૈને તમને ખાવા બેહાડી દઉ”. આટલું કહેતાં સવલી મિતુડાને એના બાપુ પાસે મુકીને કામે ચડી. મિતુડો ચાર પગે ચાલતો ચાલતો પરસાળની ધારે પહોંચી ગયો. મિતુડાના બાપુ મિતુડા સામે એકીટશે જોઇ રહેલા, પણ મિતુડાને પડતો અટકાવવા તેમણે સહેજ પણ પ્રયત્ન ન કર્યો. મિતુડો જાણે તેમને દેખાતો જ નહોતો. આ જોઇને સવલીની આંખો ફાટી ગઇ, એ ચિસ પાડીને દોડી ‘એ જોઇ હુ રહ્યા છો ? પકડો નકર પડી જાહે આઘડી. . .’ પણ સવલી પહોંચે તે પહેલા તો મિતુડો પરસાળની ધારેથી નીચે પછડાયો અને તેનું માથું અફળાયુ ફળીયામાં. ભેંકડા તાણતા મિતુડાને ખોળામાં લઇ, તેને છાનો રાખવા માટે તેનું પેટ ભરાવવા લાગેલી સવલી બબડવા માંડી “એક નો એક સોકરો સે, કાંક થૈ ગ્યુ હોત તો ? જોવો તો ખરા ઇના માથા ઉપર કેવડુ ઢીમડુ થૈ ગ્યુ છ ? કોકના સોકરાવને તો રમતા હોય તોય રોકતા ફરો સો, ને પોતાના ને ?”. સવલીનો બબડાટ સાંભળી રહેલા તેના ધણીની આંખોમાં ધીમે ધીમે શુન્યતા છવાતી ગઇ. એ કંઇ પણ બોલ્યા વગર ઉઠ્યો અને ઓસરીની ધારે બેસીને મિતુડાનું પેટ ભરાવતી સવલીને પીઠમાં કચકચાવીને એક લાત મારી. સવલી મિતુડા સાથે નીચે ફળીયામાં પડી. તેની અંદરથી એક ચીસ નીકળી, મોં વિકરાળ થઇ ગયું, મોઢામાંથી થુંક ઉડે એટલા ઝનૂનથી જમીન પર પડી પડી જ બોલી, “બાપ થ્યો તો ખરો, પણ બાપ બનતા તો શીખ ! આમ મારા ઉપર ખાલી ખાલી જોર દેખાડ્યે શું વળશે ? તારાથી બીજુ થાહે પણ હું? હાળા થાકલ . . ” સવલીને બીજી લાત મારવા ઉઠાવેલો તેનો પગ હવામાં જ થીજી ગયો. સવલીનો ધણી, મારવા માટે હવામાં ઉપાડેલા એ જ પગથી સવલીને કુદીને ખડકી બહાર નિકળી ગયો. સવલી આંખોમાંથી ધીમે ધીમે ઉતરી રહેલા લોહીની લાલાશની આરપાર, ભાંગેલા પગે જઇ રહેલા મિતુડાના બાપના આકારને નાનો અને નાનો થતો જતો જોઇ રહી.


~ ધર્મેન્દ્ર ત્રિવેદી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.