વાર્તા – માલતી ( લેખક – જ્યોતિ ભટ્ટ)

વાર્તા – માલતી


પપ્પાને પગે લાગતાં મારી આંખો ચૂઇ પડી. પપ્પાએ વહાલથી મારી હડપચી ઊંચી કરી મને છાતી સરસી ચાંપી અને કહ્યુ – બેટા ! આ નવા જમાનામાં પણ તું તો એની એ જ રહી. શા માટે આમ રોજ રોજ મને પગે લાગે છે ? તારી મમ્મી પણ આમ જ મને રોજ પગે લાગી તેનો દિવસ શરૂ કરતી. તું પણ આમ રોજ… પણ શા માટે દીકરા ?

હું શું કહું પપ્પાને ? તેમને કેમ કરી સમજાવું કે મારી મમ્મીએ મને નાનપણથી જ આ શીખવેલું. તે હંમેશ મને કહેતી કે તારા પપ્પા તો દેવતા છે, દેવતા. તેમના જેવો દેવપુરુષ તો જગતમાં દીવો લઈને શોધવા જઇએ ને તો ય ના મળે.

નાનપણમાં મને આમ વાત બીલકુલ ન સમજાતી પણ હા, હું જોઈ શકતી કે પપ્પાની વાત કરતાં કરતાં મમ્મીની ગરદન ગર્વથી ઊંચી થાય છે. બાકી દેવતા અને મનુષ્ય વચ્ચેનો ભેદ સમજવા જેટલી એ સમયે તો મારી ઉંમર જ નહોતી.

જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ મમ્મીના કહેવા પર વિચારતી થઈ. મને ખરે જ એવું લાગતું કે પપ્પા તો પપ્પા જ છે. મારી સાદી સીધી મમ્મી માટે પપ્પાને અનહદ પ્રેમ હતો. મમ્મીની દરેક ઇચ્છા પપ્પા જરુર પુરી કરતાં. મારા મમ્મી પપ્પા સાથે હું ખુશ હતી, અનહદ ખુશ. મમ્મી પપ્પાનો પ્રેમ પણ અદભૂત હતો, પતિ પત્ની કરતાં તેઓ મિત્ર વધારે હતા. તેમની વચ્ચેની નિખાલસતા અને પરસ્પરનું તાદાત્મ્ય મને સમય જતાં સમજાવા લાગ્યું હતું.

મને યાદ છે, હું ખૂબ નાની હતી. લગભગ સાતેક વર્ષની, ત્યારે મારા ઘરે એક ભાઇ આવેલા. આમ તો હું તેમને છેલ્લા બે એક વર્ષથી ઓળખતી, મારા કાકાના તે મિત્ર હોવાના નાતે હું તેમને પણ કાકા જ કહેતી. મારી મમ્મી સાથે તે કાકાને ખૂબ બનતું, અલબત્ત મારા પપ્પા સાથે પણ તેમને એટલું જ બનતું, પણ મમ્મી સાથે થોડુંક વધારે બનતું. એકવાર મારા પપ્પાની ગેરહાજરીમાં અચાનક જ તે કાકા મારા ઘરે આવી ચડ્યા. હું તો ખુશ ખુશ થઈ ગઈ. કાકા હતા જ એટલા પ્રેમાળ કે તેમને જોઈને ખુશ થવાય જ.

એ દિવસે મારી મમ્મી સાથે તેમણે ખૂબ વાતો કરી. હું તો મારા લેશનમાં જ મશગૂલ હતી, પણ પછી કાકાને જવા માટે ઊભા થતા જોઇને મારું ધ્યાન અનાયાસ જ તેમના પર પડ્યું. મમ્મી તેમને કંઈક કહેતી હતી. લાગતું હતું કે બંને વચ્ચે કોઇ ગંભીર વાત થઇ રહી છે ને મમ્મીના શબ્દો સંભળાયા, લો પાણી પીઓને જરા શાંત થાઓ. દુઃખ તો કોને નથી હોતું ? અને ઇચ્છેલું બધું બધાને થોડું મળે છે ? કાકાએ મમ્મીના હાથમાંથી ગ્લાસ લઇ તેમાંથી પાણી પીધું અને રવાના થયા.

તેમના ગયા પછી મમ્મી થોડી ગંભીર બની ગઈ. મને કહે ‘દીકરા ! કોઇનેય જોઇને અતિશય ખુશ નહીં થવાનું, સમજી ? મને ન સમજાઇ મમ્મીની આ વાત. મામા આવતાં ક્યારેક ફોઇ ફૂઆ કે દાદા દાદી આવતા, ક્યારેક કાકા કાકી કે માસા માસી આવતા ત્યારે તો મમ્મી પોતે જ કેટલી બધી ખુશ થઈ જતી ! તો પછી આ કાકા આવે ત્યારે મમ્મી ખુશ કેમ નહીં થતી હોય ? પોતે તો ખુશ ન થાય તો કંઈ નહી, પણ મારેય ખુશ નહીં થવાનું ? એવું કેમ ? શા માટે ?

બાલસહજ નિર્લેપતાથી મારાથી બોલાઇ જવાયું ‘જો તું ના પાડીશને તો હું તો મારા પપ્પાને જ કહી દઇશ.’

મમ્મીએ હળવા બની જઇ આંખના ખૂણે આવીને અટકી જતા આંસુને પોતાના જમણા હાથની તર્જનીથી લૂછીને કહ્યુ ‘અરે ગાંડી તારા પપ્પા તો દેવતા છે દેવતા. તારા પપ્પા જેવું તો આ દુનિયામાં કોઈ હોઇજ ન શકે.’

એ સમયે તો હું માત્ર એટલું જ સમજી શકી હતી, કે મમ્મીને મન પપ્પા કોઈ મોટું માણસ છે.

પેલા કાકા અવારનવાર આવતા. મમ્મીને કંઈકને કંઈક કહેતા વિના પણ મમ્મી કંઇપણ જવાબ આપ્યા વગર મૂંગી બેસી રહેતી. કાકા થોડીવાર બેસીને પાછા ઉદાસ ચહેરે ચાલ્યા જતા. ઘણીવાર તે પપ્પાને ય કહેતા સંભળાતા – હું તો જડ માણસ છું.

પપ્પા કહેતા – ‘જગતમાં એકલું જડ થયે ન ચાલે. ‘
‘લાગણી રાખીને ય શું ફાયદો?’
‘જડતા એ જિંદગી નથી.’
‘મને પથ્થર બની જીવવું જ ગમે છે.’

અને કાકા જાય પછી પપ્પા મમ્મીને સમજાવતા – ‘માલતી તું પણ જડ થઇશ ?’
‘મને ખોટી લાગણી રાખવી ગમતી જ નથી.’
‘કોઇની જડતા તારા સહવાસથી દૂર થતી હોય તો શું વાંધો?’
‘મારે તો તમે છો એ જ પૂરતુ છે.’
‘માલતી ! જડતા માણસને ચેનથી જીવવા નથી દેતી એ જાણું છું, એટલે જ કહું છું કે તું ઉગારી લે એને. એની લાગણીઓને આમ ઠેબે ન ચડાવ.’

‘મને મકરંદ પ્રત્યે લાગણી જરુર છે, પણ તમે કહો છો તેવી હદ બહારની લાગણી હું નહીં રાખી શકું.’
‘એ તારા પ્રત્યે ઢળ્યો છે એની મને જાણ છે, પણ તું સાચવી લે એને. ચેતનવંતા બનતા માણસને વધુ જડતા તરફ નહિ દોર.’

‘તમને બે હાથ જોડી વિનંતિ કરું છું. મારાથી આ કામ નહી થાય. મારે તો તમારી જ છાયા બની જીવવું છે, ને તમારી જ છાયામાં મરવું છે.’

હું પંદર વર્ષની થઈ ત્યાં સુધી તો આવું કંઇક કંઈક સાંભળતી રહી. મને માત્ર એટલું જ સમજાયું કે પ્રેમાળ લાગતા મકરંદ કાકાને મારી મમ્મી બહુ જ ગમે છે. પણ એમ તો મમ્મી મનેય ગમે છે, પપ્પાનેય ગમે છે -અમેય મમ્મીને ગમીએ છીએ, તો પછી મકરંદ કાકા મમ્મીને કેમ નહીં ગમતા હોય ?

આમને આમ બીજા બે એક વર્ષ નીકળી ગયા. મને હવે ઘણીખરી સમજ પડવા માંડી હતી. કાકા ઘણીવાર આવતા. પપ્પાના કહેવાથી મમ્મી તેમની સાથે બહાર જતી, અને થોડીવાર પછી મકરંદ કાકા મમ્મીને મૂકી જતા. મમ્મી ઘરે આવીને ખૂબ રડતી. ઉદાસને ગમગીન બની જતી, પણ મનેતો એટલું જ સમજાતું કે મમ્મી તો હતી તેવીને તેવી જ છે – કોમળ, મૃદુ અને મમતાભરી.

એકદિવસ… એક દિવસ કાકા અને મમ્મી બહાર ગયા… ખાસ્સી વાર થવા છતા મમ્મી ન આવી. પણ. પપ્પાનું તો રુંવાડુંય ન ફરકે. આમને આમ આખો દિવસ વીતી ગયો. મારી બેચેની સતત વધવા લાગી. રોજ થોડીવારમાં જ પાછી ફરતી મમ્મી, કેમ હજુય નહીં આવી હોય ? પપ્પા પણ હવે તો બેચેન બની ઘડી ઘડી દરવાજો ખોલી બહાર રસ્તા પર નજર નાખતા હતા, અકળાયેલા લાગતા હતા.

અચાનક જ એક જીપ આવી અમારા દરવાજા પર ઊભી રહી. તેમાંથી એક પોલીસ અધિકારી ઉતર્યા, આવીને લાગલું જ પૂછ્યું – મિસ્ટર સત્ય રાયબહાદુર વર્મા તમે ? પપ્પા તો પોલીસ જોઇને જ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા, તેમાં આ પ્રશ્ન ! તેમણે હકારમાં ડોક હલાવી, એક નેહા સમજાય તેવી ફાળ તેમના હૈયે પડી હતી તેવી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. પેલા અધિકારીએ પોતાના ખિસ્સામાંથી એક વિઝિટીંગ કાર્ડ કાઢી પપ્પાના હાથમાં આપ્યું – જે પપ્પા નું જ હતું.

એ અધિકારીએ કહ્યુ ‘દૂર નરોડા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો – જેમાં બે વ્યક્તિ સખત રીતે ઘવાઈ હતી. સ્થળ તપાસ કરતાં એવું લાગે છે કે સ્કૂટર સાથે કોઈ ટ્રક અથડાઇ હશે, અને બંનેને અડફેટે ચડાવી ચાલી ગઈ હશે. આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં દૂર ફંગોળાયેલ એક લેડીઝ પર્સ મળી આવ્યું, જેમાંથી આપનું સરનામુ મળી આવતા અમે આપને મળવા આવ્યા. હા જે કોઇ હતા તેઓને સરકારી દવાખાને પહોંચાડયા છે, પણ કદાચ…’

હું પણ હવે નાની તો નહોતી જ. પપ્પાને વળગી હું ખૂબ રડી. પપ્પાએ પણ સજળ આંખે મને છાતી સરસી ચાંપી અને મારી પીઠ થપથપાવી. જાણે મને દિલાસો આપતા ન હોય, કહો કે ખુદ દિલાસો ખોજતા હોય. પપ્પાના એ સ્પર્શઅમાં હતી માત્ર પારાવાર વેદના ને તેમની આંખોની ભીનાશમાં હતું એક ન સમજાય તેવું અકળાવનારું મૌન.

પછી તો દવાખાનું, પોસ્ટમોર્ટમ, અને લોહીથી ખરડાયેલ લાશ. અરેરાટી નીકળી ગઈ મારા મોંમાંથી. મમ્મીની કપાયેલી, ચૂંથાયેલી લોહીથી લથબથ લાશનો કબજો મેળવી ગણ્યા ગાંઠ્યા સગા સંબંધીઓની હાજરીમાં પપ્પાએ મમ્મીનો અગ્નિસંસ્કાર કર્યો, અને પછી મકરંદ કાકાને પણ પપ્પાએ જ અગ્નિદાહ દીધો.

આ બનાવ પછી પપ્પા કંઈક કંઈક બબડતા રહેતા અને અચાનક મને જોઈને ચૂપ થઈ જતા. એકવાર તો મેં પપ્પાને મારી સદગત મમ્મીના ફોટા સામે ઊભા રહીને બબડતા પણ સાંભળ્યા – ‘માલતી ! તું કહેતી હતી કે હું દેવતા છું. પણ મારું દૈવત્વ જ તને મારી પાસેથી છીનવી ગયું. શું તને મારી જરાપણ દયા ન આવી, કે મને આમ અધવચ્ચે જ એકલો છોડીને તું ચાલી નીકળી ? મને આમ રઝળતો મુકી તું કેમ ચાલી ગઇ ?’

ધીરે ધીરે અમે બાપ – દીકરીએ પરસ્પરના સહારે જીવતાં શીખી લીધું. આજે આ ઉંમરે સમજાય છે બધું. હા બધું જ, સમજવા લાગી છું હવે. મને મારા પિતાના દૈવત્વ માટે લગીરેય શંકા નથી. મારી સ્વર્ગસ્થ માતા માટેય ખૂબ અનુકંપાની લાગણી જન્મે છે. ન ચાહવા છતાંય ચાહવુંને મન પર પથ્થર રાખીને કોઇ અન્ય માટે જીવવું, એ પણ એક પ્રકારની દેવતાઇ જ છે ને !

મકરંદ કાકાની જડતા પાછળ છુપાયેલી કોમળતા પણ હવે સમજાય છે, અને પપ્પાને પગે લાગતાં લાગતાં જ મમ્મીની યાદ આંસુ બની ટપકે છે, મારી આંખમાંથી….

~ જ્યોતિ ભટ્ટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.