સરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…

આઇડીબીઆઇ દુ:સાહસ – એલઆઈસીનો વીમો ઉતારવો પડશે

એક ખતરનાક ખેલ ચાલુ થયો છે. આર્થિક બાબતોના નિષ્ણાતો સોઈ ઝાટકીને કહે છે કે, દેવામાં ડૂબેલ આઈડીબીઆઈ બેંકને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને ખરીદવી ન જોઈએ, કારણ છે તેમની પાસે એમ કહેવાના. જેમાનું એક કારણ છે કે, આ દેશના અતિ સામાન્યથી અતિ ધનાઢ્ય લોકોનાં વીમા પ્રીમીયમ તેમાં રોકાયેલા છે, તેને જોખમમાં મુકવાથી એલઆઈસીની હાલત કફોડી થઇ જવાની પૂરી શક્યતા છે અને આ બાબત એવા સંજોગોમાં આકાર લઇ રહી છે, જ્યારે એલઆઈસી તેનું એક્સપોઝર સ્ટોક માર્કેટમાં ગુમાવી રહી છે. સમય સારો નથી તેમ, જો આ પગલું ભરાયું તો સારો સમય એલઆઈસી માટે રહેવાનો નથી. કારણ કે નાગરિકોના પ્રીમિયમના નાણા આર્થિક ખાધ ઘટાડવામાં વાપરી શકાય નહિ.

એલઆઈસીમાં પણ ૨૦૧૮નાં નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં નોન-પરફોર્મિંગ એસેટ્સનું પ્રમાણ ગયા વર્ષના ૪.૭૩ ટકાથી વધીને ૬.૨૩ ટકા પર પહોચ્યું છે એ સારા સંકેત કે સ્થિતિ ન કહેવાય. શંકાસ્પદ લેણાનું પ્રમાણ ગયા વર્ષના રૂ. ૧૪,૦૮૪.૯૦ કરોડથી વધીને આ વર્ષે રૂ. ૨૦,૫૧૩ કરોડનું થયું છે. જો આઈડીબીઆઈનો ૫૧ ટકા હિસ્સો ખરીદવામાં આવે તો વીમા કંપની વધુ દબાણ હેઠળ આવી જાય.

એલઆઈસી પર વીમાધારકોની શ્રદ્ધાપૂર્ણ નજર રહે છે. પ્રતિવર્ષ લોકો એલઆઈસીમાં વધુ ને વધુ રોકાણો કરે છે, એવી તેની આકર્ષક યોજનાઓ અને રોકાણો પર વળતર લોકો મેળવે છે. ૨૦૧૮ના નાણાકીય વર્ષમાં એલઆઈસીએ રૂ. ૩.૧૮ લાખ કરોડનાં પ્રીમિયમની રકમ મેળવી છે. બેલેન્સશીટ ૧૦.૪ ટકાથી કુદકો મારીને રૂ. ૨૭.૯ લાખ કરોડ ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ પુરા થતા વર્ષે બતાવે છે.

બીજી તરફ આઈડીબીઆઈ બેંકની એનપીએ માટેની જોગવાઈઓમાં ૭૭.૯ ટકાનો વધારો થયો છે, જે ગયા નાણાકીય વર્ષના અંતે રૂ. ૬,૦૫૪.૩૯ કરોડની હતી એ આ વર્ષે રૂ. ૧૦,૭૭૩.૩૦ કરોડ પર પહોચી છે. જાણકારોનો એવો અંદાઝ છે કે, એલઆઈસીએ ૮ થી ૧૦ હાજર કરોડ આઈડીબીઆઈમાં નાખવા પડશે.

હવે જો હજારો કરોડ રૂપિયા રોકવા છતાં આઈડીબીઆઈ બેંકની હાલતમાં સુધારો ન થાય તો પોલીસીધારકોએ એલઆઈસીમાં જમા કરાવેલી પ્રીમિયમની રકમ ડૂબી જ ગઈ ગણાય. તો, પછી વીમા કંપની પોલીસીધારકોએ વિવિધ યોજનાઓ હેઠળ જમા કરાવેલા નાણા કઈ રીતે પાછા આપશે…?

આ જ બાબતની ચિંતા નાણા મંત્રાલયે કરવાની છે, કોઈ બેંકની સ્થિતિ સુધારવા એલઆઈસીનો ભોગ ન લેવાય એ ખાસ જોવાનું રહે. એલઆઈસીમાં જેટલો સરકારનો હિસ્સો છે, તેનાથી અનેક ઘણો દેશની પ્રજાનો છે.

એલઆઈસી, એ બેંકને ખરીદશે એવા અહેવાલ આવતાની સાથે બેંકના શેરોમાં ઉછાળો આવ્યો છે. જો એલઆઈસી અત્યારે ૫૧ ટકા શેર ખરીદે તો તેણે હાલના બજાર ભાવે શેર ખરીદવાપડે. તો, તે કદાચ તેર હાજર કરોડ પર પહોચે. બેંકની હાલત તો અત્યંત ખરાબ છે. તેની તો કુલ લોન્સના ૨૮ ટકા બેડ લોન્સ છે અને અન્ય ૩૦ ટકા શંકાસ્પદ પોર્ટફોલિયો છે. ટૂંકમાં બેંક પાસે રૂ. ૫૫,૮૬૬ કરોડ રૂપિયાની ખરાબ અસ્કયામતો છે. સરકાર જાહેરક્ષેત્રની બેંકોને સંભાળવામાં નિષ્ફળ ગઈ છે, તેનો આથી વિશેષ બીજો પુરાવો કયો હોઈ શકે…?

એટલે જ, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયશને રાષ્ટ્રપતિને, એલઆઈસી અને આઈડીબીઆઈ બેંક વચ્ચેની ડીલ રોકવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ બંધારણીય રુએ દેશની સંપત્તિના કસ્ટોડીયન છે, જેમાં પબ્લિક સેક્ટર, અંડરટેકિંગ્સ અને જાહેરક્ષેત્રણી બેંકોનો પણ સમાવેશ થાય છે.

દરેક બેંકમાં સરકાર ૫૧ ટકા હિસ્સો ધરાવે છે, તો પછી આઈડીબીઆઈમાં પોતાનું શેરહોલ્ડીંગ કેમ ઘટાડવા ઈચ્છે છે…? પોતાની સ્થિતિ સુધારવા એલઆઈસીનો ભોગ લેવો એ આત્મઘાતી પુરવાર થવાની શક્યતા છે. આઈડીબીઆઈ સહીત તમામ જાહેરક્ષેત્રની બેંકોએ પબ્લિક માર્કેટમાંથી કેપિટલ ઉભી કરવાની રહે છે. બેડ લોન્સ રીકવર કરવાની બેંકોની અગ્રતાક્રમની ફરજ છે તેવી યંત્રણા ઉભી કરાવી જરૂરી છે, પણ તાજેતરમાં સુધારવામાં આવેલા કાયદાઓ લોન લેનારને વધારે સગવડદાયક છે, બેંકો માટે નહી. સરકાર એલઆઈસી ડીલ રોકશે નહિ તો ૨૦૧૯ણી ચૂંટણીમાં સહન કરવું પડે તેવી શક્યતા નકારી શકાતી નથી.

~ કિશોર વ્યાસ
( વરિષ્ઠ પત્રકાર – મુંબઈ સમાચાર )

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.