કોરો કાગળ ( પ્રકરણ – ૧૧ )

બંને ધર્મના લોકો હથિયારો સાથે પરસ્પર લડવા માટે સામસામે આવી ગયા છે, એવી માહિતી મળતા તરત જ રાઠોડે ગીરધરને મદદ માટે પોલીસચોકી તરફ દોડાવ્યો હતો. કારણકે એની સાથે જે કોઈ નાની એવી ટુકડી હતી, એ એટલા મોટા ટોળાને કાબુમાં રાખી શકવા માટે અસમર્થ હતી.

ગીરધરને સ્ટેશન તરફ જવા માટેના ટૂંકા રસ્તે ભગાવી મૂકી… રાઠોડ, દેસાઈ અને અન્ય થોડા કોન્સ્ટેબલ સાથે પોલીસ જીપમાં ગોઠવાયો હતો. પણ જ્યારથી તેણે મઝહબીની સ્યુસાઈડ નોટમાં પોતાનું નામ વાંચ્યું હતું ત્યારથી જ એને ચૈન પડતું ન હતું….. કારણકે સામાન્ય રીતે કોઈની સ્યુસાઈડ નોટમાં જે તે અન્ય વ્યક્તિનું નામ હોવું એ તેના આપઘાત માટે જવાબદાર માનવામાં આવતું હોય છે…!

ગાડી પુરઝડપે ગામના ચોક તરફ આગળ વધી રહી હતી, પણ રાઠોડને એ ગતી પણ અંત્યત ધીરી લાગી રહી હતી !

આખરે મન ન માનતા તેણે એ કાગળ ખોલીને વાંચવા માંડ્યો,
“રીસ્પેકટેડ ઇન્સ્પેકટર રાઠોડ”, પહેલી લાઈનમાં તેના જ નામનું સંબોધન કરેલ હતું. આગળ લખેલ હતું,

“શું થયું સર…? તમારું નામ વાંચીને ચોંકી ગયા ને…! પણ મને ખબર જ હતી કે મેં આ કાગળ જ્યાં છુપાવ્યો છે, ત્યાં સુધી તમારા સિવાય અન્ય કોઈ નહીં જ પંહોચી શકે..!”

વાક્ય વાંચતા રાઠોડને તમ્મર આવવા માંડ્યા. તેની આંખો સામે મઝહબીનો ચેહરો તરવરી રહ્યો, એણે એ વાક્યો એમ લખ્યા હતા, જાણે એ રાઠોડ સાથે જીવંત વાત કરી રહી હોય…! અને એનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ હતી કે એ છોકરીને એટલો કોન્ફિડન્સ હતો એ એની સ્યુસાઇડ નોટ રાઠોડના હાથમાં જ આવશે…!

“જો તમે આ પત્ર વાંચી રહ્યા છો, તો એનો એક અર્થ એ થાય કે મારી ગણતરીઓ સાચી પડી છે ! હું ધારું છું ત્યાં સુધી, હમણાં સુધીમાં ધરમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ તમારા હાથમાં આવી ચુક્યો હશે, અને તમે કડીઓ ગોઠવતા ગોઠવતા મારા ઘર સુધી પણ ધસી આવ્યા હશો…! પણ ત્યાં તમને શું મળ્યું…? વધુ એક સરપ્રાઈઝ…! તો સર કેવું લાગ્યું તમને એ સરપ્રાઈઝ…?”

રાઠોડની આંખોમાં ગુસ્સો તરી આવ્યો, ઘડીભર તો તેને કાગળનો ડૂચો વાળીને ઘા કરી દેવાનું મન થઇ આવ્યું, પણ તેણે આગળ વાંચવું ચાલુ રાખ્યું…

“મને પુરેપુરો વિશ્વાસ છે કે, તમે હજી પણ ધરમ મર્ડર કેસની મિસ્ટ્રી સોલ્વ નહિ કરી શક્યા હોવ…! સો નાવ લેટ મી હેલ્પ યુ…! જાણવું છે તમારે ધરમ કઈ રીતે મર્યો…?

હા, એ હું તમને જણાવી શકું છું… કારણકે મેં જ ધરમનું મર્ડર કર્યું છે…! અલબત્ત એ તેણે જાતે કર્યું હોવાથી આત્મહત્યા ગણી શકાય, પણ કોઈને આત્મહત્યા કરવા બદલ પ્રેરવું પણ તો મર્ડર જ છે ને…!”

રાઠોડ જેમ જેમ વાંચતો જતો હતો તેમ તેમ મુંજાતો જતો હતો… ક્યારેક તેને મઝહબીની ચાલાકી, તેના આત્મવીશ્વાસ માટે માન થતું તો બીજી જ ક્ષણે મઝહબી તેના માનસપટ પર એક ખૂની તરીકે ઉભરી આવતી !

“આ મર્ડર મેં શા માટે કર્યું એ હું તમને નહીં સમજાવી શકું… કારણકે એની માટે પ્રેમમાં પડવું જરૂરી છે, ખૈર આ બધી વાતો મારે કહેવી પણ નથી… કારણકે જે હું કરવા માંગતી હતી એ હું કરી ચુકી છું…!

તો ચાલો હવે હું તમને એ પણ જણાવી જ દઉં કે આ મર્ડર થયું કઈ રીતે ! તમને યાદ તો હશે જ કે ગઈકાલે રાત્રે હું ધરમને મળવા આવી હતી. મને એની પણ ખાતરી હતી કે તમે મને અને ધરમને મળવા નહિ જ દો… માટે જ હું જોડે એક કાગળ લખીને લાવી હતી…!

હા… જે કાગળની માટે તમે અમને નવલકથાના પાત્રોમાં ખપાવીને મજાક કરી હતી, એ જ કાગળથી મેં આખી બાજી પલટી હતી. કારણકે એ કાગળ કોરો નહોતો…!

ભલે તમે તર્ક કરશો જ કે તમે ખુદ એ કાગળ લેડી કોન્સ્ટેબલ પાસે ખોલાવ્યો હતો, પણ કદાચ કાલે અલ્લાહની પણ એ જ રજામંદી હતી કે હું મારા કામને અંજામ આપું… અને માટે જ એ લેડી કોન્સ્ટેબલને ત્યારે જ બગાસું આવ્યું અને મારા સદનસીબે તેણે બીજી જ ક્ષણે કાગળ વાળીને મૂકી દીધો…!

હા, એ કાગળ કોરો નહોતો જ…! પણ હું એટલી પણ મુર્ખ નથી કે ધરમ સુધી મારો આખરી સંદેશો બધા વાંચી શકે એ રીતે પંહોચાડુ ! મને એ પણ ખાતરી હતી કે તમે એ કાગળ ખોલાવ્યા વિના રહો નહી… પણ ત્યારે જ મારું નસીબ જોર કરી ગયું, અને ધરમની મોતનું કારણ તમારી આંખ સામેથી પસાર થયું અને તમે માત્ર જોતા રહી ગયા.

મેં એ કાગળ મીણબત્તીથી લખ્યો હતો, જેને વાંચવા માટેની પણ એક આગવી પદ્ધતિ છે… એ માટે કાગળને આગ પરથી ધીરેથી પસાર કરવાનો અને પછી બસ…, એમાં લખેલા શબ્દો જીવંત થઇ ઉઠે ! અને એ કાગળને તમે જ્યાં સુધી ધ્યાનથી ન જુઓ ત્યાં સુધી કંઈ અંદાજો પણ આવે નહિ…!”

અને રાઠોડની આંખો સામે મઝહબીની બાથરૂમના ફરશ પર પડેલા મીણબત્તીના ટુકડા અને કાગળના કટકા તરી આવ્યા. તેણે સ્ટેપલર મેળવ્યા બાદ એ તરફ ખાસ ધ્યાન આપ્યું ન હતું, કારણ કે એ ધ્યાન આપવા જેવી બાબત જ ન લાગી !

“… અને હું જયારે લોકઅપ તરફ ધસી હતી ત્યારે જ મેં લોકઅપની બહાર સળગતી મીણબત્તીઓ જોઈ હતી, જે કદાચ તમે દિવાળીના શકન તરીકે કરાવી હોવી જોઈએ…! અને એ જોયા બાદ મારો કોન્ફિડન્સ ઔર વધ્યો હતો… અલબત્ત એ મીણબત્તીઓ ન હોત તો પણ ધરમ મારો ઈશારો સમજીને ગમે ત્યાંથી જ્યોતનો જુગાડ કરી શકત અથવા તો ધ્યાનથી આંગળીઓ ફેરવીને મારા સંદેશાના એ ચાર વાક્યો વાંચી જ શકત !

કારણકે તમે સાચું જ કહ્યું હતું કે અમે બંને નવલકથાના પાત્રો જેવા જ હતા, માટે જ તો અમે આજના સમયમાં પણ એકબીજાને પ્રેમપત્રો લખતા રેહતા હતા. અને એવા પત્રો હું તો ધરમને સરળતાથી લખી શકતી, પણ મને ઘરે કોઈ તકલીફ ન પડે એવી ગોઠવણ કરવા માટે એ અવારનવાર મને આવા મીણથી લખેલા કાગળ આપતો જેથી કરી અમારી પત્રોની આપ લે પણ ચાલુ રહે અને પકડાઈ જવાનો ભય પણ ઘટી જાય !”

આ વિજ્ઞાનનો એક સામાન્ય પ્રયોગ માત્ર હતો… પણ એનો ઉપયોગ મઝહબીએ જ્યાં અને જેવી રીતે કર્યો હતો એ રાઠોડની ક્લ્પ્નામાં પણ નહોતું આવ્યું !

“… અને હવે હું તમને એ ફોડ પાડું કે એ કાગળમાં મેં મીણથી શું લખ્યું હતું… એમાં ન કોઈ મસમોટું લખાણ હતું કે ન કોઈ ચોખવટ ! તેમાં લખેલા ચાર પાંચ વાક્યો અક્ષરસહ નીચે મુજબ છે.

-ધરમ, હું જાણું છું કે તું આ કાગળ વાંચી શકે છે. મેં આ કાગળની સાથે જે પરબીડિયું મોકલાવ્યું છે એની પર લગાવેલ પીનો ઝેરી છે, જે તારે આજે રાત્રે ગળી જવાની છે, અને જોડે આ કાગળ પણ ! અને કદાચ એવું પણ બને કે તારા સુધી માત્ર આ કાગળ જ પંહોચાડવામાં આવે, તો ત્યારે તારે સેલની દીવાલ પર માથું ફોડીને અથવા અન્ય કોઈ પણ રીતે આજે આત્મહત્યા કરવાની જ છે. અને હું પણ આજે રાત્રે આત્મહત્યા કરવા જઈ રહી છું. કેમ? શા માટે? એ તને આ કાગળમાં સમજાવી શકવા અસમર્થ છું… પણ જો તને તારી મઝહબી પર સહેજ પણ વિશ્વાસ હોય તો મેં જેમ કહ્યું તેમ કરજે…! હવે આપણું અહીં મળવું તો શક્ય નથી જ, જલ્દીથી ઉપર મુલાકાત થશે. આમીન. લી.મઝહબી !”

રાઠોડ પોતાની આંખે વાંચેલા શબ્દો પર વિશ્વાસ કરવા તૈયાર ન હતો, તેણે લગભગ ચારથી પાંચ વાર એ વાક્યો ફરી ફરીને વાંચ્યા…! બાજુમાં બેઠો દેસાઈ રાઠોડના ચેહરાના બદલાતા હાવભાવ જોઈ રહ્યો હતો, તેને એટલી તો ખબર હતી કે એ કાગળ મઝહબીની સ્યુસાઈડ નોટ હતી, પણ એમાં એટલું તો શું અગત્યનું હતું કે રાઠોડ એને હમણાંને હમણાં વાંચવા ઉતાવળો થયો હતો, એ તેને સમજાતું ન હતું….! તેણે રાઠોડના કામમાં ખલેલ ન પંહોચાડી, અને રાઠોડે પણ આગળ વાંચવું ચાલુ રાખ્યું….!

“એ પીનો ક્યાંથી અને કઈ રીતે આવી એ તપાસ સુધી તો કદાચ તમે જાતે જ પંહોચી ચુક્યા હશો… પણ હવે તમને એક પ્રશ્ન એ પણ થશે જ કે, જો મેં ધરમને કાગળ ગળી જવાનું કહ્યું હતું તો એ વાત અહીં ઉલ્લેખવાની શું જરૂર…! પણ એ પાછળ કદાચ મારામાં હજી સુધી રહેલી માનવતા જ ગણી લો…! ધરમને કાગળ ગળી જવાનું મેં એટલા માટે કહ્યું કે જેથી કરી કેસ જ પૂરેપૂરો ગૂંચવાઈ જાય…! પણ ઘરે આવ્યા બાદ મને લાગ્યું કે અમારે જે કરવું હતું એ થશે જ, તો પછી શા માટે મારે બીજો માટે તકલીફો ઉભી કરવી…! માટે જ મેં આ સ્યુસાઈડ નોટ લખવાનું નક્કી કર્યું, જેથી કરી તમે આ કેસ સોલ્વ કરી શકો..!

હું એ પણ જાણું છું કે પૂરતા સબુત ન મેળવી શકવાની કારણે કદાચ વાત કોર્ટ સુધી પણ જાય, અને એમાં તમારે ઇન્વોલ્વ થવાનું પણ આવશે જ… અને કદાચ તમારી નોકરી પણ જોખમમાં મુકાય ! માટે જ મેં આ નોટ લખવાનું હિતાવહ માન્યું… આ નોટ તમે કોર્ટમાં સબુત તરીકે રજુ કરી શકો માટે જ હું આ કન્ફેસ કરી રહી છું કે,

મેં આ કાગળ પુરા હોશોહવાશમાં અને કોઈના પણ દબાણમાં આવ્યા વિના લખી રહી છું. અને હું એ વાત પણ કબૂલુ છું કે ધરમના મર્ડર પાછળ હું જ જવાબદાર હતી, અને એ માટેનું સમ્પૂર્ણ પ્લાનિંગ કોઈ પણ અન્યના દબાણમાં આવ્યા વિના કરવામાં આવ્યું હતું. ધરમના મર્ડરની સંપૂર્ણ ગુનેગાર હું જ છું. અને મારી આત્મહત્યા માટે પણ હું કોઈને દોશ નથી આપી રહી. ઇન્સ્પેકટર રાઠોડ, તેમનો સ્ટાફ, તેમજ મારા તેમજ ધરમના પરિવારના દરેક સદસ્યોને અમારા બંનેના અંત સાથે કોઈ લેવા દેવા નથી…! લી. મઝહબી.

ક્ષણભર તો રાઠોડે પણ હાશકારો અનુભવ્યો… કારણકે મઝહબીના હસ્તાક્ષરોમાં લખેલ એ કાગળ એક મજબુત સબુત કહી જ શકાય… અને એણે પોતે રાઠોડને નિર્દોષ ગણાવી તેની પર બહુ મોટો ઉપકાર કર્યો હતો…!
મઝહબીએ આગળ લખ્યું હતું,
“સર તમને આશ્ચર્ય એ વાતનું પણ હશે કે શા માટે મેં આવું ડગલું ભર્યું, પણ મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. હું એ પણ જાણું છું કે આત્મહત્યા જેટલુ મોટું પાપ છે, એટલો જ મોટો કાયદાકીય ગુનો પણ છે…! અને હું માનું પણ છું કે હું ગુનેગાર છું…! તો શું આ બધા લોકોની માનસિકતા ગુનેગાર નથી…? એ પણ બે બે મર્ડર માટે !!

“એન્ડ યુ નો વ્હોટ સર…, આ કાગળ લખતાં લખતાં મને એક વિચાર આવ્યો હતો… મારી આખરી ઈચ્છા જેવું જ ગણી લો ને…! કે મને અને ધરમને સાથે અગ્નિદાહ મળે, અથવા તો અમને બાજુ બાજુની કબરમાં દફનાવવામાં આવે…! પણ પછી લાગ્યું કે તમારી સમક્ષ એ વ્યક્ત કરવાનો પણ કોઈ અર્થ નથી જ… કારણકે તમે લોકો ફરી પોતપોતાના ધર્મની વિધિઓ માટે લડી પડશે, અને અમે ઠેરના ઠેર રહી જઈશું !

અને એક વાતનો હવે મને પણ અહેસાસ થાય છે, કે આ આખા કેસમાં ભૂલ તમારી કોઈની ન હતી, ભૂલ તો માત્ર અમારા બંનેની હતી ! અમે જ મુર્ખ હતા જે ગામ લોકોની દયા ખાઈને પાછા ફર્યા હતાં… પણ તમે લોકો ક્યાં સુધરવાના જ છો ! અને હવે જયારે અમે બંને આ દુનિયામાં જ નથી રહ્યા ત્યારે પણ તમે લોકો અમારા નામ લઈને લડી જ મરશો !

ખૈર અજાણતામાં જ હું મારી આખરી ઈચ્છા આપ સમક્ષ વ્યક્ત કરી ચુકી છું, જો શક્ય હોય તો…, અન્યથા હવે અમને તમારી કોઈ પાસેથી કોઈ ફરિયાદ નથી, કારણકે અમે અમારો રસ્તો જાતે બનાવી લીધો છે…!

તમને અને તમારા આ સમાજને જૂની વિચારસરણી વાળું નવું વર્ષ મુબારક !
અસ્તુ. લી. મઝહબી

મઝહબીના એ છેલ્લા શબ્દો માત્ર શબ્દો નહોતા, ચાબુક હતા… અને એ ચાબુકના પ્રહારથી અજાણતા જ રાઠોડની આંખો વહેવા માંડી હતી. એના એ શબ્દોમાં કેટલાય દિવસોથી અંદર જ ધરબાઈને રહી ગયેલો રોષ સાફ વર્તાતો હતો. એના એટલા ગુસ્સા, અણગમા અને નફરત બાદ પણ એ રાઠોડ માટે ખુદાએ મોકલેલા ફરિશ્તાઓ જેવું કામ કરી ગઈ હતી. જો તેણે આ નોટ ન લખી હોત તો કેસનો ઉકેલ આવવો તો બાજુ પર રહ્યો હોત, એ પહેલા રાઠોડને નોકરીથી હાથ ધોવો પડત, અને બોનસમાં અપમાન થતું એ તો અલગ !

હજી રાઠોડ આવા વિચારોમાંથી બહાર આવે ત્યાં જ અચાનક જીપગાડીને જોરદાર બ્રેક મારીને રોકવામાં આવી, અને એક ઝાટકા સાથે રાઠોડના વિચારો શાંત થઇ ગયા.

જીપગાડીના કાચમાંથી બે કોમો સામસામે લડવા માટે ઉભેલી દેખાઈ રહી હતી, જેને પોલીસ ફોર્સે અથાગ પ્રયત્નો કરતા રહી લાકડાની ઢાલ જેવા સાધનથી એકબીજા જોડે લડતા અટકાવવા મથી રહ્યા હતા. એ ફોર્સ રાઠોડના ઉપરી અધિકારીએ મોકલી હતી, જે ગીરધર સ્ટેશન પર મદદ માંગવા પંહોચે એ પહેલા જ ચોકમાં આવી ચડી હતી.

રાઠોડની જીપ ત્યાં આવેલ જોઈ એક કોન્ટેબલ તેની પાસે દોડી આવ્યો, અને તેને ઝડપથી નીચે ઉતરી પરિસ્થિતિ કાબુમાં લેવા માટે એક્શન લેવા જણાવ્યું. એમની ફોર્સ પાસે પૂરતા સાધનો પણ હતા, પણ જ્યાં સુધી રાઠોડનો આદેશ ન મળે ત્યાં સુધી એમના હાથ બંધાયેલા હતા…! પણ રાઠોડ તો કોઈક અલગ જ વિશ્વમાં ભમી રહ્યો હતો, તેના મનમાં તો હજી પણ મઝહબીના શબ્દોના શૂળ ખૂંચી રહ્યા હતા, જાણે મઝહબી તેની સામે ઉભા રહી રાઠોડ પર હસી રહી ન હોય !

તેની આંખો હજી પણ પાણીથી ભીની હતી, એ જોઈ દેસાઈએ તેને ખભાથી પકડી ઝંઝોળવા માંડ્યો, “રાઠોડ, ગો એન્ડ ડુ યોર જોબ રાઠોડ…!”, કહેતાં તેણે જીપનું બારણું ખોલી રાઠોડને હળવેકથી ધક્કો મારી બહાર કાઢવા માંડ્યો.

રાઠોડને એકાએક ભાન આવ્યું હોય તેમ એ સાચવીને નીચે ઉતર્યો, અને અંદર બેઠા દેસાઈને હાથમાં એ કાગળ સોંપી પોતાની પિસ્તોલ પર હાથ મુકતા બોલ્યો, “દેસાઈ જે પહેલા થયું એ હવે ફરી નહિ થાય…, ચોક્કસ નહીં જ થાય ! હવે હું મઝહબી-ધરમની આખરી ઈચ્છા પૂરી કરાવીને જ જંપીશ…!”, દેસાઈ એને આશ્ચર્યથી જોઈ રહ્યો, એણે એક ક્ષણ પહેલા જ રાઠોડની આંખમાં આંસુ જોયા હતા, અને હમણાં એની બદલે તેમાં લોહી તરી આવ્યું હોય એમ તેની આંખો ગુસ્સાથી તગતગી રહી હતી…!

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |

2 thoughts on “કોરો કાગળ ( પ્રકરણ – ૧૧ )”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.