કોરો કાગળ ( પ્રકરણ – ૫ )

ગીરધરના ગયા બાદ, ધરમ મઝહબીએ મોકલાવેલ કાગળ ખોલી ક્યાંય સુધી તેની તરફ તાકીને બેસી રહ્યો, અને અમસ્તો જ તેના ભૂતકાળના દરિયાની લહેરોમાં વહેતો રહ્યો !

મઝહબી સાથેની મુલાકતોથી માંડી તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ તેની આંખો સામેથી ફિલ્મની રીલની માફક પસાર થતી રહી.

મઝહબીનો ચેહરો જાણે તેની લગોલગ હોય એમ આંખો સામે તરવરી રહ્યો… અદ્લ એમ જ જેમ પહેલી મુલાકાત દરમ્યાન તેણે તેનો ચેહરો પોતાની લગોલગ જોયો હતો !

આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા તેમની પહેલી મુલાકાત થઇ હતી. એ દિવસ તેમનો ધોરણ અગ્યારના સાયન્સના ‘બી ગ્રુપ’ નો પહેલો વર્ગ હતો. અને ચાલુ તાસમાં કંઇક એવી ઘટના બની હતી કે ધરમ એક મુસ્લિમ છોકરા સાથે લડવા પર ઉતરી આવ્યો હતો. પણ શીક્ષકની હાજરીને કારણે એ વાત ત્યાં જ પતી હતી. પણ રીસેસ દરમ્યાન વાત વધુ વણસી હતી, અને છેક મારામારી સુધી પંહોચી આવી હતી !

અને ત્યારે હાથાપાઈ કરી રહેલ ધરમ અને એ છોકરાની વચ્ચે મઝહબી રીતસરની ત્રાટકી હતી. અને ત્યારે ધરમે એને પહેલી વખત જોઈ હતી… પોતાના ચેહરાની તદ્દન લગોલગ ! અને એ ઘડીએ બુરખામાંથી દેખાતી આંખો માત્રથી એ અંજાયો હતો. એ દિવસે એ મુલાકાત માત્ર ત્યાં સુધી જ સીમિત રહી હતી.

પણ એની અસર મઝહબીના માનસ પર થઇ હતી…. એના મનમાં ધરમ માટે એક ટપોરી છાપ ઈમેજ ઉભી થઇ હતી.

જે ધરમના અસલ સ્વભાવથી તદ્દન વિપરીત વાત હતી ! એ તો કલાનો જીવડો હતો…. એ ભલો અને એનું ગીટાર ભલું ! પણ જયારે કંઇક ખોટું થતો જુએ ત્યારે અવાજ ઉઠાવ્યા વિના રહી ન શકતો…! અન્યથા એ બીજી બાબતોથી પોતાને દુર જ રાખતો ! દિવસરાત કોઈને કોઈ ધૂન બનાવી એની સાથે જ પ્રેમાલાપ કરતો રેહતો ! એનું તો એટલે સુધી કહેવું હતું કે ભણવું એ એની માટે માત્ર એક ફોર્માલીટીથી વિશેષ કશું જ નથી !

એમ તો એણે SSC બાદ સંગીતના શોખની કારણે બે વર્ષનો ડ્રોપ લઇ લીધેલ, પણ પાછળથી ઘરેથી ભણવાનું દબાણ વધતાં તેણે નાછુટકે સાયન્સ સ્ટ્રીમમાં એડમીશન લેવું પડ્યું હતું. પણ હજી પણ મનના એક અજાણ્યે ખૂણે તેને ભય રેહતો કે, ભણતરના દબાણમાં ક્યાંક એની અંદરનો કલાકાર ન મરી પરવારે !

પણ એની કિસ્મતમાં કંઇક અલગ જ લખાયું હતું… એ ભણ્યો હતો. અને માત્ર ભણ્યો એટલું જ નહિ… એણે જે મેળવ્યું એનાથી એણે ઓળખતા દરેકને મોઢામાં આંગળા નંખાવી દીધા હતા. અને એનું કારણ માત્ર મઝહબી હતી !

એ પહેલી મુલાકાત બાદ મઝહબી સાથે તેને પરિચય વધારવાની ઈચ્છા થઇ હતી. પણ એણે તો મનમાં ધરમ વિષે કંઇક અવળી જ ગાંઠ વાળી લીધી હતી. પણ ધીરે ધીરે એ ગાંઠ ઢીલી થતી ગઈ અને આખરે છુટી પણ ગઈ ! અને એનું કારણ ધરમનો અન્યો સાથેનો સરળ સ્વભાવ ! પણ એ દરમ્યાન પણ એ જયારે ખોટું થતાં જોતો કે તરત અવાજ ઉઠાવતો, અને એની એ સ્કીલ તરફ મઝહબી પણ આકર્ષાઈ હતી ! આખરે બંનેનો પરિચય વધ્યો હતો, અને પરિચય દોસ્તીમાં પરિણમી હતી ! એક નિસ્વાર્થ દોસ્તી !

ધરમને હંમેશાથી લાગ્યા કરતું કે એ જે કહેવા માંગે છે, જે સમજાવવા માંગે છે, એ સામે વાળો ક્યારેય સમજી જ નથી શક્યો ! પણ મઝહબી એમાં અપવાદરૂપ સાબિત થઇ હતી ! ફાયનલી ધરમને કોઈ એવું મળ્યું હતું જે એને સમજતું હતું, એની અંદરના કલાકારને સમજતું હતું !

મઝહબી પણ ઈચ્છતી હતી કે તેનો આ દોસ્ત તેણે ગમતા ક્ષેત્રે આગળ વધે, પણ સાથોસાથ એ એ વાત પણ સમજતી હતી કે ભણતરનું પણ આગવું મહત્વ છે ! એ અવારનવાર ધરમણે ભણવા તરફ ધ્યાન દેવા પણ સમજાવતી રેહતી, અને ધરમ પણ એની વાત માનતો, અને હવે મન લગાવી ભણતો પણ ખરી !

પણ એ જર્નીમાં એવા પણ અનેક પોઈન્ટ આવ્યા હતા જ્યાં ધરમ લુઝ અપ કરવા પણ તૈયાર હતો… પણ એ દરેક પળે મઝહબી તેનું બેકબોન બનીને ઉભી રહી હતી. અને માત્ર એટલું જ નહીં, મઝહબી તેને નોટ્સ લખી આપવાથી માંડી, પ્રેક્લીક્લની જર્નલો પણ ભરી આપતી !

અને આમ જ મઝહબીના સાથ સહકારથી તેણે સાયન્સ પાસ કર્યું હતું. અને માત્ર પાસ કર્યું એટલું જ નહી, હોમિયોપેથીમાં મેરીટના જોરે એડમીશન મેળવ્યું હતું ! જે ધરમને ઓળખનારાઓ દરેક માટે એક અચરજથી ઉતરતી બાબત ન હતી ! સદનસીબે મઝહબીને પણ એ જ કોલેજમાં એડમીશન મળ્યું હતું. અને બંને આગળના વર્ષો પણ સાથે રેહ્વાના હતા !

ધોરણ 11ના પુરા થયા બાદથી તેમની દોસ્તીમાં પ્રેમ ભળવાનો શરુ થઇ ચુક્યો હતો. પણ બંનેમાંથી કોઈ પણ એ અકથ્ય લાગણીને બરાબર રીતે અનુભવી કે સ્વીકારી શકતું નહી ! પણ જયારે સ્કુલીંગ પત્યા બાદ અને કોલેજ શરુ થતાં પહેલાના સમયમાં બંને ભાગ્યે જ મળી શકતા, ત્યારે તેમને એ લાગણી ખુબ સારી રીતે અનુભવાઈ હતી ! અને બંને એ વાત સમજતા થયા હતા કે તેમની વચ્ચે દોસ્તીથી વિશેષ પણ કંઇક હતું ! પણ બંનેમાંથી પહેલું કોણ કબુલ કરશે એની રાહ જોવામાં જ તેમણે કોલેજના ત્રણ મહિના વિતાવી નાંખ્યા હતા !

કોલેજમાં પણ એમની વચ્ચે એવી જ દોસ્તી બરકરાર રહી હતી… અલબત્ત એમાં ઉમેરો થયો હતો, પ્રેમ નો !

કોલેજમાં આવ્યાના ત્રીજા મહીને મઝહબીની વર્ષગાંઠ હતી. અને એ દિવસે ધરમે મઝહબી સમક્ષ પોતાની લાગણીઓનો ઈઝહાર કર્યો હતો ! અને સામે મઝહબીએ પણ પોતાની લાગણીઓ કહી હતી. ધરમનો ઈઝહાર, એકરાર સુધી પંહોચ્યો હતો, જે ઘણા ઓછા લોકોના નસીબમાં હોય છે !

તેમની વચ્ચે હવે દોસ્તીથી વધીને પ્રેમ પણ હતો, અને બધું જ વ્યવસ્થિત ચાલતું હતું. પણ ત્યાં જ એક સમસ્યા આવીને ઉભી રહી ગઈ. મઝહબીને ડાયરી લખવાનો શોખ હતો, અને એ રોજનો નિત્યક્રમ એમાં ટપકાવતી રેહતી. અને એની ડાયરીના મોટાભાગના પાના તો ધરમના નામ અને ધરમની વાતોથી જ ભરાયેલા રેહતા ! અને એની વર્ષગાંઠના થોડા દિવસો બાદ ઓચિંતા જ તેની ડાયરી તેના ભાઈના હાથ લાગી હતી…. અને તેણે આદિથી અંત સુધી તેને વાંચી હતી, અને એ પણ મઝહબીની જાણ બહાર !

થોડા દિવસો તેણે કોલેજમાં અન્યો સાગરીતો દ્વારા મઝહબી પર નજર રખાવી હતી, અને વાતની ખાતરી થતાં, તરત જ મઝહબીને ઘર આખાની વચ્ચે પૂછ્યું હતું, “આ ધરમ કોણ છે ? અને તારો એની સાથે સંબંધ શું છે…?”

એના ભાઈજાનના મોઢેથી ધરમનું નામ સાંભળી ઘડીભર તો એ ચોંકી જ ઉઠી હતી, અને જે મિજાજમાં તેના ભાઈએ તેને પ્રશ્ન કર્યો હતો એ પરથી એણે એટલો તો અંદાજ લગાવ્યો જ હતો કે તેનો ભાઈ બધી હકીકતથી વાકેફ છે !

માટે તેણે આખી વાત સ્વીકારી હતી, અને કબુલ્યું હતું કે એ અને ધરમ એકબીજાના પ્રેમમાં છે !
અને એનું માત્ર એટલું જ કહેવું અને એમની મુસીબતોનું શરુ થવું ! મઝહબી નો ભાઈ પણ તદ્દન રૂઢીચુસ્ત વિચારસરણી ધરાવતો હતો. અને એ સાથે કેટલીક પોલીટીકલ પાર્ટીઓ સાથે પણ કોન્ટેક્ટ ધરાવતો. જેના કારણે તેની પાસે ઉંચી લાગવગો અને એના એરિયામાં એક પોતાની ધાક હતી ! અને એની પોતાની બહેન કોઈ અન્ય ધર્મના છોકરા સાથે પ્રેમમાં છે એ વાત એનાથી સહન ન થઇ શકી !
તેણે શરૂઆતમાં તો મઝહબીને ધરમથી દુર રેહવા માટે ચેતવી હતી. પણ બંનેને એકબીજા ના સાનિધ્ય વિના ચલાતું જ નહી. અને બીજી તરફ તેના ભાઈના સાગરીતો તેને પળપળની ખબર આપતા રેહતા !

આખરે તેના ભાઈએ ધરમને વચ્ચેથી હટાવવા પ્રયાસો કરવા માંડ્યા. શરૂઆતમાં એને સમજાવ્યો, ન માન્યો તો ધમકાવ્યો, અને છતાં પણ કામ ન બનતા આખરે માર પણ ખવડાવ્યો ! આમ તો ધરમ એવી કોઈ ખોટી વાત સહન ન જ કરતો… પણ અહીં સવાલ મઝહબી સાથે જોડાયેલ હતો. માટે તેણે એ માર પણ હસતા મોઢે ખાધો હતો ! અને એ ઘટના બાદ મઝહબીએ જ તેને મળવું ઓછું કર્યું હતું, પણ એનાથી પણ ધરમવિના રેહ્વાતું નહિ… માટે મુલાકાતો સાવ બંધ ન થતાં ઓછી થઇ ગઈ હતી !

આ ઘટનાઓથી જાણે તેના ભાઈનો અહમ ઘવાયો હતો, અને માટે તેણે મઝહબીની કોલેજ જ બંધ કરાવવાનું નક્કી કરી લીધું. અને માત્ર એટલું જ નહિ, એની માટે ઘર જોવું પણ શરુ કરાવી દીધું ! અને મઝહબીના માતાપિતાને પણ તેમ કરવું જ યોગ્ય લાગતા તેમણે પણ તેના ભાઈનો સાથ આપ્યો હતો.

અહીં મઝહબીએ કોલેજ આવવું બંધ કરી નાખ્યું, અને ધરમ વિહ્વળ થઇ ઉઠ્યો. પણ એનાથી કંઈ થઇ શકે તેમ ન હતું !

લગભગ એકાદ અઠવાડિયા બાદ મઝહબી એને કોલેજ બહાર મળવા આવી હતી, અને જણાવ્યું હતું કે થોડા જ સમયમાં તેના નિકાહ કરાવવામાં આવી રહ્યા છે. અને એ વાત ધરમ માટે કોઈ મોટા આઘાતથી ઓછી નહોતી !

અને એ પછી લગભગ બે દિવસના વિચારવિમર્શ કર્યા બાદ તેમણે એક નક્કર નિર્ણય લીધો હતો… ભાગી જવાનો ! એ સિવાય એમની પાસે અન્ય કોઈ રસ્તો ન હતો, અને કદાચ હોય તો એ ક્ષણે સુજતો નહોતો ! જીંદગીમાં એવી કેટલીય પરિસ્થિતિઓ આવે છે, જેમાં તમે જાણતા હોવ કે તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો, પણ એ ક્ષણે તમને એ ખોટો માર્ગ પણ સાચો માર્ગ લાગતો હોય છે ! એવું જ કંઇક આમની સાથે બન્યું હતું, તેમને આવું કંઈ પણ નહોતું કરવું, પણ છતાં કરી રહ્યા હતા. કારણકે એ સમયે એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો !

અને આખરે એ બંને ભાગી છુટ્યા હતા… સમાજના બંધનોથી, ધર્મની ઝંઝીરોથી…. પ્રેમના મુક્ત આકાશમાં ઉડવા !

પણ એ ઉડાન માત્ર થોડાક જ દિવસો પુરતી હતી. તેમને જગ્યા જગ્યાએથી તેમના ગામ વિષે જાણવા મળ્યું હતું કે એક હિન્દુ છોકરાએ મુસ્લિમ છોકરીને ભગાવી જતા ગામ આખામાં કોમી રમખાણો ફાટી નીકળ્યા છે, લોકો સામસામે પથ્થરમારો કરવા પર અને જગ્યા જગ્યાએ આગ લગાડવા પર ઉતરી આવ્યા છે…!

આવી બધી વાતો સાંભળવા માત્રથી જ બંને ધ્રુજી ઉઠ્યા હતા. તેમને તો માન્યામાં જ નહોતું આવતું કે તેમના પોતાના ગામના લોકો આવું પણ કંઈ કરી શકે છે ! તેમણે તો ગામના લોકોમાં પ્રેમાળ, ઉદાર સ્વભાવ અને ભોળપણું જોયું હતું, પણ આ તો હેવાનિયત હતી, ક્રુરતા હતી….!

અને જો બંને ધારત તો એ બધું જ અવગણી હજી પણ આગળ નીકળી જઈ શકતા, પણ બંનેએ પાછા ફરવાનું નક્કી કર્યું. કારણકે જે રીતની માહિતીઓ મળી હતી, એ હિસાબે જો એ લોકો પાછા ન ફરે તો એ લોકો ક્યાં જઈને અટકશે એ કલ્પી પણ ન શકાય. અન્ય પ્રેમીઓ અને તેમની વચ્ચે આ જ ફર્ક હતો, હવે એ તેમની મેચ્યોરીટી કહો કે મુર્ખામી, પણ બંને ગામમાં પાછા ફર્યા હતા !

અને જેવી તેમણે વિગતો મેળવી હતી, એની સરખામણીએ આંખે દેખેલ પરિસ્થિતિ ઔર પણ ભયંકર હતી. મઝહબીનો ભાઈ જે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલ હતો તેમની માટે આ ઘટના ચૂંટણી પ્રચારથી વિશેષ કંઇ જ હતી. અને મઝહબીનો ભાઈ પણ એમાં છેતરાયો હતો, અને પોતાની બહેનના પ્રેમનો તેણે ઉપયોગ કરી લેવાનું માન્યું !

અને એ પછી બે ધર્મના લોકોને ઉશ્કેરી સામસામે લડાવતા એટલી જ વાર લાગી, જેટલી એક તણખાને ફૂંક મારી આગ બનાવતા લાગે !

બંનેની પાછળ ગામ આખુ ભડાકે બળ્યું હતું, અને એ પણ એ લોકોની પોતાની સંકુચિત માનસિકતાની કારણે… પણ દોષનો બધો ટોપલો મઝહબી-ધરમ પર ઠલવાયો હતો !

એમના પાછા આવ્યા બાદ મઝહબીના ભાઈએ એને ઘરમાં જ નજરકેદ કરી હતી, અને ધરમ પર પોલીસ કેસ ઠોકી તેને અંદર કરાવ્યો હતો. અલબત્ત એમણે સહેજ ઉતાવળું પગલું ભર્યું હતું… ધરમને હજી 21મુ વર્ષ શરુ થવામાં પણ બે મહિનાની વાર હતી. પણ જો બંને લગ્નની લાયક ઉમર ધરાવતા હોત તો કોઈ માઈ નો લાલ તેમને પડકારી ન શક્યો હોત… બેશક ત્યારે પણ મઝહબીના ભાઈએ તો મુશ્કેલીઓ કરી જ હોત… પણ એ આટલી બધી તો ન જ થઇ હોત !

પણ હવે જે થવાનું હતું એ થઇ ચુક્યું હતું. મઝહબી પોતાના જ ઘરમાં નજરકેદ હતી, અને ધરમ આ લોકઅપમાં રઠોડની ખાતિરદારીનો અનુભવ કરી રહ્યો હતો. અને આજે જઈ તેણે મઝહબી તરફથી એક કાગળ મેળવ્યો હતો… કોરો કાગળ !

લોકઅપમાં રાઠોડે તેને ખુબ ભયાનક રીતે પીટ્યો હતો, એમાં ડયુટીની ફરજથી વિશેષ પોતાનો રૂઢીચુસ્ત સ્વભાવ તેને એમ કરવા પ્રેરી રહ્યો હતો. અને હમણાં મઝહબીને યાદ કરતા હમણાં તેની આંખો વહી રહી હતી, અને એ આંસુઓની ખારાશ તેના ચેહરા પરની ઈજાઓ પર જલન પેદા કરતી હતી !

થોડીવાર સુધી એ એમ જ મીણબત્તી તરફ તાકીને બેસી રહ્યો, જે હવે થોડી જ વારમાં બુઝાવા આવી હતી… એ બંનેના પ્રેમની જેમ !

***

બહાર ઓફીસ જેવા રૂમમાં રાઠોડ થોડીક ફાઈલો ઉથલાવતો બેઠો હતો. અને જોડે ગીરધર પણ તેની બાજુમાં ખુરશી નાંખી અમસ્તો જ તેને કંપની આપતો બેઠો હતો.

થોડીવારે લોકઅપ તરફથી કોઈની બુમ સંભળાઈ હતી. એ ધરમ હતો, જે પાણી માટે બુમો પડતો હતો. રાઠોડે ઇશારાથી ગિરધરને જઈ આવવા કહ્યું.

ધરમે ગીરધર પાસે પાણી માંગ્યું, અને તે એક ગ્લાસ ભરી લઇ આવ્યો. પણ તેણે વધારે પાણીની માંગણી કરી, અને ખૂણામાં પડેલી માટલી આપતા કહ્યું, “સાહેબ થોડુક વધારે પાણી જોઈએ છે, હું રાત્રે બહુ ખાસ જમ્યો નથી એટલે હમણાં પાણીથી જ ભૂખ સંતોષવી પડશે.”,

અને ગીરધર એ માટલી લઇ જઈ, ભરીને પછી લાવ્યો. એ તેની માં પાસેથી શીખ્યો હતો કે સામે વાળો ભલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ કેમ ન હોય, અને ભલેને પોતાનો દુશ્મન જ કેમ ન હોય, પણ કોઈને પાણી માટે ના તો ન જ પાડવી !

ધરમને પાણી આપી ગીરધર પાછો ઓફીસરૂમમાં આવી કામમાં જોડાયો.

***

એ રાત રાઠોડને થોડી વધારે ઝડપથી વીતી ચાલી હોય એમ લાગી હતી. સવાર પડવા આવી હતી, અને એ નવા વર્ષનો પહેલો દિવસ હતો, અને એ નવા વર્ષના પહેલા દિવસે એ ઘરે રહી શકવાનો હતો એનો તેના ચેહરા પર આનંદ વર્તાતો હતો. પણ નિયતિને કંઇક ઔર મંજુર હતું.

લોકઅપરૂમ તરફથી, ધરમની સેલની સામેની સેલમાંથી એક કેદી બુમો પડતો હતો,
“સાહેબ… ધરમને કંઇક થઇ ગયું છે ! જલ્દી આવો સાહેબ… જલ્દી…!”, ધરમના આવ્યા બાદથી એ દરરોજ સવારે તેને સ્મિત આપતો પણ આજે એ એમ જ સ્થિર પડી રહ્યો હતો, અને લાંબા સમય સુધી તેની તરફથી કોઈ હલનચલન ન થતા તેણે રાઠોડને બુમો પડી હતી. અને એ સાંભળી તરત જ રાઠોડ અને અન્ય કોન્સ્ટેબલો ધરમની સેલ તરફ ધસ્યા હતા.

***

સેલમાં જઈ બે કોન્સ્ટેબલોએ ધરમને સીધો ઉઠાડવા માટે ઢંઢોળ્યો, પણ એ તદ્દન સ્થિર પડી રહ્યો. કંઇક થડકાટ સાથે રાઠોડે જાતે તેની નાડી તપાસી અને પોતાની ઓફિસર કેપ ઉતારી મોતનો મજાલો પાડતા બોલ્યો, “હી ઇસ નો મોર…!!”

માત્ર એટલું સાંભળતા જ ગીરધરની આંખે પાણી તરી આવ્યું હતું. જે તેને ધરમ પ્રત્યે અનુભવાતા સંવેગોના કારણે હતું. પણ અહીં રાઠોડે તરત જ બીજું વાક્ય ઉચાર્યું હતું,

“ઇટ્સ અ મર્ડર…”, એ સ્વગત જ બોલતો હોય એમ બોલી ઉઠ્યો.
એના એ વાક્યનો અર્થ ગીરધરે કંઇક અલગ કાઢ્યો હતો, તેને એમ લાગ્યું હતું કે ‘તેના સાહબે ધરમને જે ઈજાઓ કરી છે તેના કારણે તે ગુજરી ગયો હોવો જોઈએ, અને હમણાં તેનો સાહેબ પસ્તાવાના સ્વરમાં પોતાની પર આક્ષેપ લગાવતા કહી રહ્યો હતો કે ઇટ્સ અ મર્ડર…!’

પણ રાઠોડના મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલતી હતી અને એની સોઈ એક જ વાત પર આવીને અટકી પડી,

“ઇટ્સ અ મર્ડર… ડેફીનેટલી ઇટ્સ અ મર્ડર…!”

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) |

7 thoughts on “કોરો કાગળ ( પ્રકરણ – ૫ )”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.