કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૯ )

કાંચીની વાતમાં જયારે ઇશાન નો ઉલ્લેખ આવ્યો, ત્યારે મને લાગ્યું હતું કે આ કહાની કાંચી-ઈશાનની પ્રેમ કથા બનશે ! પણ ઈશાનની મોતના સમાચાર સાંભળી હું જ હચમચી ગયો હતો…. પછી કાંચી ની તો હાલત કલ્પવી જ દુર રહી ! એટલી નાની ઉમરે એવો વજ્રાઘાત !

હું ચુપ બની બેસી રહ્યો, કાંચી પણ આગળ ન બોલી કે ન રડી !
બહાર સુરજ ડૂબી ચુક્યો હતો, અને રાતનું અંધારું ચારેય તરફ ફેલાઈ ચુક્યું હતું. હાઇવે પર પીળી લાઈટો ચમકી રહી હતી, અને રોડની બંને તરફ દેખાતી વનરાઈ, હમણાં કાળા અંધારામાં ભયાનક લાગી રહી હતી !

“કેમ શાંત થઇ ગયો….?”, એણે અચાનક પૂછ્યું.
“હેં… હા, કંઇ નહી, બસ એમ જ…”
“તારે એટલું પણ ગંભીર થવાની જરૂર નથી ! આ બધું મને વર્ષો પૂર્વે વીતી ચુક્યું છે… !”
“પણ વર્ષો વીતવા છતાં અમુક ઘાવ ની પીડા નથી ઓસરતી…”, હું બોલી ગયો. જે મારે કદાચ નહોતું બોલવું જોઈતું. કાંચી સ્વસ્થ થવા પ્રયાસ કરી રહી હતી, અને હું એને વધુ હતાશ કરી રહ્યો હતો.
“મારી પાસે એવા બીજા કેટલાય ઘાવ છે…”, કહી એ હસી.

જે વાતે મને અસ્વસ્થ કરી મુક્યો હતો, એ જ વાત માટે એ એટલી જ સ્વસ્થતા દર્શાવી શકતી હતી. કદાચ એ દરેક પરિસ્થિતિમાં સ્વસ્થ રહી જાણતી હતી !

“કાંચી, હવે હું ડ્રાઈવ કરી ને થાકી ગયો છું !”
“લાવ તો હું ચલાવું…”
“ના, મારો મતલબ, હવે આપણે કોઈ હોટલમાં રોકાઈ જઈએ તો સારું… ! રાતની મુસાફરી કરવા કરતાં, રાત રોકાઈ જવું સારું…”
“હા, એ તો છે…, આગળ કોઈ હોટલ આવે તો ત્યાં જ રોકાઈ જઈશું.” અને અમે બંને હાઇવે ની બંને તરફ હોટલની શોધમાં પડ્યા.

થોડીવારે એક સારી હોટલ જોઈ અમે ત્યાં ગાડી પાર્ક કરી. એ હોટલ, દેખાવમાં તો ઠીકઠાક જ લાગતી હતી. જમવા સાથે રેહવાની પણ વ્યવસ્થા હતી. હું રીસેપ્શન પર જઈ રૂમ ઈન્કવાયરીમાં લાગ્યો.
રીસેપ્શન પર એક સુંદર છોકરી બેઠી હતી. જે તેના ચેહરા પર એક બનાવટી સ્મિત ચિપકાવીને બેઠી હતી.

“એક રાત માટે એક રૂમનો ચાર્જ કેટલો થશે…?”, મેં પૂછ્યું.
“ઓન્લી 1000 સર….”, એણે કહ્યું. એટલામાં પાછળથી કાંચી મારી પાસે આવીને ઉભી રહી.
હું પેલી છોકરીને બે રૂમ માટે કેહવા જ જતો હતો, અને ત્યાં જ કાંચી બોલી…
“રૂમ મિસ્ટર એન્ડ મીસીસ. બેનર્જી ના નામ પર લેવાનો છે…!”
હું ફાટી આંખે એને જોઈ રહ્યો. એમાં આશ્ચર્ય સાથે એક પ્રશ્નાર્થ પણ હતો, કે ‘એક રૂમ શા માટે’ ?
અમને બંને ને જોઈ, પેલી છોકરી જરા લુચ્ચું હસી… અને પછી રજીસ્ટરમાં કંઇક એન્ટ્રી પાડી, અમારી સામે ચાવી ધરી.

“એન્ડ યસ… અમે ડીનર રૂમમાં લેવાનું પસંદ કરીશું. તો તમારે એટલી રૂમ સર્વિસ પૂરી પાડવી પડશે હોં… પ્લીઝ !”, કાંચીએ ઉમેર્યું.

“સ્યોર મેમ… એન્ડ હેવ અ ગુડ નાયટ…”, પેલી ફરી હસી. એનું હાસ્ય મને ખૂંચી રહ્યું હતું. એ કદાચ મને અને કાંચીને કપલ માનતી હતી… અને માને પણ કેમ નહી… કાંચી એ નામ પણ તો એવું લખાવ્યું હતું !

રૂમમાં પંહોચતા જ હું પલંગ પર ફેલાઈને પડ્યો, અને કાંચીને પૂછ્યું…
“આ એક રૂમ લેવાનું સમજાયું નહી…?”
“અરે, તું મને કોલકત્તા સુધી મુકવા આવે છે, એ શું ઓછુ છે !? અને હજી કેટલા ખોટા ખર્ચા કરાવવા…? અને એક રૂમમાં વાંધો પણ શું છે…?”
“ખરેખર કોઈ વાંધો નથી… !?”
“ના… મને તો કોઈ જ વાંધો નથી ! કારણકે તું તો નીચે જ સુવાનો છે… !”, એણે આંખ મારતા કહ્યું.
“હેં… !? કોણે કહ્યું હું નીચે સુઇશ એમ..?”
“તો શું, હું તને મારી જોડે પલંગ પર સુવવા દઈશ…?”, કહી એ હસવા માંડી.
“પણ હું જ કેમ… !?”, હું એને જોઈ રહ્યો. પણ આખરે મારે હાર તો માનવી જ રહી.
“ઓકે… ચાલ હવે જમવાનું ઓર્ડર કરી દઈએ… મને ભૂખ લાગી છે…”
“હા, એ તું કરી દે. હું શાવર લઈને આવું છું…”, કહી એ બાથરૂમમાં ચાલી ગઈ. અને ફરી થોડીવારે બહાર આવી અને બોલી, “… પણ મારી પાસે તો કપડા જ નથી..? હું શું પહેરીશ…?”, એની નાદાની પર હું હસી પડ્યો.

“હસીસ નહી…”
પણ હું મારું હસવું રોકી જ નહોતો શકતો.
એ મને હસતો રેહવા દઈ, હકથી મારા બેગને ખોલીને ફંફોળવા લાગી, અને એક ચડ્ડો, અને ટી-શર્ટ કાઢીને બોલી, “પરફેક્ટ… આ મારા કામનું છે… !”

“અરે પણ એ તો મારે રાત્રે પહેરવા જોઇશે…”
“તું કંઇક બીજું પહેરી લેજે…”, કહી એ બાથરૂમમાં ભરાઈ ગઈ.
હું એની નાદાની જોઈ વિચારમાં સરી ગયો. કોઈ આટલું સાહજિક પણ કઈ રીતે હોઈ શકે…?
મેં જમવાનો ઓર્ડર આપ્યો. અને પલંગમાં પહોળો થયો.

થોડીવારે કાંચી, એના ભીના વાળ સુકવતા બહાર આવી. મારી ટીશર્ટ એને થોડી ચુસ્ત થઇ રહી હતી… અને થોડી ટૂંકી પણ ! ટી-શર્ટ નીચેથી એની ગોળ નાભી બહાર ડોકી રહી હતી ! અને ચડ્ડો લગભગ એના ભરાવદાર, ગોરા સાથળને ચુસ્ત થઈને ચોંટેલો હતો ! એના વાળ પાણીની બુંદ નીતરી રહ્યા હતા…. અને આખા રૂમમાં એક અલગ જ પ્રકારની સુગંધ પ્રસરી ચુકી હતી !

હું આંખો ફાડીને એને જોઈ રહ્યો હતો, એ જોઈ એ બોલી…, “આમ શું જુઓ છો લેખક સાહેબ…?”
“કંઇ નહિ.. જોઉં છું કે એક જોકર નાહીને નીકળ્યા બાદ આવું જ લાગતું હશે… !”, કહી હું હસી પડ્યો. હું જુઠું બોલ્યો. અસલમાં હું એની સુંદરતા નીખરી રહ્યો હતો. એ જરા શ્યામ હતી… પણ જલદ રીતે આકર્ષક હતી !

“ઉડાવો… ઉડાવો.. મજાક ઉડાવો વાંધો નહિ… !”, કહી એ પણ હસવા લાગી.
આ વખતે હું નસીબદાર રહ્યો, કારણકે ખોટું બોલતી વખતે મારી તકિયા પરની મજબુત પકડ એના ધ્યાનમાં આવી નહી. અને હું પકડાયો નહી ! અને ત્યાં જ બારણે ટકોરા થયા, અને અવાજ આવ્યો, “રૂમ સર્વિસ…”

“યસ કમ ઇન…”, મેં કહ્યું. અને પલંગ પર વ્યવસ્થિત થઈને બેઠો.
જમવાનું મૂકી વેઈટર ચાલ્યો ગયો, અને કાંચી જમવા માટે ગોઠવાઈ. હું પણ હાથ-પગ ધોઈ આવી એની જોડે બેઠો.

અમે લગભગ ચુપચાપ રહી જમવાનું પતાવ્યું. અને પછી એમ જ ત્યાં બેસી રહ્યા.
“આટલું બધું ડ્રાઈવ કરીને થાકી ગયો હોઈશ નહી…”
“હા, થાક તો લાગ્યો જ છે…”
“ચાલ તો હવે સુઈ જઈએ…”
“હા…, પણ પહેલા હું શાવર લઇ આવું. મને ઊંઘતા પહેલા નાહવાની આદત છે…”, કહી હું બેગમાંથી કપડા કાઢી બાથરૂમ તરફ આગળ વધ્યો.

નાહીને બહાર આવતા મેં જોયું ત્યારે કાંચી પથારી બનાવી રહી હતી. એની પીઠ મારી તરફ હતી. મારા ત્યાં હોવાનો અંદાજ પામતા એ બોલી…, “જમ્યા પછી નાહવાથી પેટ ફૂલી જાય લેખક સાહેબ…”
“મને નાનપણથી આદત છે…”, મેં કહ્યું.

એ સાંભળી, એ પાછળ ફરી અને મને જોઈ જ રહી ! ના, મને નહી… કદાચ મારા સપાટ પેટ ને… ! જે હમણાં સાવ ઉઘાડું હતું. મેં માત્ર કમર પર સફેદ ટુવાલ લપેટેલ હતો. ઘડીભર જોઈ રહ્યા બાદ, એ શરમ થી મોં ફેરવી ઉભી રહી ગઈ !

“ઓહ સોરી… મારે ધ્યાન રાખવું જોઈતું હતું, કે જોડે છોકરી પણ છે… સોરી…”, કહેતા હું બાથરૂમમાં દોડી ગયો. મને રૂમમાં રેલાઈ રહેલું એનું હાસ્ય બાથરૂમ સુધી સંભળાયું !

હું કપડા પહેરી બહાર આવ્યો. અને નીચે પથારીમાં પડ્યો.
‘આજે તો ‘જલના’ સુધીની સફર થઇ ગઈ… ! હવે લગભગ કાલનો દિવસ જશે, અને કાલની રાત પણ… બીજા દિવસે કોલકત્તા આવી જશે… કાંચી ની મંજિલ… !’, એવા વિચારો કરતું મારું મન ચગડોળે ચડ્યું ! અને થોડી વારે માત્ર કાંચી જ મારા માનસપટ પર છવાઈ રહી ! મને એના અને ઇશાન સાથે વિતાવેલા એના દિવસોની વાત યાદ આવવા માંડી. અજાણતામાં જ, મનના કોઈક ખૂણે ઇશાન ની ઈર્ષ્યા પણ થઇ આવી !

“કાંચી હવે તને ઇશાન યાદ નથી આવતો… !?”, મેં પડખું બદલતા પૂછ્યું.
એણે કોઈ જવાબ ન આપ્યો… કદાચ સુઈ ગઈ હશે. પણ બેએક મિનીટ બાદ એનો જવાબ આવ્યો,
“મારી સાથે ‘ઇશાન’ બાદ પણ ઘણું બધું થયું છે…. એ બધું હું તને કાલે કહીશ… હમણાં શાંતિ થી સુવા દે…”

હું ચુપ થઇ ગયો. એણે ‘ઘણું બધું’ પર વિશેષ ભાર મુક્યો હતો ! જે મને વિચારવા પર મજબુર કરી રહ્યો હતો. ‘કાંચી’, ‘બાબા’, ‘ઇશાન’, આ બધા મારા મનમાં એકબીજા સાથે ટકરાવવા માંડ્યા !
થોડીવારે મારા વિચારો કાંચી ના દૈહિક લાલિત્ય તરફ પણ આકર્ષાયા ! માનું છું, એ મારા માટે શોભાસ્પદ નહોતું જ… ! કોઈ પારકી સ્ત્રી વિષે એવું વિચારવું, એ સારી બાબત તો ન જ કહેવાય ને…!?

પણ મને કાંચી બાબતે એવો કોઈ સંકોચ ન’હોતો અનુભવતો ! હું એની માટે જાણે કોઈ જુનો ‘ઋણાનુબંધ’ અનુભવતો હોઉં એમ લાગતું હતું !

કાંચી ને વિચારોમાં સમાવી લઇ, મેં આંખો મીંચી દીધી !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.