Sunday Story Tale’s – મહી

શીર્ષક : મહી

આમ તો કંપનીમાંથી આવતા સાંજના સાત થઇ જતા, પણ આજે અડધી રજા મુકીને જલ્દી ઘરે આવી પંહોચ્યો હતો… ‘પુલ’ પર જે જવાનું હતું ! રાકેશને લેવા ! રાકેશ – મારો કોલેજકાળનો મિત્ર, જે આજે પુરા બે વર્ષ બાદ મને મળવા આવી રહ્યો હતો. મળવા તો શાનો કહું, પોતાના જ સ્વાર્થ કાજે આવતો હતો ! આ નાનકડા કાકચિયા ગામમાં આવ્યા બાદ તો જાણે હું સાવ એકલો જ પડી ગયો હતો, અને તેમાં સુખના નામે મિત્રો સાથેનો પત્રવ્યવહાર ચાલુ હતો બસ તેટલું જ ! અને હું અહીં હું એકલો શાથી કુટાઉં, એમ કરીને મેં રાકેશ વતી મારી કંપનીમાં એની નોકરી માટેની અરજી મૂકી હતી – અલબત્ત એને પત્ર દ્વારા જણાવી, મંજુરી મેળવ્યા બાદ જ તો ! – અને એ જ અરજીને ચાલતા એ આજે કાલની તારીખનો ઈન્ટરવ્યું આપવા આવી રહ્યો હતો. ‘આજે પુરા બે વર્ષ બાદ અમે રૂબરૂ મળીશું’, એ વિચાર સાથે જ હું ઉત્સાહભેર તૈયાર થઇ મહી પરથી પસાર થતા પુલ તરફ ચાલવા લાગ્યો.

સમયના વ્હેણ પણ કેટલા જલ્દી પસાર થાય છે, નહીં ! – બિલકુલ આ મહીના નીરની જેમ, ખળખળ… ખળખળ ! આમ તો હું અને રાકેશ સાવ જીગરી ભાઈબંધ ! પણ કોલેજ પત્યા બાદ એણે બાપા સાથે ધંધો આગળ વધારવાનું પસંદ કર્યું, અને મેં નોકરીની શોધમાં મહાનગર તરફ દોટ મૂકી. અને તેમાંય મારા નસીબ પાવરધા, તે સરકારની વિવિધ યોજનાઓ, અને ગ્રાન્ટને ચાલતા, મને એક નવી જ રસાયણ ઉત્પાદક કંપનીમાં નોકરી મળી ગઈ ! બસ નસીબ આડે પાંદડું એટલું જ,કે ભાગે ગામ ખુબ આંતરિયાળ આવ્યું. ગામ કાકચિયા, મહીને કાંઠે વસેલું, પંચમહાલ-દાહોદ બાજુનું ! ઘણુંય મન થતું કે શું જરૂર છે મારે આવા પછાત ગામડામાં રહીને કામ કરવાની, પણ ‘કંઇક’ હતું, જે મને અહીંથી જવા જ નહોતું દેતું !

અને ગામ તો ઠીક મારા ભ’ઈ, પણ ગામલોકો પણ એવા જ ! પાંચ પૈસાની પટલાઈમાં બેસવા તો હજાર બારસો જેવી મૂડી ખર્ચી નાંખે ! એમના મતે ગામનું મુખીપણું એટલે જ સર્વસ્વ જાણે ! અને ભૂલેચૂકે પણ એમને ખરા-ખોટાનો ભેદ સમજાવવા જાઉં, ત્યાં તો મને જ ઉંમર અને અનુભવના હવાલા આપી ચુપ કરાવી દે. અહીં તો કેવી પોલીસ, અને કેવી સરકાર !? પંચાયત તો નિર્ણય જ આખરી ફેંસલો સમજવો ! અને ચાલો આટલે સુધી તો સમજી પણ લઈએ, કે ભ’ઈ, આપણા ભારતની જૂની પરંપરા છે, માટે હજી પણ થોડા આંતરિયાળ ગામમાં એના પડઘા સંભળાય એ સ્વાભાવિક છે… પણ હવે તો પાણી માથા ઉપરથી વહી ચાલ્યું છે ! એમાં વાત જાણે એમ છે કે, મહીના કિનારે એક સાધુએ ધૂણી ધખાવી છે – સાધુ શાનો, મને તો એને ‘બાવો’ જ કહેવાનું મન થાય છે ! – અને એની ધૂણીમાં તો આખુ ગામ ધૂંધવાઈ ગયું હોય એમ બધાય આંખ-કાન બંધ કરી એનું કીધું કર્યે જાય છે ! એમ તો ગામમાં એના વિશે જાતજાતની વાતો થયા કરે છે, કોઈ કહે છે એ હિમાલયથી તપ કરીને આવ્યો છે, તો વળી કોઈ કહે છે, એ ગીરનારથી સિદ્ધિઓ પામીને આવ્યો છે, તો કોઈક તો વળી એને કાળા જાદુનો જાણભેદુ માને છે… જેટલા મોઢાં એટલી વાતો ! પણ એ બાવો પણ કંઇ ઓછી માયા નથી ! મોહમાયા ત્યજી દેવાના ઉપદેશો આપતો, અને પોતે જ ચલમ અને ગાંજાના મોહમાં લપેટાયો રેહતો. ગામ આખામાં કોઈ બાકી નહીં હોય – મારા સિવાય – જેણે એના ટુચકા-ટોટકા ન કર્યા હોય ! લોકોને દોરો, તાવીજ, કે પડીકીઓ કરી આપી, ઈચ્છાશક્તિ મુજબ દાન મુકાવતો. અને નવાઈની વાત તો એ હતી કે એને ગામમાં આવ્યે હજી માંડ સાત-આઠ મહિના થયા હતા… પણ એટલા જ ટૂંકા ગાળામાં પણ એણે ઘેઘુર વડાલાના મુળિયા જેમ ઊંડાઈ સુધી ખૂંપેલા હોય એમ ગામમાં એની જગ્યા બનાવી હતી ! ગામમાં બનતી મોટામાં મોટી ઘટનાથી માંડી નાનામાં નાની બીના સુધીમાં એના અભિપ્રાયો અને સલાહો રેહતી – સલાહ શાની આદેશ જ કહેવા દો ! ગામના મુખીથી માંડી અદનો ખેડૂત એને પોતાની વાત જણાવી ટુચકા માંગવા આવતો. અને છેલ્લા થોડાક સમયથી તો એણે પંચાતના કામોમાં પણ દખલ દેવાની શરૂઆત કરી હતી. અને ધીરે ધીરે એણે ન્યાય આપવાની સમગ્ર પ્રક્રિયા પોતાના હસ્તક કરી લીધી હતી ! ગામ આખામાં વાતો થતી કે, સાધુ પાસે એવું ચમત્કારિક પ્રવાહી છે જેમાં નિર્દોષ વ્યક્તિનો હાથ પડતાં, એનો હાથ એવો ને એવો બહાર આવે, જયારે દોષિત હોય – જેના મનમાં પાપ પેઠું હોય – એના હાથે લાલાશ પડતા ભૂરા ચકામા થઇ આવે ! અને એની એ અજાયબી જોવાની તો મને પણ ઘણી ઈચ્છા હતી, પણ મનમાં ભરાયેલો એના પરનો રોષ, અને વિજ્ઞાનમાં માનતું મગજ, બંને ભેગા થઇ એ ઈચ્છાને ગળે ટુંપો દઈ દેતાં !

ખૈર, એ બાવા વિષે તો હું ગમે તેટલું ખરાબ બોલું, મને ઓછું જ લાગશે! ભલે મારે એની સાથે કોઈ અંગત નિસ્બત નથી, પણ ભોળિયા ગામલોકોને મારી સગી આંખે, એ અંધશ્રદ્ધાને માર્ગે દોરાઈ જતા જોઈ જીવ કકળી ઉઠે છે ! પણ હવે છોડો એ બાવાને અને એની વાતો ને, એના વિચારોમાં જ હું ઠેઠ પુલ પર આવી પંહોચ્યો એનું પણ ભાન ન રહ્યું. ‘હજી બસ કેમ નથી આવી ?’ – ના વિચાર સાથે હજી માંડ હાઇવે પર – આમ તો એક સમયે એક જ મોટી ગાડી નીકળી શકે એવા માર્ગને હાઇવે તો ના જ કહેવાય, પણ નાનકડા ગામમાં આને હાઇવે જ નામ અપાતા હશે ! – નજર કરતાં જ દુરથી ધૂળ ઉડાડતી બસ આવતી દેખાઈ. અને આ આવ્યો મારો જીગરી રાકેશ !

‘અલ્યા તું તો કેટલો બદલાઈ ગયો છે !’, બંને લગભગ એકસાથે એક જ જેવું બોલી, ભેટી પડ્યા ! અને મેં એને મારા બાહુપાશમાં જબ્બર રીતે ભીડી લીધો, અને જાણે શ્વાસ રૂંધાતો હોય એમ, ‘મારી નાંખવો છે કે શું…’ કહેતો એ છુટો પડ્યો. પણ શું કરું, હૈયાના રણની વીરડીમાં બે વર્ષે અમીછાંટણા થયા હતા તે એનો હરખ તો ઉભરાઈ જ આવે ને ! મેં એનો સમાન મારા ખભે લીધો, અને બંને મહીના કાંઠેથી જતા રસ્તા પરથી ગામ ભણી ચાલવા લાગ્યા. આમ તો રાકેશ વિજ્ઞાન ભણેલો હતો, પણ કવિતા અને સાહિત્યનો ગજબનો શોખીન ! અને હમણાં પણ એ જે રીતે મહીને નીરખી રહ્યો હતો એ જોતા એ ત્યાં બેસી કવિતા રચવાની વાતો કરે તો પણ મને સહેજ પણ આશ્ચર્ય ન થાય !

‘તને તો મહીને કાંઠે રહીને મજા પડતી હશે, નહીં ?’ એના ઓચિંતા પ્રશ્નએ મને વિચારોમાંથી જગાવ્યો, અને મેં ગૂંચવાતા જવાબ આપ્યો, ‘હેં.. હા… હા. હવે મારે તો આ રોજનું થયું !’

‘બરાબર છે, રોજ જોવા મળતી ચીજની કોઈને ક્યાં કિંમત હોય જ છે !’, એ મહી તરફ હેતથી જોઈ રેહતા બોલ્યા. સાચું કહું તો મને તો એની વાતમાં અતિશયોક્તિ લાગી. મહી પણ એક સામાન્ય નદી જ તો છે વળી ! અને ફરી અમારી વાતો કોલેજકાળમાં જે વેગથી ચાલતી એ રીતે ચાલી. વાતવાતમાં મેં એની સામે ગામ માટે, ગામના લોકો માટે, અને એ બાવા માટેનો, મારો તિરસ્કાર વ્યક્ત કર્યો. હાશ, કેટલી હળવાશ લાગતી હતી, મનની ભડાશ ઠાલવ્યા બાદ !

ઘરે આવ્યા, અને રાકેશે ચારે તરફનું નિરીક્ષણ કરતાં કહ્યું, ‘વાહ, મકાન તો સરસ છે !’

‘બરાબર કહ્યું, આ ‘મકાન’ જ તો છે !’

‘મતલબ?’

‘મતલબ એમ કે, હજી પોતાનું ‘ઘર’ લેવાનું બાકી છે, આ તો કંપનીમાં હજી ક્વાટર્સ બન્યા નથી માટે ગામમાં મકાન ભાડે રાખીને રેહવું પડે છે.’

‘તે હવે જલ્દી જ મકાનને ઘર બનાવે એવી કોઈક ગોતી લે’, કહેતાં એણે મારી મશ્કરી કરી. અને વળતો જવાબ સાંભળ્યા વગર બાથરૂમમાં હાથપગ ધોવા પેઠો. તરત આવી ખાટલામાં આડો થવા પડ્યો, અને હું અમારા ભોજનની મથામણમાં !

આમ તો રોજ મારે જમવામાં ખાસ કંઈ કરવાનું રેહતું નહીં. બાજુમાં રેહતા રૂડીભાભી લગભગ રોજ કંઇક ને કંઇક આપી જ જતા. અને કોઈક દિવસ હું મારા પુરતી કઢી-ખીચડી ચડાવી લેતો. જયારે જયારે મને જે તે શહેર કે ગામે મને ખરાબ અનુભવો કરાવ્યા છે, ત્યારે ત્યારે ત્યાં વસતા લોકોએ મન જીતી લઇ એ સ્થળ વિશેના અભિપ્રાયો સમૂળગા બદલી નાંખ્યા હતા ! અને આ ગામના રૂડીભાભી – બસ આ એક જ હતા, જેમના કારણે ગામ પ્રત્યેના મારા અભિપ્રાય બદલાયા હતા. એમ તો રૂડીભાભી મારા પડોશી પણ ખરા, અને મકાનમાલિક પણ. એમના સાસુ સસરાના ગયા બાદ તેમણે અને તેમના પતિ- લાલજીએ, આ ઘર અલગ કરી ભાડે ચડાવવાનું નક્કી કર્યું, અને એ જ અરસામાં મારે અહીં ભાડુઆત તરીકે અહીં આવવાનું થયું. પણ હાથમાં પાણી લઈને કબુલ કરવા પણ તૈયાર, કે એક દિવસ પણ એમ નથી લાગ્યું કે કોઈ પારકાના ઘરમાં રહી રહ્યો છું.

આમ તો લાલજી ઉંમરમાં મારા જેવડો જ, અને રૂડી તો મારાથી પણ બે વર્ષ નાની… પણ નાની ઉંમરે લગ્ન કરેલાં, તે આજે તો બે બાળકોની મા પણ ખરી. માટે જ એને હું માનથી ‘ભાભી’ કહી સંબોધતો ! પણ હમણાં એ બધા ઈતિહાસને વાગોળવાની બદલે કઢી કરવી વધારે અગત્યની હતી. માટે ઝડપથી મેં દહીંની છાશ કરી, અને કઢી ચઢાવવા મૂકી. અને ત્યાં જ બારણે ટકોરા થયા. રાકેશે ઉભા થઇ બારણું ખોલ્યું, અને બારણા બહારથી અજાણ્યાને જોઈ સાડલો સંકોર્યો હોય એમ ચુડીના અવાજ આવ્યા. અને એ સાંભળી તરત જ હું રસોડામાંથી દરવાજે આવ્યો. અને મારા અનુમાન મુજબ એ રૂડીભાભી જ આવ્યા હતા. અને એમના આમ આવવાની એટલી તો યાદો મનમાં સંગ્રહાયેલી હતી કે એમના ઝાંઝરાના ઝણકાર અને ચૂડલાની ખનક સુદ્ધાં દુરથી પારખી શકતો… જેમ મારી મા ની હાજરી વિષે આંખો મીંચીને પણ કહી બતાવતો, એમ જ ! એક હાથે

ઢાંકેલી થાળી અને એક હાથે પાલવ પકડી રાખી એ અંદર પ્રવેશ્યા, અને મને થાળી આપતા બોલી, ‘આ લ્યો ભાઈજી…’

‘આ શું…?’

‘જમવાનું જ તો વળી…, તમારા બંનેયને માટે !’, આંખથી રાકેશ અને મારી તરફ ઈશારો કરતાં એ બોલ્યા.

‘પણ મેં તમને ક્યાં કશું કીધું હતું…?’, અને હું વાક્ય પૂરું કરી રહું, એ પહેલા જ એ બોલી ઉઠ્યા,

‘લે કેમ વળી…! કાલે રાતે તો હું આવી હતી – જમવાનું આપવા – ત્યારે તમને હરખાતાં જોઈ મેં ન’તું પૂછ્યું, કે શાના એટલા હરખાઓ ? અને તમે ન’તું કહ્યું, કે કાલે સાંજે તમારા ભાઈબંધ આવવાના શહેરથી, તે હું જમવાનું લઇ આવી તમારા બંનેયનું. મે’માન ને તમારા હાથની ખીચડી ખવડાવી બીમાર કરવા છે કાંઈ !?’, એની છેલ્લી ટીખ્ખ્ડ સાંભળી રાકેશ હસી પડ્યો, અને હું શરમને મારે નીચું જોઈ ગયો. અને એટલામાં કઢીની ખુશ્બુ આવી, અને મેં તક જોઈ ત્યાંથી ચાલતી પકડી.

‘તે ભાભી, ઘેર કામ ના હોય તો બેસોને, અમારી લવારીઓ સાંભળવાની મજા આવશે !’, કઢી ઉતારતા મેં રસોડામાંથી કહ્યું. ભાભીએ કોઈ જવાબ ન વાળ્યો, પણ તેમના ભરાવદાર ઘાઘરાના ખાટલાની ઇસ નજીક ભોંય પર પડવાનો અવાજ આવ્યો, જે સૂચવતું હતું કે ભાભી આગ્રહને વશ થઇ, ઘડીભર બેસવા તૈયાર થયા છે. તાબડતોબ મેં અમારું જમવાનું પીરસ્યું, અને પછી તો એયને અમારી વાતો ચાલી તે ભાભીની હાજરી જ વિસરાઈ ચાલી. વચ્ચે વચ્ચે ભાભી અમારી વાતો સાંભળી હસી પડતી, અને એમાંય રાકેશે હવે મારા એવા પોલ ખોલવા માંડ્યા હતા જે કદાચ હવે હું પણ ભૂલી ચુક્યો હતો !

‘યાદ છે તને… પેલા અંગ્રેજીના મેડમે કેવો તને ઉતારી પાડ્યો હતો તે…’

‘જવા દે ને હવે… ત્યારે તો હું ભોળો હતો.’

‘પણ ભોળા ભગત એમ કાંઈ પોતાને ભણાવતા પ્રોફેસરને જ પૈણવાની વાત કરવા ઓછું જવાય !’, અને એ સાંભળી ભાભી ખુલ્લા મને હસી પડ્યા. અને એમને હસતા જોઈ મારાથી પણ હસી પડાયું.

‘ચાલ, ચાલ હવે, બધું મારું જ કહીશ કે ! તારું યાદ છે પેલું, લેબમાં કેવોક સોડીયમનો ધડાકો કર્યો’તો તે ! એ તો સારું થયું, કારસ્તાન કરનારનું નામ ન ખબર પડી, બાકી તો રેસ્ટીગેટ થયા વગર એ વાત પાર જ ના પડતી.’

અને એ જ રીતે અમારી વાતો કોલેજ, કારકિર્દી, રાજનીતિ, રમત, સિનેમા બધેથી થઇ ઠેઠ જમવાની થાળી સુધી આવી પંહોચી !

‘અલ્યા કઢી તો સારી એવી બનાવી છે ને તેં.’, કઢીમાં રોટલા બોડી ખાતાં-ખાતાં રાકેશે કહ્યું, અને એ સાંભળી ભાભી વચ્ચે બોલી પડ્યા, ‘એ તો મેં આટલી શીખવી ત્યારે. બાકી તો એમના હાથની ખીચડી ખાઈ જો જો… ગળે પણ ના ઉતરે એવી બનાવે. હું તો કેટલીય વાર કહું, કે મારે આવવામાં મોડું થાય તો ઘેર આવીને જમી જાય, પણ ભાઈ સાહેબ વટના માર્યા ઘેર જ ખીચડી ચડાવે…’

‘શું ભાભી તમે પણ. મારે વળી શાનો વટ ! અને એ વાત તો તમારી ખરી જ કે તમારા જ પ્રતાપે મને આટલી કઢી બનાવતા આવડે છે, બાકી તો…! અને એમ પણ મારે ક્યાં કશું શીખવાની જરૂર છે જ. ઘેર બેઠાબેઠા તમારા હાથના ટીપેલા આવા મીઠા રોટલા નસીબમાં લખ્યા જ તો છે વળી…!’, કહી મેં એમના હાથના બનેલા રોટલાનો આસ્વાદ ચાખવા માંડ્યો.

પણ પોતાના વખાણ સાંભળ્યા છતાં પણ ભાભી એકાએક ચુપ થઇ ગયા, અને થોડીક વારમાં તો એમની આંખો પણ વહેવા માંડી ! એ જોઈ રાકેશ બાઘો બની મારી સામે તાકી રહ્યો, જાણે મેં કંઇક ખોટું ન કહી નાખ્યું હોય !

‘કેમ ભાભી ? મેં કંઇક ખોટું કહ્યું કે…?’

‘ના ભાઈજી ના’, અને સાડલાથી આંખો લુંછી બોલ્યા, ‘આ તો હવે તમારે થોડાક જ દી’ ના ભાણા ખરા ને !’

‘એટલે ?’, હું જાણે કંઈ સમજ્યો ના હોઉં એમ પૂછી બેઠો.

‘લે વળી, હવે ત્રણેક દી’ માં તો હું ચાલી જવાની…’

‘પણ ક્યાં…?’

‘પીયરિયે’, કહી એ અચાનક ઉભા થયા અને તાબડતોબ બારણા બહાર નીકળી ગયા.

અને મને રહીરહીને આખી વાતનો અંદાજ આવતા મેં એક ઊંડો નિશ્વાસ નાંખ્યો. રાકેશ હજી પણ મને એમ જ બાઘો બની જોઈ રહ્યો હતો, જાણે આંખોથી જ પૂછતો ન હોય, કે ‘આમ ઘડી પહેલા હસતા ભાભી આમ રડતા કેમ ચાલ્યા ગયા !’

મેં એની થાળી લીધી અને રસોડામાં વાસણ ઉટકવામાં પડ્યો. એ પણ પાછળ પાછળ આવ્યો, અને એ જોઈ મેં કામ કરતા રહી વાતનો દોર સાધ્યો,

‘રાકેશ, મેં તને રસ્તામાં આ ગામની વાતો કહીને, અને પેલા બાવાની પણ… બસ એ બાવાના કાંડના રેલા હવે ચેક ભાભીના ઘર સુધી વહી આવ્યા છે ! એમાં વાત જાણે એમ છે કે, મુખીના દીકરાને બાવા સાથે ખુબ નજીકની – અંગત કહી શકાય એવી બેઠક છે. દારૂ, ચલમથી માંડી ગાંજો સુધીનું બધું એ બાવાને લાવી આપે, અને ક્યારેક એમાં પોતાનો ભાગ પણ પડાવે ! અને મુખીના એવા કુપુત્રની નજર આપણા આ ભાભી પર બગડી ! એને રસ્તામાં પજવવી, એના જોબનને ખરાબ નજરેથી તાકી રેહવું, અરે મોઢેમોઢે અઘટિત માંગણીઓ મુકવા સુધીના કારસ્તાન એણે કરેલા છે ! પણ આપણા ભાભી પણ જાય એવા થોડા છે, એમ તે કાંઇ એ મચક આપતા હોય ! અને એટલે જ એણે હમણાં બાવાના ચાલી રેહલા એક્કાનો લાભ ખાટી લેવાનું નક્કી કર્યું ! અને ભાભી ખુદ એની પાસે વિચિત્ર માંગણીઓ લઈને આવ્યા હતા એવી ચોરે ચઢીને વાતો કરી !’

‘ખરેખર ?’, રાકેશ મોં ફાડીને જોઈ રહ્યો.

‘અરે આ તો હજી કાઈં જ નથી ! તું તો જાણે જ છે, આવા નાના ગામોમાં પુરુષોના કુકર્મો પર પણ આંખ આડા કાન કરવામાં આવે, અને સ્ત્રી વિષે ચાલતી અફવાને પણ હકીકત ગણી લેવામાં આવે ! અને ભાભી સાથે પણ એવું જ બન્યું. એ ઘટના હજી માંડ એક અઠવાડિયા જૂની છે. પણ એટલા જ ટૂંકા ગાળામાં તો આખા ગામમાંથી એમની હયાતીનો છેદ જ જાણે ઉડી ગયો ! બધાએ તેમના ઘરથી મોં ફેરવી લીધો, અરે ખુદ એનો ધણી – લાલજી પણ ગામલોકોની વાતોમાં આવી ભાભી પર શંકાઓ સેવે છે ! અને હવે ગામમાં એવી વાતો થાય છે કે, ત્રણેક દિવસમાં પેલો બાવો પોતાના ચમત્કારિક પ્રવાહી વળે ભાભીની વાતનો ફેંસલો આંણશે ! અને એ લોકોને એ બાવાના કહ્યા પર આંખો મીંચીને વિશ્વાસ ! જાણે એનું બોલેલું ક્યારેય ખોટું થાય જ નહીં ! અને બસ અહીં પ્રવર્તતી આવી બધી અંધશ્રદ્ધાને કારણે જ અહીંથી ક્યાંક ભાગી જવાનું મન થયા કરે છે ! અહીંથી ક્યાંક દુર… પણ કોણ જાણે શું, પણ કંઇક મને અહીંથી જતા રોકી લે છે !’

‘મહી…!’, રાકેશે તરત જ મારી વાતનો જવાબ આપ્યો, અને આમારી ગંભીર ચર્ચા મજાકમાં પરિણમી.

‘ચલ, જા… જા હવે. એ મહી ઓછી મને અહીંથી જતા રોકવાની હતી. એવી તો દસ મહીસાગર વટીને ચાલ્યો જાઉં એવો છું !’

‘તો જા ને ! જતો કેમ નથી ?’

પણ રાકેશના એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો.

કામ પતાવી હું અને રાકેશ ફરીથી નદી તરફ લટાર મારવા નીકળ્યા, અને મનભરીને નદીમાં નાહ્યા પણ ખરા. અને રાત્રે થાકી-હારિને ઘરે આવી પથારીમાં પડતું મુક્યું. પણ ભાભીના ગયા બાદથી જ મારું મન તેમની વાતોમાં અટવાતું હતું. એમના ઘડેલા રોટલાનું ઋણ તો મારે પણ ચુકવવું હતું, પણ કેમેય કર્યે રસ્તો જડતો ન’તો. અને એમાંય મને ખરો રોષ તો લાલજી પર ચડતો હતો. એમ તો સાલો અસલ સાંઢ જેવો છે, એવા તો દસ બાવાઓને ભોંય ભેગા કરી મુકે. પણ જ્યાં સવાલ પત્નીના ચારિત્ર્ય પર આવ્યો ત્યાં તો રાજા રામ પણ ફસકી પડ્યા, ત્યાં આ લાલજીની તો વળી શી વિસાત ! અને જે ઘરના મામલામાં ખુદ ઘરધણીનું કંઈ ન ચાલતું હોય, ત્યાં વળી હું કોણ બોલવા વાળો ! આવા જ કંઇક વિચારો કરતા મેં આંખો મીંચી દીધી.

સવાર પડતા જ અમે બંને તાબડતોબ તૈયાર થઇ કંપનીએ જવા નીકળ્યા. અને ત્યાં પંહોચ્યા બાદ કલાકેક રાકેશનો ઈન્ટરવ્યું લેવાયો. અને ભરબપોરે અમે ફરી ગામમાં આવ્યા. આજે અને આવતીકાલે, એમ બે દિવસ મેં કામ પર રજા મૂકી હતી, દોસ્તના આવવાની ખુશીમાં ! બપોરે આરામ કરી, સાંજે અમે ફરી મહીને કાંઠે જઈ પંહોચ્યા. આજે પહેલી વખત મહી મને અલગ ભાસી ! જાણે કોઈક સુંદર અને ચંચળ કન્યા !

‘રાકેશ..’, નદીના કિનારે ચાલતાં રહી મેં વાતની શરૂઆત કરી, ‘યાદ છે તને, આપણને ભણવામાં આવતું, કે ભારત નદીઓનો દેશ છે… સમગ્ર વિશ્વની માનવજાત નદી કિનારે વસીને ઉછરી છે, વગેરે વગેરે, અને આટલું ઓછું હોય તેમ, આપણા દેશમાં તો એને આધ્યાત્મ સાથે પણ જોડવામાં આવ્યું છે !’

‘હં… પણ તેનું હમણાં શું છે ?’

‘તો મારું એમ પૂછવું છે કે, જો નદીઓ આધ્યાત્મ – સત્ય સાથે જોડાયેલી છે, તો એના કાંઠે આવા ધુતારાઓ શી રીતે વસી શકે ! અને તેં તો ઘણુંય સાહિત્ય વાંચ્યું છે, જેમાં એમ પણ કહેવાયું છે કે નદીઓ, ઝરણાઓ, જંગલો, પહાડો, એ બધાય માનવીને એના દરેક પ્રશ્નોના જાવાબ આપી શકે છે, અથવા તો એને પોતાની અંદર એ જવાબ શોધવામાં મદદ કરે છે !’

‘હં… તું માને કે ના માને, પણ એ વાત પણ સત્ય જ છે !’

‘હું માનું છું… અને તારાથી શું ખોટું કહેવું… આમ ભલે મેં કાલે તારી વાત હસી નાંખી, પણ આજે મને એ એહસાસ થાય છે કે એ મહી જ હતી જે મને અહીંથી જતા રોકી રહી હતી !’

‘જો હવે આવ્યો ઊંટ ડુંગરા નીચે’, કહી એણે લુચ્ચું સ્મિત કર્યું. મેં એની વાત અવગણી મારી વાત આગળ ધપાવી.

‘…અને આ મહી પાસે હું કેટલીય વખત જવાબો લેવા આવ્યો છું… પણ દરેક વખતે નિષ્ફળતા ! જો આ જ નદીઓ માણસની શાન ઠેકાણે લાવવા તારાજી સર્જી શકતી હોય, જો યમુના શ્રી કૃષ્ણને માર્ગ આપી શકતી હોય, તો પછી મારા જેવા તુચ્છ વ્યક્તિને જવાબો શા માટે નહીં…? આવું કેમ ?’

મારી વાત સાંભળી રાકેશ ઘડીભર ચુપ રહ્યો અને પછી ખોંખારો ખાતાં ધીરેથી બોલ્યો, ‘જો… તું ગામલોકોની બાવા પરની શ્રદ્ધા- અંધશ્રદ્ધાની વાતો કરે છે બરાબર ?’

‘હા, બરાબર…’

‘પણ તું મહી પરની તારી અંધશ્રદ્ધા પર શાથી આંખ આડા કાન કરે છે !’

‘મતલબ ?’

‘મતલબ સાફ છે દોસ્ત…’, મારા ખભે હાથ મુકતા તેણે કહ્યું, ‘મહી તને તારા પ્રશ્નોના જવાબ આપી શકશે એ તારી મહી પરની શ્રદ્ધા કહેવાય… પણ મહી ‘જ’ તને તારા પ્રશ્નોના જવાબ શોધી આપે, એ તારી મહી પરની અંધશ્રદ્ધા કહેવાય !’ અને એની વાત સાંભળી મારા પગ મહીની રેતીમાં ખોડાઈ રહ્યા. રાકેશ મને પાછળ મૂકી કેટલુંય આગળ ચાલી ગયો, છતાંય હું ત્યાંનો ત્યાં જ ઉભો રહી મહીના જળને વહેતા જતા જોઈ રહ્યો… ખળખળ ખળખળ ખળખળ !

બીજા દિવસે સવારે રાકેશને પુલ સુધી જઈ બસમાં બેસાડી આવ્યો. અને નોકરીનું નક્કી થતાં પત્ર દ્વારા જણાવવાનું વચન પણ આપ્યું. ફરીથી જલ્દી મળવાના કોલ લઇ ઘર તરફ વળ્યો. પણ રસ્તામાં મહીમાં નાહવા જવાની લાલચ ન રોકી શક્યો, અને નદીમાં નાહવા પડ્યો. વચ્ચે વચ્ચે મારા અને રાકેશના સંસ્મરણો વાગોળતો, તો વળી ક્યારેક મહી પર હેત ઉભરાતું હોય એમ તેમાં ડૂબકીઓ લગાવતો ! અને એ જ મીઠી પળો વચ્ચે મારી નજર પેલા બાવા પર પડી, જે હમણાં મારી તરફના કાંઠે જ થોડે દુર પોતાના કરમંડલ – નાની લોટી જેવું સાધન – ધોઈ રહ્યો હતો. અને એ કદાચ મારો વહેમ હતો કે હકીકત, પણ મને જાણે એમ લાગ્યું કે તેણે મારા તરફ જોઈ તિરસ્કારભર્યું સ્મિત કર્યું ! થોડી જ વારમાં તેના વહાવેલા ફૂલો, રાખ, ભભૂત મારી તરફ થઇ તણાવા લાગ્યા. અને એની લગોલગ કંઇક અદ્રાવ્ય તેલ જેવું પ્રવાહી પણ નજીક આવ્યું. અને મેં એક નાના બાળકને થાય એવી જિજ્ઞાસાથી પ્રેરાઈ તેમાં હાથ ડુબોવી તે કુંડાળું વિખેરી નાખ્યું. અને ફરી પાછો પોતાની મસ્તીમાં નાહવા માંડ્યો. અને ધરાઈને નાહ્યા બાદ, શરીર સુકવી, ઘર ભણી ચાલ્યો. અને રસ્તામાં જ મારી નજર મારા હાથ પર થઇ આવેલા લાલ-ભૂરા ડાઘ પર પડી ! અને જેમ રાકેશે લેબમાં સોડિયમનો ધડાકો કર્યો હતો, એ જ તીવ્રતાથી મનમાંથી એક વિચાર ઝબકી ગયો ! અને ‘આ વિચાર મને આટલા વખત સુધી કેમ નહીં આવ્યો હોય !?’, એમ પોતાના પર જ ગુસ્સો કરતા રહી મેં ઘર તરફ દોટ મૂકી. આમ તો હું ઘરે આવવા બેબાકળો બન્યો હતો, પણ કોણ જાણે કેમ હું રૂડીભાભીને ઘેર જઈ પંહોચ્યો !

ભાભી આંગણામાં બાંધેલી ગાયને ઘાસ ખવડાવતી હતી, અને થોડેક દુર લાલજી પોતાનો હુક્કો ધખાવી બેઠો હતો. મને હાંફતો આવેલો જોઈ પહેલા તો બંને સહેજ ઘભરાયા, અને તરત મને અંદર લીધો. મેં પાણી પીધા બાદ મારી વાત કહી જણાવી. અને હવે આગળ હું શું કરવા ધારું છું એ પણ કહી સંભળાવ્યું ! એ સાંભળી લાલજી તો અકળાઈ જ ઉઠ્યો, અરે ભાભી ખુદ પણ મને આગ ઝરતી નજરે જોઈ રહ્યા. પણ મેં મહામહેનતે એમને શાંત પાડ્યા, અને વાતની ગંભીરતા સમજાવતા કહ્યું કે, હાલ જ સાચો અવસર છે, લોઢું ગરમ છે, આ જ વખત છે ઘા મારવાનો ! અને મારી વાતમાં તર્ક જાણી બંને મારો સાથ આપવા તૈયાર થયા ! એમ જોવા જાઉં તો એમનો ગુસ્સો પણ સ્વાભાવિક હતો, કારણકે હું પણ એ જ કરવા જઈ રહ્યો હતો જે પેલા બાવાએ કર્યું હતું – ભાભીના ચારિત્ર્ય પર પ્રશ્ન ! પણ એના અને મારા પ્રશ્નમાં આભ-જમીનનું અંતર હતું – આશયનું ! અને અમે અમારી યોજના નક્કી કરી છુટા પડ્યા. આવતીકાલે સવારે શું થશે એ વિચારમાં મને રાત્રે ઊંઘ સુદ્ધાં ન આવી ! સાવર પડતા સુધીમાં તો મનમાં અજબ ફફડાટ પેઠો હતો ! મારું અનુમાન સાચું પણ છે કે કેમ એની પણ મને ખાતરી ન હતી… અને આટલી જલ્દી એ બાવાને પડકારીશ એનો તો મને ગઈકાલની સવાર સુધી પણ ખ્યાલ ન’તો !

સવાર પડતા જ ગામ આખામાં ભાભીનો ન્યાય જ ચર્ચાનો વિષય હતો. અને એ કુતૂહલને વશ થઇ ગામના દરેક નદીને કાંઠે એ બાવાની ધૂણી ફરતે ટોળે વળ્યા હતા. અને બધાના આશ્ચર્ય વચ્ચે આજે હું પણ – પહેલી જ વખત – એ ટોળામાં સામેલ હતો – પણ કંઇક જુદા જ આશયથી ! ભાભી, લાલજી, મુખીનો દીકરો એ બધા ટોળા વચ્ચેની ખુલ્લી જગ્યામાં આવી ઉભા હતા. અને તેમની સામે ગોઠવાયેલી પંચાયતે તેમની વાતો સાંભળી – ફક્ત નામ ખાતર – ન્યાય અપાવવા બાવા તરફ દયાદ્રષ્ટિ કરી. અને એ સાથે બાવો પોતાના હાથમાં બે કરમંડલ ઝૂલાવતો આગળ આવ્યો. એમાંના એકમાં મુખીના છોકરાના હાથ નંખાવી, બહાર કઢાવ્યા… અને એની ન્યાય પ્રક્રિયા મુજબ એના ચોખ્ખા હાથ તેની બેગુનાહીના સબુત હતા. – તે હોય જ ને વળી, એ લોટીમાં માત્ર પાણી જ હતું !

અને પછી તરત ભાભી તરફ એક કરમંડલ ધરતા કહ્યું, ‘બેટી, હાથ ડાલ ઇસમેં. અગર તુમ બદચલન હુઈ તો તુમ્હારે હાથ ખુદ ઉસ્સ બાત કી ગવાહી દેંગે !’ ભાભીને એના એ વાક્યની કેવી ઝાળ લાગી હશે એ તો એક સ્ત્રી જ સારી રીતે સમજી શકે ! પણ બીજી કોઈ હરકત થાય એ પહેલા જ મેં હાથમાં પકડેલો ડાંગ ખભે ચડાવ્યો, અને ટોળા વચ્ચેથી જગ્યા કરતો વચ્ચે આવી ચડ્યો ! અને ભાભીની લગોલગ આવી ઉભો રહી, બાવાની આંખમાં આંખ પરોવી કહ્યું, ‘ભાભી, હજી તમારે શું કામ એ વાત છુપાવવી છે ?’

‘ના ભાઈ જી ના ! એ વાત આમ ગામ વચ્ચે ના કરશો. હું ક્યાંયની નહીં રહું !’

આખેઆખુ ટોળું, પંચાયત, અને બાવો સુદ્ધાં આ નવો વળાંક સાંભળી કંઇક અંશે મૂંઝાયા, અને એટલા જ અધીરા પણ બન્યા !

‘પણ હજી તમારી કઈ બદનામી થવાની બાકી રહી છે ! જુઓ પેલો ઉભો લાલજી, પડી છે એને કંઇ તમારી !?’, કહી મેં લાલજી તરફ આંગળી ચીંધી. અને એ નીચું જોઈ ગયો. મારા બંને સહકલાકાર ગજબની અદાકારી બતાવી મારા ઘડેલા નાટકને અંજામ સુધી લઇ જઈ રહ્યા હતા. અને ગામ લોકોની ઉત્સુકતા જોઈ મેં છેલ્લો ધકાડો કર્યો,

‘કહી દો ને આ બધાયને, કે તમે મુખીના દીકરા પાસે એવી કોઈ અઘટિત માંગણી નહોતી કરી… એ તો આ બાવો જ તમને એના પડખે સુવડાવવા માટે અધીરો બન્યો હતો. પણ કામ ન બનતા તમારી પર કાદવ ઉછાળ્યો !’ અને મારા વાક્યના પુરા થતા પહેલા જ આખા ટોળામાં સોંપો પડી ગયો. ઘડીભર તો મને પણ યોજનાની આડમાં ભાભીના ચારિત્ર્ય પર વધુ એક પ્રશ્ન કર્યાનો રંજ થયો ! પણ એમ જામેલી બાજી બગડે એ કેમનું ચલવાય !

વાત સાંભળતા જ બાવો મારા પર તાડૂક્યો, ‘એય લડકે, ક્યા બકવાસ કર રહા હૈ ?’, અને એ સાથે મેં ડાંગ પરની પકડ મજબુત કરી, અને એને ચુપ રેહવાની ઈશારત કરી, ગામ લોકોને ઉદ્દેશીને સહેજ ઊંચા અવાજે બોલવાનું શરુ કર્યું,

‘જાણું છું… તમને બધાય ને મારી વાતોનો આજ સુધી ક્યારેય વિશ્વાસ નથી આવ્યો. પણ આજે મારી એક છેલ્લી વાર વાત માની જુઓ. જે માણસ પર તમને આંખો બીડ્યે વિશ્વાસ હોય એના ચમત્કારિક પ્રવાહી પર પણ તમને વિશ્વાસ હોવાનો જ ! તો કહો આ સાધુને, નાંખે એના હાથ કરમંડલમાં, અને સાબિત કરે પોતાની બેગુનાહી !’ અને એ સાથે બાવો મારી તરફ ધસ્યો, પણ વખત સાચવી લેતા મેં ડાંગ આડે લાવી દીધી… મન તો ઘણુંય હતું કે એ જ ડાંગ એના પડખામાં દઈ એના હાંજા ગગડાવી મુકું. પણ હાલ બનેલી બાજી બગડે તેવું કંઈ કરવું પોસાય તેમ ન હતું. અને ગામલોકો વચ્ચે ચાલેલી ઉગ્ર ચર્ચાઓ, દલીલો જોતાં અમારો ટેબ્લો બરાબર પાર પડ્યો જણાતો હતો !

અને થોડી જ વારમાં ગામ લોકો બાવાને પોતાની નીર્દોશતાની સાબિતી આપવાના નિષ્કર્ષ પર આવી પંહોચ્યા. અને એ સાંભળી બાવાના તો ગાત્રા ગળી ગયા… એણે તો સપનેય નહીં ધાર્યું હોય કે કોઈ પળભરમાં ગામલોકોનો તેના પરનો વિશ્વાસ ડગાવી જશે ! પણ મેં દાવ જ કંઇક એવો ખેલ્યો હતો કે એ તો થવાનું જ હતું. એમના વિશ્વાશની આખી ઈમારત પાડવા કરતા, તેના પાયા પર જ – બાવાના જ ચારિત્ર્ય પર જ – હુમલો કરવો જરૂરી હતો ! અને એમાં સાથ આપવા ભાભી અને લાલજી મારી પડખે થયા એ મારા સદ્નસીબ !

થોડી જ વારમાં ગામ લોકોની માંગણીનો સાદ ઉંચો ઉઠ્યો, અને હવે તો મુખી પર પણ દબાણ વધતું ચાલ્યું. એણે બાવાને તેની જ ન્યાય પ્રક્રિયામાંથી પસાર થવા વિનંતી કરી. અને આખરે કોઈ માર્ગબચેલો ન જાણી તેણે પોતાના હાથ તેણે ભાભી સામે ધરેલા કરમંડલમાં સરકાવ્યા ! પણ અંદર હાથ જાણે અંદર જ ચોંટી ગયા હોય એમ હાથ ભરાવી રહ્યો… અને મારી ધીરજ ખૂટી પડતા મેં ખેંચીને તેના હાથ બહાર કાઢ્યા ! અને એ થોડીક પળો મને મારી સૌથી કપરી કસોટીસમી લાગી. એ ક્ષણે મેં મારા જીવનનો સૌથી મોટો જુગાર – સૌથી મોટો તુક્કો – ખેલ્યો હતો… અને એ પણ કોઈના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવીને ! ગામના બધા જ કંઇક આઘાત સાથે બાઘા બની જોઈ રહ્યા હતા, અને એમનો એ આઘાત જ મારો આશ્ચર્ય હતો ! કારણકે બાવાના હાથ ચકામા થયા હોય એવા રંગથી રંગાયેલા હતાં !

ઘડીભર તો કોઈ કંઈ જ ન બોલી શક્યું… પણ ધીરેધીરે લોકોએ પોતાના હાથમાં રહેલા ડાંગ પર પકડ જમાવી, તો કેટલાકે હાથમાં પથ્થરો ઉઠાવવા માંડ્યા ! પણ ભીડ બેકાબુ બની કાયદો હાથમાં લે એ પહેલા જ મેં તેમને શાંત પાડી એ ધુતારાને પોલીસમાં સોંપી દેવા સમજાવવા માંડ્યા. અને ઘડીભર પહેલા જ મારી વાતમાં વિશ્વાસ કરનારા ફરી એકવાર મારી સંમત થયા. ગામના ચાર જ્વાનીયાઓ તેને બાંધી પોલીસ સ્ટેશને લઇ ગયા. અને જતા જતા પણ પેલો મારી તરફ ફિક્કું હસ્યો, જાણે કહેતો ગયો, ‘જા, જીત્યો તું !’

અને એ ટેબ્લો ખતમ થતાં જ ગામની કેટલીક સ્ત્રીઓએ આવી ભાભીને સાચવી. પણ દરેક જગ્યાએ વાંધાવચકા કાઢનારાઓની ક્યાં કમી હોય જ છે ! અહીં પણ એવા કેટલાયે ભાભીને એ વિષે વધારે પુછપરછ કરી હેરાન કરી મૂકી. અને એ જોઈ મારા ગુસ્સાનો પારો વધુ ઉપર ચડ્યો, અને કોણ જાણે ક્યાંથી મારામાં એવી શક્તિ આવી કે મેં બધામાં સોંપો પડી જાય એવી જોરથી રીતસરની ત્રાડ નાંખી, ‘બસ…!’ અને તરત જ એ કરમંડલમાંથી થોડાક થોડાક છાંટા કરી બધાને ભીંજવ્યા, અને એ સાથે બધાને – જ્યાં જ્યાં એ પ્રવાહી પડ્યું ત્યાં ત્યાં – ચકામા જેવા ડાઘ ઉપસી આવ્યા ! અને મેં ફરી ઊંચા સાદે બોલવું શરુ કર્યું,

‘જોયુંને બધાએ ? હજી પણ કંઈ કહેવું છે કોઈએ !? શું હવે આપણે બધા જ આરોપીઓ !? અરે ભોળા માણસો, આટલી નાની અમથી વાત કેમ નથી સમજતા, ન્યાયના નામ પર એ બાવો તમને રમાડી રહ્યો હતો – એક સામાન્ય રસાયણના જોર પર ! એ તેલ જેવું પ્રવાહી નીનહાઇડ્રીન છે, જે ચામડીના સંપર્કમાં આવતા જ લાલ-ભૂરા ડાઘ ઉપજાવે છે ! અને એ ધુતારાના મનમાં જે ખૂંચી આવે એના કરમંડલમાં એ આ પ્રવાહી ઉમેરી દેતો. હજી પણ કોઈને કંઈ જાણવું છે !?’, કહેતાં હું અચાનક થાકી ગયો હોઉં એમ નીચે ફસડાઈને બેસી પડ્યો.

ટોળું આખુ પોતે કેટલું મુર્ખ હતું એ માપવામાં પડ્યું. પણ છતાંય ગામની મંથરા જેવી કોઈક ડોશી વચ્ચે બોલી ઉઠી, ‘ભ’ઈ, આ વિજ્ઞાન અને રસાયણો તો અમે ના જાણીએ. અમે તો હવે એટલું જ જાણીએ કે હવે રૂડીએ મહીસાગરનું પાણી મૂકી પોતાનું ચરિત્ર સાબિત કરવું પડશે !’ અને એ સાંભળી મારાથી હળવેકથી નિસાસો નાંખતા ધીરેથી બોલી જવાયું, ‘શું થશે આ પ્રજાનું !’

પણ હું ઉભો થઇ કંઈ બોલું એ પહેલા જ લાલજી વચ્ચે પડ્યો, અને રૂડીનો હાથ ઝાલતા બોલ્યો, ‘મારી રૂડી એટલી જ ચોખ્ખી છે જેટલા આ મહીના નીર ! હવે એના ચારિત્ર્ય પર પ્રશ્ન કરી મારે ફરી કોઈ પાપમાં નથી પડવું… ચાલ હવે ઘરે.’, કહેતાં એ રૂડીને ખેંચતો લઇ ગયો. અને એ સાથે એક સીતા ચારીત્ર્યની પરીક્ષામાંથી ઉગરી આવી… અને એ બંનેને જતા જોઈ રહી મારાથી બોલી જવાયું, ‘આખરે લાલજીના ઘટમાં રામ વસ્યા ખરા !’

આજે એ વાતને વીસ વર્ષના વ્હાણા વહી ચુક્યા છે ! રાકેશને તો અહીં નોકરી ન મળી, અને મારાથી મળેલી નોકરી ન છોડી શકાઈ – મહીના મોહમાં જ તો વળી ! આજે રૂડીના બાળકો મને ‘ભગતબાપા’ કહી બોલાવે છે, અને આખા ગામમાં મારું એ જ નામ થઇ ચાલ્યું છે – એ મારા હજી સુધી અપરણિત હોવાને કારણે કે પછી બીજા કોઈ કારણે એ તો દૈવ જાણે ! અને આ વીસ વર્ષોમાં એ બાવો તો શું, એના જેવો પણ કોઈ આ તરફ નથી ફરક્યો ! પણ હા, હવે સલાહો લેવા ગામલોકો મારી પર અવલંબે છે… હા, એ જરાક ખુંચે પણ છે, કારણકે હું તેમને સ્વત્રંત રીતે નિર્ણયો લેતા જોવા માંગું છું, પણ ખૈર, મારી સલાહે એમનો ઉદ્ધાર થતો હોય તો મને શો વાંધો હોવાનો !

અને હા, આજે પણ મને કોઈક પ્રશ્ન મુંઝવે ત્યારે હું મહી પાસે જાઉં છું, એ મને જવાબ શોધવામાં મદદ કરશે એ શ્રધ્ધા સાથે, નહીં કે એ ‘જ’ મને જવાબ શોધી આપે એવી અંધશ્રદ્ધા સાથે ! હા, હવે મને તો થોડીક ચાલવામાં તકલીફ પડે છે, પણ તમે આવજો ક્યારેક તેની પાસેથી જવાબ મેળવવાની શ્રધ્ધા સાથે…. એ તો આજે પણ નવયોવનાની માફક જ વહી રહી છે ! અને મને વિશ્વાસ છે, એ તમને જવાબ પણ આપશે, પોતાના નીરના પ્રવાહો દ્વારા… ખળખળ ખળખળ ખળખળ !

– Mitra ❤

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.