‘અભી, હું તને મરતા નહી જોઈ શકું !’, કાંચીના એ શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા ! મારું મન વારંવાર એ શબ્દો ના અર્થ શોધવા મથતું રહ્યું. શું અર્થ હતો એનો, શું એ, એક મિત્ર તરીકેની ચિંતા હતી? કે પછી પ્રેમનો એકરાર… !? કે પછી હું જ વધારે પડતું વિચારી રહ્યો હતો !
હું પણ કાંચી ની પાછળ પાછળ ચાલવા માંડ્યો… અને તેની જોડે થઇ મેં પૂછ્યું “કાંચી ઘરે જઈશું હવે…!?”
“ઘરે…? કોના ઘરે…?”, એણે આંગળી મોઢા માંથી કાઢીને પૂછ્યું, અને ફરી મોંમાં નાખી દીધી.
“મારા ઘરે… ઘરે નહિ આવે…!?”, મેં કહ્યું.
“ના… હું તો હમણાં જ કોલકત્તા પાછી જાઉં છું, બસ થોડી જ વારમાં ફ્લાઈટ છે !”
“અરે પણ આટલી જલ્દી કેમ છે તને…?”
“અભી… મારી પાસે વધારે સમય જ ક્યાં છે…?”
“કાંચી, જે થવાનું હશે એ થશે ! પણ એટલીસ્ટ તું એવું તો ન બોલ…!”
“અભી હું સાચું બોલું છું ! જસ્ટ બે અઠવાડિયા પહેલા અંશુમન….”, કહેતા એણે હળવો નિસાસો નાંખ્યો, “….અને હવે મારો સમય પણ નજીક જ છે… !”
“શું…!? અંશુમન…? ખરેખર… !?”, મેં આશ્ચર્ય સાથે પૂછ્યું. મને ખરેખર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો, કે અંશુમન હવે નથી રહ્યો !
“કાંચી, તો પછી એકવાર તો તારે મારા ઘરે આવવું જ રહ્યું…”
“ના…. હું તારા ઘરે તો નહી આવું ! પણ એક ચીજ છે, જે તું મારા માટે કરી શકે છે…!”
“બોલ ને… શું કરવું છે !?”
“તારે મને હમણાં એરપોર્ટ સુધી ડ્રોપ કરવાની છે.”, કહી એ હસી પડી.
“બસ.. આટલું જ !?”, મેં કહ્યું. કારણકે હું કોઈક મોટું કામ ધારી રહ્યો હતો !
“આ ‘બસ આટલું જ નથી’ સાહેબ ! એ બહાને તારી સાથે કારમાં વિતાવેલા એ દિવસો યાદ આવી જશે ! ફરી એ કારમાં શ્વાસ લઇ, એ ક્ષણો જીવી લઈશ !”
“એ તો તું ના કહેતી, તો પણ હું મુકવા આવતો જ !”
એ પછી અમારી પાસે વાતો કરવા માટે વિષયો ખૂટવા લાગ્યા. કઈ વાત કરવી? કેટલી વાત કરવી? એ બાબતે અમે મુંજાતા રહ્યા. થોડીવારે અમે બહાર કાર સુધી આવ્યા અને કારમાં ગોઠવાઈ, એરપોર્ટ તરફ ગયા !
મુંબઈ ની રાત, રસ્તા પરની લાઈટો, લોકોની ચહલપહલ, જોડેથી પસાર થતા વાહનો ની ઘરઘરાટી, અને ટ્રાફિક હોવા છતાં, બેહદ સુંદર લાગી રહી હતી ! આ બધું હું પહેલા પણ રોજ જોતો હતો… પણ આજે વાત અલગ હતી ! આજે કાંચી જોડે હતી, એટલે બધું જ ગમતું હતું ! આ ટ્રાફિક પણ… !
“તો હવે આગળ શું પ્લાન છે…?”, કાંચીએ મને પૂછ્યું.
“નક્કી નથી… પણ હવે બસ ! લખવું છોડવું છે…!”
“હેં..? પણ કેમ…?”
“બસ, મન ભરીને જીવી લીધી આ જિંદગી ! હવે ફરી કંઇક નવું કરવું છે…!”
“ગાંડા જેવી વાતો ના કર ! તારે આગળ પણ લખતા રેહવાનું છે… તું સારું લખે છે…!”
“અને જો મન ન લાગે તો…?”
“અરે પણ મન કેમ ન લાગે…? હા, કોઈ જોડે પ્રેમના રાગ ગાવા હોય તો મન ન લાગે એવું બને…!”, એ થોડું હસી.
“પ્રેમરાગ તો ગાવા છે… પણ…”
“પણ શું…?”
“હજી કોઈ સાથીદાર મળ્યું નથી…”, મેં વાત વાળી દીધી.
એ સાંભળી એ જરા ઉદાસ થઇ… કદાચ એણે પણ ધાર્યું હતું, કે હું એના વિષે કંઇક કહીશ !
“જો અભી ! તું સારું લખે છે… અને કદાચ તને લખવું ગમે પણ છે ! બધા એટલા નસીબદાર નથી હોતાં, કે એમને પોતાનું ગમતું કાર્ય કરવા મળે ! મને જ જો ને… એરહોસ્ટેસ તો બની ગઈ… પણ પાછળ થી પરિવાર નું અને ગૃહસ્થી નું બહાનું આગળ કરી, કામ મૂકી દીધું ! તું એવા કોઈ બહાના કરી, લખવાનું ન છોડતો…!”
“અરે અરે… એમાં આટલું બધું ઈમોશનલ થવાની વાત ક્યાં આવી….!”, હું હસ્યો.
“તું હસી લે… પણ હું એ જ ઈચ્છું છું કે તું લખતો રહે… પણ હા, જોર-જબરદસ્તીથી કંઇ ન લખતો ! કંઇક નક્કર લખજે, જેના થી કોઈક રીલેટ થઇ શકે, એવું વાસ્તવિક ! વાર્તાઓ ની શોધમાં ભટકવું પડે તો પણ ભટકજે…! ક્યારેક એવું પણ થશે, કે બધું જ સમાપ્ત થઇ જતું લાગશે… અને ત્યારે વાર્તાઓ સામેથી તને ઉગારવા આવશે !”
“હા, હવે… તું બહુ ફિલોસોફીકલ વાતો કરતી થઇ ગઈ છું !”, મેં હસતા હસતા કહ્યું, એ પણ જોડે હસી પડી.
“લે તારું એરપોર્ટ પણ આવી ગયું…”, કહી મેં ગાડી પાર્ક કરી.
એ થોડીવાર મને જોઈ રહી, અને પછી ગાડી નો દરવાજો ખોલવા હાથ આગળ વધાર્યો.
“કાંચી…”, મેં એને રોકતા કહ્યું.
“હા…”
“મને યાદ કરીશ ને…?”
એ હસવા માંડી… “અભી તું પાગલ તો નથી ને… આ લગભગ તું મને ત્રીજી વખત એક નો એક પ્રશ્ન પૂછી રહ્યો છે…!”
“પણ મને ડર લાગે છે…!”
“શેનો ડર…?”
“તું મને યાદ નહિ કરે તો…!?”
“મેં તને આનો જવાબ પહેલા પણ આપી જ દીધો છે… હું મરતા પહેલા તને ચોક્કસ યાદ કરીશ ! અલબત્ત હકથી તને મળવા બોલાવીશ…”
“હું રાહ જોઇશ… હું પણ તો જોઉં, ‘મારી કાંચી’ મને યાદ કરે છે કે નહી…!”
મને બોલ્યા પછી ભાન આવ્યું કે મેં, તેને ‘મારી કાંચી’ કહી સંબોધી હતી… અને એના કારણે એ જરા શરમથી નીચું જોઈ ગઈ !
“ચાલ, હવે મને જવા દે… મોડું થશે ! અને જાઉં જ નહી તો તને બોલાવીશ ક્યાંથી…?”, કહી એ કારમાંથી બહાર નીકળી. એ ફરીને મારી સીટ તરફની બારી એ આવી, અને થોડુક ઝૂકીને મને ગાલ પર ચૂમ્યું. એના ચુંબનમાં આત્મીયતા હતી, એક મિત્રતા નો ભાવ હતો !
“ચાલ, હું જાઉં…”, કહી એ ચાલવા માંડી.
“કાંચી…”, મેં પાછળથી બુમ પડતા કહ્યું.
“હા બોલ… તને બધું રહીરહી ને યાદ આવે છે, નહી !?”
“તારે મારો ઓટોગ્રાફ નથી જોઈતો… !?”
“એ છે જ મારી પાસે ! મારી પાસે જે બુક આવી હતી એમાં ઓલરેડી તારો ઓટોગ્રાફ હતો જ… અને ન આવ્યો હોત તો પણ ચાલતું ! જે માણસે એની કલમથી, મારું આખેઆખું વ્યક્તિત્વ લખ્યું છે, હવે એના ઓટોગ્રાફની મારે શું જરૂર !? ભલે હું થોડા સમયમાં આ દુનિયામાં નહી હોઉં… પણ તારા શબ્દોમાં હું જરૂર હોઈશ ! તેં મને અમર બનાવી દીધી છે અભી… એન્ડ એ બદલ તારો આભાર માનું એટલો ઓછો પડે… !”
“બસ હવે, આ આભાર નો ભાર ન લાદીશ…”
“ચાલ, હું જાઉં છું…”, એ ફરી એરપોર્ટ તરફ ચાલવા માંડી ! આજે ફરી એક વખત એ મારાથી દુર જઈ રહી હતી. આ વખતે પણ મારી પાસે એને રોકવા માટે કોઈ બહાનું ન હતું ! એ જ્યાં સુધી મારી નજરો થી દુર ન ગઈ, ત્યાં સુધી હું એને જોઈ રહ્યો !
હું ફરી ઘરે આવ્યો. અને કાંચીના જ વિચાર કરતો પથારીમાં પડ્યો. એની સાથે આજે વિતાવેલા કલાકો, દરેક ક્ષણ મેં યાદ કરવા માંડી ! લગભગ ફરી જીવવા જ માંડી ! એને ખીલી વાગ્યા બાદના એના શબ્દો મને યાદ આવી ગયા, અને હસવું આવી ગયું !
આ છોકરી ખરેખર જે માનતી હતી, એ જ જીવતી હતી ! એના માટે પ્રેમ એ ક્ષણભરમાં પણ થઇ શકે એવી લાગણી હતી… એના માટે પ્રેમ એટલે એકબીજા ની સાથે ન હોવા છતાં જીવી શકાય એવી લાગણી હતી… એના માટે પ્રેમ એ, એકની જોડે બીજો મરે જ એવું જરૂરી ન હતું…. ! અને કદાચ એટલે જ આજે એણે મને તેની આંગળીમાંથી પડતું લોહી ચૂસવા ન દીધું. એણે જેમ કહ્યું હતું… ’મોત બહુ નસીબદાર ને મળતું હોય છે, હું કઈ આટલી આસાની થી એને કોઈની જોડે ન વહેંચું !’
હું એના જ વિચારોમાં તલ્લીન રહી પડી રહ્યો, અને ક્યારે આંખો મીંચાઈ ગઈ, એનો પણ અંદાજ ન આવ્યો !
બીજા દિવસથી એ જ રોજ ની દિનચર્યા… રોજ થોડા પત્રો, ફોનકોલ્સ, એકાદ ઈન્ટરવ્યું, પ્રતિભાવો, વેચાણ ના આંકડા… વગેરે વગેરે ! પણ હવે જોડે એક નવી વાત ની ઇન્તેજારી હતી… કાંચી ના ઔર એક પત્રની ! કદાચ એના આખરી પત્ર ની… !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |
Leave a Reply