કાંચીના ચોપાટી પર ગયા ની વાત મળ્યા બાદ, હું તરત કારમાં ચોપાટી તરફ જવા નીકળ્યો !
એનો પત્ર મળ્યા બાદથી જ ઉત્સુકતા વધી ચુકી હતી, અને પહેલા કેફે, અને હવે ચોપાટી ! એમ લાગી રહ્યું હતું, જાણે કાંચી મારી સાથે પકડદાવ રમી રહી હતી ! હું ગાડી બને તેટલી વધુ ઝડપે ચલાવી રહ્યો હતો, પણ આ મુંબઈ નો ટ્રાફિક ! જ્યાં સુધી ઉતાવળમાં હોવ અને નડે નહી, ત્યાં સુધી એ ટ્રાફિક નો શું અર્થ… ! બને તેટલી જલ્દી હું ચોપાટી પર પંહોચ્યો ! ત્યાં ભીડ પણ ઠીકઠાક પ્રમાણમાં હતી, અને મારી નજરો કાંચીને શોધી રહી હતી ! હું ઉતાવળા પગે આગળ વધતો ચાલ્યો, અને કાંચી ને શોધવા લાગ્યો !
ઘણું શોધ્યા બાદ પણ મને કાંચી ન દેખાઈ ! ક્ષણભર માટે હું હતાશ પણ થઇ આવ્યો ! મને જાણે લાગ્યું, કે કાંચી મારી સાથે રમત રમી રહી હતી !
હું એના ના મળવાની હતાશા સાથે પાછો ફરવા જઈ રહ્યો હતો, અને ત્યાં જ મને મારા નામની બુમ સંભળાઈ…
“અભી…”, ભાગ્યે જ કોઈ મને મારા આ ટૂંકા નામે બોલાવતું. બાકી તો હું અભિમન્યુ સિંઘ ના નામે જ ઓળખાતો !
મેં વળીને એ અવાજની દિશામાં જોયું… એ બુમ પાડનાર ‘કાંચી’ હતી !
કાંચી, કોઈ અજાણ્યા નાના બાળકો સાથે એ દરિયા કિનારે મસ્તી કરી રહી હતી. એણે ઘૂંટણ સુધી પેન્ટ ચઢાવેલ અને ઉપર વ્હાઈટ ટોપ પહેરેલ ! એ દરિયાના મોજાઓ વચ્ચે મસ્તી કરતી, મને બુમો પાડી રહી હતી.
મને એને નજરોએ જોયા બાદ પણ વિશ્વાસ નહોતો આવતો ! એ આજે પણ એવી જ રીતે નિખાલસતા થી હસી શકતી હતી… આજે પણ જીવનથી એટલી જ ભરપુર ! એને જોઇને કોણ કહેશે, કે આ છોકરી મોતની આટલી નજીક ઉભી હશે… !
એ ધીરે ધીરે દરિયામાંથી બહાર આવી, અને મારી નજીક આવી. મેં હાથ મિલાવવા, હાથ આગળ વધાર્યો, અને એણે મને ગળે લગાડવા હાથ ફેલાવ્યા. એ જોઈ મેં હાથ પાછળ લઇ લીધા, અને એ મને ભેટી પડી !
એના આલિંગનમાં એક ચુસ્તતા હતી. એક અલગ પ્રકારનું ઝુનુન હતું… ! મેં પણ તેને જોરથી બાથમાં લઇ લીધી.
થોડીવારે અમે છુટા પડ્યા. એ મને જોઈ રહી. હું શરમથી નીચું જોઈ ગયો !
“આ શું હાલત બનાવી છે લેખક સાહેબ…!?”, એણે મારી લાંબી દાઢી સહેજ ખેંચતા કહ્યું.
“ખેંચ નહી કાંચી… દુખે છે…!”, મેં કહ્યું.
“પણ સાવ આવું…? પોતાની જરા પણ કેર નથી કરતો…!”, કહી એ હસવા માંડી.
હું કંઇ પણ બોલ્યા વિના એને જોઈ રહ્યો… મને લાગી જ નહોતું રહ્યું કે હું એને મહિનાઓ બાદ મળી રહ્યો છું ! કહેવાય છે ને કે આત્મીયતા ના તાંતણે જોડાયેલા સંબંધો ને સમય પણ અસર નથી કરી શકતો ! બસ એવું કંઇક…!
“સોરી… મેં તને મારા વિશે કશું કહ્યું ન હતું એ બદલ…!”, મેં સહેજ નીચું જોતાં કહ્યું.
“મેં જ તો ના પાડી હતી તને…!”
“હા…”
અમે બંને ચુપ થઇ ગયા !
“સ્ટોરી વાંચી…!?”, અમે દરિયા કિનારે ચાલવા નું શરુ કર્યું. અને ચાલતા ચાલતા મેં એને પૂછ્યું.
“યસ… બધી વાંચી ! શું સ્ટોરીઝ છે બોસ…! માની ગયા તમને તો…!”, કહી એણે નાટકીય અદામાં મને સેલ્યુટ ઠોક્યું !
“બસ હવે, બહુ નાટકો કરવાની પણ જરૂર નથી ! અને એમ બોલ, અને ‘આપણી’ વાર્તા કેવી લાગી…!?”
“કાંચી વાળી… !?”
“હા…”, હું એનો પ્રતિભાવ જાણવા ઉત્સુક હતો, પણ એ કંઇ બોલી જ નહિ…!
“કેમ ચુપ થઇ ગઈ… સ્ટોરી ના ગમી… !?”, મેં ફરી પૂછ્યું.
“ના, ગમી ને… બેહદ ની ગમી ! ખુબ સારું લખ્યું છે… ! પણ એક વાત ના ગમી…”
“કઈ વાત… !?”
“એ વાંચતા મને એમ લાગ્યું કે… કે, તું ‘મને’ મારાથી પણ વધારે જાણી ચુક્યો છે…, અને એ પણ ખુબ જ ટૂંકા સમયમાં !”
“મતલબ સારી લાગી એમ ને…!”, કહી હું સહેજ હસ્યો.
“પણ કોઈ વિશે હદથી વિશેષ જાણવું સારું કહેવાય … !?”, એ ગંભીર થતા બોલી.
મેં કોઈ જવાબ ન આપ્યો…
“અભી… કોઈને હદથી વધારે જાણી લો, ત્યારે એ વ્યક્તિ થી તમને નફરત થવા લાગે, આ એક સ્વાભાવિક વાત છે… !”
“ના રે…! એવું કોણે કહ્યું તને…!? મને ક્યાં તારાથી નફરત છે…!”
“તો ? તો શું તને મારાથી પ્રેમ છે…. !?”, તેણે પૂછ્યું.
એ સાંભળી હું જરા ચોંક્યો…! એનો અણધાર્યો સવાલ સાંભળી, મેં એને ખભાથી પકડી, અને કહ્યું… “ના કાંચી… તું એટલી પણ આકર્ષક નથી કે હું તારા પ્રેમ માં પડું…!”, કહી હું હસી પડ્યો, અને એની ગંભીરતા દુર કરવાનો પ્રયાસ કરી જોયો.
પણ એ હજી પણ ગંભીર હતી અને બોલી, “અભી… જો તારો હાથ મારા ખભા પર પકડ જમાવી રહ્યો છે…!”, અને એ સાથે મેં હાથ હટાવી લીધા ! અને એ જોઈ એ હસી પડી.
હું ડરી ગયો… મને એના જોડે પ્રેમ હતો, અને હું એ વિશે ખોટું પણ ન બોલી શક્યો ! ખોટું બોલવ જતાં મારી પકડ મજબુત થઇ ગઈ હતી !
અમે આગળ ચાલવું શરુ કર્યું… ‘તું મને મારાથી વિશેષ ઓળખી ચુક્યો છે…’, કાંચીના એ શબ્દો મારા મનમાં ઘૂમતા રહ્યા. મેં જેના વિષે લખ્યું હતું, એ જ વ્યક્તિ આવું કહી રહી હતી ! મારા લખાણ વિષે, આનાથી વિશેષ કોમ્પ્લીમેન્ટ બીજું શું હોઈ શકે !?
“કાંચી… તબિયત કેવી છે હવે…?”
“હ્મ્મ્મ… સારી જ છે ! અલબત્ત, મોતની બહુ જ નજીક છું હવે…!”
“કેમ આમ બોલે છે…!? તને કંઈ નહિ થાય…!”
“આ તું મને કહી રહ્યો છે? મને ખબર છે, મારા વિષે…”
“પણ છતાંય એવું બોલવાની જરૂર છે…?”
“હા હવે…! અને એક વાત ! મરતા પહેલા તને ચોક્કસ મળવા બોલાવીશ… !”
“હું પણ ચોક્કસ આવીશ તને મળવા….!”
“એમ ? આવીને શું પૂછીશ…? ‘કાંચી, પછી શું થયું એમ…!?’…”, એ હસવા માંડી.
“હા, એવું પૂછીશ બસ…”
અમે લાંબા સમય સુધી મૌન રહી ચાલતા રહ્યા…,
થોડીવારે મેં એને પૂછ્યું…, “કાંચી, આ જ સમયે, આ જ ક્ષણે, તારે મને કોઈક ગીતમાં કંઇક કહેવું હોય તો તું શું કહે… !?”
“આ કેવો પ્રશ્ન છે અભી… !?”, એ હસતા હસતા બોલી.
“તું હસ નહી, ગીત વિચાર…”, મેં જરા નાટકીય રીતે ગુસ્સે થતા એને કહ્યું.
“હમમ… વિચારવા દે. એમ અચાનક કઈ યાદ ના આવે…!”, અને એ વિચારમાં પડી.
થોડીવાર રહી એણે અચાનક જ ગીત ગાવાનું શરુ કર્યું…., “….’અભી’ ના જાઓ છોડ કર… કે દિલ અભી ભરા નહી…”
અને કાંચી, એ ગીત ગાતા ગાતા મારાથી નજરો ચુરાવતી રહી ! અને કદાચ એની આંખ પણ ભીની થઇ આવી હતી. એ જોઈ હું જરા મલક્યો…
“હસ નહી… જા હું હવે આગળ નહિ ગાઉં…!”, કહી એણે મોં ફુલાવ્યું.
“સોરી ! હું તો તારા ગીતના સિલેકશન પર હસતો હતો ! આઈ મીન હું ક્યાં તને છોડી ને જવાનો છું ! છોડીને તો તું જાય છે…”, મેં મજાક મજાકમાં ગંભીર વાત કહી દીધી હતી.
“ના… એમ સોરી થી નહિ ચાલે ! તારે પણ મારી માટે ગીત ગાવું પડશે…!”
“મને ગાતા નહી આવડતું. હું લેખક છું, ગાયક નહી…!”
“પોતાનો વારો આવ્યો તો બહાના… !? ચુપચાપ ગીત વિચાર ચાલ…”, કહી એ ચાલવા માંડી, હું એનાથી બે ડગલા પાછળ ચાલી રહ્યો હતો, અને અચાનક મને એના નામ પરથી ગીત યાદ આવ્યું અને મેં એનો હાથ પકડી લઇ એને રોકી લીધી, અને પોતે દરિયાની માટીમાં ઘૂંટણીયે બેસી ગયો. એ પાછળ ફરી, અને મેં ગાવવાનું શરુ કર્યું… “કાંચી રે કાંચી રે… પ્યાર મેરા સાંચા… રુક જા, ન જા દિલ તોડ કે… હો, રુક જા ન જા, દિલ તોડ કર… !”
એ મારા ગાવા પર હસવા માંડી, “લેખક સાહેબ, ગીતનું સિલેકશન તો તમે પણ અયોગ્ય જ કર્યું છે !”
“એ ભલે…”, કહી હું ઉભો થયો, અને આંખોમાં આવેલા નાનકડા આંસુને છુપાવી લીધા !
“ચાલ, હવે કંઇક નાસ્તો કરી લઈએ ! મને ભૂખ લાગી છે…”, કાંચીએ કહ્યું.
અને અમે ચાલતા ચાલતા, બીચ પર આવેલી નાનકડી દુકાનોમાં ગોઠવાયા.
“તો કેવી રહી સફર, ‘કાંચી’ ને લખવાની…?”, એણે પૂછ્યું.
“જસ્ટ ઓસમ… એક એક ક્ષણે તને જીવ્યો હતો…!”
“હોલ્ડ ઓન મી.અભિમન્યુ ! આમ ને આમ કરશો તો મારા પ્રેમમાં પડી જશો…!”
“તો ભલે ને પડીએ… ક્યાંક તો પડ્યા બાદ ફાયદો થાય !”, મેં આંખ મારતા કહ્યું.
અને ત્યારબાદ અમે નાસ્તો કરતા કરતા આડી અવળી વાતોએ ચડ્યા. એ વાતો કર્યે જ જતી હતી, અને હું એને જોયા કરતો હતો. ક્યારેક વિચારતો, કે સાચે જ હું આ છોકરીના પ્રેમમાં પડી ચુક્યો હતો, અને કદાચ એ પણ ! પણ અમે બંને એકબીજા ને દિલ ખોલીને કહી શકતા ન હતા… બે એકબીજાને ઇનડાયરેક્ટલી હિન્ટ પર હિન્ટ આપ્યે જતા હતા ! અને કદાચ ઈઝહાર ન કરવાનું કારણ પણ મનના ખૂણે ખબર જ હતી ! કે એક ના એક દિવસ તો અમારે છુટા પડવાનું જ છે… ! એટલે ખોટું આ દિલને છેતરવાનો શું મતલબ !?
“કાંચી, સિગરેટ પીવી છે… ?”,નાસ્તો પતાવ્યા બાદ મેં એને પૂછ્યું.
“હા, લઇ આવ…”
હું જઈને બે સિગારેટ લઇ આવ્યો, પણ પાછા આવતા પહેલા જાણી જોઇને એક સિગારેટ ખિસ્સામાં સંતાડી દીધી.
અમે બંને દુકાનની બહાર આવ્યા, અને દરિયાના કાંઠે જઈને ઉભા રહ્યા. દરિયાના મોજા આવતા, અને અમારા પગ ભીંજવી જઈ, પાછા વળી જતા !
મેં કાંચીને સિગારેટ પકડાવી, અને સળગાવી આપી. એણે ક્ષીતીજ તરફ ઢળી રહેલ સુરજને જોઈ રહી કશ મારવા માંડ્યા !
“તારી સિગારેટ નથી કાઢવી શું…? કે આજે પણ આમાંથી જ ભાગ પડાવવાનો વિચાર છે…?”, એણે મારી તરફ જોયા વિના પૂછ્યું.
હું સહેજ ચમકી ગયો ! કાંચી મને કેટલું સમજી ચુકી હતી..!
“ઓબ્વ્યસ્લી, તારા માંથી જ ભાગ પડાવીશ…!”, મેં નિર્લજ બની કહ્યું અને તેના મોઢા માંથી સિગારેટ કાઢી લઇ, કશ મારવા મંડ્યા !
“તું બહુ કંજૂસ છે…. હુહ !”
“કંજૂસ નથી મેડમ ! શું ખબર ફરી ક્યારે, તમારી સિગારેટ માંથી કશ મારવા મળે કે ન મળે? અને જોડે જોડે આમાં તમારા અધરોનો સ્વાદ પણ તો આવે છે !?”, મેં આંખ મારતાં કહ્યું.
“જરાક તો શરમ કર… કોઈક સાંભળશે તો શું કહેશે ! તને કોઈ લેખક પણ નહી માને…”
“તો ભલે ના માને ! લેખક પણ એક સામાન્ય માણસ જ હોય છે…!”
“હશે…હશે !”, કહી એ દરિયામાં સહેજ અંદર તરફ ગઈ. એ મોજામાં પગ ભીંજવવા નો આનંદ લેતી ઉભી રહી. ક્યારેક આવતા પાણીમાં ઝૂકીને હાથ નાખી મજા લેતી ! એવામાં એકાદ મોજામાં થોડાક કચરા સાથે નાનકડી ખીલી તણાઈ આવી, અને કાંચીની આંગળીમાં ખૂંચી ! એણે ધીરેથી બુમ પાડી, અને હાથ ઝાટકતી પાછી આવી.
“શું થયું..!? મેં તેની નજીક જઈ પૂછ્યું.
એણે હાથ બતાવ્યો. તેની આખી આંગળી લોહીથી લાલ થઇ ચુકી હતી ! મેં એનો હાથ મારા હાથમાં લીધો, અને તેનું લોહી ચૂસી લેવા મારા મોઢા ની નજીક લાવ્યો… અને એણે એક ઝાટકા સાથે એનો હાથ છોડાવી લીધો, અને બોલી, “અભી હું તને મરતાં નહી જોઈ શકું !”, અને એટલું કહેતાં ની સાથે એણે તેની આંગળી પોતાના હોઠ વચ્ચે દાબી દીધી, અને આગળ ચાલવા માંડી !
~ Mitra
Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ ) | ( પ્રકરણ – ૬ ) | ( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |
Leave a Reply