Yashwant Maheta 1000 day writing stories - Yashwant Maheta - Sarjak.org
Gujarati Life Stories Writers Space

યશવંત મહેતા : સતત 1000 અઠવાડિયા સુધી રહસ્યકથા લખનારો ભારતીય લેખક

એક હતો છોકરો. એના બાપુજી સાઈકલની દુકાન ચલાવે. છોકરાને ભણવામાં રસ નહીં. એક દિવસ બેઠો હતો, તો તેણે એક ગાડી જોઈ. અત્યાર સુધી તેણે ઘોડાગાડી જોઈ હતી, બળદગાડી પણ જોઈ હતી, પણ આ કેવી ગાડી ? તેને કોઈ ઘોડો કે બળદ ખેંચતો જ નહોતો. છોકરો તો જોઈ આશ્ચર્ય પામ્યો. તેણે બધાને પૂછ્યું કે વળી આ શું છે. લોકોએ તેને માહિતી આપી કે અમેરિકાના લાટ સાહેબો છેને, આ તેમની ગાડી છે. એને કાર કહેવાય. હવે તો છોકરાને થયું મારે પણ આવી ગાડી બનાવવી છે.

છોકરો ગામનાં પાદરે બેસતો. દિવસમાં એકાદ વખત ગાડી નીકળતી તેની રાહ જોયા રાખતો. આખો દિવસ બસ ગાડી જોવામાં સમય પસાર કરવાનો, ભણવાનું નહીં. પિતાએ માપી લીધું કે છોકરાને ગાડીમાં રસ જાગ્યો છે. તેમની પાસે પૈસા નહોતા છતાં બાપ એ બાપ. એમણે કહ્યું, ‘તારે ભણીને અમેરિકા આવી ગાડીઓ બનાવવા જવું હોય તો હું તને મોકલું.’

પિતાએ એટલા માટે કહેલું કે છોકરો આ બાને ભણતરના પાટે ચડી જાય, કારણ કે દીકરાએ ભણતર તો ક્યારનું મુકી દીધું હતું. ત્યાં છોકરાએ તીર માર્યું. બાપુજી આપણે અહીં ટોક્યોમાં એક આવું જ કારખાનું ખુલ્યું છે.

છોકરાને બાપુજીએ મોકલ્યો. એણે ખૂબ પરિશ્રમ કર્યો. કોઈ પણ એન્જીનિયરીંગની ડિગ્રી લીધા વિના. અરે ખાલી હાઈસ્કૂલનું ભણતર. પછી તો પોતે કારખાનું ખોલ્યું. લોકોને કામે રાખ્યા. એ પણ કામ કરે અને મજૂરો પણ કામ કરે. બોસગીરી નહીં. બધાની સાથે પોતે પણ કામ કરવાનું જ એટલે કરવાનું જ. એમાં જૂના પુરજામાંથી એક ગાડી બનાવી નાખી. ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયો. એમાં અકસ્માત થયો. એક હાથનો ચૂરો ચૂરો બોલી ગયો. દવાખાને દાખલ થયો, ઉભો થયો, પાછો કામે લાગ્યો. ત્યાં બીજું વિશ્વયુદ્ધ આવી ગયું.

છોકરો હવે વડીલ થયેલો. બિચારાનું કારખાનું પણ બીજા વિશ્વયુદ્ધમાં ઉડી ગયું. યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં તે ગરીબ થઈ ગયો હતો. યુદ્ધમાં બાકી બચેલા પુરજાથી ફરી એણે શરૂઆત કરી. તનતોડ મહેનત કરી. કારખાનું બેઠુ કર્યું અને ગાડીઓ બનાવી. વર્ષો પછી એ છોકરાની કંપની ભારત સાથે કરાર કરે છે અને ભારતનો દરેક પરિવાર તેના વિના કમ્પલિટ નથી થતો. ભારતનો હિરો અને જાપાનનો હોન્ડા. પછી તો હોન્ડા સાથેનો કોન્ટ્રેક્ટ રદ્દ થયો એટલે હવે હિરો જ દેખાય છે. પણ આજેય રેસરની પહેલી પસંદ હોન્ડાની ગાડી જ હોય છે. જેને બનાવનારાનું આખું નામ સોઈચીરો હોન્ડા. 2011માં લાઈફ ચેન્જીંગ એવી આ સ્ટોરી લખનારનું નામ યશવંત મહેતા. જેમનો આજે જન્મદિવસ છે. જોકે ઉપરની કથા તો ટૂંકાવીને કહેવામાં આવી છે. શબ્દોને ઝીરો સાઈઝ કરીને.

— — — —

જે બાળપણને યાદ રાખી શકે તે ઝિંદગીભર સુખનો ઓડકાર વારંવાર લઈ શકે, પછી તેને કોઈ પ્રકારના પાસવર્ડની જરૂર નથી પડતી. તમામ ભાષાના સર્જકો લખે છે વયસ્કો માટે, પણ તેમાંથી બાળપણની મધુર સુવાસ આવતી રહેતી હોય છે. સ્ટિફન કિંગની કથાઓમાં ભૂતોને મારવા માટે આવતા બાળકોનાં સાહસો, સ્ટ્રેન્જર થીંગ્સ થકી હવે ઘરે ઘરે ઓળખીતા બનેલા ડફર બ્રધર્સ, નાર્નિયા થકી કલ્પનાનું અજોડ વિશ્વ ઉભું કરનારા સી.એચ.લેવિસ અને આપણા પોતાના વિશાલ ભારદ્રાજે બનાવેલી અંધવિશ્વાસનાં આંગણામાંથી બહાર કાઢી આંખ ખોલતી મકડી. આ તમામ કથાઓની ખાસિયત શું છે ? હિરો કિશોર અવસ્થામાં પગ મુકી ચૂક્યો છે. તેના કલ્પના વિશ્વએ અવનવા જાળા ગૂંથવાની શરૂઆત કરી દીધી છે. તેને કોઈ અવાવરૂ જગ્યાએ ભૂત દેખાય છે. તે ભૂતને પકડવા માટે કુંભાર જેમ ચાકળા પર હાથ ફેરવે, તેમ કલ્પના વિશ્વમાં કથાને મગજમાં ફેરવી રહ્યો છે.

ભૂત એ તેણે સર્જેલું એક વિશ્વ છે. તેમાં તે પોતાના મિત્રોને અવનવા પાત્રોમાં મુકી ભૂત સામે લડવાના પરાક્રમો કરતો દેખાય છે. પછી એ છોકરો મોટો થાય છે. ધીમે ધીમે આ બધુ ભૂલાતુ જાય છે. એ વિશ્વ તેના માટે એવા કપાયેલા ઝાડ બરાબર છે. જે હવે ઉગવાનું નથી. પછી એ પોતાની દુનિયામાં મસ્ત કમ વ્યસ્ત થઈ જાય છે. પણ તેમાંથી કેટલાક નરબંકાઓ એ ભૂતને જીવતુ રાખે છે. પાત્રોના નામો બદલ્યાં કરે છે. લખ્યા કરે છે. લખવામાંને લખવામાં તે સ્ટીફન કિગ, જે.કે.રોલિંગ, જે.આર.આર.ટોલ્કિન, જોનાથન સ્વીફ્ટ બની જાય છે. ગુજરાતીમાં કહું તો એ યશવંત મહેતા બની જાય છે. યશવંત મહેતાના જન્મદિવસ પર તેમને આપણે ભેટ આપવી હોય, તો તમારી અંદરના બાળપણનાં ભૂતને જીવતુ રાખો. મને તો કિરીટ ગોસ્વામી સિવાય એ ભૂત કોઈ જગ્યાએ નથી દેખાતું. હું, યતીન ભાઈ, ચિરાગ ભાઈ, ઝાકળભાઈ અમે બધા તો ભાવકોની શ્રેણીમાં આવીએ છીએ.

ખરેખર તો આ લોકડાઉનમાં ગુજરાતીમાં સાયન્સ ફિક્શન કેમ લખવી તેનો વેબિનાર કરવાની જરૂર હતી. જે આપણે કર્યો જ નહીં. વર્ષો પહેલા યશવંત મહેતાએ એક સાયન્સ ફિક્શન કથા લખેલી. એ કથામાં મહેતા સાહેબે એક એવા વિશ્વનું વર્ણન કર્યું હતું, જેમાં વરસાદ જ પડ્યા રાખે છે અને હવે તો સાત વર્ષ થઈ ગયા પણ સૂરજ જ નથી દેખાઈ રહ્યો. બાળકો બધા આતુરતાપૂર્વક સૂરજદાદાની રાહ જોઈ રહ્યાં છે, પણ મેઘરાજા તો વિદાય લેવામાં માનતા જ નથી. આવું કેમ ? એમ કરી યશવંત મહેતાએ શુક્ર ગ્રહની અને પૃથ્વીની આજ અને આવતીકાલની સરખામણી કરી છે. જંગજીત નામના સંગ્રહમાં આ વાર્તા છે.

ઉપરની બળકટ વાર્તાના મૂળીયા તો ક્યાંય જડતા નથી. એટલે તે આપણી પોતાની ગુજરાતીમાં લખાયેલી વિજ્ઞાનવાર્તા ગણવી રહી. પણ યશવંત મહેતાએ ગુજરાતી સાયન્સ ફિક્શનમાં વિદેશી કથાઓનો ખૂબ આસરો લીધેલો. વાર્તા પૂર્ણ થાય એટલે નીચે એક લેખકનું નામ લખેલું હોય, આ વાર્તા ક્યાંથી આવી તેનું કથાબીજ. સાયન્સ ફિક્શનમાં એમનેમ કંઈ કલ્પના થોડી થઈ જાય. ક્યાંકથી વાંચવું પડે અથવા તો જોવું પડે. પછી કલ્પનાને પાંખ લાગે. અનાયાસે લેખકને પણ ખબર ન હોય કે આ સમયે મારી સાયન્સ ફિક્શનની કથા કોઈ બીજા વાર્તાકાર સાથે મેચ થવા જઈ રહી છે. જેણે પહેલાં જ આ પ્રકારનું વિશ્વ રચી દીધું છે. યશવંત મહેતાએ એટલે જ જે-જે લેખકને વાંચીને વિચાર ઉદભવ્યો, તેમની કથાનું મૂળ ઉત્પતિ સ્થાન પણ સંદર્ભ તરીકે લખ્યું છે. આજના જમાનામાં આવું કામ કોણ કરે ?

1995માં આ લેખકે જુરાસિક પાર્કનું ગુજરાતી સંસ્કરણ કરેલું, પણ આજે તે કોઈ જગ્યાએ પ્રાપ્ય નથી. પૂંઠુ સુદ્ધા જોવા નથી મળ્યું. જે ફિલ્મ જોવા માટે ભારતની જનતાએ રીતસરની દોટ મુકેલી તેનું ગુજરાતી રૂપાંતરણ યશવંત મહેતા લાવેલા, ત્યારે પણ આપણી સ્થિતિ આજના સમય જેવી જ હતી. વાંચવા કરતા જોઈ લેવું.

જોનાથન સ્વીફ્ટની ગુલીવર ટ્રાવેલનું રૂપાંતરણ પણ આ લેખકે જ કર્યું હતું. નામ આપ્યું હતું ગુલીવરની અજબ સફર. જે વાર્તાઓ આપણે માત્ર મનોરંજન માટે વાંચતા હતા તેને અરેબિયન નાઈટ્સ સાથે સાંકળી યશવંત મહેતાએ મસ્ત કમ્પેરેટીવ સ્ટડી કર્યું. તેમણે કહ્યું છે, ‘‘ગુલીવરની અજબ-સફરની વાતો વાંચતા વાંચતાં આપણને અરેબિયન નાઈટ્સના સિંદબાદની સફરો યાદ આવી જાય એ સ્વાભાવિક છે. બંનેની વાતોમાં દરિયાઈ સફરો છે. બંનેની વાતોમાં અદભૂતરસ ભારોભાર ભર્યો છે. ગરૂડના નહોરમાં પકડાઈને ઉડવાની વાત પણ બંનેમાં આવે છે ! કદાચ એમ પણ બને કે સ્વીફ્ટે સિંદબાદની વાર્તા કોઈની પાસે સાંભળી હોય અને ઈંગ્લેન્ડના પોતાના સિંદબાદની આ કથા પર એની અસર પડી હોય. પરંતુ સિંદબાદની કથા સાહસ કરનારને સમૃદ્ધિ મળે છે એટલુ કહેવા માટે રચાઈ છે, જ્યારે ગુલીવરની કથાનો ઉદ્દેશ્ય માણસના વર્તનમાં અને યૂરોપના રાજ્યશાસન તથા રાજકર્તાઓના વ્યવહારમાં રહેલી ક્ષુલ્લકતા ઉપર કટાક્ષ કરવાનો છે.’’

જોયું. કોઈ તગડા શબ્દો નહીં. વિદ્વતાનાં વડા નહીં. ઈતિહાસનાં આંકડા નહીં. ફિલોસોફીના ફંડા નહીં. ભેજાફ્રાય કરી નાખતી ભાષા નહીં. ગિરના ભાભાથી લઈને અમદાવાદના મોટા ભણેશ્વરીને સમજાય જાય તેવી લેખનકળા. યશવંત મહેતા અરેબિયન નાઈટ્સ ઉપરથી ખૂબ પ્રેરણા લે. તેમણે આ વાત સાહસની સફરે નામના પુસ્તકમાં પણ કરી છે. અરેબિયન નાઈટ્સ કરતાં પણ ભૂલભૂલામણી જેવી કથા અને કલ્પના વાંચવી હોય તો સાહસની સફરે વાંચવી.

અને એવું પણ નહીં કે તેમણે માત્ર પ્રેરણા જ મેળવી હોય. ગુર્જર વિજ્ઞાનકથા શ્રેણીની વિજ્ઞાનવાર્તાઓ વાંચો તો એકથી એક ચડીયાતી, આપણી પોતાની સાયન્સ ફિક્શન તમને મળશે. એક વિજ્ઞાન મેળામાંથી મોટો પ્રયોગ ચોરી થવો, એક વાર્તામાં તેમણે માનવીએ મંગળ પર વસાહત સ્થાપી હોવાનું કહેલું, મંગળ પર તો એક કરોડની વસતિ હતી હવે ખાલી હું જીવું છું, એક સંવાદથી વિજ્ઞાન વાર્તા વાંચવાનું મન થઈ જાય. યમગ્રહ જ્યાં સોનાની ખાણ છે, તત્વખંડ જ્યાં પ્રયોગો થાય છે. આવા અનવનવા શબ્દો સાથે તેમણે એ પણ સંદેશ આપેલો કે આપણી અંદરથી જ એડિસન અને આઈનસ્ટાઈન પેદા થવાના છે.

1964માં જેટલા પાના આપણે ત્યાં એક અનુભવી લેખક પ્રસ્તાવના લખવામાં ઘસી કાઢે, તેટલા પાનામાં તેમની પ્રથમ પુસ્તિકા છપાઈ હતી. પાલખીના પૈડા. જેને રાજ્યકક્ષાનું ઈનામ મળેલું. પછી તો લખવા માટે એમણે ખૂબ વાંચ્યું એક ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું છે, ‘‘મારા પર અંગ્રેજીનો ખૂબ પ્રભાવ છે. તેની તુલનાએ મેં હિન્દી ખૂબ ઓછું વાંચ્યું છે. ઈતિહાસ તો ખૂબ જ વાંચ્યું. એમાંય રહસ્યકથાનો પ્રકાર તો ખૂબ જ વધારે.’’

એક દિવસ વિચાર આવ્યો કે આપણે ત્યાં રહસ્યકથાઓમાં કોઈ ખેડાણ નથી કરતું. એટલે ત્યાં તેમણે ઝંડો ગાળ્યો. 1988માં યશવંત મહેતાએ નોકરી છોડી દીધેલી. પછી સતત 20 વર્ષ સુધી એટલે કે 1000 અઠવાડિયા સુધી તેમણે રહસ્યકથાઓ જ લખી. એક સાથે પાંચ છાપામાં એક જ રહસ્યકથા છપાતી.

આવો જ પ્રયોગ તેમણે આકાશવાણીમાં પણ કરેલો. 1983 સુધી સમગ્ર ભારતમાં આવું પણ થઈ શકે તેવું કોઈએ ન હતું વિચારેલું. તેમણે વિજ્ઞાનવાર્તાની જગ્યાએ 16 પ્રકરણની યુગયાત્રા નામક નવલકથા લખી. એ સમગ્ર ભારતની એવી પ્રથમ વિજ્ઞાન નવલકથા હતી જેને આકાશવાણીએ પ્રસ્તુત કરેલી. મહેતા સાહેબે આપણી ભાષાને ખૂબ માન-પાન આપ્યું છે. પણ આપણે તેમના વિશે થવી જોઈએ તેટલી ચર્ચા કરી નથી. શું કામે ? એટલા માટે કે તેઓ બાળ અને કિશોર સાહિત્ય લખે છે ?

Happy Birthday Yashwant Mehta

~ મયૂર ખાવડુ

One Reply to “યશવંત મહેતા : સતત 1000 અઠવાડિયા સુધી રહસ્યકથા લખનારો ભારતીય લેખક

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.