Sun-Temple-Baanner

પ્રેસિડેન્ટ સર એક ઓટોગ્રાફ આપશો પ્લીઝ….


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પ્રેસિડેન્ટ સર એક ઓટોગ્રાફ આપશો પ્લીઝ….


પ્રેસિડેન્ટ સર એક ઓટોગ્રાફ આપશો પ્લીઝ….

જગત જમાદાર. મહાસત્તા. જેવા પત્રકારત્વના પ્રચલિત શબ્દોથી ઓળખાતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના આંગણે આવીને ગયા. એ સાથે સૌથી વધારે ચર્ચામાં તેમની સહી રહી. જેને આપણે સાઈન કહીએ છીએ. કોઈ કામ સહી વિના થતું નથી. ‘સાહેબની સહી મળી જાય તો બસ છે…’ આવું સરકારી કચેરીઓમાં ખૂબ જ સાંભળ્યું છે. પોલિટિશ્યન નામની કન્યા રાશિનું પદ મુખ્યત્વે સાઈનના લપસણાં રસ્તા પર જ ચાલતું હોય છે. એવું નથી કે ભારતમાં જ, પણ યુએસ પ્રેસિડેન્ટ બન્યા બાદ પણ ટ્રમ્પની સહી ખૂબ ચર્ચામાં રહી હતી. Tracy Trussell નામની બ્રિટીશ Graphologist ટ્રમ્પની સહીનું વિશ્લેષણ કર્યું હતું. જે આપણા ભારતમાં કોઈ પ્રધાનમંત્રી બને તો જ્વલ્લે જ થાય છે, અથવા તો થતું નથી. હવે ટ્રમ્પ સહી કરીને ગયા છે એટલે મીડિયા વર્તુળોમાં પણ આવું કાર્ય પ્રથમ કઈ ચેનલ કરશે તેની જ માત્ર રાહ જોવાની છે. મેગેઝિનોમાં સહી મોકલવામાં આવે અને તમારા સ્વભાવ સહિત તમારા ભવિષ્યનો ચિતાર કાઢી આપે આવું પણ ઘણું જોયું છે.

Tracy Trussell ટ્રમ્પની સહી જોયા બાદ કહ્યું હતું કે, ‘તેમની સહીમાં ઈચ્છાઓ ખૂબ ધબકી રહી છે. બહાદુરી પણ દેખાય છે. ગતિશીલતા દેખાય રહી છે. આ માણસને કોઈ પણ પ્રકારનો ડર નથી. તે વધારે પડતું સાંભળનારા વ્યક્તિ નથી. પણ વાટાઘાટા કરવામાં તેમનો જોટો જડે તેમ નથી. આટલી લાંબી સહીથી તો એ જ દેખાય છે કે તે પરિવારની કાળજી રાખનારા છે. આટલી લાંબી સહી હોવા પાછળનું કારણ એ પણ છે કે આ માણસ પ્રસિદ્ધિનો ખૂબ ભૂખ્યો છે. તેને ખૂબ જ અટેન્શન જોઈએ છીએ.’

લાંબી સહીના સારા અને નરસા આમ બંન્ને પાસા છે. નેગેટિવ અર્થ એ થાય છે કે એ માણસ ઘમંડી છે. સકારાત્મક અર્થ એ થાય છે કે માણસમાં ગ્રેટ કોમ્યુનિકેશન (પ્રત્યાયન) સ્કીલ છે. તે કોઈ પણ પ્રાંતમાં જાય તેની ભાષાથી સૌ કોઈને તેના પ્રેમમાં પાડી દે છે. પ્રવચનમાં વાતનું વતેરસ કરી નાખે તો પણ તે અતિપ્રિયની શ્રેણીમાં જ આવે છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના જે મીમ કે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ચાયવાલાની જગ્યાએ ચીવાલા બોલ્યા, વેદોને વેસ્તારા કહી નાખ્યા, શોલેનું શોજે કરી નાખ્યું, વિવેકાનંદ બોલવામાં તો એટલી તકલીફ પડી ગઈ કે વિવેકામનન (ન જાણે શું ?) કરી નાખ્યું. આપણા માટે આ બધું નવું હશે, પણ ટ્રમ્પ તો પોતાની જ અંગ્રેજી ભાષામાં Hugeને Yuge બોલે છે. જે ન્યૂયોર્કમાં બોલાતો પ્રચલિત શબ્દ છે. હવે તો ડિક્શનરીવાળાઓ પણ ટ્રમ્પનું Yuge એ રીતે ઉદાહરણ આપી સમજાવે છે કે, ‘આ વાક્યનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ સૌથી વધુ ઉપયોગ કરે છે.’

લોકપ્રિય વ્યક્તિની મજાક ઉડાવવામાં સૌને મજા આવે છે. કેવું કહેવાય, બદનામ થવા માટે પણ પહેલાં પ્રચલિત થવું પડે છે. સોશિયલ મીડિયાના યુગમાં, કદાચ ભવિષ્યમાં એ વ્યાખ્યા પણ સામે આવશે કે, ‘જેને તમામ લોકો ઓળખતા હોય તેની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવાથી આંતરડાને વધારે ટાઢક મળતી હોય છે.’

તો લેટિન ભાષામાં સૌ પ્રથમ Signare નામનો શબ્દ હતો. Medieval Latinમાં આ શબ્દ અપભ્રંશ થઈ Signaturaમાં પરિવર્તિત થયો. 16મી સદી આવતા આવતા વર્તમાન સમયે આપણે જે લખીએ છીએ તે Signature શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ઈતિહાસમાં તો 3000 BCમાં સૌ પ્રથમ વખત કોઈએ સહી કર્યાની માહિતી મળે છે. સંસ્કૃતિ હતી ઈજીપ્તની. તેમની પાસે આલ્ફાબેટ નહોતા એટલે ચિત્ર દોરીને કામ ચલાવતા હતા. 1677ની સાલમાં ઈંગ્લેન્ડમાં ફ્રોડના કેસો વધવા લાગ્યા, ત્યારે ન છૂટકે પાર્લામેન્ટ દ્રારા આદેશ આપવામાં આવ્યો હતો કે ભણેલા ગણેલા વ્યક્તિઓએ સહી ફરજીયાત પણે કરવી. ત્યારથી અત્યાર સુધી આપણે એન કેન પ્રકારે, કોઈ ને કોઈ જગ્યાએ સહી કરતાં આવીએ છીએ.

ચિત્રકાર પાબ્લો પિકાસો એક વખત રેસ્ટોરન્ટમાં ગયા. જમી લીધા પછી હોટલનો માલિક તેમની પાસે આવ્યો, ‘તમારે બિલ દેવાની જરૂર નથી, માત્ર હોટલમાં કોઈ જગ્યાએ તમારા હસ્તાક્ષર કરી દો.’ પાબ્લો આ વાતથી ચીડાઈ ગયા. તેમણે કહ્યું, ‘હું મારું બિલ પે કરીશ, નહીં કે તમારી હોટલ ખરીદુ.’ તેમના એક ઓટોગ્રાફની કિંમત જ એટલી હતી.

એક વખત પાબ્લો બિચ પર ઉભા હતા. દૂરથી તેમને એક પરિવાર જોઈ રહ્યું હતું. એક છોકરો એ પરિવારમાંથી વિખૂટો પડી પાબ્લો પિકાસો પાસે આવ્યો અને બોલ્યો, ‘મારા ટીશર્ટ પર તમે કંઈક ડ્રો કરી આપોને.’ પાબ્લોને પોતાની એક લીટીની કિંમત પણ ખબર હતી. છતાં છોકરાને નિરાશ ન કરતાં તેમણે ટીશર્ટની પાછળ કંઈક ચિતરડુ કરી આપ્યું. છોકરો તેના માતા-પિતા પાસે જતો હતો ત્યાં સુધી પાબ્લો એક જ વસ્તુ વિચારતા હતાં, ‘આ ટીશર્ટ ધોઈ નાખશે તો ?’

હોરરના કિંગ સ્ટીવન કિંગનો ઓટોગ્રાફ એક ઘરડા ડોસાએ ટોયલેટમાં લીધો હતો. નીલ આર્મસ્ટ્રોગ જ્યારે અપોલો મિશન માટે ચંદ્ર પર જતા હતા ત્યારે તેમને કંઈ થઈ જાય તો ? આ માટે તેમની ઘણી પોલીસી પર સહી કરાવવામાં આવી હતી. નીલને તો કંઈ થયું નહીં પણ ભવિષ્યમાં એ એક ઓટોગ્રાફ તેમની પોલિસી કરતાં પણ વધારે પૈસામાં વેચાયો હતો.

ભારતમાં કેટલી સહીઓ કરવી પડે છે. જન્મ થાય તો માતા-પિતા તમારા જન્મના પ્રમાણપત્રમાં કરે, તમે મોટા થાઓ અને આધાર કે ચૂંટણી કાર્ડ કઢાવો તો ત્યાં સહી, ભણવા જાઓ તો સાહેબે આપેલા હોમવર્કમાં તેમની સહી, અને ન કરીને ગયા હો, તો ઘરે જઈ વડીલની સહી લાવવાની. કોલેજમાં સહી અને કોલેજનું પતે તો સરકારી નોકરી મેળવવા માટે OJAS જેવી વેબસાઈટમાં સહી કરીને અપલોડ કરવાની. નોકરી મળી જાય તો સહી કરે જ રાખવાની અને ન મળે તો OJASમાં સરકારી નોકરી માટે આપેલી વયની છૂટછાટ સુધી અપલોડ કર્યા કરવાની.

મેં અત્યાર સુધીમાં ઘણા લોકોના હસ્તાક્ષરો લીધા છે. મોટાભાગના લેખકો તેમના પુસ્તક ભેટ સ્વરૂપે આપતા હોય, તો તે લોકો ઓટોગ્રાફ સાથે આપે છે. હવે ઓટોગ્રાફની જગ્યાએ પ્રિય કે ફલાણા વ્યક્તિ જેવા સન્માનજનક શબ્દોનો પ્રયોગ કરે છે. સહી નથી કરતાં. અરૂણા ઈરાની અને અબ્બાસ મસ્તાનનો ઓટોગ્રાફ મારી પાસે છે. સૌથી બેસ્ટ શાહરૂખ ખાનનો ઓટોગ્રાફ જે TV9નાં પૂર્વ એન્કર અક્ષય શ્રોફે શાહરૂખના પુસ્તક કહાની શાહરૂખ ખાન કીમાં લઈ આપેલો તે જીવની જેમ સાચવેલો છે. છેલ્લે મેં પાંચેક મહિના પહેલાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન એલન બોર્ડરનો ઓટોગ્રાફ લીધો હતો. બધા ફોટો પડાવવામાં લાગ્યા હતા, જેમાં ખૂદ એલનને રસ નથી તેવું સ્પષ્ટ દેખાતું હતું. તેઓ GSTVનો ગેટ ખોલીને ભાગતા હતા ત્યાં આપણે ડાયરી પકડાવી દીધી અને તેમણે સ્પષ્ટ, સુવાચ્ય અક્ષરોમાં લખ્યું Allen Border. જે વાંચી શકાતું હતું.

મયૂર ખાવડુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.