Gujarati Writers Space

આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિત

આ વેલેન્ટાઈન ડે મારા પ્રિય બે લેખકોને અર્પણ, જેમણે મને પ્રેમ વિશેની મારી સમજણ ( જો કે પ્રેમમાં સમજણ ના હોય એવું એ બેય લેખકો છડેચોક કહે છે! ) વિસ્તારવામાં ટીનએજથી જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી એવાં બે નામ એટલે કાંતિ ભટ્ટ અને જય વસાવડા…

ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ કે નવલકથાઓ સિવાય પ્રેમના પ્રતિબિંબ વાચકો સુધી પહોંચાડવાનું શ્રેય આ બે લેખકોને જ જાય છે.

મારા આ બન્ને લવગુરૂનાં અમુક લવલી, પ્રેમમય, જાનદાર, શાનદાર, ધારદાર ક્વોટસ જે મારી અંગત ડાયરીમાં મઢીને રાખ્યા છે એમાનો અમુક ખજાનો અહીંયા મુકું છું…..


કાંતિ ભટ્ટ

◆ પ્રેમ સાચો કે ખોટો હોતો નથી. બસ એ ક્યાં તો હોય છે ક્યાં નથી હોતો.

◆ તમે જો સુખી થવાની ગણત્રીએ પ્રેમ કરતા હો તો તમે જબબર ભૂલ કરો છો. પ્રેમ તો જ કરવો જો દુઃખીના દાળિયા થવાની તાકાત હોય.

◆ પ્રેમમાં પડવું એને મરવા જેવું એટલા માટે કહે છે કે પ્રેમમાં આપણા જીવનની કેન્દ્રની દોરી બીજાને સોંપી દઈએ છીએ.

◆ જ્યારે કોઈ કહે કે મને આની સાથે પ્રેમ થયો છે કે મારે ફલાણી વ્યક્તિ સાથે પરણવું છે ત્યારે દુનિયાના ડાહ્યા લોકોએ ખસી જવું જોઈએ.

◆ જે વ્યક્તિ સર્જનાત્મક ચિંતન દ્વારા એકલી રહી શકતી નથી તે પૂર્ણપણે પ્રેમ કરી શક્તી નથી.

◆ બે બુદ્ધિમંતોના લગ્ન એ તેમના પ્રેમનો એક ખેલ છે. એ ખેલમાં સફળ જવા કરતાં નિષ્ફળ જવું એ વધુ જીવંતતા પોષવા જેવું છે.

◆ પ્રેમમાં બાળહઠ, રાજહઠ, યોગહઠ, અને સ્ત્રીહઠ ઉપરાંત હમીરહઠ હોય છે. હમીરહઠ એટલે કઠોર સંકલ્પ સાથે ધ્યેય પ્રાપ્ત કરવાની હઠ.

◆ તમને પ્રેમમાં ધોખો થયો હોય તો તો એનું દુઃખ જરૂર થાય પણ આ દુઃખ તમને માંજે છે. એનાથી વધુ પ્રેમાળ બનવું જોઈએ.

◆ પ્રેમના નાજુક પતંગિયા ને મનફાવે એમ વિહાર કરવા દો. મેડિકલ સ્ટુડન્ટની માફક પ્રેમના પતંગિયાને કાપી એના બંધારણને જોવાની મૂર્ખાઈ ના કરવી.

◆ પ્રેમીઓ જાણ્યે અજાણ્યે એકબીજાનું શોષણ કરતા હોય જ છે. પણ તે શોષણને પણ પચાવતા શીખવું જોઈએ.

◆ પ્રેમની કે લગ્નની બાબતમાં આંતરિક સુંદરતા એ અસલમાં એક મોટો દંભ છે. ગુણ, શિક્ષણ, ખાનદાની, સમૃદ્ધિ, ચરિત્ર એ બધા મુદ્દા તો પાછળથી આવે છે. સૌથી વધુ માર્ક્સ સુંદરતા ના જ મળે છે .

◆ જિંદગીના તાપ સહન કરી સર્જનશીલતા માટે માત્ર અને માત્ર પ્રેમ કરવો જોઈએ.

◆ એકવીસમી સદીમાં પ્રેમ આંધળો છે કે બહેરો છે એવી દલીલો નહિ ચાલે. સામી વ્યક્તિનું સૌંદર્ય,બુદ્ધિમતા કે નિખાલસતા જાણ્યા પછી આકર્ષણ થાય તો પળનાં ય વિલંબ વગર કહી દેવું કે ‘હું યને પ્રેમ કરું છું.’

◆ પ્રેમનો ખરેખરો વિરોધી શબ્દ ધિક્કાર નહિ પણ ‘નિરાલું વ્યક્તિત્વ છે. કારણકે પ્રેમ થાય એટલે તમારું વ્યક્તિત્વ બીજામાં સમાવી દેવું પડે છે.પ્રેમમાં પડવાની સાથે જ પેરિડોક્સ-વિરોધાભાસ શરૂ થાય છે.

◆ જગતમાં માત્ર પ્રેમિકા ઉપર જ બધુ ફના કરવાથી ચાલતું નથી. આખા જગતને પ્રેમીકરૂપે માનીએ તો જ આપણું ગાડું ચાલવાનું છે.


જય વસાવડા

● ભક્ત-ભગવાનનો પ્રેમ આમ જુઓ તો વનસાઈડેડ જ હોય છે. ભગવાન ભાગ્યે જ દેખાવાના કે રોજ મળીને વાત કરવાના છે કે બધા દુખો કંઈ ચપટી વગાડતા દુર કરવાના નથી, ઉલટું મોક્ષ-મિલનની તડપ વધારવાના છે, છતાં એકતરફી સમર્પણથી ભક્ત તો પ્રભુચરણે શરણાગિત સ્વીકારતો જ જાય છે, એણે જ ભજેલા ઈશ્વર-અલ્લાહ-ગોડનું આપેલું મોત પણ એક દિવસ સંધારાની જેમ સ્વેચ્છાએ ગળે વળગાડી લે છે.

● પ્રેમમાં ફાઈનલ ચોઈસ હમેશા સ્ત્રીની હોય છે. બળજબરીથી દેહ ભોગવવા કે સંબંધ દુનિયાને દેખાડવા મળે- પણ સ્ત્રીનું હૈયું ના મળે! પ્રપોઝ કરવા પુરૃષે ઘૂંટણિયા ટેકવવા પડે, અને પ્રચલિત માન્યતાથી વિરૃધ્ધ બહુધા (મોસ્ટલી) પુરૃષે અંદરથી ચોટ ખાઈને જીવવું પડે. સ્ત્રી તો રડી, પછડાઈને મોટે ભાગે પોતાનો રસ્તો એડજસ્ટ કરી લે.

● અપવાદો બાદ કરતા સ્ત્રીના કન્ફ્યુઝન પુરૃષનો ફ્યુઝ ઉડાડી દેતા હોય છે!

● તમે જેના હેડ ઓવર હિલ્સ લવમાં ઉંધેકાંધ પડયા હો, એ છોકરી લવની વાત સાઇડ પર રાખીને ફ્રેન્ડશિપ ઓફર કરે ત્યારે એમાં હજાર હજાર એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને ભડકી ભાગતા શીખજો! નહિં તો અંજામ રાંઝણાઓ કે રાંઝાઓની જેમ બીજાની થઇ ચૂકેલી મહેબૂબાઓના હાથે ઝેરના પ્યાલાઓ પીવાનો આવવાનો! એકઝાટકે નહિં મરો, તો ટુકડે ટુકડે એને કયારેક જોઇને, મળીને, વાત કરીને, એનો ખભો બનીને ટેકો કરીને અંદર અંદર મરતા રહેશો!

● છોકરીઓ (અપવાદો બાદ કરતા) ભાગ્યે જ લોજીકથી મેચ્યોર ડિસિશન લે છે. એટલે તમારા પ્રેમ અંગે તમે ગમે તેટલી મજબૂત પુરાવાઓવાળી દલીલો કરશો, તો યે ખાસ ફરક નહિં પડે. ફ્રેન્ડ બનેલી ગર્લને તમે દુઃખમાં સહારો આપશો, તો બીજી વાર દુઃખ પડે ત્યારે જ તમને યાદ કરશે- પણ પાર્ટનર બનાવી સુખ નહિં આપે!

● પ્રેમમાં ધોબીપછાડ ખાધી હોય એને સમજાય કે આ પ્રેમના ચક્રવ્યૂહમાં પુનરપિ જન્મમ, પુનરપિ મરણમની જેમ પીસાવું કેવો કાતિલ અનુભવ છે. ફરીને કોણ એ કરે? હવે એ ઇનોસન્સ, એ થ્રિલ, એ ચાર્મ ઘસાઇ ગયો હોય. એ મજાઓ પાછળની સજા દેખાઇ ગઇ હોય. હવે થાક લાગે એક વાર જે ઉત્સાહ હતો એ ઓસર્યા પછી!

● મહોબ્બત, અસલી ઓરિજીનલ હોય તો માથું ઉતારી દેવું પડે છે, અને એય એક ઝાટકે નહિ, હપ્તે હપ્તે!

● પ્રેમમાં ય પોલિટિક્સ હોય છે. પ્રેમ કેટલો કરે છે એ નહિ જોવાનું, દુનિયાની નજરમાં જોડી કેવી લાગશે એ ય વિચારવાનું. ઉંમર કે કલરની કે કલ્ચર કે ડોલરના ભેદ નજરમાં રાખી મા-બાપ દીકરીને કોણ સલામત અને સુખી રાખશે એની પોલિટિકલ સલાહો આપી, એના પ્રેમની હત્યા નથી કરી નાખતા આપણી જ આસપાસ?

● પૃથ્વીલોકના સર્જનકાળથી ચાલ્યું આવે છે, એમ પ્રેમમાં ડિમાન્ડમાં તો માદા જ રહેતી. કળા કરવાની નરના ભાગે જ આવે!

● લવમેરેજ તો પશ્ચિમની ભેટ છે, આપણી મહાન ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોક્ત રીતે એ શોભે નહિ એવું કહેનારાઓ એક નંબરના નપાવટ નઘરોળો છે. એમને ભારત કે સંસ્કૃતિ અંગે રાઈના દાણા જેટલી પણ સમજ ન હોવાનો આ દેખીતો પુરાવો છે. ભારતના કયા ભગવાન અપરિણીત છે? અને વળી કોના લગ્ન એરેન્જડ મેરેજ છે?

● એરેન્જડ મેરેજની તો આખી કુપ્રથા જ રજવાડી સોદાબાજીમાંથી આવી છે. બાકી કુદરત તો મેટિંગ કોલની મીટિંગમાં જ માને છે.

● પ્રેમની આત્મતૃપ્તિ વિના પરમની પ્રાપ્તિ થાય નહિ, અને થઈ હોવાનો કેફ હોય તો એ જાત સાથેની છેતરપિંડી છે.

● બ્યુટી અને પર્સનાલિટી ખૂબ ખૂબ ગમતી વાત છે. અને એને ઘણું ઘણું મહત્વ અપાવું જ જોઇએ. પણ ૨૪ કલાકો અને ૩૬૫ દિવસો કાઢવા માટે આટલું જ પૂરતું નથી. સતત સહવાસ અને સારા – નરસા પાસાના પરિચય પછી પતિ – પત્ની હંમેશા મિત્રો – સંબંધીઓ – ઓફિસથી ભાગી શકે છે, પણ એકબીજાથી નહિ! સેકસલાઇફ પણ રૂટિન બને છે. બન્નેને એકબીજાની આદત પડતી જાય છે બંને એકબીજાને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેતા જાય છે. આકાશના તારાઓ તોડવાની વાયદાઓથી રસ્તામાં કાંટાઓ પણ વીણાતા નથી!

● મહોબ્બતનું પણ અકસ્માત જેવું છે.તમે કુશળ ડ્રાઇવર હો,તમાંરી ગાડી ચકાચક હોય,બરાબર નિયમસર બાંધેલી ગતિમાં તમે એ હંકારી જતા હો તો પણ તમારી સલામતી એકલા તમારા હાથમાં નથી હોતી.

● પુરુષની જીદને,એના પડછાયા જેવા ઈગોને ઓગાળે એજ પ્રેમના તાપની તડપ.પણ પુરુષની જેમ પ્રેમને પણ કેમ છોકરીઓની ફીલ્ડિંગ ગમે છે? કારણકે કન્યાઓ રહસ્યમય હોય છે. એ ઝડપથી ખુલતી નથી.

● દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય કે ના હોય, મૂર્ખની જેમ વર્તતા કોઈ નિષ્ફળ પુરુષ પાછળ જરૂર એને ગમતી કોઈ પ્રેયસી હોય છે!

● વેલેન્ટાઈન્સ ડે તો ભારતે ગુમાવેલી તક છે. સ્ત્રી-પુરુષનાં ‘મેટિંગ કોલ’ના ઉત્સવની ખુબસુરત કલ્પના જગતભરમાં પહેલા ભારત કરી, સુરતસંગ્રામ ને પ્રેમના પડીકામાં બાંધનાર સમાજ અગાઉ ભારતમાં જ હતો!

~ ભગીરથ જોગીયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.