Gujarati Writers Space

ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન. હવે શરીર ઉપર, મન ઉપર, તન ઉપર, રાચરચીલા ઉપર, ઘરની અંદર અને ઘરની બહાર તેમજ મનની ભીતર જામેલી ધૂળને ઝાપટવાના અને ઘરનાં માળીયા, ભોંયરા અને સાથે સાથે મનનાં માંહ્યલા અને મનનાં ભંડકીયાના ખૂણાઓમાં ઘર કરી ગયેલા કુડા- કચરાને દૂર કરવાના દિવસો આવ્યા, માટે સજ્જ થઈ જાવ.

દિવાળી આવશે, તેનું શુદ્ધ તન- મન અને ધનથી સ્વાગત કરવું પડશેને…?

પછી પાછા નવાં નવાં કપડાં અને નવાં નવાં નાસ્તા, રોજે રોજ મહેમાનો અને નવાં નવાં દિવસો.

આ નવા દિવસો એટલે શું?

નવા દિવસો એટલે તમને બધું જ નવું નવું ખરીદવાનું, નવું નવું સજાવવાનું, નવું નવું બનાવવાનું મન થાય. જુના દિવસો અને જૂના વિચારો પર ઢાંક પીછોડો કરીને કંઇક નવું વિચારવાનું મન થાય. આવનારો દરેક દિવસ નવો બની રહે અને આવનારી દરેક રાત્રે દિવા પ્રગટે અને દિવાળી બની રહે તેવી ઈચ્છાઓ સાથે નવા વર્ષમાં શુભ પ્રયાણ કરીએ, બધું નવું અને શુભ હોય એવી લાગણી થાય. આપણા મનને ખુશીઓથી ભરેલું રાખીએ જેથી દરરોજ ખુશીઓ વહેંચીએ તો પણ ખૂટે નહીં. તનમાં કંઇક નવું અને સારું અને સાચું કરવાનો તરવરાટ હોય, જ્યારે મન સ્નેહ અને કરુણાથી તરબતર હોય.

પણ જે કંઈ સાચા મોતીની જેમ સાચવી રાખવા જેવું છે,જે સાચા સોના જેટલું અણીશુદ્ધ છે, જે સાચા હીરા જેવું કિંમતી અને પ્રકાશિત તેમજ પારદર્શક છે એને પારખીને સાચવી રાખીએ, એને હૃદયના એક ખૂણામાં ભંડારી દઈએ કારણકે એ સાચું ધન છે અને એ જીવનમાં આવતી પીડાની પરાકાષ્ઠાએ વાપરવાથી, જીવનનો સાચો મર્મ પકડાશે અને પીડા શાશ્વત નહીં લાગે.

જે કંઈ શાશ્વત છે એ છે સત્ય, અહિંસા, પ્રેમ, સર્વે પ્રત્યે સ્નેહ, કરુણા, માનવતા એ જ સનાતન ધર્મ, પરોપકાર, નિર્દોષ મિત્રતા, નાનામાં નાની વ્યક્તિ પ્રત્યે પણ માન હોવું, સ્ત્રી સન્માનની ભાવના હોવી……..વગેરે, વગેરે…

આવું તો ઘણું બધું છે જે જિંદગીના સાચા મૂલ્યો છે, જેનાથી જિંદગી અને વ્યક્તિ બંને ઝળહળે છે.

મિત્રો, આ તો છે મારા વિચારો, મારી વાતો, મારા એકાંતમાં મારી સાથે કરેલી વાતો, મારા જીવન- મૂલ્યો.

મારે કશું જ વધારે નથી જોઈતું. ભૂતકાળમાં કદાચ ભૂલો થઈ હશે પણ નવા વર્ષમાં મારે મારી જાતને એવી બનાવવી છે કે જેથી દરેક વ્યક્તિની દ્રષ્ટિએ હું ખરી ઉતરું.

કંઇક નવું શીખીશ, કંઇક નવું આપીશ, કંઇક નવું વહેંચીશ, કંઇક નવું ચાહીશ, કંઇક નવું પામીશ,કંઇક નવું જ્ઞાન મેળવીશ. અને કંઇક છોડીશ, કંઇક ત્યાગ કરીશ, અપરિગ્રહની ભાવના રાખીશ, સૌને સરખા માનીશ, ઈશ્વર જે આપશે તે શિરોમાન્ય. એક ઈચ્છા પ્રબળ છે, મૃત્યુ આવે પણ મને એનો અણસાર ના આવે, કોઈનેય આવજો કહેવા ના રોકાઉ…

આ છે મારા નવા વર્ષના આશાતંતુઓ.

વિચારો તો ઘણા છે પણ આટલું થાય તો પણ જલસા પડી જાય હોં…

ચાલો, ફરી ક્યારેક
મનોમન

~ પ્રફુલ્લા શાહ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.