Gujarati Writers Space

ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )

પ્રફુલ્લા બેન આજે પાછા એકલાં એકલાં વાતો કરવા આવી ગયા. કામ તો છે, હોય જ. પણ મન સાથે વાતો કરવી અને એનાં માટે બધું કામ મૂકીને બિન્દાસ બેસી જવું, એના જેવો આનંદ મારા માટે કોઈ નથી. તમે મારો બકવાસ વાંચવા માટે જરાય બંધાયેલા નથી, પણ હું લખીશ. મનમાં ભરાયેલો બકવાસ ઠાલવવો જ રહ્યો, તો જ હું હળવી થઈ શકું.

એકાંત ઉદાસ હોય કે મનોરમ્ય, એ અંગત ક્ષણોની સંગતનો મસ્ત મોકો છે. વિચારોની વૈચારિકતા તપાસવા માટે એકાંત જોઈએ જ.

એકલતા અને એકાંતમાં આભ- જમીનનો ફેર છે. એકાંત માણસ જાતે પસંદ કરે છે, જ્યારે એકલતા આવી પડે છે. એકાંતમાં એકલાં રહેવાનો આનંદ હોય છે, જ્યારે એકલતામાં એકલા રહેવાનું દુઃખ હોય છે. જિંદગીના ચઢાવ -ઉતારમાં માણસ એકલો પડી જાય છે, જ્યારે તમારે કોઈકની જરૂર હોય છે ત્યારે કોઈ જ પાસે નથી હોતું. તમારે કોઈકને કંઈક કહેવું છે, પણ એવું કોઈ ખાસ નથી આવતું તમારી વ્યથા સાંભળવા માટે. એકલા રહેવાનું ગમે એ શાંતિ અલૌકિક હોય છે, જ્યારે એકલતાની શાંતિ મનને અશાંત બનાવી દે છે. માણસ માનસિક એકલો પડી જાય છે, ત્યારે એનામાં વિચારવાની ક્ષમતા રહેતી નથી અને તે હારી જાય છે.

મારા કમનસીબે અશુભ ઘટનાઓ બહુ બની જિંદગીમાં પણ મારા સદનસીબે ત્યારે મને સગા- સંબંધી, મિત્રો, પાડોશી અને અજાણ્યાંનો પણ બહુ સાથ મળ્યો. એક દીકરો અગિયારમમાં અને બીજો કોલેજમાં, બંને સ્કૂટર ઉપર સવારે સાત વાગે નીકળ્યા અને એ.એમ.ટી.એસની બસ નીચે આવી ગયા. જીવલેણ એક્સિડન્ટ. એમના પપ્પાને ભચાઉ જોબ. પાડોશી અને સગા-વ્હાલા જ દોડ્યા હોસ્પિટલ. એકને બ્રેઇન હેમરેજ, બીજનો આખો પગ ભાંગી ગયો અને બીજા ત્રણ ફેક્ચર. બંને જુદી જુદી હોસ્પિટલમાં. હોસ્પિટલમાં હતા ત્યાં સુધી એમના પપ્પા રહ્યા પછી રજા ના મળી. છ- સાત મહિને બંને ઉભા થયા.

પછી ભૂકંપની જવાબદારીને કારણે મારા hubbyને એક્સિડન્ટ, ૩૧ દિવસ હોસ્પિટલ, એમને પણ બ્રેઇન ઇન્જરી. એ પણ છ મહિને સારા થયાં. મોટા દીકરાને માનસિક બીમારી આવી અને નાનો દીકરો ૧૨માં ની exam નહોતી આપવી એટલે નવ દિવસ ભાગી ગયો, રાત – દિવસ દોડા દોડી. પછી જાતે આવી ગયો, કહેવાનો મતલબ એક જ કે આ બધી યાતનામાં મને બધાએ ખૂબ ખૂબ સાથ આપ્યો.

જીવનની હોય કે ભણવાની હોય, પરીક્ષા તમારું જ્ઞાન અને મનોબળ ચકાસવા માટે હોય છે. નપાસ થનારા માટે બીજી તક હોય છે, નાસીપાસ થનારા માટે નથી હોતી. બીજા માને કે તમે આ નહીં કરી શકો, અને તમે કરી બતાવો એનો આનંદ અલૌકિક હોય છે.

જિંદગીમાં હાર આવશે જ.કોઈ જીવનભર નથી જીતતું, પણ હંમેશા પરિસ્થિતિ એક સરખી જ રહે એ પણ સત્ય નથી. પર્વતોની ઊંચાઈ અને સાગરની ઊંડાઈથી માણસ ડરતો હોય છે, છતાંય કોઈક તો એવા વીરલા હોય છે જે એવરેસ્ટ જેવા ઊંચા પહાડો સર કરે છે અને દરિયાના તળિયે જઈને એની ઊંડાઈનો તાગ મેળવી આવે છે. કાળા માથાનો માનવી શું ના કરી શકે…? પણ જીતવા માટે પોલાદની સખ્તાઈ જોઈએ. જગતમાં તમારી જિંદગીનો રસ્તો તમે નક્કી કરો, કારણ કે એ સફર તમારે એકલાએ ખેડવાની છે.

મન આજે અટકતું નથી, જે જાણ્યુ છે અને જે જીવ્યું છે તે ફરી ને ફરી વિચારવાનું મન થાય છે. બધું જ એક સ્વપ્નવત બની ગયું હોય અને હું એમાંથી હવે જાગી હોઉં એવું લાગે છે. જીવનની પરેશાનીઓ, મુંઝવણોએ અને વ્યાકુળતાએ ઘણી વાર હ્રદયશૂળ ભોકાતી હોય એવો અનુભવ કર્યો છે. આપના હૃદયમાં ભોકાતી હ્ર્દયશૂળ કાઢવામાં કોઈને રસ નથી હોતો છે. છતાંય હું હેમખેમ છું, એ એક ચમત્કાર છે. હતાશ અને માનસિક અસમતોલન રાખતી વ્યક્તિને ગેરવર્તન કરવાનું મન નથી થતું, એના મગજના રસાયણો એને એમ કરવા માટે ધક્કો મારે છે, માટે આપણા શબ્દો કોઈનો આત્મવિશ્વાસ વધારે અને હતાશાને દૂર કરે એવા હોવા જોઈએ.

જિંદગી એનો મૂડ અને મિજાજ બદલ્યા કરશે, ક્યારે બદલે એ પણ નક્કી નહીં, ભલે બદલે. આપણે આપણો સંઘર્ષ ખેડતા રહીએ.

આપણો પુરુષાર્થ કેટલો પ્રમાણિક છે એની ખબર આપણને જ હોય, આપણા પુરષાર્થની પરમાણિકતાને તોલવા વાળા પણ પ્રમાણિક હોવા જોઈએ. શરમના કારણે અમુક લોકો વ્યક્ત થતા નથી, અને વ્યથાને વીંટાળીને ફરે છે. ક્યાં તો વ્યક્ત થાવ, ક્યાં તો સહન કરવાનું સાહસ રાખો, મનને સમજાવો. વ્યક્તિ જાતે જ પોતાને મદદ કરી શકે એટલું બીજું કોઈ ના કરી શકે. મનને શેર કરી શકાય એવા સર્જનાત્મક કર્યો તમારી ઉદાસી દૂર કરે છે, કોઈની પણ કંપની વગર.

જેમ કે દોરવું, લખવું, વાંચવું, ગાવું, નાચવું, હસવું. બધું જ એકલા એકલા…

મનોમન. ખરું ને…?

કંટાળી ગયા ને…? જઉં છું, ફરી ક્યારે આવીશ નક્કી નહીં. પણ ઈચ્છા થશે ત્યારે હું તમને ગમશે કે નહીં ગમે, એનો વિચાર કર્યા વગર આવી જઈશ.

ના વાંચશો મને, કોઈ વાંધો નહીં,
હું તો મન સાથે વાતો કરીને ખુશ 😀

ચાલો, ફરી ક્યારેક
મનોમન

~ પ્રફુલ્લા શાહ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.