Gujarati Writers Space

ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧૫ )

શુભ સવાર,
વ્હાલી સખીઓને એક પ્રેમપત્ર

આજે એક સરસ વાત શેર કરવી છે. એક એ જ વાત એવી છે જેણે મને તૂટતાં અટકાવી છે. હિંમત હારી ગયેલી મને ટકાવી રાખી છે. અસહય દુઃખ અને અનરાધાર રુદન છતાંય એ વાતોએ મારા પર અસર ચોક્કસ કરી છે અને એ વાત છે, મારા વેલ વિશેર વુમન કલબની બેનોની. કોઈ બે-ચાર નામ જ નથી દેવા મારે. કારણ કે બધાં જ મારી પડખે છે, એવું દરેકે દરેક બેને ફીલ કરાવ્યું. ઉંમરમાં ચાહે નાની હોય કે મોટા હોય કે પછી મારી દીકરી કરતાં પણ નાની હોય, દરેકે મને મા સરખી મમતા અને એક ગાઢ સખીનો સખીભાવ આપ્યો છે. દરેકના ભાવ વિભોર શબ્દોએ અને વ્હાલની હૂંફે મને બહુ સાચવી છે. હું મારા ગ્રૂપની નવી કે જૂની તમામ બેનોની કર્જદાર છું, અને તેમના ઋણનો પ્રેમથી સ્વીકાર કરું છું. આ બધી જ બેનો મારી આજીવન સખીઓ રહેશે અને ગ્રૂપમાં કોઈની પણ તકલીફમાં આમ જ આગળ, પડખે અને સાથે જ રહીશું એનો મને પૂરો વિશ્વાસ છે.

કેટલાં બધાં એવાં છે જેઓ પોતાની મોટાઈ એક બાજુ મૂકીને મારા માટે સારો એવો સમય કાઢીને મારી સાથે બહુ બધી વાતો, બહુ બધા ઉદાહરણો આપીને કરી છે એ દરેક બેનોને મારા વંદન. પડદા પાછળના કલાકારોની જેમ પણ ઘણી બેનોએ મારા માટે સમય કાઢ્યો છે, આ બધા માટે જેટલું પણ કહીશ તેટલું ઓછું છે. એક પણ સખી એવી નથી કે જેણે મને સાથ ન આપ્યો હોય. આ બધું માપી શકાય એવું નથી, બહુ જ દુઃખદ સમયમાં બહુ જ અમૂલ્ય સાથ અને પ્રેમ મળ્યો છે મને.

દુઃખી તો છું હજુ, હજુ ઘણો સમય લાગશે સ્થિર થતાં. પણ જાતને અને ઘરનાં બધાંને સાચવવાનો પ્રયત્નતો કરી જ રહી છું.

પ્રિય ફેસબુક મિત્રોને,

ફેસબુક ઉપર પણ મારા ફ્રેન્ડ લિસ્ટમાં હોય કે ના હોય, કેટલાક સિવાય બાકીના મિત્રો અને હું પરસ્પર એકબીજાને ઓળખતા પણ નહીં હોઈએ કદાચ. તો પણ મારા દુઃખમાં દિલથી સહભાગી બન્યા છે, અને દરેકે મને વારંવાર હિંમત આપી છે. ખૂબ હિંમત આપી છે, એ દરેકની હું ઋણી છું. અહીં પણ નામનું લિસ્ટ બહુ મોટું છે, એટલે લખતી નથી પણ એ બધા જ નામ મને કાયમ યાદ રહેશે જ. બધા મિત્રો ખૂબ ભાવનાશીલ છે, મારા દુ:ખે દુઃખી થયાં છે અને જ્યારે જ્યારે એમને લાગ્યું કે હું હિંમત હારી રહી છુ, ત્યારે ત્યારે મારી બહુ ચિંતા કરીને મને પરિસ્થિતિ ઝીલવામાં સહાયરૂપ બન્યાં છે.

ઘણાંની હું મા બની છું, કોઇકની માસી, કોઈકની આન્ટી. ઘણાંની દીદી, ઘણાંની પ્રિય સખી અને મિત્ર પણ. બહુ બધાએ મારામાં વિશ્વાસ મુક્યો છે, અને હું એમને પોતાની લાગી છું. બહુ અંગત વાતો પણ મારી અને એમની તરફથી શેર થઈ છે અને પછી ભૂલી પણ ગયા છીએ. દરેક માટે ખૂબ આભારી છું, ઋણી છું, ઈશ્વર સૌને ખૂબ કાળજીથી સાચવે એવી મનોકામના.

મને આટલા બધા પ્રેમાળ મિત્રો મળ્યાં છે એ માટે હું મારી જાતને ધન્ય માનું છું અને હવે ફરીથી હકારાત્મક સાહિત્ય તરફ વળીશ અને એવું જ લખીશ.

Promise

ભયંકર અને એકાએક તોફાન આવ્યું. મને લાગ્યું કે મારી કસ્તિ ડૂબી જશે. તરવાનું હું ભૂલી ગઈ પણ મને એમાંથી બહાર કાઢવામાં કોઈએ પણ પાછી પાની ના કરી, એટલે આજે પાગલ થયા વગર જીવી શકી છું.

પ્રણામ મિત્રો

ચાલો, ફરી ક્યારેક

મનોમન

~ પ્રફુલ્લા શાહ

( નોંધ : આ આર્ટિકલ પ્રફુલ્લા બેનના પોતાના સાહિત્યિક ગ્રૂપ સાથેના આત્મીયતાભાવને લગતું છે. ભલે અહીં કદાચ સાહિત્યનો આછેરો ચહેરો ન મળે પણ લાગણીઓ પણ સાહિત્યથી ઓછી તો નથી જ હોતી ને…?)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.