Gujarati Writers Space

ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )

મૃત્યુદેવતા

આપઘાતની ઘટના ઉપર મનોમંથન.

હા, મૃત્યુદેવતા. ગમે ત્યારે, ગમે એને, કારણ હોય કે ના હોય, વ્યક્તિ જિંદગી જીવી ચુકી હોય કે હજુ અડધું જ કે એનાથી પણ ઓછું જીવી હોય, જન્મીને આંખ ખોલીને પોતાની ‘ ‘મા’ને પણ ના જોઈ હોય તો પણ મૃત્યુને હક્ક છે કે એ કોઈને પણ લઈ જઈ શકે. કઇ વ્યક્તિને ક્યારે લઈ જવી અને કેમ લઇ જવી, કયા નિમિત્તે લઇ જવી એ માટેના જો કોઈ નિયમો હોય તો એની માણસ નામના પ્રાણીને ખબર નથી હોતી. એ વાત પણ મૃત્યુદેવતાએ સાવ અંગત રાખી છે. વ્યક્તિને મૃત્યુનો અણસાર આવવા દેવો કે નહીં એ પણ મૃત્યુદેવતાની મરજી. મૃત્યુ સત્ય છે, અમર છે, શાશ્વત છે અને કોઇ પણ મોટી ચમરબંધી વ્યક્તિ એમાંથી બહાર રહી શકતી નથી.

હવે રહી અકાળે આવતાં મૃત્યુની વાત

આપણી પાસે અનેક સવાલો છે જેના જવાબો પણ દરેક વ્યક્તિ પોતાની વિચારશક્તિ અનુસાર મેળવતી હોય છે.

વ્યક્તિ સાજી- સારી હોય, મરવાની તેની ઉંમર ના હોય, હજુ જિંદગી જોવાની અને માણવાની બાકી હોય, કશુંક પામવાની ઘેલછા હોય, એ વ્યક્તિ પોતાની જાતે જ જીવન સમાપ્ત કરી દે ત્યારે બહુ અરેરાટી થાય છે. આપણે માણસો છીએ, સંવેદનશીલ પ્રાણી છીએ. આપણી નજીક ના હોય એવી વ્યક્તિનું આવું મૃત્યુ આપણને ખળભળાવી દે છે, અને એના ગયા પછી એને આપણે બચાવી શક્યા હોત, એવા કારણો શોધી કાઢીએ છીએ. પણ એ વાત ભૂલી જઈએ છીએ કે મૃત્યુદેવતાએ એને એ જ સમયે લઈ જવાનું નક્કી જ કર્યું હતું, અને નિમિત્ત એ વ્યક્તિને જાતે નક્કી કરવાની છૂટ આપી હતી.

આપઘાત નિવારણ સંસ્થાઓ અનેક ચાલે જ છે, વ્યક્તિને આવો નિર્ણય કરતાં પાછી ત્યારે જ વાળી શકાય કે જ્યારે એ વ્યક્તિ ક્યાંક વ્યક્ત થાય. બધા ઈચ્છે છે કે એ વ્યક્તિ બચી જાય, બધાંને લાગ્યું કે એ બચી શકી હોત.

પણ ના, જ્યારે એ વ્યક્તિને પોતે પોતાની મુશ્કેલી વ્યક્ત કરી શકે એવી કોઈ વ્યક્તિ દેખાતી જ નથી, ક્યાંય એ પોતાનું હૈયું ખોલી જ નથી શકતી, કોઈ એક પણ વ્યક્તિ આગળ એ પોતાના મનનો ભાર હળવી કરી શકે એવું કોઈ એને પોતાની નજીક હોય એવું લાગતું જ નથી, ત્યારે આ ઘટના ઘટે જ છે. એ વ્યક્તિ પાસે તમે એનો આપઘાત નિવારવા તમે ત્યારે જ પહોંચી શકો જ્યારે તમે એનો પ્રોબ્લેમ સમજતા હોવ. ત્યારે એ આપઘાત કરવાનું વિચારે એ પહેલાં એને કોઈકના મોરલ સપોર્ટની જરૂર હોય છે. કાગળ ઉપર પોતાના મનને આલેખનાર વ્યક્તિ વાસ્તવમાં ક્યાંય પોતાના મનને ખોલી શકે, પોતાના પ્રોબ્લેમ શેર કરી શકે એવી એક પણ વ્યક્તિ એને મળતી નથી. કોઈક સહેલી લાગતી વાત ક્યારે અઘરી બની જશે અને એક વ્યક્તિ જીવથી જશે એ આપણને એ ઘટના ઘટે પછી જ સમજાય છે. કોઈ એક જ જો એના દિલની નજીક હોત તો એની વાત ચોક્કસ એના દિલ સુધી પહોંચી હોત, એણે કીધી જ હોત અને એ કોઈકે સાંભળી જ હોત.

પણ એવું નથી બનતું- એવું નથી બન્યું. કારણ કે એ સમય મૃત્યુદેવતાનો એના માટેનો હતો અને એમાં કોઈ જ મીનમેખ કરી શકે નહીં.

માણસને આવી ઘટનાઓથી બચાવવા માટે ઘણા રસ્તાઓ આપણે શોધીએ છીએ, આવી સંસ્થાઓ બનાવીએ છીએ, હું પણ આવી જ એક સંસ્થાની સભ્ય છું. જે તમારી પાસે આવે કે જે એમના પ્રોબ્લેમ બતાવે એમને જ તમે બચાવી શકો. એનો ચોખ્ખો અર્થ એ છે કે જેનું આયુષ્ય હજુ બાકી છે, જીવવાનું હજુ જેના નસીબમાં બાકી છે એ જ જીવી જાય છે. બાકી તો કોઈ જ કારણ વગર, નાની ઉંમરે, અચાનક, બેઠા બેઠા જ વ્યક્તિ મૃત્યુ પામે છે. જેમ મારો દીકરો મૃત્યુ પામ્યો એમ… એ દિવસ, એ સમય, એ ઘડી પણ મૃત્યુદેવતાની મારા દીકરા માટેની જ હતી અને એ ગયો.

આમ મૃત્યુ અવિનાશી છે, કોઈ પણ કારણ હોય કે ના હોય, એનો જ્યાં અને જ્યારે સમય મુકકરર હોય ત્યારે એ આવે જ છે અને આવશે.

આપણે આપણા કોઈકને બચાવવાના પ્રયત્નો ચાલુ જ રાખીશું, કદાચ એને બચવાનું હોય અને આપણે નિમિત્ત બનીએ તો ખોટું શું છે…?

પણ મૃત્યુને જીરવવું જ રહ્યું, એની આગળ જીતવું શક્ય નથી. કોઈકને “આવજો ” કહેવાનો સમય મળે અને કોઈકને કલ્પના પણ ના હોય કે હવે પછીની ક્ષણ મૃત્યુના દેવની છે.

અગોચર એવી આ ઘટનાને રડી લેવી અને સ્વીકારી લેવી. આક્રંદ તો થશે, દુઃખના દહાડા નહીં , વર્ષો લાગશે, જિંદગી થોડી બદલાઈ જશે, વ્યક્તિની ખોટ ક્યારેય નહીં પુરાય, એના જવાનો ઘા ઊંડો પડશે, એ ઘા ઉપર ભીંગડું વળશે પણ અંદરથી પીડ્યા કરશે પણ એ બધું જ સહીને જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી જીવવું પડશે.

મારા દીકરા માટે બે લાઇન લખીશ

તું શરીર સ્વરૂપે નથી મારી પાસે દીકરા મારા

એક ખાલીપો ભરાઈ ગયો છે અમારી જિંદગીમાં

એ ખાલીપામાં માત્ર તું અને તું જ છે જીગર

અમારી હર પળ, હર ઘડી હર ક્ષણ તું જ છે જિગ

ચાલો, ફરી ક્યારેક
મનોમન

~ પ્રફુલ્લા શાહ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.