Gujarati Writers Space

Mis – Undertand : ગેરસમજણ

ગેરહાજર, ગેરવર્તણૂક, ગેરશિસ્ત, ગેરવ્યાજબી પણ આ ગેરસમજણ

ના ના… આ કોઈ ગાડીની ગેર(ગીઅર) નથી. જનરલી ગેરહાજર એટલે જે હાજર ન હોય તે. તો તેવી જ રીતે શું ગેરસમજણ એટલે સમજણ ન હોય તેવું સમજવું

જયારે સ્ટેટીસ્ટીક્સ (આંકડાશાસ્ત્ર) ભણતા ત્યારે એટલું ભાન ન હતું કે આવા ઈક્વેશન જીંદગીમાં પણ સોલ્વ કરવા પડશે.

જનરલી આમ જ બનતું હોય છે. કે એ,બી અને સી. એ એ બી ને કઈક કહ્યું, બી એ કઈક સમજ્યું અને સી એ કઈક સાંભળ્યું. અને પછી ગેરસમજણ. ક્યારેક આનાથી ઉલ્ટું બને એ એ બી ને કઈ કહ્યું જ ન હોય, તેમ છતાં સી કઈક જુદુ જ સમજી બેસે. અને વળી ગેરસમજણ. ઘણી વખત એમ પણ બનતું હોય છે કે કઈ ન કહેવા કે ન સાંભળવા છતાં, લોકો તેની સમજણ મુજબ સમજી લે અને જે તે વ્યક્તિ માટે આજીવન ગેરસમજણ ઉભી કરી પણ લે. હવે આ એ,બી અને સી મા તમામ ઘરના સભ્યો, સંબંધો, મિત્રો, સહકર્મચારીઓનો સમાવેશ થઈ જાય.

આપણે ઘણી ફિલ્મોમાં પતિ-પત્ની, સાસુ વચ્ચે ઉભી થતી ગેરસમજણો જોઈએ છીએ. તો ક્યારેક હીરો કે હિરોઈન વચ્ચે એટલે લવ ટ્રાઈંગ્લ પણ જોઈએ જ છીએ. સૌથી બેસ્ટ ગેરસમજણ નું ઉદાહરણ આપતી ફિલ્મ એટલે “આપ કી કસમ” . ખરેખર ગેરસમજણના મુદ્દા પર બનેલી સ્પષ્ટ અને સચોટ ફિલ્મ છે.

આવા ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. એક તો સાંભળેલી વાત સાચી માનવી કે સમજવી ડેન્જર રિસ્ક છે. અને બીજું કે કોઈએ કહેલું કે તેણે સમજ્યું હોય, તેવું જ આપણે પણ કહેવું, સમજવું કે અનુભવવું પણ એટલું જ જોખમી બની જાય. કોઈએ કહેલા શબ્દોના આપણે આપણી રીતે કાઢેલ કે ઓળખેલ માપદંડ પણ ક્યારેક આપણને જ દ્વિધામાં મૂકી દે છે. ઘણી વખત જોયેલું ને સાંભળેલું પણ સાચું હોતું નથી, જે ક્યારેક માત્ર આપણો વહેમ જ સાબિત થાય છે.

પહેલા તો એ કે આ ગેરસમજણ નામનું તત્વ ઉદભવે જ શું કામ જો આપણા રિસર્ચમાં એટલે કે સમજણમાં કંઈ કચાશ હોય તો… એટલે કે કાં તો આપણા મન-મગજમાં સાચું સાંભળવાની શક્તિનો અભાવ હોય, કાં સમજણશક્તિનો અભાવ હોય અને કાં તો સામેવાળાના

સંબંધો લાગણી અને વિશ્વાસ પર કાયમ છે. પણ જયારે આપણે મગજથી વિચારીએ ત્યારે અચાનક જ સમજણ અને વધુ પડતા ડહાપણની બારીઓ ખુલી જાય અંતે મન હારી જાય ને મગજ જીતી જાય. ભાષાના ભાવવહી શબ્દો, આંકડાના ઇક્વેશન અને લોજીક જીતી જાય.

એવું માની લઈએ કે દરેકના વિચારો જુદા હોવાના. જરૂરી નથી કે આપણે જે બોલીએ, જેવું બોલીએ તેવું જ અને તે જ સામેની વ્યક્તિ પણ સમજે .પછી એ સાચું કે ખોટું અને ઉભી થાય ગેરસમજણ.

આમ જોઈએ તો થોડા ઘણા અંશે આ ટેલીવિઝન અને ફિલ્મોનો પ્રભાવ છે. ટેલિવિઝનમાં આજકાલ દરેક ધારાવાહિક શ્રેણીઓમાં એક તો પાત્ર વેમ્પ એટલે કે ગેરસમજણ ઉભું કરનારું જોવા મળે જ છે આમ તેની અસર આપણા મન અને મગજ પર કોઈના માટે ખાસ કરીને આપણા નીજી જીવનમાં વિશ્વાસ કે લાગણીના બદલે વહેમ, શંકા, અવિશ્વાસ જેવા તત્વો જન્મ લેતા થઈ જાય છે. અને પરિણામ સ્વરૂપ કોઈ પણ સામાન્ય બાબત કે સંબંધમાં આપણે ગેરસમજણ ઉભી થતા જોઈએ જ છીએ.

આ સાથે ખાસ કરીને સોશ્યલ મીડિયાને લીધે પણ બહુ બધી ગેરસમજણો ઉભી થાય છે. સતત ચાલતા ચેટ અને કન્વરઝેશનમાં આપણે કહીએ કઈક અને સમજાય જાય કઈક. એમાં પણ યોગ્ય મુદ્દા કે પ્રશ્નનો જવાબ યોગ્ય સમયે ન મળે તો નક્કામી ગેરસમજણ ઉભી થાય.

હવે તો વાતે વાતમાં ગેરસમજણો ઉભી થતી આપણે અવાર નવાર ફેઈસ કરીએ છીએ. ફોન કદાચ રીસીવ ન થઈ શક્યો હોય તો પણ ફોન કરનાર પહેલા તો એક સમયે એવું જ વિચારી લે કે ગેરસમજણ ઉભી કરી લે કે આપણો નંબર જોઇને જ ઉપડતા નહિ હોય, અને જો એક બે વખત સિલસિલો જો ચાલુ રહે, એટલે કે ફોન કરવો પણ ભૂલી જવાય, તો તો પછી નક્કી ગેરસમજણ ઉભી થવાની શક્યતા વધી જાય.

એટલે ફોનથી થતી ગેરસમજણ, ચેટથી થતી ગેરસમજણ. પ્રસંગોપાત ગેરહાજરીથી થતી ગેરસમજણ. ક્યારેક એવું લાગે કે સામેની વ્યક્તિને આપણાંથી થતી ગેરસમજણો દુર કરવાનો કોઈ ઉપાય ખરો પણ તેની પહેલા તો આપણને ખુદને તો ખબર હોવી જોઈએ ને કે લાગણીઓ અને સંબંધોની ગાડીમાં સર્વિસની જરૂર છે. પણ ગેરસમજણ ઉભી કરનાર કે ભોગવનાર બન્નેમાંથી કોઈને, ક્યારેક તો જાણ હોતી નથી અને ક્યારેક તો આ વાતને બહુ ઇઝીલી નીગ્લેટ કરી નાખે છે. પછી આ સંબંધોના તાંતણા તૂટે ત્યારે ફરી સાંધવાના નીત-નવીન પ્રયાસો થાય છે.

ખરેખર તો આપણે લાગણી અને વિશ્વાસના બારણા બંધ કરી દીધા છે. મનના દરવાજા બંધ કરી મગજની બારીઓ ખોલી નાખી છે. એટલે પહેલા મગજથી જે તે વિચારી આપણી ઈચ્છા મુજબ ગણિત ગણી અને ગેરસમજણ ઉભી કરીએ અને પછી મન પર લાવી અવિશ્વાસ ઉભો કરીએ અને છેલ્લે આપણું અને સામેની વ્યક્તિ બંનેનું દિલ દુભાવીએ.

ક્યારેક તો એમ થાય કે આપણે કેમ કોઈ વ્યક્તિ માટે એવું કેમ વિચારી નથી શકતા કે તે વ્યક્તિ આવી હોય જ નહિ, મારા માટે એ ક્યારેય એવું બોલે કે કરી જ ન શકે, મને એના પર પુરેપુરો વિશ્વાસ છે. કે એનાથી ઉલ્ટું, મારા માટે એ ક્યારેય એવું વિચારી જ ન શકે, એને મારા પર પુરેપુરો વિશ્વાસ છે. આવો વિશ્વાસ શું આજે આપણી લાગણીઓ કે સંબંધોમાંથી વિદાય લઈ ચુક્યો છે કે વિલુપ્ત થઈ ચુક્યો છે

મને લાગે છે એવી કોઈ વ્યક્તિ નહિ હોય જે કોઈ પણ વખત ગેરસમજણનો શિકાર નહિ બની હોય. કાં તો ખુદ ગેરસમજણનો ભોગ બની હશે અને કાં તો તેમનાથી કોઈ ગેરસમજણનો ભોગ બન્યું જ હશે. હવે લાગણીઓના શબ્દકોશમાં ગેરસમજણ નામના શબ્દાર્થને પણ ટુંક સમયમાં જગ્યા મળી જ જવી જોઈએ.

ગેરસમજણ એટલે સમજણ ન હોય તેવું કે પછી સમજણનો અભાવ માત્ર

ગેરસમજણ એટલે આપણી માન્યતા અને વિચારોનો આપણો સ્વભાવ કે બીજાના વિચારો,માન્યતા અને સમાજનો આપણા પર પડતો પ્રભાવ

દર વખતે આપણે જેવું સમજીએ અને વિચારીએ એવું બનતું કે હોતું નથી અને દર વખતે બીજાની દ્રષ્ટિથી ખુદનો માપદંડ પણ નીકળી શકતો નથી.

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૪ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.