Gujarati Writers Space

ધ રિયલ મોદી : બાલ નરેન્દ્રએ મગરમચ્છનાં બચ્ચા સિવાય શું શું પકડ્યું છે ?

શશી થરૂરની ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર, એન્ડી મરીનોની નરેન્દ્ર મોદી, નિલંજન મુખોપાધ્યાયની નરેન્દ્ર મોદી ધ મેન ધ ટાઈમ્સ અને ખૂદ બાલ નરેન્દ્ર ચાઈલ્ડહુડ સ્ટોરીસ ઓફ નરેન્દ્ર મોદી કરતા આ બુક ખાસ્સી અલગ છે. ધ રિયલ મોદીના લેખક અરવિન્દ ચતુર્વેદી ઘણી જગ્યાએ મોદી ભક્તિમાં સરી પડ્યા છે. બુકના કવરપેજ પર એ સ્કૂટરનો ફોટો છે જે નરેન્દ્ર મોદી મુખ્યંત્રી બનતા પહેલા ચલાવતા હતા અને તે પણ શંકરસિંહ વાઘેલાની બુલેટ સામે રેસ લગાવતા !!

ગઈકાલે એનસીપીમાં જોડાયેલા શંકરસિહ બાપુ અને નરેન્દ્ર મોદીના એક કિસ્સાથી જ લેખકે પુસ્તકની શરૂઆત કરી છે. આ બુક લખતા પહેલા લેખક શંકરસિંહ વાઘેલાની મુલાકાતે ગયેલા જ્યાં બાપુએ મોદીની સ્કૂટર અને પોતાની બુલેટ વિશે વાત કરી. બાપુએ કહ્યું, ‘હું લાંબો હતો અને કદાવર પણ, મને બુલેટ ચલાવવાનો શોખ હતો. જ્યારે નરેન્દ્ર મોદી સ્કૂટર ચલાવતા હતા. અમે બંન્નેએ એક સાથે કેટલી બધી યાત્રાઓ કરી. અમને બંન્નેને પોત પોતાની ડ્રાઈવીંગ પર વિશ્વાસ હતો. કોઈ દિવસ મેં મારી બુલેટ નરેન્દ્રભાઈને ચલાવવા ન આપી કે તેમણે પોતાની સ્કૂટર મને ન આપી.’

વાત અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે રાજનીતિના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મોદી પોતાની ગાડી કોઈને ન આપતા, પોતાની જ ગાડીનું સ્ટેરિંગ પકડીને તે પ્રધાનમંત્રી બની ગયા. શંકરસિંહની બુલેટ ઘણાનાં હાથમાં આવી ગઈ. ખુદ શંકરસિંહ ગુજરાતની મોટાભાગની પાર્ટીઓમાં ખોખો રમી આવ્યા. કહેવાનો અર્થ એ કે જે વસ્તુ તમારી પાસે છે તે કોઈ બીજાને આપ્યા વિના મસ્ત રહો, એટલે ખુશી ખુશી આગળ વધી જશો.

લેખકે આ પુસ્તક લખવાની શરૂઆત કરી એ પહેલા નરેન્દ્ર મોદી પર નાની મોટી સાઈઝની ત્રણસો બુક લખાઈ ગઈ હતી. પણ તેમાંથી સાચ્ચો મોદી કયો એ લેખકને શોધવું હતું. લેખકે આ માટે મોદી પર લખાયેલા તમામ લખાણો ફેંદી માર્યા. એન્ડી મરીનોની બુક શોધ સંશોધનના મામલે પહેલા નંબર પર આવે છે. એ બુક મોદીની કહાની કરતા ઈન્ટરવ્યૂ ટાઈપ વધારે લાગે છે. ચતુર્વેદીની બુક સીધી સાદી કથાવસ્તુ ધરાવતી વાર્તા છે. બુકમાં કોઈ પ્રકારના સાહિત્યક શબ્દોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. હા, જરૂર પડી ત્યારે પત્રકારત્વની ભાષાનો મઠારીને ઉપયોગ કરવામાં આવ્યો છે. ચેતન ભગતની બુકનો ગુજરાતી અનુવાદ કરવામાં આવે અને તે બુક સડસડાટ પૂર્ણ થાય એ રીતે આ પુસ્તક પુરૂ કરી શકશો.

લેખક હવે કોન્ટેક્ટ કરતા કરતા વડનગર પહોંચી જાય છે. મોદી સાદાઈમાં ભલે માનતા પણ હવે તેઓ પ્રધાનમંત્રીની ખુરશી પર સત્તારૂઢ છે. તેઓ ઈચ્છે કે ન ઈચ્છે પરિવારને પ્રોટેક્શન જરૂરી છે. આ વચ્ચે મોદીના ભાઈ પંકજ મોદી સાથે લેખકની મુલાકાત થાય છે. હિરાબાને પણ મળે છે. તેમને મળવું એ લેખક માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહે છે.

વડનગર વિશે નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું છે, ‘આ શહેર પચ્ચીસ હજાર વર્ષ જૂનું છે.’ હ્યુએનસાંગે નોંધ્યું છે કે આ શહેરમાં 10,000 લોકોના અભ્યાસની સુવિધા હતી. ઈતિહાસમાં જોઈએ તો વડનગર 2500 બીસી પહેલાથી છે. કપિલા નદીના કિનારે અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું છે. આ નગરનું પહેલા નામ ચમત્કારપુર હતું. કારણ કે એક રાજાને આ નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું અને તેનો કુષ્ઠ રોગથી છૂટકારો થઈ ગયો. યાજ્ઞવલ્કવ્ય ઋષિએ મુલાકાત લીધી હોવાથી આ શહેરને શક્તિતિર્થ પણ કહે છે. એ સિવાયના બે નામ એટલે આનંદપુર અને આનર્તપુર.

નરેન્દ્ર મોદીનાં પિતા દામોદરદાસ મોદી ઘાંચી જાતિના. જે તેલ નીકાળવાનું કામ કરતા હતા. મકાનમાં 8 લોકો રહેતા હતા અને બાથરૂમ નહોતું. જેથી સમસ્યા રહેતી, જેના સમાધાનરૂપે તેમને ભવિષ્યમાં દરેક વિસ્તારમાં ટોયલેટ બનાવવાનો વિચાર આવ્યો હશે. મકાનમાં ત્રણ રૂમ હતા અને ત્યાંજ નરેન્દ્ર મોદી પોતાના પરિવાર સાથે રહેતા હતા. નરેન્દ્ર મોદીના ઘરથી 500 મીટર દૂર જ મુસ્લિમોની વસતિ શરૂ થઈ જતી હતી.

નરેન્દ્ર મોદીને તેમની માતા પ્રત્યે ખૂબ પ્રેમ છે. તેમની બહેન વાસંતી કહે છે કે, ‘માતા જ્યારે બિમાર પડતી ત્યારે તેઓ પોતે જમવાનું બનાવતા હતા.’ આ સિવાય પણ પુસ્તકમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે માતા ન હોય ત્યારે નરેન્દ્ર જ ઘરની માતા બની જતા હતા. તેઓ કોઈને કોઈ રીતે હિરાબાની મદદ કરવા માગતા હતા.

હવે એ કિસ્સો તો સૌને યાદ જ હશે કે નરેન્દ્ર મોદી શર્મિષ્ઠા તળાવમાંથી મગરમચ્છનું બચ્યુ લઈ આવ્યા હતા. પણ આ સિવાયના નરેન્દ્રના સાહસિક કિસ્સાઓ આ પુસ્તકમાં છે. જેના પરથી પાંચમાં કે સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે 6 થી 7 પાનાંનો એક સરસ પાઠ તૈયાર થઈ શકે છે. વધારે સમય વ્યતિત ન કરતા કિસ્સાગોઈ કરીએ.

★ વિરોધ :-

સ્કૂલમાં ચંદ્રશેખર વ્યાસ નામના એક શિક્ષક હતા. એમણે નરેન્દ્ર મોદીના ક્લાસના એક વિદ્યાર્થીને કારણ વગરનો માર્યો. મોદીજીએ નક્કી કર્યું કે આનો તો વિરોધ થવો જ જોઈએ. તેમણે પ્રધાનઅધ્યાપક સામે આની ફરિયાદ કરી તો તેમણે સામાન્ય સમસ્યા હોવાનું સમજી હા હો કરી નાખી, પણ તેને શું ખબર આ તો મોદીજી છે. બીજા દિવસે ચંદ્રશેખર વ્યાસ જ્યારે સ્કૂલમાં પહોંચ્યા ત્યારે બાળકોએ તેમને ક્લાસમાં ઘુસવા ન દીધા. વિરોધ થયો અને આખરે આચાર્યશ્રીએ હવે પછી આવું નહીં થાય, તેવો રાજનૈતિક જવાબ આપી ઘટનાનો ધ એન્ડ કરવો પડેલો.

★ સ્કૂલનો હિરો :-

1962માં નરેન્દ્ર મોદીની સ્કૂલ જ્યારે છૂટી ત્યારે સ્કૂલની બહાર આવેલા પીપળાના વૃક્ષમાં એક કબૂતર પતંગના દોરામાં ફસાઈ ગયું. બાલ નરેન્દ્ર સૌ વિદ્યાર્થીઓની માફક કબૂતરને એકીટસે જોઈ રહ્યા હતા. આખરે તેમણે કેકાર કર્યો, ‘હું બચાવીશ.’ અને ચડી ગયા વૃક્ષ પર. કબૂતરને બચાવી લીધું. બની ગયા સ્કૂલના રિયલ હિરો.

★ ગદાવીર મોદીજી :-

નરેન્દ્ર મોદી અત્યારે ભલે વિરોધીઓને પોતાના શબ્દોથી મારતા હોય. બાળપણમાં રમત તરીકે તેઓ રામ-રાવણ જેવી સામાન્ય પણ અઘરી રમત રમતા હતા. આ યુદ્ધમાં પુઆલ અને લાકડીનો ઉપયોગ કરી ગદા બનાવવામાં આવતી હતી. રામ અને રાવણની ટીમમાં એક એક ગદા હોય અને પછી યુદ્ધનો આરંભ થતો.

( નોંધ : ગદા મોટાભાગે મોદીજી પાસે જ રહેતી. )

★ શરણાઈ પ્રેમ :-

બાળપણમાં તેમને શરણાઈ વગાડવાનો શોખ હતો. શરણાઈ તો કોઈના લગ્નમાં જ જોવા મળે. એ વખતે જો કોઈ શરણાઈ મોદીજીની ટીમને વગાડવા માટે ન આપે તો તેમણે એક કિમીયો શોધી રાખ્યો હતો. પીપળાના પાનની સીસોટી વાગે તે લઈ શરણાઈ વગાડનારની બિલ્કુલ સામે ઉભું રહી જવાનું. અલબત્ત થોડુ દૂર. ત્યાંથી પીપળાના પાનની સીસોટી વગાડવાની. જેથી શરણાઈ વાદક ગમે તે હોય તેના તાલ સૂરની ધજ્જીયા ઉડી જાય. (મિતરો… વાંચતી વખતે મગજને થોડું વજન આપો)

★ જયમાલા :-

બાળપણમાં જયમાલાનો કાર્યક્રમ ખૂબ લાંબા સમય સુધી ચાલતો હતો. આ વખતે મોદીજીની ખૂરાફાતી ટુકડી એકસાથે ભેગી થઈ પીન લઈ આજુબાજુ બેઠેલા લોકોના કપડામાં લગાવી દેતી હતી. જેથી કપડાં જોઈન્ટ થઈ જતા હતા. જ્યારે જયમાલાનો કાર્યક્રમ એક દોઢ કલાકે પૂર્ણ થતો ત્યારે બધા ઉભા થવા જતા અને એક બીજા સામે ભટકાતા હતા.

★ અઠંગ વાંચક :-

લેખક જ્યારે વડનગર પહોંચ્યા ત્યારે તેમણે નરેન્દ્ર મોદીના વાંચવા વિશે ખૂબ સાંભળ્યું હતું. પંકજ મોદીએ કહ્યું કે, ‘નરેન્દ્રભાઈ જ્યારે કોઈ જગ્યાએ ન મળે ત્યારે તે વડનગરની લાઈબ્રેરીમાં અધ્યયન કરતા જોવા મળે.’ વડનગર પ્રાઈમરી સ્કૂલમાં નરેન્દ્ર મોદીના સિનિયર રહી ચૂકેલા યોગેશભાઈ અત્યારે તે લાઈબ્રેરી ચલાવે છે. દુર્ભાગ્યવશ જે લાઈબ્રેરીમાં મોદી વાંચતા હતા તે પાડી નાખવામાં આવી, અને એ જ જગ્યાએ નવી લાઈબ્રેરી બનાવવામાં આવી છે. (શીપ ઓફ થીસીયસ)

★ કામ માટે યોગ્યતા હોવી જરૂરી છે :-

ધોરણ 8માં નરેન્દ્ર મોદીના સંસ્કૃત અધ્યાપકનું નામ પ્રહલાદ પટેલ હતું. પ્રહલાદ પટેલે એક વખત વિદ્યાર્થીઓને નિબંધ લખી આવવાનું કહ્યું. આખો ક્લાસ નિબંધ લખી આવ્યો પણ જ્યારે હોમવર્ક ચેક કરવાનું હતું ત્યારે પ્રહલાદ પટેલે આ કામ સિફતપૂર્વક ક્લાસના મોનિટરને સોંપી દીધું. આ વાતથી મોદીજી ગુસ્સે ભરાયા. તેમણે વિરોધ કરતા કહ્યું કે, તેની પાસે હોમવર્ક ચેક કરવાની કોઈ પ્રકારની યોગ્યતા નથી. તેના યોગ્ય તમે છો અને તે તમારે જ કરવું પડશે.

★ ધ ઓબ્ઝર્વર :-

વડનગરમાં એક વખત કબ્બડી મેચનું આયોજન થયું. નરેન્દ્ર મોદી જૂનિયર ટીમમાં હતા અને તેમના કપ્તાનનું નામ કનુભાઈ ભાવસાર હતું. સિનિયરોની ટીમના કેપ્ટન ઉમેદજી હતા. ઉમેદજી કબડ્ડીના દાવપેચ લગાવવામાં માહેર હતા. એવા દાવપેચ રમતા કે વિપક્ષને હતી ન હતી કરી નાખતા હતા. મેચના એક દિવસ પહેલા ઉમેદજીની ટીમ જે પ્રેક્ટિસ કરી રહી હતી તેને મોદીજીએ ધ્યાનથી જોઈ. અને અચાનક સ્પાર્ક થયો કે આને તો હરાવી શકાય છે. થોડીવારમાં તો મોદીજીએ પાક્કા ઓબ્ઝર્વેશનનો નમૂનો આપી આખે આખા દાવપેંચ યાદ કરી લીધા. અને બીજા દિવસે નરેન્દ્ર મોદીએ પોતાનાથી તાકતવર ટીમને હરાવી દીધી.

★ અભિનય :-

હવે હાઈસ્કૂલની દિવાલ પડી ગઈ. જેના પરિણામે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધ પેદા થતો હતો. નરેન્દ્ર મોદીએ આ દિવાલને ફરી બેઠી કરવાનું બીડુ ઝડપ્યું. મોદીજી અત્યારે સ્ટેજ પર જે હાવભાવ આપે છે એની પણ તેમણે પ્રેક્ટિસ કરેલી છે તે હવે તમને ખબર પડશે. નરેન્દ્ર ભાઈએ પોતાના બાળ સખા ઈશ્વર પટેલ સાથે મળી નાટકોમાં કામ કર્યું. જેના વડે જે ઉપાર્જન થાય તેનાથી દિવાલ ઉભી કરી શકાય. 1966માં જોગી દાસ ખુમાણનો રોલ પ્લે કર્યો. મોદીજી તેમાં જોગીદાસ બનેલા અને મિત્ર ઈશ્વરભાઈ તેમાં જોગીદાસના પિતા અધોદાસ બનેલા.

★ પહેલો સગ્ગો પાડોશી :-

નરેન્દ્ર મોદી 11માં ધોરણમાં હતા ત્યારે તેમણે પોતાના મિત્રને મોનિટરની ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો. એ મિત્રનું નામ ઈશ્વર પટેલ. જે તેમના સહપાઠી પણ હતા અને પાડોશી પણ હતા. સામેની તરફ નરેન્દ્ર મોદી જેની સાથે રોજ બેન્ચ શેર કરતા તે નાગજી દેસાઈ હતા. ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે નાગજીએ નરેન્દ્રને પૂછ્યું, ‘તે કોને વોટ આપ્યો ?’

નરેન્દ્રએ કહ્યું, ‘ઈશ્વર ભાઈ પટેલને…’ જેથી નાગજી ગુસ્સે થયો તેણે પૂછ્યું, ‘આમ શા માટે…? તું બેસે તો મારી સાથે છો, તો પછી વોટ કેમ ઈશ્વર પટેલને…?’

નરેન્દ્ર મોદીએ સરસ જવાબ આપ્યો, ‘ઈશ્વરભાઈ મારો મિત્ર અને સહપાઠી તો છે જ પણ એ મારો પાડોશી પણ છે.’ કદાચ એટલે જ મોદીજીએ સૌથી પહેલા નેપાળની યાત્રા કરી અને પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમણે સૌથી પહેલા પાડોશી દેશને જ આમંત્રિત કર્યા.

ઓકે હવે ઉપરના કિસ્સાઓ વાંચ્યા. વાંચીને યાદ રહી ગયા હોય તો બરાબર છે બાકી 10 કિસ્સાઓ ફરી વાંચો. વાંચો અને પછી વિચારો. આ બુક એક રીતે મોદીજીની પ્રશંસા સિવાય કંઈ નથી. ઘણી જગ્યાએ સત્યનો પડદો ઉજાગર કરે છે બસ એટલું જ.

પણ મોદીજીના આ કિસ્સાઓ વાંચી મને એવું લાગ્યું કે બાળપણમાં તમે જે જે વસ્તુઓ કરો તેના આધારે ભવિષ્યમાં તમે શું બનશો તેનું ચિત્ર ઘડાય જાય છે. વિશ્વાસ ન હોય તો રાજનૈતિક દ્રષ્ટિકોણને અજાતશત્રુ નામની ખુરશી પર બેસાડી ઉપરના કિસ્સાઓ ફરી વાંચી લો. જવાબ મળી જશે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.