Gujarati Writers Space

ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ

થોડાં દિવસ પહેલાં લખેલા એક આર્ટીકલમાં મેં માલદીવ ચુંટણીની વાત કરી હતી, કે માલદીવ જેવા નાના દેશમાં પણ કોણ ચુંટાશે તેનાં પર ભારત અને અમેરિકા જેવા દેશોની નજર રહેતી હોય છે. કારણ માલદીવએ એશિયાનું સૌથી દક્ષિણનું બિંદુ છે અને તેનું કુટનીતિક મહત્વ ઘણું ઘણું છે.. તો ભારત દેશમાં આગામી ચુંટણી પર કોઈ અન્ય દેશોની નજર નહિ હોય ?

આ વિચારે ત્યારે જન્મ લીધો જ્યારે પાછળનાં ૨-૩ દિવસમાં થોડી વિચિત્ર ઘટનાંઓ બની અને સાચું ખોટું તો ખબર નહિ પણ અનેક તાર મારાં મગજમાં જોડાતા ગયાં..!!

એ પહેલાં થોડી ભૂમિકા બાંધુ..!!

એવું કહેવાય છે કે હવે કોઈ હથીયારો સાથેના યુદ્ધ નહિ થાય પણ કોલ્ડ વોર થશે. અને કોલ્ડ વોરમાં રાજનીતિમાં કોઈ દેશમાં ‘મજબુત પક્ષ’ને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ‘ટ્રેડવોર’ કરવામાં આવશે. આ ટ્રેડ વોર પરથી તમને કદાચ જાણકારી હશે કે છેલ્લાં એકાદ વર્ષથી ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ચાલી રહી છે. બસ ૨ દિવસ પહેલાનાં જ સમાચાર મુજબ છેલ્લાં ૩૦ વર્ષમાં પહેલીવાર ચીનનો જી.ડી.પી ૪% ઓછો થયો, છેલ્લા કેટલાક વર્ષોથી ચીનનો જી.ડી.પી ૧૦% જેટલો હતો જે હવે ૬.૬ % જેટલો રહ્યો છે અને આનું કારણ મહદઅંશે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવોરનું છે.

જો કે એનાથી અમેરિકાને પણ ફાયદો થતો નથી. અમેરિકા નુકસાન ભોગવી રહ્યું છે અને આગળ પણ ભોગવશે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો આ ટ્રેડવોરને કારણે એપલ ફોનનાં વેચાણમાં ઘણો ઘટાડો થયો છે, અને આ જ ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”

હવે થોડા પાછળ આવીએ.. જયારે અમેરિકા રાષ્ટ્રપતિ માટે ચુંટણી થવાની હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટન ઉભા રહ્યા હતા અને દુનિયામાં એ ચર્ચા હતી કે હિલેરી ક્લિન્ટન જ જીતી જશે. પરંતુ પરિણામ ચોકાવનારા આવ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બન્યા…

અમુક સમય પછી કોઈ ન્યુઝ પેપરે એવો ખુલાશો કર્યો, કે ડોનાલ્ડ ટ્રમ્પનાં ચુંટણી પ્રચારમાં ‘રશિયા’એ મદદ કરી હતી. પ્રશ્ન અહિયાથી ઉભો થાય છે કે આમ એક બીજાને દુશ્મન માનતાં બે વિરોધી દેશ કોઈ બીજા દેશનાં રાષ્ટ્રપતિને ચુંટવામાં મદદ કેમ કરે…? જો રશિયાએ મદદ ન કરી હોત, તો શું હિલેરી કિલન્ટન જીતી ગયા હોત…? શું હિલેરી ક્લીન્ટન એ ટ્રમ્પ કરતાં વધુ સારા નેતા સાબિત થાત…? એ વાત તો ૧૦૦% છે કે ડોનાલ્ડ ટ્રમ્પનાં ઘણાં ‘રાજનૈતિક’ નિર્ણયોથી આજે અમેરિકી લોકો ખુશ નથી. અને તેમના ઉલટા ફુલટા ઘણાં એવા નિર્ણયો આવ્યા છે, જેનાથી અમેરિકાને નુકસાન થઇ રહ્યું છે. જેમાં હમણાં એક વિચિત્ર નિર્ણયને કારણે અમેરિકામાં શટ ડાઉન ચાલે છે. જેનાથી અમેરિકાને અઠવાડિયાનું ૬ બિલીયન જેટલું નુકસાન થઇ રહ્યું છે…!

છેલ્લી વાત : આ વિશ્વની રાજનીતિ સમજવી ઘણું અઘરું કામ છે, અને વિશ્વ લેવલે જે રાજકારણ રમાય છે એ દેશમાં રમતાં રાજકારણ કરતાં ભયંકર હોય છે. રશિયાએ ટ્રમ્પને મદદ કરીને અમેરિકાની સાથે ચીનને પણ આર્થિક નુકસાનીમાં મોકલ્યું છે. રશિયાએ તો એનું વિશ્વની ‘સ્પર્ધાત્મક’ રાજનીતિમાં એનું કામ કરી લીધું. આવું જ ૨૦૧૯માં ભારતમાં થવાના પુરતા ચાન્સ દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન, ચીન અને લંડનની કેટલીક કંપનીઓ ભારતની કેટલીક રાજનીતિક પાર્ટીને મદદ કરે તો નાં નહિ. કેમ્બ્રિજ એનાલિટીકાનું તો નામ સામે આવ્યું જ હતું. અને હમણાં જ કોઈ હેકર દ્વારા ઈ.વી.એમ હેક કરવાનો જે દાવો કરવામાં આવ્યો છે તેનું કનેક્શન પણ લંડન અને અમેરિકા સાથે જ છે.

પાકિસ્તાનનાં ઇમરાન ખાન પણ ભારતની રાજનીતિમાં રસ લઇ રહ્યા છે. જે રીતે ચીનની ઈકોનોમી નીચે જઈ રહી છે અને ભારતની હાલની ‘ચાહબહાર પોર્ટ, હબનટોટા એરપોર્ટ, માલદીવનો ભારતને સાથ, ઉઝબેકિસ્તાન સાથે ભારતનો યુરેનિયમ એગ્રિમેન્ટ’ જેવી અનેક હકારાત્મક વાતોને લીધે ચીન પણ કેટલીક હદે પ્રયત્ન કરે છે કે ભારત દેશમાં એવી સત્તા લાવે કે જેથી ચીનની કૂટનીતિક જીત થાય એવા પ્રયત્નો કરે તો નાં નહિ.

આ રાજકારણ આજકાલ દેશમાં નહિ વિદેશ સ્તરે પણ લડાતું હોય છે..!!
અને
ઈતિહાસ સાક્ષી છે કે આપણે તો વર્ષોથી અંદર અંદર લડવામાં વ્યસ્ત હોય છીએ..!!

બસ આટલી અમથી વાત..!

~ જય ગોહિલ

( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.