Gujarati Writers Space

ટાઈમ મેગેઝિનનું સમયસર

કલા વેચાતી રહે તેમ તેની આવરદા વધતી જાય છે. તેનું આયખુ કહો કે ઉંમર એ ચિરાયુ બનતું જાય છે. કલાને ગુજરાત અને ભારતમાં વેચવા પર પ્રતિબંધ હોય તેવું લાગે. અહીં જેની ભવિષ્યમાં કિંમત થવાની હોય, જેમ કે મલ્ટિનેશનલ કંપનીઓ તો તેના લેણદાર કે દેણદાર તમને મળી રહે. બાકી ? ફલાણું મેગેઝિન વેચવાનું છે, આવું ચોરેને ચોટે લખો તો પણ કોઈ ખરીદવા તૈયાર નહીં થાય. વિશ્વનું પ્રતિષ્ઠિત, નામના ધરાવતું, જેને હાથમાં પકડી વાંચો તો તમારૂ સ્ટેટસ મપાય તેવું ટાઈમ મેગેઝિન હવે વેચાઈ ચૂક્યું છે. 2.8 બિલિયન એટલે કે 18 હજાર કરોડમાં તેનું વેચાણ થયું છે. જે જેવું તેવુ તો ન કહી શકાય ! 60 મિલિયનનું સર્ક્યુલેશન ઉપરથી 135 મિલિયનનો વાંચવાવાળો વર્ગ હોય તેની જાહોજલાલી તો હોવાની જ.

અમેરિકામાં ત્યારે પત્રકારત્વ ફુલ્યુ ફાલ્યું અને વિકસ્યું હતું. રાજકારણીઓને આંટીમાં લેવા માટે પાના પરના શબ્દો જ ઈમ્પોર્ટન્ટ ધરાવતા હતા. લોકોને વાચા આપવાનું આ એક માત્ર સાધન હતું. હૈયા સોંસરવા શબ્દો નીકળી જાય તેમ તલવારને શરમાવતી ધારદાર કલમ હતી. એ સમયે હેનરી લ્યુસનો જન્મ થયેલો. આમ તો તે અમેરિકન પણ સામ્યવાદી ચીનમાં તેનો ઉછેર થયો. આ હેનરીએ 15 વર્ષની ટબુકળી ઉંમરે લાઈબ્રેરીમાં હોચકીન્સ મંન્થલી નામનું મેગેઝિન શરૂ કરેલું. ત્યારે મેગેઝિનના જમાના હતા. તેને વાંચવાવાળા હતા. હજુ પણ છે, જ્યારે ભારતમાં મેગેઝિનો જેમજેમ ઓનલાઈન થઈ રહી છે, તેમ તેમ તેના અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

બ્રિટોન હેડર તે મંન્થલી મેગેઝિનનો ચીફ એડિટર બન્યો અને તેણે મેગેઝિનમાં જીવ રેડવાનું કામ કર્યું. બ્રિટોનની જર્નાલિઝમ સેન્સ વધારે હતી ઉપરથી ભલે લ્યુ તેની જન્મદાતા માતા હતી, પણ તેણે બ્રિટોનની નીચે કામ કરવાનું સ્વીકાર્યું. આ મેગેઝિનમાં તે આસિસ્ટંન્ટ એડિટર તરીકે જોડાયો. અનુભવ લેવો હોય તો બીજા છાપાઓમાં જવું પડે. આ રીતે પોતાના મેગેઝિનનો પડઘો શાંત રાખી લ્યુસે સમય જતા બીજા છાપાઓમાં કામ કરવાનું શરૂ કરી દીધુ. બ્રિટોન પણ તેની સાથે જોડાઈ ગયો. જેમાં યેલ ડેઈલી ન્યૂઝ, શિકાગો ડેઈલી ન્યૂઝનો સમાવેશ થતો હતો. આ વર્તમાનપત્રોએ તેનામાં પત્રકારત્વના સંસ્કારોનું સિંચન કર્યું. ઘાટ ઘડ્યો કહી શકાય. તેમાં પણ યેલ ન્યૂઝ તેના જીવનનો કુંભાર હતો !

પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. તેના ભયજનક વાતાવરણમાંથી માંડ દુનિયા બહાર આવી શકી હતી. લોકોને જાણવાની તાલાવેલીનો અંત લાવવા લ્યુસીએ એ સમયના પોતાના ક્લાસમેટ રોબર્ટ લેવિંગ્સટન જ્હોન્સ સાથે હાથ મિલાવ્યા. અને જ્યાં આ હાથ મિલ્યા ત્યાં ટાઈમનો ઉદ્દભવ થયો. 13 માર્ચ 1923માં તેનો પ્રથમ ઈશ્યુ બહાર પડ્યો. જ્યારે છેલ્લા વર્ષે તો તેમણે બંન્નેએ આ મેગેઝિનને કેમ ચલાવવું તેના વિચારોમાં જ રહેતા હતા. તેની પરીપૂર્તિ મગજ સાથે વાસ્તવિક જીવનમાં થવી જોઈએ તેવું તેમના મનમસ્તિષ્કમાં ચાલ્યા કરતું હતું. સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વોઝનિયાકની માફક જ્યાં લ્યુસી પાસે પત્રકારત્વનું જ્ઞાન હતું ત્યાં રોબર્ટ પાસે બિઝનેસની સ્કિલ હતી. રોબર્ટ તો માત્ર બિઝનેસનું પ્યાદુ હતું જેના કારણે ટાઈમ દુનિયા સામે આવ્યું પણ ખરી મહેનત બ્રિટોન અને લ્યુસી કરતા હતા.

આ બંન્નેના વિચાર મુજબ… દોડતા, ભાગતા સમયને પકડીને ચાલતા એક એવા મેગેઝિનનું નિર્માણ કરવું હતું, જે એક કલાકમાં વંચાય જાય અને સમયસર લોકોને તમામ માહિતીથી અપ ટુ ડેટ રાખે. અને આ સાથે જ મેગેઝિન ફુલસ્પીડે વેચાવા માંડ્યું. દર અંકમાં એક મહાનુભવનો ફોટો કવરપેજ પર હોય અને તેની ફુલ ટુ બાયોગ્રાફી સાથેની સ્ટોરી પણ. આ કવરપેજ પર ચમકનાર પહેલો માણસ અમેરિકાનો 35મો સ્પીકર અને યુનાઈટેડ હાઉસનો રિપ્રેઝન્ટેટીવ એવો જોસેફ ગુરની કેનોન બન્યો. માર્ચવાળા પ્રથમ ઈશ્યુમાં જ તેને સ્થાન આપી દેવામાં આવ્યું. જ્યારે મેગેઝિનની 15મી એનિવર્સરી આવી ત્યારે આ મેગેઝિનને ફરી રિલોન્ચ પણ કરવામાં આવેલું. જેથી એ ટાઈમના એ સમયમાં લોકો ટાઈમ ટ્રાવેલ કરી એ જ લુફ્ત ઉઠાવી શકે. આવુ ગુજરાતીમાં થાય છે ?

તો આ હતી ટાઈમ મેગેઝિનની હલ્કી ફુલ્કી હિસ્ટ્રી. પણ ટાઈમમાં રેડ એક્સનું ઘણું મહત્વ રહેલું છે. બીજા દેશના સરમુખત્યારો પર કરેલા ટાઈમના ચિન્હો વિવાદોમાં પણ ઢસડી ગયા. આ એક્સનો શું મતલબ છે ? ટાઈમ મેગેઝિન સરવાળે અને સર્વાનુમતે એવા સમયની વચ્ચે પ્રગટ થયેલું જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ખત્મ થઈ ગયું હતું. એટલે તેને બેઠુ કરવું એ મોટી સમસ્યા હતી. તો બીજી તરફ ટાઈમે પોતાની હયાતીમાં બીજા વિશ્વયુદ્ધના પ્રચંડ દાવાનળને પોતાના કાગળમાં ઉતાર્યું હતું. જે લોકોના કારણે દુનિયાને હાની પહોંચી, જાનમાલની ખૂવારી થઈ તેવા લોકો પર ટાઈમ મેગેઝિન હંમેશા ચોકડી મારે છે. આ ચોકડીનો અર્થ થાય સરમુખત્યાર ! સામાન્યભાષામાં તો એ જ સમજવું રહ્યું. ચોકડી એવા લોકો પર લાગતી જે લોકોએ દુનિયાને નેસ્તાનાબુદ કરી હોય. જેમાં એડોલ્ફ હિટલર, સદામ હુસૈન, અબુ-મુસાબ-અલ-ઝલકારી અને છેલ્લે સાત વર્ષ પહેલા ઓસામા બિન લાદેન પર આ ચોકડી લાગી. એટલે કે દુનિયાને હાની પહોંચાડતા આ રાક્ષસોનું નિકંદન નિકળ્યું છે, ત્યારે ત્યારે ટાઈમ મેગેઝિને ચોકડીનો ઉપયોગ કરવો પડ્યો છે. જેને રેડ એક્સના હુલામણા નામે ઓળખવામાં આવે છે. લગભગ હવે ટાઈમે દક્ષિણ કોરિયાના શાસક કિમ-જોંગ-ઉન પર ચોકડી મારેલું કવરપેજ તૈયાર રાખ્યું હશે.

આજે યાદીઓ સિવાય કશું નથી થતું. ટાઈમની 100 પ્રતિભાશાળી વ્યક્તિ, ટાઈમ દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી 100 બેસ્ટ ફિલ્મ. 100 બેસ્ટ નોવેલ. આજ રીતે ટાઈમે 100 ખમતીધર વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી. જેમાં 20મી સદીના મહાનાયકો હતા. ફેબ્રુઆરી 2016ના અંકમાં એક સરસ મઝાનો સર્વે થયેલો. એ સર્વે મુજબ કોલેજમાં વંચાતી મહિલા લેખિકાઓ કેટલી છે તેના પર હતો. ટાઈમ તો આવું દર વર્ષે કર્યા રાખે છે. અને વેચાયા છતા કરતું રહેશે.

1927થી પર્સન ઓફ ધ યેરનો ખિતાબ આપવાની શરૂઆત થઈ. ત્યારે પહેલો પર્સન ઓફ ધ યેર બન્યો હતો ચાર્લ્સ લિંડનબર્ગ. જેણે વિમાનમાં ન્યૂયોર્કથી પેરિસ સુધીની નોનસ્ટોપ ફ્લાઈટ કરેલી. પણ ભારતનો વારો આ મેગેઝિનમાં ચોથા વર્ષે જ આવી ગયો અને ગાંધીજીએ ટાઈમની શોભા વધારી દીધી. 1982માં પહેલીવાર મેગેઝિને પર્સન ઓફ ધ યેર તરીકે શ્રીમાન કમ્પયુટરની પસંદગી કરેલી. અમેરિકનોને બિલ્કુલ શોક ન હતો લાગેલો. કમ્પયુટર તેમના જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ હતી. અને તેમને ટાઈમ મેગેઝિનનો આ નિર્ણય પણ યથાયોગ્ય લાગ્યો. એક માત્ર ગાંધીજીને છોડવામાં આવે તો ટાઈમ મેગેઝિન વેચાયું છે ત્યાંસુધી ભારતના બીજા કોઈ મહાવીરે આ મેગેઝિનના કવરપેજ પર સ્થાન નથી મેળવ્યું કે એટલી લાયકાત જ નથી ? મોટાભાગના અમેરિકનો અથવા તો તેમની જગ્યા ચીનાઓએ લઈ લીધેલી. ગયા વર્ષે નરેન્દ્ર મોદીનું નામ ટોપ પર હતું, પણ એ જગ્યા ડોનાલ્ડ ટ્રમ્પે પચાવી પાડી.

હવે વાત કરીએ તેમાં કામ કરનારા ભારતીયની. અરવિંદ અડિગાનું નામ સાંભળ્યું હશે. અરવિંગ અડિગા એટલે 2008માં જેમને વ્હાઈટ ટાઈગર નવલકથા માટે બુકર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. આ અરવિંદ અડિગાએ ટાઈમ મેગેઝિનમાં ત્રણ વર્ષ સુધી સેવા આપી છે. જેમણે ટાઈમ સિવાય સ્વતંત્ર લેખકનો હવાલો પણ સંભાળ્યો. વ્હાઈટ ટાઈગર સિવાય બિટવિન ધ અસેસિનેશન, લાસ્ટ મેન ઈન ટાવર અને છેલ્લે આવેલી તેમની કૃતિ સિલેકશન ડેના રચયિતા તેઓ રહી ચુક્યા છે. તેમની એક ટુંકી વાર્તા લાસ્ટ ક્રિસમસ ઈન બાંદ્રા ટાઈમના 2008વાળા અંકમાં પ્રકાશિત થઈ ચુકી છે. એટલે અરવિંદ કોઈ નાના મોટા લખવૈયા નથી.

હવે ટાઈમ મેગેઝિનની ટાઈમ ઈંક કંપની પણ કોઈ જેવી તેવી નથી. ખાલી ટાઈમ મેગેઝિન પ્રકાશિત કરી આળસ મરળી નથી લીધી. પિપલ મેગેઝિન, સ્પોર્ટસ ઈલેસ્ટ્રેટિડ આવી ઘણી મેગેઝિનો ઉપર તેમનો હાથ છે.

પણ હવે ટાઈમ વેચાઈ ચુક્યુ છે. શબ્દો માટે આ સાવ મામુલી કિંમત છે. આ પહેલા રૂપર્ટ મર્ડોક જેમને પત્રકારત્વની દુનિયાના દિગ્ગજ ગણવામાં આવે છે, તેમણે પણ સોદાઓ કરી કેટલીય મેગેઝિનો પોતાની બગલમાં દબાવી લીધેલી. પણ ટાઈમ વેચાઈ જતા તેના વેચાણ કે વિષયવસ્તુમાં કોઈ પ્રકારનો ફર્ક નહીં પડે. પહેલા પણ સારી રીતે જ વેચાતી હતી. આજે પણ એવી જ રીતે વેચાશે. અત્યારથી લોકોમાં આ વર્ષનો પર્સન ઓફ ધ યેર જાણવાની ઉત્કંઠા વધી રહી છે. દર વર્ષની માફક ભારત હરિફાઈમાં નથી. પણ કહેવાય છે ને પૈસા આગળ શબ્દોની કિંમત હોતી નથી. લખવાવાળો પૈસાનો ભૂખ્યો હોય છે, તેને કહો તેટલું તેટલા પૈસામાં લખી આપે. હવે 7200 કર્મચારીઓ ટાઈમ મેગેઝિનમાં કામ કરી રહ્યા છે. ભારતમાં તો પત્રકારત્વમાં આટલા લોકો એકસાથે કામ કરતા હોય તેની કલ્પના જ કરવી રહી. આ 7200ની હવે છટણી થશે કે તેમના કામના કારણે તેમને રોકી રાખવામાં આવશે એ પણ ટાઈમના સમાચાર જ કહી દેશે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.