Gujarati Writers Space

Sunday Story Tale’s – ટપાલપેટી

શીર્ષક : ટપાલપેટી

બાલ્કનીમાં બેસી રવિવાર સાથે ચા રૂપી અમૃતની મજા લઇ જ રહ્યો હતો કે સામેના ચાર રસ્તા પરની કીટલી પાછળ કંઇક છુપાઈને ઉભી હોય એવી રીતે ગોઠવાયેલ જર્જરિત ટપાલપેટી પર નજર પડી. અને ઓચિંતા જ ઘરે કાગળ લખવાનું મન થઇ આવ્યું. એમ તો એક અઠવાડિયામાં આ નવી જગ્યાએ ઠીક ઠીક રીતે સેટ થઇ જ જવાયું હતું. અને ઘરે પણ ફોનથી રોજ વાત થતી જ રહેતી. પણ કાગળ જેવી મજા ફોનમાં ક્યાં? અને એમાં પણ મારી નવ વર્ષની ઢીંગલી એના પપ્પાનો કાગળ જોઈ હરખાઈ ઉઠવાની. અને પછી મમ્મીની મદદ લઇ પોતાની કાલીઘેલી ભાષામાં એનો જવાબ પણ લખવાની. અને એ મજા તો એને જ ખબર હોય જેણે ક્યારેય કોઈને કાગળ લખ્યો હોય કે પછી કોઈએ એના પર કાગળ લખ્યો હોય.

લગભગ અડધા કલાકનો સમય લીધા બાદ હું નીચે કીટલી પર આવ્યો. અને પાછળ ઢંકાયેલી ટપાલપેટીમાં મારો કાગળ સરકાવ્યો. અને અમસ્તા જ રસ્તાની પેલી તરફના મારી રૂમ તરફ પણ નજર કરી લીધી, કે આ પેટી મને આટલા દિવસ સુધી દેખાઈ શાથી નહીં ! અને એનું કારણ હતું આ કીટલીવાળા દ્વારા મુકાતો નકામો સરસામાન. મને કાગળ સરકાવતો જોઈ એ કીટલીવાળો મને કંઇક અજુગતું ભાળ્યું હોય એમ જોઈ રહ્યો. પણ એને અવગણીને મેં એની ચામાં મન પરોવ્યું. અને એક કપ ચા પહેલાથી પીધી હોવા છતાં એની ચાની સુગંધથી લુભાઈને મેં ત્યાંની ચા પણ માણી.

આજે નોકરી ચડ્યા બાદનો આ પહેલો રવિવાર હતો. અને એમાં આવી સરસ કડક ચા મળી એટલે મોજ પડી ગઈ. આમ તો આ ગામ નાનું, અને આંતરીયાળ પણ ખરું. ગામની પ્રાથમિક શાળામાં મારી નવા આચાર્ય તરીકેની નિમણુંક થયેલી. અને એક જ અઠવાડિયામાં ઘણાંય સારા-માઠા અનુભવો થઈ ગયેલા ! પછી એ ઓરડી શોધીને સેટ કરવામાં મદદ કરવાવાળા પટાવાળાની ભલમનસાઈ હોય કે પછી વર્ગોમાં ઓછી સંખ્યા થકી છતો થતો ગામ લોકોનો શીક્ષણ પ્રત્યેનો રૂક્ષ અભિગમ ! ગામમાં શિક્ષણ પ્રત્યે થોડીક જાગૃતતા લાવવાના હેતુથી જ છેલ્લા બે દિવસથી ગામના કેટલાક લોકોને મળ્યો હતો. એમાંના કેટલાક તો એવા પણ હતા જેમના બાળકોના નામ ચોપડે બોલાતા હોવા છતાંય મજુરી કે ઘરકામ માટે બાળકોને રોકી પાડતા હતા !

પણ કહેવાય છે ને, કરેલું ક્યારેય ઓળે નથી જતું. બસ એમ જ મારા આ કામનું પણ મને વળતર મળી રહ્યું. બીજા દિવસે સોમવારે દરેક વર્ગમાં સરેરાશ પાંચ બાળકોનો વધારો થયો હતો. હા, આમ તો કુલ સંખ્યા હજી પણ ઓછી જ કહેવાય, છતાંય આખેઆખો વર્ગ ભણવા બેઠેલો જોઇશ એ દિવસ પણ દુર નથી !

હવે તો રોજ સાંજે કીટલીએ જઈને ચા પીવાની ટેવ પડી જ ગઈ છે. એવી જ એક સાંજે મેં ત્યાંથી ટપાલીને સાયકલ પર પસાર થતા જોયો. અને મને ચાર દિવસ અગાઉ પોસ્ટ કરેલ કાગળ સાંભરી આવ્યો. મેં ટપાલીને નજીક બોલાવી, મારું નામ જણાવી, મારા નામનો કોઈ કાગળ છે કે કેમ, એ તપાસ કરવા જણાવ્યું. અને જવાબમાં થેલામાં જોવા સુદ્ધાંની તસ્દી લીધા વિના તેણે કહી દીધું, “ના સાહેબ એવો કોઈ કાગળ નથી.”

“અરે પણ તમે એક વાર જોઈ તો જુઓ…”, મેં આગ્રહ કર્યો.

અમને જોઈ કીટલીવાળો મૂંછમાં મલકતો હતો.

“અરે કહ્યુંને સાહેબ, આજે બે ટપાલ સિવાય કંઈ લઈને નીકળ્યો જ નથી. અને એ બંને પણ યોગ્ય સરનામે આપી આવ્યો છું. પછી થેલામાં બીજું તો શું હોય ?”, કહેતાં તેણે થેલો સહેજ ઉંચો-નીચો કરી તેના ખાલી હોવાની સાબિતી આપી.

“પણ મેં તો ટપાલ પોસ્ટ કરી હતી… અને આટલા દિવસો બાદ તો એનો જવાબ પણ આવી જવો જોઈએ…”, હું સ્વગત બબડ્યો.

“તમે ટપાલ મોટી પોસ્ટઓફિસે નાંખી હતી ?”, ટપાલીએ સહેજ શંકાસહ પૂછ્યું.

“ના. આ પાછળની ટપાલપેટીમાં.”

“લ્યો ત્યારે. પછી જવાબ ક્યાંથી આવે તમારો !”, કહેતાં તેણે એક હાથની મુઠ્ઠી બીજા હાથની હથેળીમાં પછાડી.

“એટલે ?”

“એટલે સાહેબ એમ કે, આ ટપાલપેટી તો કોઈ ખોલીને જોતું પણ નથી !”, ટપાલીને બદલે કીટલીવાળાએ જવાબ આપતાં કહ્યું.

“ગામમાં નવા આવ્યા લાગો છો !”, કહેતાં ટપાલીએ કંઇક મોટું તીર માર્યું હોય એવી મુસ્તાકીથી હસતો રહ્યો. અને એ જોઈ મારો પિત્તો છટકયો. મેં એને એના કામની લાપરવાહી વિષે થોડીક ખરી-ખોટી પણ સંભળાવી દીધી ! કંઇક ડરથી એણે તાબડતોબ પાછળની ટપાલપેટીનું કડીના સહારે લટકી રહેલું તાળું ખોલ્યું, અને મારો કાગળ કાઢી થેલામાં સરકાવતો ત્યાંથી પોબારા ગણી ગયો.

આ વાત આમ તો સાવ સામાન્ય એવી હતી. પણ ગામ લોકોના વ્યવહાર સાથે અહીંના સરકારી ખાતાના લોકોનો કામ પ્રત્યેનો સ્વભાવ પણ આવો રૂક્ષ હશે એનું મને લાગી આવ્યું. માટે બીજા દિવસે શાળા પતાવી સીધો હું મોટી પોસ્ટઓફીસ જઈ પંહોચ્યો. થોડોક સમય રાહ જોયા બાદ હેડ પોસ્ટમાસ્ટરની મુલાકાતનો સમય મળ્યો. અને મેં એને ગઈકાલની ઘટના માંડીને કહી સંભળાવી. પણ અહીં પણ કરમની કઠણાઈ એ પડી કે હેડ પોસ્ટમાસ્ટર અન્ય રાજ્યથી આવેલ. પણ જેમ લાગણીઓને ભાષાના સીમાડા નથી નડતા એમ તે મારી વાત થકી વાતનો થોડો ઘણો અંશ સમજ્યો. અને મને થોડક દિવસ રાહ જોવાની ધરપત આપી.

મોટી પોસ્ટઓફીસમાંથી હું હજી નીકળી જ રહ્યો હતો કે ત્યાંનો ગઈકાલવાળો ટપાલી હાથ જોડી મારા રસ્તે આડો ઉતર્યો. “સાહેબ, હવે પછી એવી ભૂલ નહીં થાય. મોટા સાહેબને કંઈ કીધું હોય તો પાછુ લઇ લ્યો સાહેબ. મારે નોકરી જતી રહેશે. ઘરે બૈરી-છોકરા ભૂખે મરશે સાહેબ…”, કહેતાં એ રીતસરનો કરગરવા માંડ્યો.

“અરે ના…ના. તું નાહકની ચિંતા કરે છે. મેં તો બસ મારી વાત મૂકી છે. અને કોઈનું નામ ક્યાં દીધું છે.”, કહેતાં મેં એના જોડેલા હાથ પકડી લઇ એને શાંત પાડવા પ્રયાસ કર્યો. અને એના ખભે હાથ મુકીને નજીકની કીટલીએ દોરી ગયો. કારણકે જે માહિતી મને તેના મોટા સાહેબ ન આપી શક્યા, એ એની પાસેથી મળી શકે તેમ હતી.

બે ચાનો ઓર્ડર આપી મેં મિત્ર તરીકે એની સાથે વાત માંડી, “તો હવે કોઈ પણ સંકોચ રાખ્યા વિના કહે, કામમાં આવી કામચોરી શાથી કરે છે?”

મારા પ્રશ્નથી કે પછી ચાની હુંફથી એની જીભ દાઝી હોય એવો સિસકારો કાઢતા એણે કહ્યું, “સાહેબ, ભલે બે ગાળ દઈ દેજો, પણ ‘કામચોર’નું કલંક માથે ન લગાડતા.”

મને એની ખુદ્દારી ગમી, પણ હજી મારા મનનો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ હતો. મને મૌન જોઈ તેણે આગળ ચલાવ્યું.

“સાહેબ, મોટી પોસ્ટઓફીસ પર જેટલી પણ ટપાલ આવે એ બધીય સમયસર યોગ્ય જગ્યાએ પંહોચી જાય અને એમના વળતા જવાબનું પણ એવું. પણ તમે જે જગ્યાએ ટપાલ નાંખી ત્યાં ટપાલપેટી પણ છે એ તો હવે ઓફિસમાં પણ માત્ર કાગળો પર બોલે છે. અને હવે એમાં તમે મારો વાંક કાઢો તો કેમનો મેળ આવે?”

“કેમ..? તારો કોઈ વાંક નહીં એમ ?”

“ના, એમ તો નહીં જ ! અને એમ ખરો પણ ! જો તમે એમાં મારો વાંક ગણતા હોવ તો તો એમાં આડકતરી રીતે આ ગામ લોકોનો પણ વાંક ખરો કે નહીં ? જો કોઈ ટપાલ જ નહીં લખે તો ટપાલપેટી કે પછી ટપાલી એમાં શું કરી શકવાના હતા !?”

એનો તર્ક સાવ નાંખી દેવા જેવો તો નહોતો જ ! હું એના વિચાર પર વિચાર કરતો રહ્યો અને એ ચા પતાવી મને ‘રામ રામ’ કહી પોતાના કામે ચાલ્યો ગયો.

ઘરે આવ્યા બાદ પણ મને એનો એ તર્ક મૂંઝવતો રહ્યો. અને મનમાં એ જ પ્રશ્ન ઘોળાતો રહ્યો, કે આજના 4Gના સમયમાં કોઈ કાગળ લખે પણ શા માટે ? અને આ ગામની સામાન્ય અભણ પ્રજા પણ ચોક્કસ નંબર યાદ રાખીને મોબાઈલ વાપરી શકે તેટલી આવડત તો ધરાવતી જ હતી. તો પછી કોઈને કાગળ લખવાની જરૂર જ ક્યાં રહી ?

મને ટપાલ સાથે વિતાવેલા મારા દિવસો યાદ આવવા મંડ્યા. જયારે મેં ‘એને’ કાગળો લખ્યા હતા – વળતો જવાબ કાગળ થકી જ મળે એવી કોઈ પણ અપેક્ષા વિના ! પણ પત્ર લખતી વખતે હરખ કે શોકના જે આંસુ કાગળ પર પડતા, એ હવે મોબાઈલની સ્કીન ઝીલવા લાગી છે, હવે એ બે વચ્ચેનો અંતર આ નવી પેઢી તો શાથી જાણે ?

‘નવી પેઢી’ શબ્દ વાગોળતા જ મારા મનમાં એક ચમકારો થઇ ગયો ! કે જેમ આપણે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા હવાતિયા માર્યે છીએ તો આને શાથી નહી ? અને મારું તો કામ જ એ છે, સમાજનું ઘડતર કરવાનું. અને એની સૌથી પાયાની જરૂરિયાત તો પહેલાથી જ મારી પાસે છે ! નવી પેઢી ! મારી શાળાના બાળકો ! મને રહી રહીને પેલો ટપાલી સાંભર્યો, જે દ્રઢતાથી કહેતો હતો કે, એમાં એનો એકલાનો શું વાંક ? અને હવે ઊંડા વિચાર બાદ તો મને એમાં મારો પણ વાંક દેખાય છે ! ટપાલ ખાતાને ભાંડવું, કે પછી તેમના કર્મચારીઓને કામ વિષે ટકોર કરવી, પણ એ બધા વચ્ચે હું મારી જ કામગીરી ભૂલી ગયો. આજની પેઢીએ ક્યારેય કોઈને કાગળ લખ્યો હશે તો એને ભવિષ્યમાં કાગળ લખવાની ઈચ્છા પણ થશે. અને મને મારી ભૂલ સમજાતા મેં મનોમન એક નિર્ણય કર્યો, કંઇક અફર કરવાનો !

બીજા દિવસે શાળામાં સંખ્યામાં થયેલો વધારો જોઈ મન હરખાઈ ઉઠ્યું. અડધો દિવસ વીત્યા બાદ બે-એક વર્ગમાં શિક્ષકની અડધી રજા લીધાની કારણે ‘ફ્રિ તાસ’ જેવું હતું. અને મને એ મારા કામ માટે સુયોગ્ય તક લાગી. મેં બંને વર્ગોને એક જ ઓરડામાં ભેગા કર્યા, અને એમના ચેહરા પર ફ્રિ તાસ છીનવાયાનો કંટાળો દુર કરતા કહ્યું, “અલ્યા થોડુંક હસો તો ખરા. તમને ભણાવવા નથી આવ્યો !”, અને એ સાથે આખા ઓરડામાં ‘હાશકારો’ વ્યાપી ગયો.

“આજે આપણે કંઇક નવું કરવાનું છે. આજે આપણે પત્રલેખન શીખીશું !”

“લ્યો, એ તો મને આવડે છે !”, કહેતાં એક છોકરો આગળ આવ્યો. અને હું જાણે એનો મિત્ર હોઉં એમ કોઈ પણ પરવાનગીની દરકાર લીધા વિના ચોક લઇ બોર્ડ પર સાદું ફોર્મેટ દોરવા મંડ્યો. એક તરફ તારીખ, મોકલનારનું સરનામું, સામેવાળાનું સરનામું, સંબોધન, વચ્ચેની વિષય સંગત માહિતી અને છેલ્લે લિખિતંગ એવું ઉપરછલ્લું બતાવી એણે કહ્યું, “જુઓ, આમ લખાય, ખરું ને ?”

“હા, બરાબર. તેં મારું અડધું કામ ઓછું કરી દીધું. પણ હવે એને પોસ્ટ કેમનો કરવાનો એ પણ કહી દે ચાલ.”

એ સાંભળી એ જરા મૂંઝાયો અને બોલ્યો, “સાહેબ એવું તો સીલેબસમાં ક્યાંય નથી !”, અને આખો વર્ગ હસી પડ્યો. અને મને સમજાયું કે આ બધા જ વિદ્યાર્થીઓને મન ‘પત્રલેખન’ એટલે ભાષાના વિષયના પાંચ ગુણથી વિશેષ કંઈ નઈ ! એમાં પ્રેક્ટીકલ જ્ઞાનનો હજી પણ અભાવ વર્તાય છે.

મેં પેલા છોકરાને બેસી જવા કહી, બધાને ચોપડામાંથી કાગળ ફાડી પોતાના મનગમતા મિત્રને કાગળ લખવા કહ્યું. શરૂઆતમાં મીઠી મૂંઝવણ અનુભવતા રહી એ બધાએ એકબીજા પર કાગળ લખવાનું શરુ કર્યું. ક્યારેક ક્યારેક એકબીજાના પત્રોમાં નજર પણ કરી લેતાં તો વળી ‘તેં મને નથી લખ્યો, એટલે તું મને તારો ‘બેસ્ટ ફ્રેન્ડ’ નથી ગણતો’ એમ કહી મીઠી તકરાર પણ કરી લેતા. મેં પટાવાળાને કહી મારા ડ્રોવરમાંથી કવર અને ટીકીટો લઇ આવવા કહ્યું.

બધા કાગળ પરબીડીયામાં ભરાવી મેં દરેકમાં ટીકીટ વહેંચી અને આગળની કાર્યવાહી સમજાવી. આજ સુધી માત્ર પુરવણીમાં માર્ક્સ માટે પત્રો લખેલા બાળકોને સાચેસાચ પત્રો લખીને જે આનંદ થયો હતો એ એમના ચેહરા પર સાફ વર્તાતો હતો. મેં બધા પત્રો ભેગા કરવા માંગણી કરી તો એકીસાથે સુર ઉઠ્યા, “અમારો કાગળ અમે જ પોસ્ટ કરીશું.”, અને એ ક્ષણે મને કેટલો હરખ થતો હતો એ હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. શાળા છુટ્યા બાદ બધાએ ચાર રસ્તે આવેલી ટપાલપેટી પર ભેગા થવાનું એમ નક્કી કરી અમે બાકીનો દિવસ વિતાવ્યો.

અમે બધા ચાર રસ્તે જયારે ભેગા થયા ત્યારે એમાંના કેટલાય બાળકો ટપાલપેટી શોધી રહ્યા હતા. એમના જ ગામની ટપાલપેટી એમનાથી અજાણી હતી ! મેં બધાને કીટલી પાછળ ઉભી પેટી બતાવી, અને એક પછી એક બધા પોતાનો કાગળ અંદર સરકાવવા લાગ્યા. જે જે બાળકોએ કાગળ સરકાવી દીધો હતો એ મને પોતાની કાલીઘેલી ભાષામાં સવાલોના ઘેરામાં ઘેરી વળ્યા. ‘આ ક્યારે પંહોચશે ?’, ‘આનો વળતો જવાબ આવશે ?’

“બસ બે ત્રણ દિવસમાં. અને હા, તમે ટપાલ લખવાનું ચાલુ રાખશો તો ચોક્કસ એના જવાબ આવશે.”

અમારી ટોળકી પાછા ફરવાની તૈયારીમાં જ હતી કે ત્યાંથી પેલો ટપાલી સાયકલ દોરી પસાર થતો અટક્યો.

“આ બધું શું છે સાહેબ ?”, છોકરાઓને હસતાં, મસ્તી કરતા જોઈ તેણે હરખાઈને મને પૂછ્યું.

“કંઈ નહીં. મેં મારી ભૂલ સુધારી છે. હવે તારો વારો.”

“એટલે ?”

“એટલે એમ કે, આ પાછળની ટપાલપેટીમાં અંદાજે સાહીંઠેક કાગળ નાંખ્યા છે, હવે એને પંહોચાડવાનું કામ તારું !”

“લ્યો, હમણાં જ કાઢું છું.”, કહેતાં તેણે ટપાલપેટી ખોલી કાગળો થેલામાં ભરવા માંડ્યા. કેટલાક બાળકો વિસ્મયથી તો કેટલાક આનંદથી એ કામગીરી જોઈ રહ્યા હતા.

ત્યાં જ પેલા કીટલીવાળાએ ટાપસી પુરાવતા કહ્યું, “શું સાહેબ તમે પણ ! નવા નવા ગતકડાં કરીને મારો ધંધો બગાડશો !”, એને પોતાનો સરસામાનની બીજી વ્યવસ્થા કરવી પડશે એમ ધારી એ સહેજ ખીન્નાયો. અને હું જવાબ આપું એ પહેલા જ ટપાલી બોલી પડ્યો, “અલ્યા આમાં તારું પણ ભલું જ છે. લોકો અહીં ટપાલ નાંખવા આવશે તે તારી કીટલીએથી પણ કંઈ ને કંઈ લેતા જશે. અને વખત છે ને, બે ત્રણ વર્ષમાં તો તારી કીટલી ગલ્લો પણ બની જાય !”, પોતાનો લાભ બતાવી વાત ગળે ઉતારવાની એની સરળતા મને ગમી.

બધા કાગળ ભેગા કરી લઇ તેણે કંઇક અહોભાવથી મારી તરફ મીટ માંડી, “આભાર સાહેબ.”, કહી તે પોતાની સાયકલ મારી ગામ ભણી ચાલ્યો ગયો.

એ વાતને પણ કંઇક ચારેક દિવસ વીત્યા હશે અને મેં પેલા ટપાલીને મારા ઘરને બારણે દીઠો. એને આવકાર આપી ચા પાઇ. અને આવવાનું કારણ પૂછ્યું. અને ત્યાં તો એ ભલો માણસ રડમસ અવાજે બોલ્યો,

“સાહેબ હું તો તમારો આભાર માનું એટલો ઓછો. મારા બાપા પણ ટપાલખાતામાં નોકરી કરતા, કહેતાં કે ગામમાં ટપાલીની રાહ એમ જોવાય જાણે કોઈ મહાનુભવ ન આવતા હોય ! પણ હવે એ સમય જ ક્યાં ? પણ ઘણા લાંબા સમય બાદ એવું થોડું ઘણું મેં જાતે પણ અનુભવ્યું, જયારે ગામના છોકરાઓ પોતાના ઘરના ઉંબરે ઉભા રહી પોતાના ભેરુંના લખેલા કાગળની રાહ જોતા ઉભા હતા. અને મને વિશ્વાસ છે, એમના છોકરાઓને પરસ્પર કાગળ લખતા જોઈ ક્યારેક ને ક્યારેક એમના ઘરના અન્યોને પણ એમ કરવાની પ્રેરણા મળશે જ ! અને બીજું કંઈ થાય ન થાય, પણ હવે હું ક્યારેય વાંકમાં ન આવું એવું ચોક્કસ કરીશ. કાગળ હોય કે ન હોય, ડર બીજા દિવસે એ ટપાલપેટી ખોલીને તપાસવાની મારી ફરજમાંથી ક્યારેય પીછેહઠ નહીં કરું.”

મેં નજરોથી જ એને ધન્યવાદ કહ્યું. અને ત્યાં જ એ મને મારી બાલ્કનીમાં દોરી ગયો. સામે ચાર રસ્તા પર કીટલીવાળાએ પોતાનો સરસામાન ટપાલપેટી દેખાઈ આવે એમ ગોઠવ્યો હતો, અને બીજી તરફ રંગકામ કરનાર કોઈ કારીગર પેટીને નવો સાજ શણગાર કરતો હોય એમ ઉત્સાહથી લાલ-કાળા રંગે રંગી રહ્યો હતો.

“મોટા સાહેબે પોતાના અંગત ખર્ચે એ રંગ કરાવ્યો છે !”, કહેતાં એનો પોતાના સાહેબ પ્રત્યેનો અહોભાવ વર્તાઈ આવ્યો. અને એ જોઈ હું પણ હરખના માર્યે સ્વગત બબડ્યો, “જયારે ભાષાની શોધ નહીં થઇ હોય ત્યારે પણ માણસો એકબીજાની વાત સમજતા, અને આજે પણ સમજી શકે છે ! ખરેખર લાગણીઓને ભાષાના સીમાડા ક્યારેય નથી નડતા !”

– Mitra ❤

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.