Gujarati Writers Space

ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

ટાગોર એટલે વિશ્વ કવિ, લેખક, ગાયક, નાટ્યકાર, ચિત્રકાર, આઘ્યાત્મિક સંત, અને સાવ સરળ માણસ.

નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી નિહાળ્યું. દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં કારણ કે માતાનો પ્રેમ-સુખ ખાસ મળ્યું ન હતુ. પણ સૌથી મોટો આઘાત રવીન્દ્રનાથને ભાભીરાણી कादंबरी એ યુવાનીમાં જ કરેલી આત્મહત્યાનો લાગેલો. આ એ જ ભાભીરાણી કે જેને પોતે સાવ એકલા પડી ગયેલાં ત્યારે પોતાની તમામ કવિતા, ગીતો સંભળાવી શકતા. તેનાં સંગાથમાં તેને જીવન રસભર લાગેલું. જીવનભર એનાં દિમાગમાંથી મૃત્યુનું એ દૃશ્ય હટ્યું ન હતુ.

પોતાના લગ્નના દિવસે જ તેની બહેનના પતિનું અવસાન. પછી મોટાભાઈનું અવસાન, પછી પિતા, પછી પત્ની મૃણાલીની, પછી 2 પુત્રી, પુત્ર, સૌથી વ્હાલો પૌત્ર….એક એક મૃત્યુની ઘટનાઓ રવીન્દ્રનાથે ઈશ્વરની મરજી સમજી સ્વીકારી લીધી. તેનાં યુવાન પુત્રના અવસાન વખતે તૌ તેણે લોકોને કહી દીધેલું કે તમે જ સ્મશાનમાં જઇ બધી વિધી કરી આવો, હુ અહિં જ બેઠો છું…..

પોતે બંગાળમાં જમીનદાર હતાં, પણ ખેડુતો માટે એ પિતા તુલ્ય રહેલા. પિતાએ ખરીદેલી જમીનમાં શાંતિનિકેતન આશ્રમ ઉભો કરેલો. તેનુ સ્વપ્ન હતુ કે અહિં માનવીને વિશ્વમાનવી બનાવવો. કલાનું એ મુખ્ય કેન્દ્ર. પોતાની તમામ ખાનગી સંપત્તિ વેંચીને શાંતિનિકેતન ચલાવવામાં વાપરી નાખી. આમ છતા આર્થિક ભીંસ આશ્રમ ચલાવવામાં રહેતી જ, ત્યારે 1913 માં એક અદભુત સમાચાર મળ્યા કે તેઓને “ગીતાંજલિ ” પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ અને 8 હજાર પાઉન્ડનું ઇનામ મળ્યું છે. અને ચિંતાનો અંત આવી ગયો…

એક અદભુત ઘટના એ પણ છે કે એક સમયે બંગાળમાં તેનાં વિરૂદ્ધ ઘણાં લોકો થયાં હતાં. તેણી સાચી કદર વિદેશમાં થઈ. ” કાબૂલી વાલા” કહાનીથી થઇને Rothenstein નામના એક અંગ્રેજી ચિત્રકારે તેને વિદેશ બોલાવેલા. અને અંગ્રેજી સાહિત્યકારો સમક્ષ કવિતા રજૂ કરવાનો મોકો આપેલો. અને તમામ વિદેશી સાહિત્યકારોએ કહેલું કે ” આવી કવિતાઓ અમે કદી સાંભળી જ ન થી” અને ત્યારથી તેં વિશ્વવિખ્યાત થયેલા. અને એ જ વ્યક્તિએ ટાગોરની બંગાળી કવિતાઓને અંગ્રેજીમાં અનુવાદિત કરીને બુક પબ્લીશ કરાવી આપવાની ગોઠવણ કરી. અને જ પુસ્તક “ગીતાંજલિ ” . આ પુસ્તકની કવિતાઓ જાણે રવીન્દ્રનાથે ઈશ્વરને જોઈને લખી હોય તેવું લાગે….

નોબેલ પ્રાઈઝ મળ્યા પછી ટૉગોરનું ભારતમાં મહત્વ વધવા લાગ્યું. જે કલકત્તા યુનિવર્સીટી તેનો વિરોધ કરતી હતી તેણે જ તેને Phd ( ડોકટરેટ) ની ડીગ્રી આપી તેનુ બહુમાન કરેલ.

ગાંધીજી જ્યારે ભારત આવેલા ત્યારે તેનાં અંતેવાસીઓ શાંતિનિકેતનમાં જ રોકાયેલા. ત્યારે ગાંધી-ટાગોરની પહેલી મુલાકાત થયેલી. અને ટાગોરે ગાંધીજીને “મહાત્મા” કહેલા. પરંતું એવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં ટાગોર ગાંધીજીનો સખત વિરોધ કરેલો, મત ભેદ હતાં પણ મનભેદ ન હતાં…

એક અજબ ઘટના એવી પણ છે કે જીવનના અંતમાં શાંતિનિકેતન ચલાવવામાં આર્થિક રીતે ખાસ મદદ મળતી ન હતી ત્યારે પૈસા માટે રવીન્દ્રનાથે એક ભવ્ય નાટક સમગ્ર દેશમાં જઇને ભજવવાનું નક્કી કરેલું અને પોતે આટલી મોટી ઉંમરે તેમાં રોલ ભજવવાના હતાં, આ વાત ગાંધીજીને ખબર પડતાં ગાંધીજીએ ઘનશ્યામદાસ બિરલા દ્રારા બીજા જ દિવસે રૂ. 60,000 નો ચેક અપવેલો. એ દિવસે ટાગોરની આંખમાં આંસુ હતાં…મૃત્યુના થોડા સમય પહેલા પત્ર દ્રારા તેણે ગાંધીજીન મૌત બાદ શાંતિનિકેતન સંભાળવાનું પણ કહેલું….

જીવનનાં અંતમાં પીંછી ઉપાડી 400 જેટલા ચિત્રો પણ દોરેલા.

વિશ્વની અનેક સ્ત્રીઓ તેનાં માટે પાગલ હતી. પણ તેનાં વાત્સલ્યભાવ સામે બાધા પીગળી જતા…વિશ્વના અનેક દેશો તેઓને ભાષણ આપવા માટે બોલાવતા. એ પ્રકૃતિને શરણે થયેલ માણસ હતો.

બંગાળીમાં જ લખીને વિશ્વકવિ બનનાર આ એક વિરલ વ્યક્તિ હતા, તેમની કહાનીઓ પર અનેક ફિલ્મો, નાટકો, ફિલ્મો બની છે…..તેનાં વિશે જરૂર વાંચવું જોઈએ.

સાધુ વેશે હિમાલયની યાત્રા દરમ્યાન હુ હંમેશા તેનુ પ્રખ્યાત ગીત ” તમે એકલા ચૉલો રે” ગાયે રાખતો….જે હંમેશા મને હિંમત આપતું રહેતું. યુટ્યુબ પર શ્રેયા અને અમિતાભે ગાયેલ આ ગીત સાંભળવા જેવું છે…..

– વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.