Education Gujarati

આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!

ફોટોલાઈન :

ફ્રેડી, બકા ફિલ્મમાં મગજ પર આવડા મોટા હથોડા મારવા કરતા લે મારા લમણે ગોળી જ મારી દે એટલે પાર આવે!
હોવ…હમ્બો…હમ્બો…!

ડાયલોગ્સ :

અકડ, પકડ, જકડ, દોડપક્કડ, પાના-પક્કડ ને એવું બધું

ગીતો :

નસીબ આડે પાંદડું તો મન્કી ડોન્કી વોટ? વોટ ધ ……!

લેખ :
ફિલ્મ ‘સૂર્યાંશ’નો એક ડાયલોગ કંઈક એવો છે કે, ‘ગુજરાત પોલીસની અકડ, પકડ અને જકડથી કોઈ બચી નથી શકતું.’ વ્હોટ…? અકડ, પકડ ને જકડ? આના કરતા તો રાઈટરે ત્યાં એકાદ-બે ટોપરા જેવી પણ લખી હોત તો મને વાંધો નહોતો, પણ અકડ, પકડ ને જકડ? અરે ભાઈ, કૌન લીખતા હૈ એસે ડાયલોગ? આઈ મિન, કહાં સે લાતે હો ઇતના ટેલેન્ટ? અરે, કૌન સા માલ ફૂંકતે હો ભૈયા? અકડ, પકડ ને જકડ? કંઈ દોડપક્કડ કે કબડ્ડી ચાલે છે? પાના-પક્કડ બી લખી નાંખતા. શું રાઇટર બાળપણમાં ‘અડકો-દડકો દહીં દડૂકો’ બહુ રમતાં હશે? શું બાળપણમાં તેમણે જોડકણા બહુ લખ્યાં હશે? આઈ થિંક, રાઈટરે થોડું ‘ચિંતન’ કરવાની જરૂર હતી!

ફિલ્મનું એક ગીત તો મગજના આંત:વસ્ત્રો ફાડી નાખે એવું છે. એના શબ્દો કંઈક એવા છે કે, ‘નસીબ આડે પાંદડું તો મંકી ડોન્કી વોટ?’ યસ, વોટ? વોટ નોનસેન્સ. બીજા એક ગીતમાં ‘મારા મહુઆઆઆ…’ શબ્દ બહુ ભયંકર રીતે વપરાયો છે. યુ નો, સોનિક ઓમીના સંગીતથી મઢેલુ રફીસાહેબનું ધગધગતુ સોંગ ‘મેરી મહુઆ’ મારું ફેવરિટ હતું. આ ગીતે પેલા ગીતનો નશો ઓછો કરી નાખ્યો, બોલો…!

પેલી રિપોર્ટર અદિતીને એટલી કમઅક્કલ બતાવી છે કે એને રિપોર્ટિંગમાં તો દૂર કોઈ ઈન્ટર્નશીપમાં પણ ન રાખે! ફિલ્મમાં જ્યારે ખુલ્યું કે એ બેન લંડનથી જર્નાલિઝમ કરીને આવી છે ત્યારે છેક સમજાયુ કે ઠીક, એ લંડન રિટર્ન છે એટલે આપણે ત્યાં ભાંગરા વાટે છે! આઈ મિન, પીઆઈ જેના માથે બંદૂક તકાયેલી હોય એવા ઉદ્યોગપતિને જીવના જોખમે ઉગારી આવ્યો હોય છે એ ઓપરેશનની પ્રેસ કોન્ફરન્સમાં આ રમતુડી સવાલ પૂછે છે કે, ‘તમારા લગ્ન થઈ ગયા?’ રોલી, હાળી…!

રિપોર્ટિંગ કરતા હોય તો એટલી તો ખબર જ હોવી જોઈએ ને કે જે સિટીમાં સુપર કોપ તરીકે જાણીતો છે એ પીઆઈ પરણેલો છે કે વાંઢો? એ બધુ તો ઠીક પણ પહેલી જ મુલાકાતમાં પીઆઈને સીધા નામથી જ બોલાવવાના? કરણ. સીધુ કરણ? કરણભાઈ નહીં, સર નહીં, સાહેબ નહીં સીધુ જ કરણ? એ પીઆઈ છે બેન, સ્હેજ તો રિસ્પેક્ટ આલ. એ તારી ભેગો કોલેજમાં નથી ભણતો. બાબુભૈયા સે સીધા બાબુ? લગતા હૈ તેરા ભાડા ડબલ કરના પડેગા બાબા…!

કોઈ મને એ કહો કે એ રિપોર્ટર કામ કઈ ચેનલમાં કે અખબારમાં કરતી હતી? એ કેમ પેલ્લા જ ધડાકે કરણ સાથે 24 કલાક રહેવા તૈયાર થઈ ગઈ? આઈ મીન, એને રજા નહીં મુકવાની હોય? એને બી શિફ્ટ ચાલતી હશે? એને ચેનલ હેડ કે એડિટર સાથે વાત નહીં કરવી પડે? એનો એડિટર એને કહેશે નહીં કે જો બકા ત્યાં જા એનો વાંધો નહીં પણ ફલાણા કેસની ઢોકણી સ્ટોરી કરતી આવજે અથવા રજા પર જતાં પેલા આટલી સ્ટોરી ફાઇલ કરતી જા. હાલી જ નીકળી છે સાવ. ઇ વળી હું? સાવ જ #હમ્બો_હમ્બો ?

બાય ધ વે, આટલા દયામણા પોલીસ કમિશનર પહેલી વાર જોયા! અરે ભાઈ, કમિશનરનું પાત્ર લખેલું કે ડોક્ટરનું? ‘સૂર્યાંશ’ના પોલીસ કમિશનર કરતા વધારે કડપ તો આપણે ત્યાંના કેટલાક ડોક્ટર્સની પર્સનાલીટીમાં જોવા મળતો હોય છે. જ્યારે ફિલ્મના કમિશનર તો જુનિયર્સને આદેશ આપતા હોય એમ ઓછું અને રાત્રે જમીને સૂતા પહેલા બે ગોળી યાદ કરીને લઈ લેવાનું કહેતા હોય એવું વધારે લાગે!

મને જય ભટ્ટની એક્ટિંગ ખૂબ ઈમ્પ્રેસ કરી ગઈ. ઇન્ટેન્સ. એ માત્ર બારીના કાચ સામે જોઇને સિગરેટ સળગાવે ત્યાં જ એના પાત્ર જયદેવના લેયર્સ સમજાવા લાગે. ફિલ્મમાં કદાચ જયદેવ જ કેરેક્ટર એવું છે જે અનનેસેસરી લાઉડ નહીં, પણ કન્વીન્સિંગ લાગે છે. મને આઘાત ત્યારે લાગ્યો જ્યારે અચાનક જ એ કેરેક્ટરનું મોત થયું. મને થયું કે સાલો ફિલ્મમાં આ એક માણસ સ્ક્રિન પર જોવો ગમતો હતો અને ડિરેક્ટરે એને જ મારી નાખ્યો. એ ક્ષણે ડિરેક્ટરને મારી હળહળતી હાયુ લાગી, બોલો…! હોવ…હમ્બો…હમ્બો…!

કરણ (ફ્રેડી)નું વિક્રમ રાણા (મેહુલ બુચ) સામેના કન્ફેશનનું દૃશ્ય ‘પ્રમાણમાં સારું’ છે, પણ એ વધારે ધારદાર, વધારે ચોટદાર અને યાદગાર બની શકતું હતું. કરણ જ્યારે મર્ડરનો વીડિયો લઈને વિક્રમ રાણા સામે કબૂલાત માટે હાજર થાય છે એ પરિસ્થિતિમાં જ એટલું ઊંડાણ છે કે રાઈટર પાસે ત્યાં બહુ જ બધુ કરી બતાવવાનો ચાન્સ હતો. બટ, ઇટ્સ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી. એ દૃશ્યમાં કલેજા ચીરી નાખે એવા સંવાદો કે દર્શકો સ્તબ્ધ થઈ જાય એવી મોમેન્ટ્સ કે એક્સપ્રેશન મૂકી શકાયા હોત. એક બાપ સામે પોતાના એક દીકરાના ખૂનના આરોપી તરીકે (ઓલમોસ્ટ) બીજો દીકરો પ્રગટ થાય એ દૃશ્ય જ્યારે તમે લખી રહ્યા હોવ ત્યારે તમારી પાસે એક જ ટાર્ગેટ હોવો જોઈએ. જોનારાના કલેજા કંપી જવા જોઈએ, હદયની ગતિ વધી જવી જોઈએ અને આંખોમાં આરબ સાગર ઉમટી આવવો જોઈએ.

સિદ્ધાર્થ રાંદેરીયાના ‘નટસમ્રાટ’ આધારિત ‘અમારી દુનિયા તમારી દુનિયા’ નાટકમાં આવી જ એક મહાન ક્ષણ આવે છે. જ્યારે એક મહાન અને સ્વમાની બાપ પર ચોરીની શંકા કરનારી દીકરી પોતાની ભૂલની કબૂલાત અને પ્રાયશ્ચિત માટે ઉપસ્થિત થાય છે. એ મોમેન્ટને મહાન બનાવવા લેખકે એક ડાયલોગ લખેલો. જે એ નાટક જોયાના આઠેક વર્ષ બાદ પણ યાદ છે. ચોરીનો આરોપ મુકનારી દીકરી જ્યારે કરગરીને કહે છે કે, ‘પપ્પા, હું શું કરું? હું શું કરું પપ્પા?’ ત્યારે પેલો સ્વમાની બાપ પેલીએ પોતાના વાક્યમાં છેલ્લે મુકેલો પપ્પા શબ્દ ઉઠાવીને કલેજા ચીરી નાખતા અંદાજમાં બોલે છે કે, ‘પપ્પા કે’વાનું બંધ કરી દે.’ હવામાનમાં ઘૂંટાતો ગરમાવો, ડૂમો અને સ્તબ્ધતા. એ જ બાપ એ જ વાક્યમાં સત્તાવાહી અવાજમાં કરડાકીથી ઉમેરે છે કે, ‘તારો એ અધિકાર હું આજથી છીનવી રહ્યો છું.’ ઇટ્સ કિલિંગ. બિલિવ મી, હિંસા કાયમ શારીરિક જ નથી હોતી. શબ્દોથી પણ કત્લેઆમ ચલાવી શકાય. બસ, ભાષાનું એ હથિયાર બરાબર ચલાવતા આવડવું જોઈએ. શબ્દોના સાથિયા કે શાબ્દિક વ્યભીચાર નહીં, પણ શબ્દશક્તિનો સંતુલિત ઉપયોગ જોઈએ. Pranav Golwelkarના બ્લોગ ‘શબ્ધ ધર્મ’ની ટેગલાઈન દરેક શબ્દના સાધકે પોતાના માનસપટ પર કોતરાવી લેવી જોઈએ. એ છે – શબ્દ સાધન છે, શબ્દ સાધ્ય છે, શબ્દ આરાધ્ય છે અને શબ્દ જ ધર્મ છે. ધેટ્સ ઈટ.

એની વે, ‘સૂર્યાંશ’ના પેલા જે દૃશ્યમાં મને ખુબ સંભાવનાઓ દેખાઈ એમાં તો ફ્રેડી રડવામાં પણ કાચો પડ્યો. મરદ જ્યારે પોક મુકીને ચોધાર આંસુએ રડે એ કોઈ હિમાલયના ગલેશિયર્સ પીગળવાથી નાની ઘટના નથી હોતી. આપણે ત્યાં તો ‘આજ મરદની આંખ ભીંજાણી’ જેવા લોકગીતો પણ છે. તમે જેને ગ્રેટ એક્ટર માનતા હોવ એમના ઓનસ્ક્રિન રડવાના દૃશ્યો યાદ કરી જુઓ. તમને આપોઆપ સમજાઈ જશે કે એ ગ્રેટ શા માટે છે. ચહેરો કઠોર હોય ત્યારે એના પર રુદનથી કોન્ટ્રાસ મેચિંગ થતું હોવાથી આપોઆપ એ કલાકારનું રુદન જામે છે, પણ ચહેરો ફ્રેડી જેવો ચોકલેટી હોય એવા કિસ્સામાં એક્ટર દમદાર ન હોય તો રુદનના દૃશ્યોમાં ટ્રબલ થઈ જાય. કારણ કે પુરુષ નમણો હોય તો રડતી વેળા ચાઈલ્ડીશ લાગવા માંડે. હરભજને મેદાનમાં લાફો ઝીંકી દીધો ત્યારે શ્રીસંથ લાગતો હતો એવો લાગવા માંડે. આ સંજોગોમાં સ્ક્રિન પર રડવામાં મહારથ હાંસલ કરી લે એ જ ખરો કલાકાર, બાકી બધા ચાય કમ પાની. હવે જેટલા પણ નવા કલાકારો ઇન્ડસ્ટ્રીમાં જામી ગયા છે અને જેમના ચહેરા ચોકલેટી છે એમના રડવાના યાદ કરો. આપોઆપ સમજાઈ જશે કે તેઓ જામી કેવી રીતે ગયા. વરુણ, રણબીર, રણવીરના રડવાના દૃશ્યો યાદ આવે છે? Ashish Kakkadની એક્ટિંગ સારી છે, પણ એમનું પાત્ર લખતી વેળા રાઇટરને બેસવા ખુરશી ન મળી હોય એ રીતે સાવ ઉભડક લખાયું છે!

ફિલ્મ ઓલમોસ્ટ પોણી કલાક ટૂંકી થઈ શકી હોત. ટ્રેક પર ચડવામાં બહુ સમય વેડફાય છે. સ્ક્રિપ્ટમાં આખાને આખા હાથી પસાર થઈ જાય એવડા ભગદાળાં અને ગણી ન શકાય એટલા ભગા છે. રાઈટર-ડિરેક્ટરે પોલીસ અને પત્રકારો કેવી રીતે કામ કરે એનો થોડો અભ્યાસ કરવાની જરૂર હતી. રાઈટર-ડિરેક્ટરે પોલીસની થોડી પ્રેસ કોન્ફરન્સ જોવાની જરૂર હતી. સબજેક્ટમાં મહારથ હાંસલ હોય તો કોઈ પણ પ્રકારની ક્રિએટિવ છૂટછાટ લઇ શકાય અને જો વિષય પર હથોટી ન હોય તો કરવા જાવ કંસાર અને થઈ જાય થુલી એવું પણ બને. એ.આર. રહેમાન ગમે ત્યારે ગમે તે રાગ ગમે ત્યાંથી તોડીને ગમે તેની સાથે ફ્યુઝન કરી શકે કારણ કે એણે વર્ષો સુધી ઈન્ડિયન વેસ્ટર્નની તાલીમ લીધી છે. તમે અને હું એ ધંધો કરવા જઈએ તો લોકોના કાન ફાટી જાય. એ જ રીતે ક્રાઈમ કે પોલીસ પર ફિલ્મ બનાવવા માટે સર્જકોએ ખૂબ જ અભ્યાસ કરવો જોઈએ. જો એટલો સમય ન હોય તો તમતારે બનાવો મરાઠી, સાઉથ ઇન્ડિયન કે કોઈપણ ભાષાની ફિલ્મોની રિમેક. આવું બનાવવા કરતા તો સ્ક્રિપ્ટ્સનો અનુવાદ કરી લો એ સારું. Pratik Gandhiની વાત આમ તો સાવ ખોટી તો નહોતી જ હોં! હોવ… #હમ્બો_હમ્બો

ફ્રિ હિટ :

ભાજપ શાસક તરીકે નિષ્ફળ જઈ રહ્યો છે તો કોંગ્રેસ વિપક્ષ તરીકે ચાલતી નથી. આ દેશના કિસ્મત જ કૂતરાં ચાટી ગયા છે. સત્તા પરથી બોફોર્સવાળા ઉતરે તો બાંગારુવાળા ચડી બેસે છે.
હોવ…હમ્બો…હમ્બો…!

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૦૩-૧૧-૨૦૧૮ )
વેબસાઈટ (davetushar.com)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.