Gujarati Writers Space

સુરેશ દલાલ : રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

સૌથી પહેલા એક સાચી વાતથી શરૂઆત કરીએ. સુરેશ દલાલે ગુજરાતમાં કેટલાબધા કવિઓ અને તેનાથી પણ વધારે પાગલ મજનુઓ આપ્યા છે.(પેલી લીટી યદા યદા હી ધર્મસ્ય માનવી) ભાગ્યે જ કોઈ એવો કવિ હોય જે કવિતા જેટલી રસથી લખે તેટલી રસથી કોન્ટ્રોવર્સીયલ બોલે પણ ખરો ! સુરેશ દલાલમાં આ બંન્ને પાસા હતા. એક વક્તવ્યમાં સુરેશ દલાલે છોકરી યુવાન ક્યારે થાય તેનું એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપેલું. સુરેશ દલાલે કહેલું કે, ‘જ્યારે છોકરીના ફ્રોકમાંથી સ્તનની ડિંટળી ફૂટે ત્યારે તે યુવાન થઈ કહેવાય.’ સુરેશ દલાલ અત્યારે આ વાત બોલ્યા હોત, તો હતા, તેના કરતા વધારે પ્રખ્યાત થઈ ગયા હોત. કારણ કે અત્યારે દેઠોક નારેબાજી કરવાવાળા વધી ગયા છે, પણ જવા દો સુરેશભાઈને ત્યારના રૂઢીચૂસ્ત સમાજની કોઈ પરવા નહતી, તો આજના આંખવાળા આંધળાઓની ક્યાંથી હોય !

સુરેશ દલાલે કવિઓની દલાલી કરી એમ કહી શકાય. અને તે પણ મફતમાં દલાલી કરી. આજે કંઈ કેટલાય કવિઓના ઈમેજ પબ્લિકેશને જો પુસ્તક બહાર પાડ્યા હોય તો તેનું કારણ પાયાના પત્થર બનેલા સુરેશ દલાલ છે. સૌમ્ય જોશીને તેમણે જ કહેલું કે જેટલું લખો છો, તેટલું ગ્રંથસ્થ કરો. આજે 2017માં સુરેશ દલાલ વિનાની કવિતા સૃષ્ટિની યુવાનોએ કલ્પના પણ ન કરવી. કારણ કે હવે દલાલ સાહેબ જેવી મફતની કવિતાઓની દલાલી કોઈ નથી કરતું.

બીજી એક વાત સુરેશ દલાલ કવિ હોવા છતા શા માટે તેમણે પોતાની કોઈ કવિતામાં પ્રેમિકાનું સ્મરણ સુદ્ધા ન કર્યું ? ઈચ્છેત તો સુરેશ દલાલ કરી શકેત, જેવી રીતે રમેશ પારેખે સોનલ નામના કેરેક્ટને બહાર પાડ્યું હતું તે રીતે ! એક લેખમાંથી એવી માહિતી મળી છે કે સુરેશ દલાલને કોલેજકાળમાં પ્રેમ થઈ ગયેલો. હવે દુનિયાનો ગમે તે પુરૂષ પ્રેમમાં પરાજીત થયા બાદ કવિ બને. સુરેશ દલાલ તો ત્યારે ઓલરેડી કવિ બની ચૂક્યા હતા. જ્યારે પેલી છોકરીને પોતાની લાગણી જતાવવા સુરેશ દલાલ ગયા ત્યારે ખબર પડી વો તો ગઈ ! પછી શું ? સુરેશદાદાએ બરાબર વિચાર્યું, જો હમારા ના હો સકા વો દૂસરો કા ક્યાં હોગા ? સુરેશ દલાલે પોતાની કવિતાઓમાં પ્રેમિકાને સ્થાન ન આપ્યું, પણ હા, પરણેતરાની કવિતાઓ તેમણે ભરીભરીને લખેલી. લગ્ન વિષયક કવિતાઓ પણ લખેલી. અને સમયમળે ત્યારે યુવાનોના પ્રેમ માટે પણ કામ કરી લીધુ.

સાહિત્ય જગતમાં એમનેમ નથી કહેવાતું કે સુરેશ દલાલ તો કવિતાનો દરિયો હતા. તમે ઈમેજ પબ્લિકેશન કે ઈવન કોઈ પુસ્તક મેળામાં જાઓ અને સુરેશ દલાલના વિભાગમાં પ્રવેશ કરો ત્યારે તમારૂ મગજ પ્રજ્ઞાચક્ષુ બની જાય. આ માણસે કવિતા પર આટલું કામ કર્યું ? આ તો નરસિંહ મહેતાના પ્રભાતિયા જેને આટલા વર્ષોથી પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે છે એટલે બાકી કવિ તો સુરેશ દલાલ જ કહેવાય. જેમણે આટલું સંપાદન કર્યું ઉપરાંત ખાલી કવિતાઓ પર કલમબાજી નથી કરી. તેણે નિબંધો પર પણ પોતાના વિચારોને વહેતા કર્યા છે. તેમણે દરેક ભાષાની કવિતાઓ અનુવાદિત કરી છે. બાકી તમિલ અને તેલુગુની કવિતાઓ તમને કે મને ક્યાં વાંચવા મળેત ? દેખાય છે અત્યારે કોઈ એવો કવિ જે ઊર્દૂ સિવાય બીજી ભાષામાં પણ સુરેશ દલાલની જેમ કામ કરી શકતો હોય ?

ગુજરાતી કવિઓમાં તમે માંડ થોડા લોકો પર ભાષાકિય વિશ્વાસ મુકી શકો. તેમાંના એક સુરેશ દલાલને હું ગણું કારણ કે એ પી.એચડી હતા. પાછા ગુજરાતી વિષય પર બી.એ કરેલું. એટલે ભાષા પર તેમની પક્કડ હતી. ગુજરાતી વિષય સાથે બી.એ એટલે ખૂબ નાની ઊંમરે સુરેશ દલાલને ખ્યાલ આવી ગયો હશે કે, ભવિષ્યમાં કવિ બનીશ, પણ કવિમાં પૈસા નહીં તેની તેના કરતા પણ પહેલા ખબર પડી ગઈ હશે, એટલે ના-છૂટકે પ્રોફેસર બનવાનું વિચાર્યું, પરિણામે બધી જગ્યાએ બનવું તો ઊચ્ચ કક્ષાનું.

સુરેશ દલાલ વિશેના કોલેજકાળનો એક કિસ્સો મારા મિત્રએ મને કહેલો. તે ભણતો ત્યારે તેના ક્લાસમાં એક વિદ્યાર્થી હતો. હવે ફોર્મ ભરતા સમયે સાહેબે પૂછ્યું, ‘મેઈન વિષયમાં ગુજરાતી ટીક મારી દઊં ?’ પેલાએ હા કરી નાખી. હા માં જ તમારી ‘ના’ હોવી જોઈએ આવું હું કહું છું. (હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ) જ્યારે પ્રથમ દિવસનું ભાષણ કરવાનો વારો આવ્યો ત્યારે ગુજરાતીના અધ્યાપકે પૂછ્યું, ‘અલ્યા સુરેશ દલાલ કોણ હતા, પરિચય આપ ?’

પેલા છોકરાએ જવાબ આપ્યો, ‘સાહેબ એ આપણા જાણીતા, સ્ટોક એક્સચેન્જના બ્રોકર હતા.’

આ બ્રોકરથી યાદ આવ્યું કે સુરેશ દલાલ અને ગુલાબદાસ બ્રોકર આ બંન્ને સગામાં ભાઈઓ નથી થતા. અન્યથા ગુજરાતીમાં એક સુંદર સાહિત્યક ફિલ્મનું નિર્માણ પણ થઈ શકે, ‘ઈંગ્લીશ બાબુ, દેશી જેન્ટલમેન.’ પણ વાત હતી સુરેશ દલાલની.

જ્યોતિન્દ્ર દવે વિશે તમને વિનોદ ભટ્ટ પાસેથી વધારે જાણવા મળશે. પણ ગુજરાતમાં સુરેશ દલાલ હતા જે પોતાના નિબંધોમાં જ્યોતિન્દ્ર દવેને ટાંક્યા રાખતા. આમ તો જ્યોતિન્દ્ર દવેનો સ્વભાવ હાસ્યનો, પણ કોઈવાર જીવન-બીવન વિશે પણ વિચારી લેતા. સુરેશ દલાલે તેમના એક લેખમાં સુંદર કિસ્સો લખ્યો છે, ‘આપણે ઘડિયાળને ચાવી આપીએ છીએ એ ભ્રમણા છે. હકીકતમાં ઘડિયાળ આપણને ચાવી આપે છે. બધું જ ઘડિયાળને પૂછી પૂછીને કરવું પડે છે. ઑફિસમાં જઈએ છીએ. ચાનો કપ હોઠે માંડીએ છીએ પછી સમય થોડીક ક્ષણ ખાલી કપની જેમ પડ્યો હોય છે. ઑફિસમાં સમય ખડે પગે ઊભો રહે છે. કાંડાને કાંઠે સમય તરફડે છે.’ આહા… જ્યોતિન્દ્ર દવે આવુ લખતા હશે, તેની તો સુરેશ દલાલના લેખમાંથી જ ખબર પડે.

કોઈ મને કહે કે તમારે સુરેશ દલાલની ત્રણ વસ્તુઓ જોતી હોય તો કઈ લેશો ? એક ઈમેજ પબ્લિકેશનમાંથી તેમના સઘળા પુસ્તકો, બે તેમનો બુશકોટ અને ત્રણ તેમના ઘરની બારી… !

મને તેમના ઘરની બારી ખૂબ ગમે. ગુજરાતીમાં આવી બારીઓનું નિર્માણ નથી થયું. બે-ભાગમાં તેમણે મારી બારીએ નિબંધ સંગ્રહ લખ્યો. ખબર નહીં, પણ જે આપણી બારીમાંથી નથી દેખાતું તેવુ એમની બારીમાંથી શું દેખાતું હશે ? સવારના પહોરમાં હું ઊઠીને મારી બારી જોવ તો રિક્ષાને છકડાવાળા જ દેખાઈ વધારેમાં ઓફિસ. પણ સુરેશ દલાલની બારી કોઈ એવી જગ્યાએ હોવી જોઈએ જ્યાંથી આખી દુનિયા દેખાતી હશે, એટલે મને તેમના ઘરની બારી જોઈએ છે. હવે, આ માટે તો તેમનું મકાન લેવું પડે. એટલે એ કંઈ નથી લેવું, પણ તેમની બારીમાંથી દુનિયા જોઈ લેવી છે. આમ પણ કૃષ્ણના મોંમાં બ્રમ્હાંડ યશોદાને જ દેખાઈ. તેમ બારીમાંથી સુરેશ દલાલને જ બ્રમ્હાંડ દેખાય. મારા જેવાને નહીં.

હવે થોડાક કવિતામાં પ્રવેશ કરીએ. સુરેશ દલાલની કવિતા કરતા તેના ગીતો ખૂબ વખાણાયા. તમને બે એવા પ્રાસ જોવા મળે જેની તમે કલ્પના ન કરી હોય. રમેશ પારેખના ઘરાના જેવા લાગે, પણ વાત અહીં કોઈ કોપી-કોપી રમવાની નથી કરવી. આજે હું પ્રથમવાર વિવેચક બન્યો છું, અને છેલ્લીવાર પણ એટલે ખમી લેજો… આ જુઓ…

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

ઊપરની બંન્ને કવિતાઓ પરથી લાગી રહ્યું છે કે, સુરેશ દલાલને મનમાં વિચાર આવ્યો હશે, હવે યુવાનો ઊપર ઘણું લખ્યું પણ કશું વૃદ્ધો પર પણ લખવું જોઈએ. જો પુરૂષ 40ની ઊંમરે બીજીવાર પ્રેમમાં પડી શકે એવુ કહેવાય, તો 70નો ડોસો તો ડબલ લાગણીઓમાં ઘવાયેલો હોય….

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત,
એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત.

આ કવિતાને ધ્યાનથી વાંચજો કારણ કે આમાં ક્યાંક તમને પેલી પ્રેમિકાવાળી વાતના છાંટા દેખાશે. આ તો મજાકની વાત થઈ, પણ ગુજરાતના લોકો પ્રેમ કરવામાં પાછીપાની ન કરે, એટલા માટે સુરેશ દલાલે આ કવિતા લખી હશે.

ઊપરની ડોસાવાળી અને નીચેની વલોપાતવાળી કવિતામાં એ બરાબર સમજાશે કે હવે કવિ સાહેબ સુરેશ દલાલે ગુજરાતની કોઈ ઊંમરનાને બાકી નથી રાખ્યા. બધા પર કલમ ચલાવી. તેમની ઊંમરે જેમ કપડાં બદલવાનું કામ કર્યુ તેમ તેમની કવિતા પણ ઊંમર બદલતી ગઈ. 60 વર્ષની ઊંમરે પહોંચ્યા તો પણ કોલેજકાળની કવિતાઓ લખવામાં મશગૂલ ન રહ્યા નવુ સંશોધન કર્યું. બીજી ભાષાઓને ગુજરાતીમાં લાવ્યા. જેને માતૃભાષા બચાવવાનું ભગીરથ કાર્ય કહી શકાય. ઊંમર પ્રમાણે લિબાસ બદલ્યા, અને ઘણાની એક લિહાફમાં ઊંમર વ્યતિત થઈ જાય છે…. પણ છેલ્લે…. મારી મનપસંદ… કવિતા…

ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….

~ સુરેશ દલાલ (10 ઓગસ્ટ 2012 મૃત્યુતિથી પર લખાતા ચૂકાઈ ગયું એટલે)

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.