Gujarati Writers Space

SUCCESS બને ક્યારેક ACCESS.

સફળતાને આપણે પરિક્ષા સાથે જ કેમ સાંકળી લઈએ છીએ ખબર નહિ. અને પરિક્ષા આવે એટલે ચારેકોરથી ભાષણો, ડાહી ડાહી વાતો શરુ થઈ જશે. પણ ખરેખર આપણે એ સ્ટેજ પર પહોચીએ ત્યારે જ એ તો સમજાય. વાતો કરવી અને ભાષણો આપવા સહેલા છે. પણ જયારે અનુભવ થાય ને ત્યારે બધા જ સુવિચારો યાદ પણ ના આવે અને કાને પણ ના પડે. અને એમાં સૌથી વધુ સ્ટ્રેસ માતા-પિતાને થાય. સંતાનની ચિંતા… તેના ભવિષ્યની ચિંતા કયા માં-બાપને ન થતી હોય અને શાયદ માં-બાપથી વિશેષ અમુક સ્ટેજ કોઈ વધુ સમજી પણ ના શકે. પરિક્ષાનો હાઉ… તો વાવથી પણ ઊંડો લાગે. માત્ર પરિક્ષા જ નહિ પણ એડમીશન, ફ્યુચર આ બધામાં જ માં-બાપ પણ સંતાન સાથે માનસિક, શારીરિક, સામાજિક સંઘર્ષ કરતા હોય છે.

પરિક્ષા વિશે વધુ પડતી વિશેષ ટીપ્પણીઓ ના કરતા, મારે જે વાત અહી કહેવી છે, તે પોઈન્ટ પર આવું. પરિક્ષા આખરે શું કામ હોય ખુદનો માપદંડ કાઢવા માટે. તેથી વિશેષ કઈ ખરું હા, બધાની દ્રષ્ટિએ જોઈએ તો ફ્યુચર અને સક્સેસ માટે. પણ આ સક્સેસ ક્યારેક એક્સેસ થઈ જાય છે. એટલે કે આપણે ભણતર, પરિક્ષા, ભવિષ્ય, સક્સેસમાં જ અટવાયેલા રહીએ છીએ. પણ શું જીવનમાં સફળતા માત્ર ભણતરમાં જ જરૂરી છે નોકરી કે ડીગ્રી માટે જ શું સફળતાની કિંમત છે

સફળતા માત્ર ભણતર કે નોકરી કે ડીગ્રી માટે નહિ, પણ સફળતા દરેક જગ્યાએ છે. કોઈક માનસિક રીતે સફળ છે, તો કોઈક કૌટુંબિક રીતે સફળ છે, કોઈક ભૌતિક રીતે સફળ છે તો કોઈક આર્થિક. આમ જોઈએ તો દરેક કોઈક ને કોઈક માં સફળ છે જ.

મેં ક્યાંક વાચેલું, “ હું દરરોજ કોઈક ને કોઈક બાબતમાં સફળતા પ્રાપ્ત કરું છું…” આ વાક્ય ખરેખર સ્પર્શી જાય એવું છે.

આપણે દરરોજ કોઈક ને કોઈક બાબતમાં સફળતા મેળવીએ જ છીએ. પણ આપણો ટાર્ગેટ તો જેમાં છે એમાં હજુ કતારમાં છીએ, અને બસ, એટલે જ આપણે સફળ નથી એવું માની લઈએ છીએ. સફળતા એટલે શું માત્ર કારકિર્દી, ડીગ્રી કે પદ હવે એ તમારે વિચારવાનું છે…..

હવે એ વિચારવાનું છે કે આપણે દરરોજ સફળ થવું છે કે ક્યારેક હવે આપણે વિચારવાનું છે કે પરિક્ષા એ સફળતાનું પગથીયું છે કે ખુદની ક્ષમતા વધારવાનો માપદંડ હવે આપણે વિચારવાનું છે કે સફળતા એટલે પરિક્ષા કે પ્રયાસ…

આપણે પણ ગજબ છીએ નહિ. પરિક્ષામાં પાસ થાય એને આપણે સફળ કહીએ છીએ. અને પાછા જીવનમાં આર્થિક કે સમૃદ્ધીને આપણે સફળતા કહીએ છીએ. કોઈ વ્યક્તિ એના પરિવારમાં કે અંગત જીવનમાં સુખી હોય, તો સફળ કેમ ન કહેવાય સફળતા પર જાણે ભણતર, નોકરી, ડીગ્રી અને પદ જેવા ભૌતિક સુખોનો જ ઈજારો લાગે છે.

વ્યક્તિ પાસે બધું જ ભૌતિક સુખ હોય , પણ શારીરિક કે સંસારિક સુખ ના હોય તો વ્યક્તિના જીવનમાં સફળ કરતા સુખી અને જીવન બેલેન્સડ હોય, એટલે શું સફળ ન કહેવાય

ઘણા લોકો આપણી આસપાસ આપણે જોઈએ છે જેમની પાસે સારી એવી ડીગ્રી, નોકરી, પદ અને પ્રતિષ્ઠા છે તેમ છતાં ખુબ એકાંત છે.. કા પછી કોઈકની શારીરિક પરિસ્થિતિ ખરાબ છે. એટલે કહેવાનું એ થાય છે કે લાઈફ બેલેન્સ્ડ હોવી જરૂરી છે. અને બેલેન્સ્ડ લાઈફ ત્યારે જ મળે જયારે આપણે રોજ નાની નાની સફળતામાં ખુશ થઈએ. દરરોજ મળતી સફળતાની પણ નોંધ લઈએ.

દરરોજ આપણી જાણ્યે અજાણ્યે પરીક્ષા થાય જ છે અને આપણે સફળ થવાના પ્રયાસો પણ કરતા જ હોઈએ છીએ. ૩ ઈડિયટ્સ ફિલ્મમાં જેમ કહે છે તેમ મિલિયન્સ સ્પર્મ સાથે રેસ લગાવી, સફળતા મળી અને જીવન મળ્યું. આમ તો જીવનની શરૂઆતથી જ આપણે પરિક્ષા, પ્રયાસો અને સફળ થવાનું કામ શરુ કરી દીધું છે. ત્યાર પછી માંના ઉદરમાં, જન્મ સમયે, પછી તો શરુ થઈ જાય હારમાળા એક પછી એક પરિક્ષાની… બેસવાની, ઉભવાની, ચાલવાની, દોડવાની, બોલવાની, આ દરેક પરિક્ષામાં પ્રયાસો થકી સફળતા મેળવીએ જ છીએ…ત્યાર પછી શાળાનો પહેલો દિવસ, લખવું, વાંચવું, નવું નવું જાણવું, શીખવું… આ બધામાં આપણે સફળ થઈએ છીએ… અને નાની નાની વાતોમાં કેટલા ખુશ થઈએ છીએ.

રસોઈ કે કોઈ એક વાનગી આવડી જાય… પણ ના આપણે શેફ થઈને બતાવીએ તો જ સાચું…સાયકલ, સ્કુટર કે પછી કાર આવડી જાય… પણ નહિ આપણે તો પાયલોટ થઈને બતાવીએ તો જ સાચું… ઓફિસમાં જોબ કરીએ તો જ સફળ… બાકી ઘરમાં ગૃહિણી એ જ મેનેજરની જેમ જાતે બધું મેનેજ કરે છે ત્યારે કેમ શું કહેવું છે

દરરોજ રાત્રે હવે યાદ કરી લેવું કે આજે કયા અને કેટલા કામમાં સફળતા મેળવી અને આશા છે આ વાંચ્યા પછી ઘણા લોકોના સફળતાના માપદંડ બદલાઈ જાય. કારણ કે બોર્ડની પરિક્ષા, સારી નોકરી કે કારકિર્દી જ માત્ર સફળતા નથી. એક વાર ફેસબુક પર મેં સ્ટેટસ લખ્યું હતું “ જરૂરી નથી કે ભણતરની કસોટીમાં હમેશાં ઉતીર્ણ કે સફળ થનાર, જીવનની કસોટીમાં પણ ઉતીર્ણ કે સફળ હોય.” એટલે દરેક વ્યક્તિ જે જીવે છે તે સફળ જ છે. સફળતાની સમયસીમા અને નિષ્ફળતા વિશે પછી ક્યારેક વાત….

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૨૫ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.