Gujarati

સ્હેજે સ્થિર થવાશે

સ્હેજે સ્થિર થવાશે
ખાલી ખૂણાંના વૈભવથી ગમતા ગીત ગવાશે. .

ને, સ્હેજે સ્થિર થવાશે.

ધારેલું કૈં થાય નહીં તો, દરિયો રણ થઈ જાતો,
મનના ખેલને જોઈ હવે આ જીવ નથી અકળાતો,
કડવા ઘૂંટ પચાવ્યા છે તો, હા કે ના યે ખમાશે. . .

ને, સ્હેજે સ્થિર થવાશે.

શું લેવા હું સૌ ની સામે નતમસ્તક થઈ દોડું ?
વ્યર્થ બધું છે હું જ મને જો મારાથી નહિં જોડું,
મંથન ને મૂંઝારાથી તો તળનો તાગ પમાશે. . .

ને, સ્હેજે સ્થિર થવાશે.

વિયોગી પળ યાદ અપાવે હું છું એના લીધે,
કેમ અને ક્યાં છું ના પ્રશ્નો મારગ મારો ચીંધે,
હાથવગી પળને માણું તો ડાળની જેમ ટકાશે. . .

ને, સ્હેજે સ્થિર થવાશે.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.