Gujarati Writers Space

સ્ટેનલી : ધ ફસ્ટ અવેન્જર

સ્ટેનલીની સૌથી પહેલી મોટીવેશનલ વાત, તે યહુદી છે. સમજાય ગયું હશે, યહુદી એટલે માર્ક ઝુકરબર્ગને એ બધા, જે હવે આવ્યા, પરંતુ સ્ટેનલી હિટલરની પીડામાંથી બહાર આવેલી વ્યક્તિ ગણી શકાય.

આખું નામ સ્ટેનલી માર્ટીન લાઈબર. જન્મ 28 ડિસેમ્બર 1922. પિતાને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડતું હતું. મોંઘવારીના કારણે આખા પરિવારની માઠી બેસી ગઈ હતી. કોઈવાર વેસ્ટ એવેન્યુ, કોઈવાર મેનહટ્ટન આમને આમ રખડ્યા કરવાનું. ત્યાં સુધીમાં સ્ટેનલીનો મોટોભાઈ લેરી લાઈબર ઉંમરલાયક થવા આવ્યો હતો અને પિતા કમાણી ન થતા ડિપ્રેસનમાં ચાલ્યા ગયા હતા. પાછળ વધ્યો એકમાત્ર સ્ટેનલી.

2006માં સ્ટેનલીએ પોતાના હદયમાં ધરબાયેલો એક રાઝ ખોલેલો, જે અહીં કહું છું. સ્ટેનલીએ કહેલું, મને નાનપણથી એરોલ ફ્લીનની ફિલ્મો જોવાનું ખૂબ મન થતું હતું. તે મારો ફેવરિટ હિરો હતો. આ કારણે જ સ્ટેનલી વાસ્તવિક દુનિયામાંથી કાલ્પનિક-કથાઓના વિશ્વમાં ચાલ્યા જતા. તેમાં પણ સ્ટેનલીને એરોલની એડવેન્ચર્સ ઓફ રોબિનહુડ જોયા બાદ તેના જેવું બનવાનું મન થતું. અંદરથી જોશ અને જૂનુન ભરાઈ જતા.

ટીનએજમાં પોતાની મસ્તીમાં મહાલી રહેલા સ્ટેનલીના પરિવારે ત્યાં સુધીમાં પોતાનું ત્રીજુ ઘર પણ બદલાવી નાખ્યું હતું. જે હવે ધ બ્રોન્કસમાં રહેવા ચાલ્યા ગયા હતા. એપાર્ટમેન્ટ મોટો હતો અને લી પોતાના ભાઈની સાથે રહેતો. આખો દિવસ ધમપછાડા અને મસ્તીમાં રાચ્યા કરતો. ત્યાં નજીકમાં જ ક્લિન્ટન હાઈસ્કુલ આવેલી હતી. માતા પિતાએ લીની મજાક મસ્તી રોકવા માટે તેને ત્યાં એડમિશન અપાવી દીધું.

લી હવે ભણવામાં વ્યસ્ત થઈ ગયો, પરંતુ અંદર જે કાલ્પનિક વસ્તુનો કીડો સળવળતો હતો, તે મગજમાંથી બહાર નીકળવાનું નામ પણ ન હતો લેતો. સ્કુલે જતા તેને આ બિલ્ડીંગ અહીંયાથી અહીંયા અને આ બિલ્ડીંગમાંથી કુદીને જો અહીંયા ગયા હોય તો ? તેવા વિચારો આવતા હતા. હવે પરિવાર પણ પોતાના જીવનમાં કંઈક માઇને રાખે છે, આવુ સમજાતા સ્ટેનલી પણ કમાવા લાગ્યો. યુવા અવસ્થામાં કદમ રાખ્યો અને પછી પોતાના શોખને જ પોતાનું કામ બનાવી નાખ્યું.

આ ગાળામાં લખવાનો અને લેખક બનવાનો નવો કિડો સળવળ્યો. મનમાં વિચારતા કે એક દિવસ હું પણ ગ્રેટ અમેરિકન નોવેલ લખીશ. એટલે કે લી માર્ક ટ્વેઈનની હકલબેરી ફિનના પરાક્રમ જેવી લિસ્ટમાં આવતી ઘણી ક્લાસિક નોવેલમાં પોતાની નોવેલ હોય તેવું દિવાસ્વપ્ન જોતા હતા. એ સમયે ઓબિટ્યુરી નામનું અખબાર આવતું. આ અખબારમાં નાની-નાની સમાચાર ખબરો લખવાનું લીએ શરૂ કર્યું.

નેશનલ ટ્યુબીરક્લોસિસથી રોકફેલોર સેન્ટર સુધી તેમણે પીઝા અને સેન્ડવિચ ડિલીવર કરવાનું કામ કર્યું. તે પણ નિયત સમયે કરવાનું. કામ કરવામાં કોઈ ચૂક થાય તો આવી બને. તમે જો સ્પાઈડર-મેન 2 જોયું હશે, ટોબી મેંગ્વાયરવાળુ તો તમને ખ્યાલ હશે કે, તેના પહેલા સીનમાં જ પીટર પાર્કરને પીઝાનો ઓર્ડર સમયસર પહોંચાડવાનો હોય છે. અને તે પહોંચાડી નથી શકતો ત્યારે સ્પાઈડર-મેનનું રૂપ ધારણ કરે છે. તમને કહી દઉં જ્યારે માણસ પોતે કંઈ કરવા માટે સક્ષમ ન હોય ત્યારે તે બે વસ્તુનો સહારો લે, એક કલ્પના અને બીજુ ફિલ્મો. સ્ટેનલીએ આ બંન્નેનો સહારો ભવિષ્યમાં વટભેર ચુકતે કર્યો. એ પછી તો ન્યૂઝ પેપર વેચવાથી લઈને થીએટરમાં નાના એવા રોલ કરવાના કામ કર્યા. આ બધા વચ્ચે તેમણે મહા મહેનતે અને મુસીબતે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પલિટ કર્યું.

1939નો એ સમયગાળો હતો. લી હજુ સુધી કોઈ કામ કરવામાં સ્થાયી ન હતો થયો. છુટક મજૂરી જેવા અલગ અલગ ધંધા કર્યા રાખતો હતો. ત્યાં દૂર કોઈ દિવાદાંડી જેવી રોશની દેખાઈ અને આ રોશની તેના અંકલ રોબિન સોલોમન હતા.

લીને આમ કામ માટે ભટકતો જોઈ ન શક્યા. ઉપરથી લી પાતળી પરમાર હતા. કંઈ ભારે ભરખમ કામ કરવા માટે સક્ષમ નહીં. ત્યારે માર્ટીન ગોડમેન પ્લપ મેગેઝિનની કંપની ચલાવતા. લીને તેના અંકલે ત્યાં ધંધે લગાડી દીધો.

માર્ટીન ગોડમેનનું સાચું નામ મો-ગોડમેન હતું, પરંતુ માર્ટીન નામ કોમિક્સમાં સારૂ લાગે. ચટપટુ એવું, તુરંત લોકોની જીભે રમવા માંડે એવું એટલે તેણે આ નામ રાખ્યું. માર્ટીન જંગલ એડવેન્ચર, મિસ્ટ્રી એડવેન્ચર જેવી લગલગાટ ફ્લોપ મેગેઝિનો બનાવતો હતો. માર્ટીન ગોડમેન અને લી આ બંન્નેની જોડી એવી જામી ગઈ કે, લીની કઝીન જેની સાથે માર્ટીને બાદમાં લગ્ન પણ કરી લીધા. બંને સાથે કામ કરતા હતા, પરંતુ કશું ચાલતું ન હતું. કોઈને પલ્પ મેગેઝિનના પેલા ભૂતિયા વાંચવામાં રસ નહોતો. કંપની બંધ થાય તેમ હતી.

કોપીઓ વેચાતી પણ નફો જે રીતે થવો જોઈએ તે રીતે થતો ન હતો. ત્યાં સુધીમાં તો પલ્પ મેગેઝિન કંપની માર્વેલ કોમિક્સ બની ચુકી હતી. અને તેમણે હ્યુમન ટોર્ચ( ફેન્ટાસ્ટિક ફોરનો સળગતો સુપરહિરો) બનાવી નાખ્યો હતો, જે એકંદરે નિષ્ફળ સાબિત થયેલો.

ઈતિહાસ હવે શરૂ થાય છે. જોઈ સિમોન ત્યારે માર્વેલના એડિટર હતા. અને તેમણે એક નવો કેરેક્ટર તૈયાર કરેલો. જેનું પ્રૂફ રિડીંગ સ્ટેનલીએ કરેલું.

કંપનીએ આ સુપરહિરો પર મહોર મારી દીધી. અને 1 મે 1939માં જન્મેલો આ સુપરહિરો 1941માં માર્કેટમાં આવી ગયો. આ સુપરહિરોનું નામ કેપ્ટન અમેરિકા. જેને ફસ્ટ અવેન્જર તરીકે ઓળખવામાં આવે છે. માર્વેલ કોમિક્સની પ્રતિષ્ઠા અને ખ્યાતિ વધારવામાં કેપ્ટન અમેરિકાનો સૌથી મોટો ફાળો છે, ભલે તે હ્યુમન ટોર્ચની માફક પહેલો સુપરહિરો ન હોય, પરંતુ આજે પણ ફિલ્મોમાં ફસ્ટ અવેન્જર તરીકે કેપ્ટન અમેરિકાનું જ નામ લેવામાં આવે છે.

આ કોમિક રિવીલ કરવામાં આવી ત્યારે તેમાં ક્યાંક ખૂણે સ્ટેનલીનું પણ નામ છપાયેલું હતું. સ્ટેનલી માટે આ કંઈ હરખાવા જેવી વાત ન હતી. આ ઘટના પછી સ્ટેનલીએ પોતાનું કેરેક્ટર બનાવવા માટે મન બનાવી લીધું. પણ કોઈને આ વાત ન કહી.

ઓગસ્ટ 1941માં લીએ પોતાનો પહેલો સુપહિરો માર્વેલની ઓફિસમાં ઉંઘેમાથ થઈને બનાવ્યો. આ સુપરહિરોનું નામ ડિસ્ટ્રોયર હતું. માર્વેલની કોમિક નંબર 6માં તે દેખાયો.

સ્ટેનલીએ તો પોતાની કલ્પનાથી સુચનાઓ આપી હતી કે, મારો હિરો આવો હોવો જોઈએ અને જેક બિન્ડર નામના આર્ટીસ્ટે તેને બનાવી નાખ્યો. તમે જુઓ ડિસ્ટ્રોયર એટલો હિટ ન ગયો. ન તો ભવિષ્યમાં માર્વેલે તેના પર ફિલ્મ બનાવી, ન તો તેને પબ્લિસિટી મળી. એટલે સ્ટેનલીનું પહેલું ક્રિએશન ફ્લોપ ગયું.

1941માં ફરી સાહસ સાથે જેક ફ્રોસ્ટ નામનું કેરેક્ટર તૈયાર કર્યું. આ કેરેક્ટરમાં એવુ કંઇ ખાસ ન હતું. કોમિકનો ગોલ્ડન એજ એરા હોવા છતા, સ્ટેનલી ફ્લોપ ગયા.

સ્ટેનલી હાર માન્યા વિના કામ કરતા હતા, પણ તેમની કલ્પના અને બાળપણમાં લગાવેલા તુક્કા ટૂંકા પડતા હતા. આખરે કંપનીએ નિર્ણય લીધો કે સ્ટેનલીને આખી બાગડોર સોંપવી. જોઈ સિમોન અને જેક કિરબે સાથે માર્ટીન ગોડમેને સ્ટેનલીમાં એ કૌવત જોયેલું. તેમણે સ્ટેનલીને માર્વેલ કોમિક્સની બાગડોર અને તંત્રી પદ સોંપ્યું. માનવામાં આવે તો સ્ટેનલી બે ફ્લોપ સુપરહિરો આપી ચુક્યા હતા, હવે જો આ કંપનીને ડુબાડે તો નવાઈ નહીં. સ્ટેનલીને પોતાના પર વિશ્વાસ હતો. તેણે હા કરી અને બની ગયા 19 વર્ષના સૌથી નાની ઉંમરના માર્વેલના એડિટર.

સ્ટેનલીના સુપરહિરો ખૂબ બહાદૂર હોય છે, એ જ રીતે સ્ટેનલી પણ છે, જેમણે 1942માં યુ.એસ આર્મીમાં એડમિશન લઈ લીધું અને 1945ના વિશ્વયુધ્ધમાં ભાગ પણ લીધો. એડિટર પદ સોંપ્યા બાદ યુધ્ધ લડી પાછા આવ્યા. અને હવે એડિટર તરીકે વાસ્તવમાં તેમણે કાર્યભાર સંભાળ્યો.

લી સફળતા હાથમાં આવતા છકી ગયા તેવું લાગ્યું. તેમણે માર્વેલમાંથી ઘણું નવુ સર્જન કર્યું. ટેલિગ્રાફ પોલ કાઢ્યા, ફિલ્મ ડિવીઝનનો વિભાગ બનાવ્યો. લીએ માર્વેલમાં એટલાસ નામની એક અલગ કંપની બનાવી, જેમાં લી પોતે કાલ્પનિક કથાઓ લખતા. કાર્ટુનનો અલગ ડિપાર્ટમેન્ટ પાડવામાં આવ્યો. લી આવા કામ કરતા રહ્યા અને ડીસી કોમિક્સે અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો સુપહિરો આપ્યો…. ફ્લેશ.

ડીસી કોમિક્સ (જેનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો એટલે ડીસી) ત્યારે અને અત્યારે પણ માર્વેલની સૌથી મોટી રાઈવલ ગણાય છે. જેણે ફ્લેશ સુપરહિરો આપ્યા બાદ એક ટીમ બનાવી. આ ટીમનું નામ જસ્ટીસ લીગ. ડીસીની સફળતા આભથી પણ ઉંચી છલકવા માંડી. ત્યાં સુધી તો માર્વેલ કોમિક્સ ગાગરમાં સાગર જેવી સફળતામાં ડુબકીઓ લગાવી રહી હતી. જ્યારે માર્ટીન ગોડમેનને ખ્યાલ આવ્યો કે, સ્ટેનલીના હાથમાં કારોબાર સોંપવા છતા હાથમાં કંઈ નથી આવ્યું. ત્યારે તેણે સ્ટેનલીને કડક શબ્દોમાં જણાવ્યું, ‘તારે પણ એક ટીમ આપવાની છે. જે જસ્ટીસ લીગને હરાવી શકે.’

લીને તો માર્વેલમાંથી હાંકી કાઢે તો પણ કંઈ ન હતું. જ્યારે માણસ પાસે ખોવા અને પામવા માટે કશું નથી હોતું ત્યારે તે બરાબર કામ કરે છે. અને લી પણ જામી ગયા. લીએ મનમાં ત્રણ વસ્તુઓ ઠાની લીધી, મારા સુપરહિરો મગજના ગરમ હોવા જોઈએ (હલ્ક, વોલ્વરીન) યુવતીઓને ઈમ્પ્રેસ કરતા હોવા જોઈએ (આર્યન મેન-સ્પાઈડર મેન) અને છેલ્લું મારી કોમિક્સમાં નેચરાલિઝમ હોવુ જોઈએ. નેચરાલિઝમ એટલે કોઈ નવલકથા ખોટી હોય, પણ લોકોને આ હકિકત છે, તેવો વારંવાર ભાસ થયા કરે. જેમ કે થોમસ હાર્ડી.

એડિટર સ્ટેનલીએ જેક કિરબીને ધંધે લગાડ્યો અને મહા મહેનતે માર્વેલની પહેલી સુપરહિરો ટીમ બહાર લાવ્યા. આ ટીમનું નામ ધ ફેન્ટાસ્ટીક ફોર. જેમાં ચાર સુપરહિરો હતા. મિસ્ટર ફેન્ટાસ્ટિક, ઈન્વિસિબલ ગર્લ, હ્યુમન ટોર્ચ અને થીંગ. જુઓ સ્ટેનલીના નિયમ પ્રમાણે અહીં હ્યુમન ટોર્ચ છોકરીઓને પ્રભાવિત કરી શકે છે તો થીંગનો મિજાજ ગરમ છે.

લાંબાગાળાની મહેનત પછી તૈયાર થયેલા આ સુપહિરોએ તહેલકો મચાવી દીધો. વાસ્તવમાં તમે આર્યન-મેન, સ્પાઈડર મેન કે થોરનું વિચારતા હશો જેણે સ્ટેનલીને સફળતા અપાવી, પણ નહીં આ ફેન્ટાસ્ટિક ફોર હતા, જેમણે સ્ટેનલીની સફળતાને ટકાવી રાખી. આજે પણ સ્ટેનલી ફેન્ટાસ્ટિક ફોરના કેરેક્ટરને દિલથી ચાહે છે. કારણ કે એડિટર તરીકે આ તેમનું પહેલું સફળ ક્રિએશન હતું.

જેના પછી એન્ટ્રી થઈ હલ્કની. હલ્કની સફળતામાં જેટલો સ્ટેનલીનો હાથ છે, તેટલો જ જેક કિરબીનો છે. જેણે આ કેરેક્ટરનું સર્જન કર્યું. ધીરૂભાઈ અંબાણીનું વિધાન યાદ આવે છે, જો તમે તમારા સપના પુરા નહીં કરો, તો કોઈ તમને નોકરી પર રાખી પોતાના સપના પુરા કરશે. સ્ટેનલી અને જેકના કિસ્સામાં પણ એવું જ હતું.

આજે જેકને કોઈ નથી જાણતું, પણ સ્ટેનલી માર્વેલની દરેક પીક્ચરમાં એક ટચૂકડો રોલ કરી જાય છે. અમેરિકામાં નિયમ પ્રમાણે નંબર 1ને નવાજવામાં આવે છે, 2થી 10 જેવા કોઈ નંબર જ નથી !

તો હલ્કની સફળતા બાદ સ્ટેનલી અને જેકની જોડીએ આખી માર્વેલ ટીમ આપી. આર્યન મેન, થોર, એક્સ મેન, ડેરડેવિલ અને એક ફોન રણક્યો, ‘જેક કિરબી તમે અમારી સાથે જોડાઈ જાઓ.’ અને જેકે હા કરી નાખી. જેનું કારણ સ્ટેનલીએ એકવાર જેકને પાંચ પેજમાં ડ્રો કરવાનું કહ્યું અને તેનું કામ પસંદ ન આવતા, આ સાવ વાહિયાત છે એમ કહી નાખ્યું. બોલેલા શબ્દો પાછા ન આવે !!

અને આ ફોન તો ડીસી કોમિક્સમાંથી હતો. સ્ટેનલીને ખબર પણ ન હતી કે મેં જે માણસની પાસે ક્રિએટીવ કામ કરાવડાવ્યું છે, તે માણસ તો હવે મારી વિરોધી ટીમમાં જઈ રહ્યો છે. જેક જતો હતો ત્યારે સ્ટેનલીએ તેને રોકવા કોશિશ કરી, પણ જેક હવે ક્રિએટીવીટીના મતભેદો અને પોતાના અંગત મિજાજના કારણે સ્ટેનલી સાથે એક મિનિટ પણ રોકાવા નહોતા માગતા. આખરે સ્ટેનલી અને જેકની જય-વિરૂની જોડી અલગ થઈ. (જે બાદમાં ભેગી પણ થઈ)

જેક હવે ડીસીમાં હોવાથી લોકોના મતે તેના સુપરહિરો સારા એ રીતે ડીસીની સફળતા વધી હતી. અચાનક એક નવા માણસનો સ્ટેનલીને ભેટો થયો. જે સસ્પેન્સ અને હોરર કથાઓની કોમિક બનાવતો હતો. સ્ટેનલીએ તે માણસને ધંધે લગાડ્યો. તેને કહ્યું-જો આપણે એક એવો સુપરહિરો બનાવવો છે, જે ટીનએજને પસંદ હોય, આપણને કે આપણા જેવા ઢાંઢા લોકોને નહીં. સામેના વ્યક્તિએ હા પાડી.

એક દિવસ લીને મનમાં યાદ આવ્યું કે તે જ્યારે માર્ટીન ગોડમેન સાથે કામ કરતો હતો ત્યારે પલ્પ મેગેઝિનમાં એક વિલન હતો. આ વિલનનું નામ હતું સ્પાઈડર. જેનું ઓરિજનલ નામ હોય છે રિચાર્ડ વેન્ટવર્થ, પણ વાત સમયના સથવારે ઓસરી ગઈ. એક દિવસ તેઓ ચાલીને જતા હતા અને તેમણે એક કરોડિયાને દિવાલ પર ચઢતો જોયો. વિચાર આવ્યો પછી ફુસ… પણ થઈ ગયો.

ફરી એ આઈડિયાને અમલમાં લઈ આવ્યા. પેલા માણસને

-કહ્યું જો આવો સુપરહિરો જોઈએ છે. હિરોઈક…

સામેના વ્યક્તિએ પાંચ પાના તૈયાર કર્યા અને સ્ટેનલીને પસંદ આવ્યા. આ પેજ તે માણસના ઘરે તૈયાર થયા હતા. તેણે કોસ્યુમ, સ્પાઈડર વેબ, આવું બધુ તૈયાર કરી નાખ્યું હતું. આખરે સ્ટેનલીએ આ ચિત્ર પર મહોર મારી દીધી. અને પાંચ પેજમાં દુનિયાનો નંબર વન સુપરહિરો સ્પાઈડર-મેન તૈયાર થઈ ગયો. અને તેને ડ્રો કરનાર માણસ હતો સ્ટીવ ડિટકો. સ્પાઈડર મેન માર્વેલ અને સ્ટેનલીનો એવો પહેલો સુપરહિરો હતો, જેમાં ગુસ્સો, પ્રેમ અને વાસ્તવિકતા આ ત્રણેનું મિશ્રણ હોય. તમને આજે પણ સ્પાઈડરમેનનું આ દુનિયામાં અસ્તિત્વ છે, એવુ ચોક્ક્સ લાગશે.

સ્પાઈડર-મેન પછી સ્ટેન-લી માત્ર પબ્લિક ફેસ બનીને રહી ગયા. લેક્ચર આપતા, કોલેજોમાં જતા, સભાઓ સંબોધતા, માર્વેલની ફિલ્મોમાં નજર આવતા.

એડિટર તરીકેની તેમની પોઝીશન ગાયબ થઈ ચુકી હતી, પણ સ્ટેનલીનું નામ એટલું પોપ્યુલર થઈ ગયું હતું કે માર્વેલને લોકો સ્ટેનલી તરીકે ઓળખતા. બસ, આ કારણે જ સ્ટેનલીને માર્વલમાં ટકાવવામાં આવ્યો. એટલું જ નહીં માર્વેલ કંપનીની જેટલી પણ ફિલ્મો બને છે, તેમાં સ્ટેનલીનો રોલ તો હોય જ. જે ફિલ્મની 20 મિનિટ પછી કે ફસ્ટ હાફ બાદ દેખા દઈ જાય. અત્યાર સુધી આવી 47 ફિલ્મોમાં તે જોવા મળી ચુક્યા છે. અને આગળ નજાને કેટલી બધી….

ઈશ્વરે તેમને ઢળતી ઉંમરે પ્રસિદ્ધી આપેલી છે. જે ખત્મ નથી થઇ રહી. છેલ્લે સ્ટેનલીસ સુપરહ્યુમન નામના પ્રોગ્રામમાં પણ તે દેખાયેલા. જેમાં તે દુનિયાભરના વિશિષ્ટ શક્તિઓવાળા માણસોની શોધ કરાવે છે. અને સાબિત કરે છે કે, માર્વેલ કોમિક્સ જેવા સુપરહિરો આ દુનિયામાં છે. ભલે હાઈટમાં ઠિંગણા અને પાતળા હોય, પરંતુ સ્ટેનલીએ વિશ્વયુધ્ધ લડી સાબિત કરી બતાવ્યું છે કે, તે આ ધરતી પરના ‘કેપ્ટન અમેરિકા ધ વિન્ટર સોલ્જર’ની માફક છે.

-મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.