Gujarati Writers Space

સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર

મોટીવેશનલ બુકનો રાફળો ફાટી નીકળ્યો છે. તેને ખરીદનાર અને તેને છાપનારાઓની પણ કમી નથી. પાણીની બોટલનો જેમ 7 અરબ રૂપિયાનો વિશ્વભરમાં ધંધો થાય છે, તેમ મોટિવેશન-પ્રેરણાત્મક પુસ્તકોનો પણ આવો પર્યાયવાચી ધંધો છે. ડેલ કાર્નેગીની જીંદગી જીવવાની જડીબુટ્ટી કે પછી નેપોલિયન હિલની થીંક એન્ડ ગ્રો રિચ અને એવી અઢળક ચોપડીઓ. શા માટે કોઈ પુસ્તક મેળામાં આપણે જઈએ અને આપણને આપણું પ્રિય પુસ્તક મળે તે પહેલા મોટિવેશનલ પુસ્તકોના દરિયામાંથી એવી રીતે પસાર થઈએ જ્યારે આના સિવાય કંઈ છે જ નહીં ! એટલે થાકતા થાકતા પ્રેરણાની મુર્તી નામની કોઈ બુક લઈ લઈએ. જેની કિંમત પણ ઓછી હોય અને ડિસ્કાઉન્ટ પણ વધારે. ઓસ્ટ્રેલિયન લેખિકા રોન્ડાની સિક્રેટ બુક આવી પછી તો લોકો પોતાની પ્રેમિકાનું નામ મનમાં ધારી વિચારવા લાગેલા. પણ સો સેડ, કેવુ કહેવાય, એ લોકો વિચારતા હતા એ જ દાડે કોઈ સાથે તેનું સગપણ થઈ ગયુ. ઈટ મીન્સ તમે મોડા પડ્યા, બુકનો કંઈ વાંક નથી. મોટિવેશનલ કિતાબો પછી આવ્યો પ્રેરણાત્મક પ્રવચનોનો એફિલ ટાવર. પોતાના અંદરની ઉર્જાને કેવી રીતે જગાવવી. કેવી રીતે બીજા કરતા અલગ બનવું. કેવી રીતે પરિક્ષામાં સફળતા મેળવવી. સ્પર્ધાત્મક પરિક્ષામાં જે પાસ ન થઈ શક્યા તે લોકો મોટિવેશનની દુકાનો ખોલીને બેસી ગયા. અને બાકીના લોકોએ પોતાના ટ્યુશન ક્લાસિસ ખોલી લીધા. પણ આ બધામાં સંદીપ મહેશ્વરી કંઈક અલગ છે. ડિફરન્ટ. તે એમનેમ તો મોટિવેશનલ સ્પીકરન નથી બન્યો ? તેની નિષ્ફળતાઓ અને અનુભવો આ બધુ તેણે દુનિયા સામે પર્સનલ ઈન્ટરેક્શન કરી અને યુટ્યુબ ફેસબુક પર વીડિયો અપલોડ કરી રાખી દીધુ છે. તમારે જ્યારે પણ સ્પાર્ક મેળવવો હોય ત્યારે મેળવી લો.

એક વીડિયોમાં સંદીપ મહેશ્વરી કહે છે કે, ‘તમે મને સાંભળીને સ્પાર્ક મેળવી લો છો ! હું કોને સાંભળી મેળવું ? કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, જ્યારે મારા સિવાય કોઈ મોટિવેશનલ સ્પીકર હોય જ નહીં. આ તમારો પ્રેમ છે, કે હું અહીં સુધી પહોંચી ચૂક્યો છો, પણ જો મારે પ્રેરણા મેળવવી હોય તો હું મારી અંદરથી મેળવુ છું. આપણે ચિંતામાં, તકલીફમાં, ટેન્શનમાં એટલા માટે રહેતા હોઈએ છીએ કેમ કે આપણે ભૂતકાળના વિચારોને વગોળતા હોઈએ છીએ, તમે જ્યારે વર્તમાનમાં હોવ છો, ત્યારે આવી કોઈ ચિંતા થતી નથી અને તમે સેફ ફિલ કરો છો, જ્યારે દુનિયામાં આનંદ પ્રમોદ સિવાય કશું નથી. એટલે વર્તમાનમાં જીવવુ જોઈએ, ભૂતકાળ ગયો તેલ લેવા. થવુ હતું તે થઈ ગયુ. આનાથી ખરાબ કશુ નહોતુ, પણ હવે જે થશે, તે આનાથી પણ સારૂ હશે, તેવુ મનમાં વિચારી લેવુ જોઈએ.’

એક યંગેસ્ટ એન્ટરપ્રેન્યોર તરીકે સંદીપ અઢળક કમાય છે, મબલખ, પણ પ્રવચનો તે પોતાના શોખ ખાતર કરે છે. ખબર નહીં તેમાંથી રૂપિયા મળતા હશે કે નહીં ? પણ પ્રવચનો આપવા, લોકોને મોટિવેટ કરવા એ તેના જીવનનો એક અમૂલ્ય હિસ્સો બની ચૂક્યો છે. બાળપણમાં તેને એક સાઈકલ લેવી હતી. અને પિતાના એલ્યુમિલિયમના બિઝનેસમાં બધુ ચાલ્યું ગયું હતું. નાના એવા સંદીપને તો ખબર ન પડે કે, પપ્પા હવે રસ્તે રખડતા થઈ ગયા છે. તો પણ તેણે છેલ્લે સુધી સાઈકલનું વેન કર્યું… કારણ ? તેના મિત્રએ તે સાઈકલ લીધી હતી અને પોતાને પણ એવી જ જોઈએ છે, તેવુ પપ્પાને રોજ કહેતો. પિતાશ્રી ફ્રસ્ટ્રેટ રહેતા હતા. મારામારી કરતા. તેમનો મગજ ગમે ત્યારે ગુમાવી બેસતા અને સંદીપ પોતાની મસ્તીમાં લીન રહેતો. બાળપણથી અત્યાર સુધી તે એક જ વસ્તુ શીખ્યો છે, બાળક બનીને રહો. નાનો હતો ત્યારે બહેનને મારતો હતો. સંદીપનો એક કિસ્સો મજેદાર છે.

બાળપણમાં બહેનને માર્યા પછી પિતાએ લેફ્ટરાઈટ લીધી, ‘નાની બહેનને આમ મરાય.’ ત્યાં પાછળથી તેના મમ્મી આવી ગયા, ‘રહેવા દો, ગુસ્સો કરોમા.’ એટલે પિતાનું મગજ ઓર ગયું, લાફટ મારી. મમ્મી બોલ્યા, ‘હવે બસ’ ત્યાં મારવા જ લાગ્યા, મારવા જ લાગ્યા. સંદીપને મનમાં થયું, મમ્મી મને બચાવે છે કે માર ખવડાવે છે. એ વિચાર તેણે ભવિષ્યમાં એવી રીતે રજૂ કર્યો કે, જ્યારે તમને કોઈ કહે ગુસ્સો ન કરતા, ત્યારે જ તમારા માનસપટ પર ગુસ્સાની લકીરો ખેંચાવા લાગે. માણસનું મગજ પિક્ચરો જોઈને ઓળખે છે. દાત: રીંછ, વાઘ, સિંહ, તમારા પપ્પા આ બધાની ફોટો તમારા દિમાગમાં આવશે. હું કહું અલ્ટ્રોમોકોલોટ્રોવાઈલ…. તો તમારા દિમાગમાં કંઈ નહીં આવે. કારણ કે આ વસ્તુ તમે જોઈ નથી. મગજ પિક્ચરાઈઝેશન દ્વારા યાદ રાખે છે. જ્યારે સંદીપની મમ્મી તેમના પતિને કહેતી, ‘હવે ગુસ્સો કરો મા’ ત્યારે જ સંદીપના પપ્પા ગુસ્સે થઈ જતા. મારવા લાગતા. એક એક વસ્તુ સંદીપે પોતાના જીવનમાંથી નોટ કરી છે.

બાળપણમાં મમ્મીને એલીયન ટાઈપ સવાલ પૂછ્યો, ‘મમ્મી આ અંબાણી, બિરલા, ટાટા કોણ હોય છે ?’

મમ્મીએ કહ્યું, ‘એ લોકો અમીર માણસ હોય છે.’ સંદીપે ત્યારે જ ઠાની લીધુ કે હું અંબાણી બિરલા કે ટાટા બનીશ. એ તો ન બની શક્યો પણ ઈમેજ બાઝાર નામની કંપની ખોલી નાખી અને મોટિવેશનલ લેક્ચરથી ફેસબુકમાં શાહરૂખ ખાન કરતા પણ વધારે લાઈક મેળવતો થઈ ગયો. પોપ્યુલારીટી અને પૈસો બંન્ને મળી ગયા. સંદીપનું કહેવું છે કે, ‘તમે જે આજે વિચારો છો, તે તમારી આવતીકાલ બની જાય છે. જીવનમાં બધુ જ બરાબર છે, તે એક પ્રકારનું ઈલ્યુઝન છે, પણ જીવનમાં અશક્ય કંઈ નથી તે પણ એક ઈલ્યુઝન છે, તો સાચા ઈલ્યુઝનમાં માનો, જે તમારા માટે ફાયદાકારક થતું હોય… શું કામે ખોટા ઈલ્યુઝનમાં માનવું જોઈએ.’

સંદીપે કોમર્સ સાથે સ્નાતક પૂરૂ કર્યું. તેનો પહેલો શોખ હતો ફોટોગ્રાફી. સંદીપની ફોટોગ્રાફી આજે પણ સુપર્બ છે. પણ ફોટોગ્રાફીના ધંધામાં કશુ મળતું નહોતુ. હાથમાં કેમેરો લઈ તેણે જ્યારે ફોટોગ્રાફર બનવાનું મનમાં ઠાની લીધુ ત્યારે જ તેને ખબર પડી કે, ભારતમાં લાખો ફોટોગ્રાફર્સ છે, જે કંઈ કમાતા નથી. ઉપરથી ફોટોગ્રાફીમાં ક્લિક પર પૈસો મળે છે. જેમ કે રાઈટરને રોજ સારો સબ્જેક્ટ મનમાં ન આવે તેમ ફોટોગ્રાફર બે મહિના રખડે તો પણ સારી ફોટોસ્ટોરી ન મળે. આ તો આપણા છાપાવાળા છાપે છે એ, બાકી દુનિયાના બેસ્ટ ફોટોગ્રાફરને એક સારો ફોટો ક્યારે મળ્યો અને તેમાં પણ નેશનલ જ્યોગ્રાફી મેગેઝિને કવરપેજ પર લીધો કે નહીં ? એ ગુગલ સર્ચ કરી ફાઈન્ડ આઉટ કરવું. સંદીપનું માનવું છે કે, દુનિયામાં કોઈપણ જોબ સેફ નથી. તમારો રાઈવલ હર કદમ પર છે. પણ એ બધામાંથી કંઈક અલગ વિચારવુ જરૂરી છે. તમે અલગ નહીં વિચારો તો સ્ટ્રીટના ફોટોગ્રાફર બનીને રહી જશો. જે આજે નવરા રખડે છે, કારણ કે સેલ્ફી આવી ગઈ છે. તેની સામે ટુરિઝમ પ્લેસિસમાં લોકો સેલ્ફી સ્ટિક વેચીને સારો ધંધો કરે છે, તેને નવો વિચાર કહેવાય. લોકો સેલ્ફી સ્ટિક ઘરેથી લઈ ફરવા નથી આવવાના. તે ત્યાંથી જ લેશે. (આ મારો વિચાર છે)

21 વર્ષની ઉંમરે ટાટા બિરલા બનવા અને બાળપણના શબ્દોને ઈલ્યુઝનમાંથી વાસ્તવિકતામાં પલટવા માટે તેણે મિત્રો સાથે એક કંપનીની શરૂઆત કરી. કંપની તો શરૂ થઈ પણ અડધે રસ્તે મિત્રો તેને છોડીને ભાગી ગયા. 21 વર્ષની ઉંમરે સંદીપ પર દેવુ થઈ ગયુ. મોટી રકમ ચુકવવાની હતી. સંદીપે નિરાશ થયા વિના એક નોટીસ બોર્ડમાં પોતાની ભૂલો ક્યાં થઈ છે તે લખ્યું ! પણ હવે કંઈક નવુ કરીએ. એ રીતે તેણે લિમ્બકા બુકમાં 12 કલાકમાં 10,000 લોકોની તસવીર ખેંચીને નવો રેકોર્ડ બનાવ્યો. પણ રેકોર્ડથી પૈસા મળે ? એટલે ફોટોગ્રાફી અને પોતાના જૂના શોખ મોડલીંગને જીવતું કર્યું. અમારે ત્યાં મોડલીંગના ફોટા પડાવો અને તમારા ફોટો અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રિકમાન્ડ કરીશું. લોકોની લાઈન લાગી ગઈ. જે માથે દેવુ હતું તે પણ ચૂકતે થઈ ગયું. હવે સાંભળો….

આ કામ સંદીપ એકલો કરી શકે તેમ નહોતો. તેણે એક સેક્રેટરી રાખી. તેનો પગાર હતો મહિનાના 8000 રૂપિયા. સંદીપને આશ્ચર્ય થયું, પણ આ છોકરી ફોન પર ક્લાયન્ટને પટાવી પટાવી ઓફિસે બોલાવ્યા રાખતી હતી. થોડા દિવસો પછી સંદીપે કહ્યું , ‘હું આગામી સમયમાં તારો પગાર નહીં વધારી શકુ.’ તો તે છોકરી ચાલી ગઈ. સંદીપે આ એટલા માટે કહેલું કે, ‘હું તો હવે ફોટોગ્રાફીની દુનિયામાં લોકપ્રિય થઈ ગયો છું. મને કોણ રોકવાનું છે. હવે આ છોકરી નહીં હોય તો પણ ચાલશે.’ એટલે છોકરીનો પગાર વધારો નહીં થાય તેવું કહી પૈસા અને કામને એકલો વળગી ગયો. તેના એક મહિના પછી જ સંદીપને ખ્યાલ આવ્યો કે, તમે એકલા કંઈ ન કરી શકો. દુનિયામાં આગળ વધવા તમારે કોઈની જરૂર પડે જ. તમારો ‘હું’ દબાવવો પડે. લોકોને સાથે રાખવા પડે. તેમની મદદ લેવી પડે. અંબાણી સાહેબે એવુ વિચાર્યું હોત કે રિલાયન્સ હું એકલો જ ચલાવી લઈશ, તો કોઈ દિવસ ચાલેત જ નહીં.

કોઈ કોર્સની જરૂર નથી. લખવાના કોઈ કોર્સ થતા નથી. તેમ સંદીપે ફોટોગ્રાફીનો કોઈ કોર્સ નહોતો કર્યો. સમય જતા ફોટોગ્રાફીમાં ધંધો ન ચાલ્યો એટલે તે શોખને અડધો જીવતો રાખી, જાપાની કંપનીમાં કામ કરવા લાગેલો. તેમની ઈમેજ બાઝાર તો આજે દુનિયાની પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે, પણ જ્યારે પેલી સેક્રેટરી ચાલી ગઈ પછી શું થયું એ ખબર છે ? સંદીપને લખવાનો કિડો ઉપડ્યો, ‘મેં માર્કેટિંગ કર્યું છે, હું માર્કેટિંગ પર બુક લખીશ અને બેસ્ટ સેલર રાઈટર બનીશ.’ બુક લખી પ્રકાશક પાસે ગયા તો કોઈ પ્રકાશકે તેને છાપી નહીં. કોઈ તેને હાથ પણ અડાવતું નહોતું. પણ સંદીપને પોતાના સપના પૂરા કરવા હતા એટલે માર્કેટિંગ પરની આ બુક તેણે પોતાના ખર્ચે છપાવી. સામાન્ય રીતે આપણે બુક વાંચીએ તેનું પેજ જમણી બાજુ હોય છે અને ખોલીએ ત્યારે ડાબી બાજુ ચાલ્યું જાય છે. આ બુકમાં ઉલ્ટુ હતું. બુકને જ ઉલ્ટી છાપવામાં આવેલી. જે આપણા ગુજરાતીમાં રેર કેસમાં છપાય જાય તો લોકો ખીલ્લી ઉડાવવા માંડે. સંદીપની આ બુક છપાવવાની ક્રિડા પણ ફ્લોપ સાબિત થઈ…. પણ… પણ… પણ…

બુક લખવા માટે શું કરવું પડે ? ઘણુ બધુ વાંચવુ પડે ! સંદીપે માર્કેટિંગનું લખવા માટે અઢળક થોથા વાંચી લીધા. અને આ થોથા તેને મોટિવેશનલ સ્પીચ દેવામાં કામ લાગ્યા. કનેક્ટ ધ ડોટ્સ આ સંદીપનું પ્રિય વાક્ય છે. સંદીપ જ્યારે પહેલીવાર વક્તવ્ય દેવા માટે જઈ રહ્યો હતો ત્યારે તે નર્વસ હતો. મનમાં કંઈકનું કંઈક ચાલતું હતું. દોડીને તે પોતાની નોટ્સ એક રૂમમાં જઈ વાંચવા લાગ્યો. એટલામાં એક છોકરી રૂમમાં પ્રવેશી અને બોલી, ‘સર તમે નર્વસ છો…’

સંદીપે પોતાની મોટાઈ હાકતા કહ્યું, ‘ના… હું ક્યાં નર્વસ છું…’

‘તો લેડીસ ટોયલેટમાં શું કરો છો ?’ સંદીપ હેબતાઈ ગયો. બહાર નીકળ્યો ત્યારે પેલી છોકરીએ જ તેને કહ્યું, ‘જે મનમાં આવે તે કરો, યુ કે ન ડુ ઈટ…’ અને તે છોકરીએ બોલેલુ ‘‘યુ કે ન ડુ ઈટ’’ તેના મગજમાં ઘર કરી ગયું. તે બોલવા લાગ્યો અને લાઈફની ખરાબમાં ખરાબ રેસને પાછળ રાખી જીતવા લાગ્યો.

સંદીપનું માનવું છે કે, ‘હું આટલુ બોલુ છુ, તેની પાછળનું કારણ મારૂ રિડીંગ, મારૂ ઓબ્ઝર્વેશન, અને વિવિધ ઈન્સપિરેશન વીડિયો જોવાની આદત છે.’ વાંચવામાં તેને અતિપ્રિય છે, સ્પેન્સર જ્હોન્સનની વુ મુવ્ડ માય ચીઝ (જેનો અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે) ધ મેઝિક ઓફ થિન્કીંગ, થિંક એન્ડ ગ્રો રિચ, ધ પાવર ઓફ પોઝિટિવ થિન્કીંગ, સી યુ એટ ધ ટોપ… નવલકથામાં અલ્કેમિસ્ટ, સિગલ… અને આ આખુ લિસ્ટ ગુગલ દેવતા પાસે અવેલેબલ છે. જોઈ લેવુ. પેલા ગોલુમોલુ હતો, તો પાતળો થઈ તેમાં પણ સફળતા હાંસિલ કરી.

તેની વાર્તાઓ સાંભળ્યા જેવી હોય છે. અ ગુડ સ્ટોરી ટેલર. કેરોલી ટકાસ પરની વાર્તા સાંભળ્યા બાદ એક હેન્ડીકેપ છોકરો સંદીપનું લેક્ચર અટેન્ડ કરવા માટે આવેલો. તેણે પોતાની કાલીઘેલી ભાષામાં સંદીપને કહ્યું, ‘હુ ખુશ છુ…’ સંદીપે તેના માટે તાળીઓ પાડી. એક છોકરીએ સંદીપને નવો બિઝનેસ આઈડિયા આપેલો, ‘હું ભણવાનું પૂરૂ કરી મોલની બહાર મહેંદી લગાવવાની દુકાન ખોલીશ.’

સંદીપે આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તેમાં કેટલા રૂપિયા મળે… ?’
છોકરી બોલી, ‘500’
‘ઠીક હેવ..’ સંદીપને મનમાં થયું હશે….
‘સર માત્ર હથેળીના પાનસો…’ સંદીપની આંખો મોટી થઈ અને બોલ્યો, ‘અરે બહીન હમેં ભી નોકરીયા દિલા દો…’ તમારી પાસે બેસ્ટ આઈડિયા નથી, તો સંદીપના વીડિયો જુઓ, તેમાં પ્રશ્ન પૂછતા છોકરાઓ પાસેથી તમને આવા બેસ્ટ અને શ્રેષ્ઠ આઈડિયા મળશે. કારણ કે આપણા મગજ તો ચાલતા નથી ! રોજ માઈન્ડમાં હજારો વિચાર આવે છે, તેમાં એ માણસે એ વિચારને પકડી લીધો હોય છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે TED-TALKમાં સંદીપનું લેક્ચર હોય. હું ભારતીય TED-TALKની નહીં, અમેરિકાની વાત કરૂ છુ, બોસ લેવલ તો હોયને કંઈક….

> પોકર ફેસ
સંદીપ મહેશ્વરી પોતાના જીવનમાંથી મોટિવેશનલ આઈડિયા આપે છે અને આપણા ગુજરાતી વક્તાઓ હજુ કૃષ્ણનું ઉદાહરણ આપી, સફળ કેમ થવું તે ડાહ્યા થઇ કહ્યા કરે છે. એક ભાઈએ મને કહેલું, ‘700 શ્લોકની ગીતા વાંચવા કરતા હું ક્રિસ્ટોફર નોલાનની ડાર્ક નાઈટ ટ્રાયોલોજી ન જોઈ લઉં…’ આ પણ પાવરફુલ વિચાર છે… આપણે એટલા માટે પડીએ છીએ કે આપણે ઉઠી શકીએ !

~ મયુર ખાવડુ

One Reply to “સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.