Gujarati Writers Space

શોર્ટ સસ્પેન્સની ચટણી અને ગુત્થીની માયાજાળ

શોર્ટ ફિલ્મોમાં લોકોને સૌથી ગમતી કોઈ વાત હોય તો તે છે, ફિલ્મની સસ્પેન્સ કડી. આ પહેલા જ્યુસ, ધ બાયપાસ, ક્રિતી જેવી સાઈકોલોજીકલ ડ્રામા અને થોડી સોશિયલ કન્ટેન્ટ સાથેની ફિલ્મો જોઈ હવે થોડી સસ્પેસનો વારો કાઢીએ. માણસ સસ્પેન્સ સાથે જન્મતો હોય છે. તેને તો પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે, તેનો પણ અણસાર નથી એટલે તે પણ તેના માટે રહસ્ય જ હોવાનું. સસ્પેન્સ લખવું આકરૂ છે. કઠીન છે. ઓ.હેનરી ટાઈપ વાર્તાઓ લખવી અને આંચકો આપવો તેના જેટલું મુશ્કેલ છે. વાર્તા વાંચ્યા પછી તો રિડર મહાશય તેનું ઈમેજીનેશન કરી લે છે. પોતાની આજુબાજુના પાત્રોને ક્રિએટ કરી લે છે. આ કથા પરથી કોઈ ફિલ્મ બને તો તેનો હિરો બોલિવુડનો ક્યો અભિનેતા હોવો જોઈએ તે પણ તેણે નક્કી કરી લીધુ હોય છે. બટ… દરેક વાર્તાકારનો પોતાનો અલગ હિરો હોય છે. સ્ક્રિન પર જ્યારે પ્રેઝન્ટ થાય ત્યારે તે વાર્તા તમારી નથી હોવાની. તમે જે વિચારેલું છે, તેનાથી વિપરિત ડિરેક્ટરે પોતાના પોંઈન્ટ ઓફ વ્યૂને સ્ક્રિન પર પ્રેઝન્ટ કર્યો છે એટલે તેનો હિરો એક સમાન્ય માણસ બની જાય છે. શોર્ટ ફિલ્મોમાં તો હિરો કોમન મેન જ હોય છે. આજે આવી કેટલીક ફિલ્મોની વાતો કરીએ. જેની કથા સસ્પેન્સ હોય. આ યાદીમાં છે.


ગુત્થી – ધ રિડલ (2012)

ગુત્થીને ઘણા એર્વોડ મળ્યા. પણ શા માટે ? તે બોલિવુડમાં અત્યાર સુધી કે હોલિવુડમાં પણ પ્રેઝન્ટ થયેલી કહાની કરતા પણ સો ચાસણી ચળે એ બરાબર છે. લોંગ શોર્ટ ફિક્શનની આ વાર્તાની શરૂઆત એક રાઈટરથી થાય છે. જે લેખક છે. મર્ડર મિસ્ટ્રી કથાઓ લખવી તેનો શોખ છે. આ માટે તેને એર્વોડ પણ મળી ચૂક્યા છે, પણ 100 સિગરેટો પીધા પછી પણ તેને વિચાર નથી આવી રહ્યો કે હવે ક્યા સબ્જેક્ટ પર કલમ ચલાવવી. એટલામાં તેને એક માણસ મળી જાય છે. જે ફ્લેટમાં કચરો વીણવાનું કામ કરતો હોય છે, પણ તેની આદતો ખૂબ જ ખરાબ છે. ખલીલ નામનો આ માણસ બધાના ઘરની કચરા ટોપલીઓ લઈ જાય છે. પછી એ કચરાને ઉખેડીને કોના ઘરમાં શું ચાલી રહ્યું છે, તે કોઈને પૂછ્યા વિના જાણી લે છે. એવું કહી શકાય કે માણસના ઘરની અંદર જાકવું હોય તો તેની કચરા ટોપલી ફફોરવી. જ્યાં એકલી સ્ત્રી રહેતી હોય છે, તેના ઘરમાંથી કોન્ડમનું પેકેટ મળી આવે છે. એક ભાઈ ફ્લેટની પાંચ સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધતો હોય છે, જેની બીમારીનો ઈલાજ પણ જે દવાથી થાય તે લેવા માટે ખલીલને જ મોકલવામાં આવે છે. ખલીલ ફ્લેટમાં રહેતા લોકો માટે ઘરની વસ્તુઓથી લઈને બેચલર્સને ગાંજા જેવું માદક દ્વવ્ય પણ અપાવે છે.

આપણા રાઈટર પ્રોટોગોનિસ્ટને ખલીલમાં વાર્તા દેખાય છે. તે તેને પોતાના રૂમમાં બોલાવે છે. રૂમમાં બોલાવી તેને તેની કહાની સંભળાવવાનું કહે છે. હવે રાઈટર અને આ કચરા વીણવાવાળા બંન્નેની એક જ કહાની છે. ઈત્તેફાકથી બંન્ને કહાની એક જગ્યાએ ભેગી થઈ જાય છે. જેનું રહસ્ય પણ છાપાનું એક કટિંગ જ છે. જેના પર આપણા રાઈટરશ્રી એક વાર્તા લખી રહ્યા હોય છે. આ વાર્તામાં તેણે લખ્યું હોય છે કે, ‘એક હત્યારાએ એક માણસની હત્યા કરી નાખી, તેના શરીરના જીણા કટકા કરી નાખ્યા. પછી તેન ફ્લશમાં બહાવી દીધા.’ પણ રાઈટર પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરી ખૂનીએ હત્યા કરનારની બે આંગળીઓ તો ત્યાંજ ભૂલી ગયો આમ પોલીસ માટે ક્લૂ મુકે છે. હવે છે એવું કે આ હત્યારો ત્યાંજ બેઠો છે. કોણ છે હત્યારો ? રાઈટર ? કે ખલીલ કચરાવાળો ? બંન્નેની કહાનીમાં કોણ હિરો છે ? કોણ વિલન છે ? પ્લસ ફિલ્મમાં અશ્વિની ભટ્ટની વાર્તાઓની માફક એક ઐતિહાસિક ક્લૂ પણ છુપાયેલો છે. તે તમારે ફિલ્મ જોઈ લેવી એટલે ખ્યાલ આવી જશે.


ચટની (2016)

જે માણસના હાથનો સ્વાદ લજીજ હોય, તે માણસ મરી જાય તો પણ લજીજ રહેવાનો ? ફિલ્મની હિરોઈન છે, ટીસ્કા ચોપરા અને હિરો છે આદિલ હુસૈન. બંન્ને મિસ્ટર એન્ડ મિસિસ દુગ્ગલ છે. પતિ એવો છે કે, પત્ની સામે પરાયી ઓરતના કાનના ઝુમકાને હાથ મારી સહેલાવતા પણ તેને શરમ નથી આવતી. આ પરાયી ઓરત એટલે કે રસિકા દુગ્ગલને ટીસ્કા ચોપરાના ઘરે જઈ જમવાનું બનાવવાનું શીખવું છે. ટીસ્કા તેને બોલાવે છે. બીજા દિવસે તે ઘરે આવે છે. ઘરનો નોકર ભોલા રસીકા દુગ્ગલના નિતંબનો ભાગ જોઈ આંખોની આત્માને શાંતિ આપે છે. ભોલાને જ્યારે ચટણી સાથે સોડા લઈ આવવાનું કહેવામાં આવે છે, તો ચીત્રી ચઢે એ મુજબ ભોલો સોડાના ગ્લાસમાં થૂકે છે અને સામેની ઓરતને પીવા માટે આપી દે છે. જેની બંન્નેમાંથી કોઈને ખબર નથી.

ચટણીનો સ્વાદ જ્યારે પરાયી ઓરત માણે છે, ત્યારે તેના મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે કે, ‘ચટણી આટલી સરસ કેવી રીતે બને છે, મેં બીજે તો આવો સ્વાદ માણ્યો નથી.’ અને ટીસ્કા ચોપરા વાર્તાની શરૂઆત કરે છે. પોતે તો ગાઝીયાબાદની ઓરત છે એટલે તેને કંઈ ખબર ન પડે. તેવુ પતિનું માનવું છે. પણ એકવાર તેના ઘરમાં એક નોકર આવે છે. નોકર પણ કેવો ? તેના હાથનું ખાઈ લો એટલે જન્નત યાદ આવી જાય. નોકરની જમવાનું બનાવવાની આવડતના કારણે આદિલ હુસૈન તેને પોતાનો પર્સનલ કર્મચારી બનાવી લે છે. પછી તો આ નોકર લગ્ન કરી લે છે, પણ નીચે એક બીજુ ભાડે મકાન આપેલું છે, ત્યાં એક છોકરો રહેતો હોય છે, જે નોકરની પત્ની સાથે રંગરેલિયા મનાવતો હોય છે. ગાઝીયાબાદની ટીસ્કા ચોપરાને આ વાતની ખબર પડી જાય છે, ‘‘પણ હમ તો ઠહેરે ગાઝીયાબાદ કે’’ આમ તેની વાત કોઈ માનવા તૈયાર નથી થતું. એકવાર નોકરને આ તમામ હકિકતની જાણ થઈ જાય છે કે, મારી પત્નીને તો બીજા સાથે સંબંધમાં છે. પછી હત્યા અને ચટણી કેમ સ્વાદિષ્ટ છે તેનું રહસ્ય…. નોકર ભોલાના મોંમાં તો પકોડુ રહી જાય છે, જ્યારે આ સસ્પેન્સ સાંભળે છે, પણ શું આ રહસ્ય ટિસ્કા ચોપરાએ રસીકા દુગ્ગલને એટલા માટે કહ્યું કે તે તેના પતિથી દૂર રહે. અને આ રહસ્ય સત્ય છે કે ખોટું. કે પછી પેલા નોકરની અવળચંડાઈ જોય તેને ઘરથી તગેડવા માટે કહ્યું. કારણ કે ટીસ્કાને ખબર છે, તે સાંભળતો જ હશે, ‘‘મગર હમ તો ઠહેરે જૂનાગઢ વાસી હમરી કોન માનેગા…. હા’’

આ શોર્ટ ફિલ્મની સૌથી મોટી ખાસિયત કે ડિરેક્ટર કપૂર દાસ સાથે તેનું લેખન સંભાળનાર પણ ટીસ્કા ચોપરા જ છે. આ તેની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ છે. જે વસ્તુ બે કલાકમાં કહેવાની હોય ત્યાં આ ફિલ્મે માત્ર 16 મિનિટનો ઉપયોગ કર્યો છે. ઉપરથી ક્રેડિટ નંબરની બાદબાકી કરી નાખો તો ફિલ્મ થાય 13થી 14 મિનિટની આસપાસની. નેક્સટ.


ટી-સ્પૂન (2015)

સોશિયલ ડ્રામામાંથી ટી સ્પૂન ક્યારે એક મર્ડર અને મિસ્ટ્રી ફિલ્મ બની જાય છે ખબર જ નથી રહેતી. ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેની સારવારમાં જ વહુની અડધી જિંદગી ચાલી જાય. અહીં પણ એક ઘરડો માણસ છે, જેને મદદ જોઈએ ત્યારે હાથમાં રહેલી ટીસ્પૂનને વગાડે છે, જેથી ઘરની વહુ તેની મદદ માટે આવે. ઈનશ્યોરન્સ કંપનીમાં પતિ કામ કરે છે. જેને પત્ની માટે સમય નથી. પત્નીને ખંડાલા જવું છે, પણ સસરા જીવતા છે, ત્યાં સુધી જઈ ન શકાય ! તેમની સારવાર કોણ કરે ? અને તેના વૃદ્ધ સસરા જે પોતાના દિકરાના ગયા બાદ વારંવાર પેલી ટી સ્પૂન વગાડ્યા રાખે છે. વગાડ્યા રાખે છે. વગાડ્યા રાખે છે. બીચારી પુત્રવધુની જિંદગી દોજખ બનાવી નાખી છે. હવે કરવું શું ? અને એક દિવસ પુત્રવધુનું માથુ ભમી જાય છે, તે ઓશિકુ લઈ સસરાના મોં પર ઢાંકી દે છે. થોડીવારમાં તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તે વૃદ્ધ ગગનની વાટે ઉપડી જાય છે. પુત્રવધુ ખૂબ રોવે છે. તેના આંસુઓ બનાસકાંઠામાં આવેલા પૂર કરતા પણ વધારે તારાજી સર્જાય હોય તેવા છે. કારણ કે સત્ય તો તેને જ ખ્યાલ છે કે, સસરાની હત્યારી હું છું, કોઈને કહી નથી શકતી. અને બધાને લાગે છે કે, ઊંમરના કારણે માણસ ગયો. એક દિવસ પતિને ચા આપે છે અને સસ્પેન્સ ખુલે છે. હવે શું છે આ સસ્પેન્સ આ માટે ફિલ્લ્મડુ જોઈ લેવું…સ્વાહા…. નેક્સટ….


ધ વર્જીન્સ (2016)

આમ તો ધ વર્જીન્સ સ્પેન્સ કથા નથી. પણ નાયકનો પ્રશ્ન નાયિકાને સસ્પેન્સથી ભરી દે છે. નવા લગ્ન થવાના છે, તે પ્રેમીજોડા પહેલીવાર મળે છે. નાયિકા શરમાય છે, આમ મળવું ન જોઈએ તેવું આપણા નાયકને કહે છે. નાયક તેના માટે પીવા સોડા અને પોતાના માટે વર્જીન મંગાવે છે. અને વાત વાતમાં પૂછી બેસે છે કે, ‘તારે તો પહેલા બોયફ્રેન્ડ હતો, તો… તો…તો…. એટલે આર યુ વર્જીન.’

હવે પેલી છોકરીને ખબર છે કે, હું તો મારૂ શિયળ તોડાવી આવી છું, આને કેમ કહેવું. તે વાતને અધવચ્ચે અટકાવી ચાલી જાય છે. છોકરાને લાગે છે, પત્ની વર્જીન છે !! કારણ કે તેને ભાવી પતિની વાતથી શરમ થતા ત્યાંથી ચાલી નીકળી છે. હવે નાયક શુદ્ધ ડાલડા ઘી જેવો વર્જીન છે. તેણે કોઈ દિવસ કોઈ છોકરી સાથે સેક્સ નથી માણ્યું. આથી તેનો મિત્ર તેને એક કન્યા સાથે મેળાપ કરાવી આપે છે. જે તેની વર્જીનીટીનો ભંગ કરી આપે. તો બીજી તરફ પેલી છોકરી પણ જે ઘણા સમયથી પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો બાંધી ચૂકેલી છે, તે ફરી એકવાર તેની સાથે સહશયન માણે છે. કંઈ સ્ટોરીમાં છે એવું નથી લાગતું ને ? આખી વાર્તા તો મેં કહી દીધી પણ અંદર રતિક્રિડાની વાત આવી એટલે વાંચનાર આ ફિલ્મ પહેલા જોશે. પણ હું ઉમેરવા માગુ છું વાચક મિલોડ… પતિને ખ્યાલ છે કે મારી થનારી પત્ની વર્જીન નથી તો હું શું કામે રહું !? મારે પણ કોઈ સાથે સંબંધ બાંધવા જોઈએ. અને પેલી ભાવી પત્ની બનનારને એવું લાગે છે કે, હું મારા પતિ સાથે પહેલીવાર સેક્સ ભોગવી રહી છું તેવી એક્ટિંગ કેવી રીતે કરીશ ? તેનો વધુ એક અભિનય પાઠ શિખવા પોતાના બોયફ્રેન્ડ સાથે ફરી એકવાર સંબંધ બાંધે છે. એટલે વાત વાતમાં હવે સુહાગરાત પર આ નર અને માદાનું જે મિલન થવાનું છે, તે પહેલીવાર તો નહીં જ હોય ! હૈને…..


મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.