Gujarati Writers Space

શોર્ટ ફિલ્મનું જ્યુસી,તાંડવીયુ બાયપાસ

માનવ મસ્તિષ્કના ઉત્કલનબિંદુ અને ગલનબિંદુની બુદ્ધિક્ષમતા માપવી હોય, તો એવા કોઈ મશીનની શોધ થયા બાદ, એ માણસને શોર્ટ ફિલ્મ બતાવવી જોઈએ. કારણ કે શોર્ટ ફિલ્મ જોયા પહેલા અને જોયા પછી તેના હાલ હવાલા એ તુરંત માપી શકશે. ગઈ કાલે રાત્રે નવરી બજાર હતા ઉપરથી કંઈ કામ ન હતું એટલે બે ચાર શોર્ટ ફિલ્મો, જે બધાએ જોઈ લીધી છે, પણ મેં ન હતી જોઈ તે જોયા પછી રાત આખી તેના સપનામાં વિસરી ગઈ. શોર્ટ ફિલ્મ જ એક એવું માધ્યમ ગણી શકાય જેને કોઈપણ બેવકુફ ફિલ્મ રસિયો, જે સલમાન ખાનની હાઈફાઈ બુધ્ધુટાઈપ એક્શન જોવા માટે થીએટરમાં ઘાંઘો થતો હોય, તે પણ પોતાની આંખ અને મગજને ભેગા કરીને જુએ. કારણ કે બીજો કોઈ રસ્તો નથી. ટાઈમ ઓછો છે, અને ત્યારે જ સમજવાની છે, ઉપરથી કોઈ બીજા બંધુએ આ ફિલ્મ જોઈ નાખી હોય અને તે તમારી બાજુમાં જ પલોઠીવાળીને બેઠો હોય, તો તમારી ફિલ્મસેન્સ તપાસે પણ ખરો, કે પહેલા ઘાએ સમજાણી કે નહીં, અને તમે તમારો આઈક્યુ બતાવવા હા કરી નાખશો, તો આપના મિત્રશ્રી સવાલ જવાબની હેરી પોર્ટર ટાઈપ છડી પણ એવી જ ફટકારવાનો. તો કાલે હું કઈ શોર્ટ ફિલ્મની દુનિયામાંથી પાસ થયો.


જ્યુસ (2017)

નિરજ ઘાયવાનની જ્યુસ. ઘાયવાન કે ગાયવાન શબ્દ જ એવો છે, પણ આપણે તેનાથી ક્યાં મતલબ છે. એકેઝેટ 14 મિનિટની શોર્ટ ફિલ્મ. તમારા સાથી કર્મચારીઓ જ્યારે તમારી ઘરે પાર્ટી કરવા માટે આવે. ગેટ ટુ ગેધર રાખે ત્યારે ઘરમાં એકલી કામ કરતી સ્ત્રીના દિમાગની હાલત કેવા પ્રકારની હોય તેનો પુરૂષને થોડો ખ્યાલ આવવાનો. ઉનાળાની મુંબઈની ગરમી છે. ઉપરથી રસોડામાં આપણી નાયિકા સેફાલી શાહ જેનું શોર્ટ ફિલ્મી નામ મંજુ છે, તે કામ કરી રહી છે. એક જ ઘરમાં ત્રણ જગ્યાએ કથાવસ્તુ અલગ અલગ આકાર લે છે. ઘરમાં પાંચ પૂરૂષો બેસીને વાતો કરી રહ્યા છે. દારૂના પેગ પર પેગ બનાવી રહ્યા છે. ચેસ કરી રહ્યા છે. અને અગમનિગમની જે પુરૂષો પાનના ગલ્લે પણ કાયમી ચર્ચા કરતા હોય તેવી વાહિયાત અને નિષ્કર્ષ વિનાની વાતો થાય છે. તેમાં કર્મચારી મંડળની એક સેક્રેટરીની વાત પણ સ્ત્રીઓ સામે શરમ વિના કરી શકે છે. ગપાટા મારવા અને મસ્તમજાનું ચીકન માણવું આના સિવાય આ પુરૂષોને અત્યારે કંઈ પડી નથી. ઉપરથી મંજુ પતિ અને તેના મિત્રોને ખુશ રાખવા માટે ઘરમાં જે જૂના જમાનાનું એસી છે, તેને પાણી નાખીને બીજાને ઠંડક આપે છે. જ્યારે મંજૂની ગરમીના કારણે ખરાબ હાલત થઈ પડી છે.

બીજા એક રૂમમાં બાળકો વીડિયો ગેમ રમી રહ્યા છે. જેમને વીડિયો ગેમ રમવા એટલા માટે આપવામાં આવી છે કે, પુરૂષોની એલફેલ વાતોમાં તે વચ્ચે ન આવે. દારૂ પીધા પછી, ચીકન ખાધા પછી અને સિગરેટના રૂમમાં ધુમાડા પત્યા પછી પણ આ પુરૂષોનું હજુ જમવાનું તો બાકી જ છે.

ત્રીજી જગ્યા જ્યાં વધુ એક ઘટના આકાર લઈ રહી છે, તે છે રસોડુ. તમામ પુરૂષોની પત્ની ત્યાં એકઠી થયેલી છે. જેમાં પ્રેમલગ્ન કરેલી બંગાળી મેમસાહેબને ગરમી કંઈક વધારે જ થાય છે. સેફાલી શાહ એટલે કે મંજુની સામે ટોણો મારતા પંખો લઈ આવવાની આડકતરી વાત તેના કાને નાખે છે. કામવાળી બાઈ સાથે તે ઘરમાં રહેલો નાનો ટેબલ ફેન ઉતારે છે. પણ પંખો એકવાર ચાલુ થયા પછી તુરંત બંધ થઈ જાય છે. એક પ્રેગનેટ સ્ત્રી રસોડામાં છે. જે બીજી મહિલાઓની વાતો સાંભળતી હોય છે, મારા પતિ મારી જોબ છોડાવવા માંગે છે. મારા પતિ આમ… મારા પતિ તેમ… અને ત્યાં મંજુના કાનમાં આ બધી વાતો સિવાય પતિના ઓર્ડરો ચાલ્યા કરે છે… મંજુ… જમવાનું લઈ આવ… મંજુ આ… મંજુ તે… મંજુ ફલાણું…

મંજુ ઉભી થઈ ફ્રિજને ધણાંગ કરતુ ખોલે છે. બધી મહિલાઓ ડરી જાય છે. એક ખુરશી લઈ રસોડાથી મેઈનરૂમ તરફ જ્યાં બધા પુરૂષો મંડળી જમાવી બેઠા છે ત્યાં લઈ જાય છે. સ્ત્રી પુરૂષો અવાક થઈ જાય છે. મંજુ કરવા શું માગે છે ? પતિ પણ પત્નિની આ હરકતથી હજુ કોમામાં છે. આખો ફાળીને જોયા રાખે છે. મંજુ ખુરશી લઈ તમામ પુરૂષોની સામે એસી પાસે બેસે છે. ગરમીમાં થોડી ઠંડી મળતા રાહત અનુભવે છે. જ્યુસનો ગ્લાસ પીવે છે. ઘુંટળા પીતી વખતે પતિની સામે તીક્ષ્ણ નજરે જુએ છે. તેનો કહેવાનો અર્થ, ‘હું પણ માણસ છું, એકલીથી બધુ કામ ન થાય.’ ઓર્ડર આપવા અને કામ કરવું એ બંન્નેમાં ઘણો ફર્ક છે. મંજુ એકધારી પતિદેવની આંખોમાં જુએ છે. ફરી જ્યુસનો એક લસરકો મારે છે. આ વખતે ગુસ્સો તેની આંખો કે માથા પર નહીં ગળા પર દેખાય છે, જ્યારે કબૂતર હોય અને ગળુ ફુલાવે એવી રીતે. જેથી પતિને તુરંત સમજાય જાય. અને શોર્ટ ફિલ્મ પૂરી થાય છે. નીરજની ડ્રેસિંગ સેન્સને હું દાદ આપુ છું. સેફાલી શાહને તેણે સફેદ કપડા પહેરાવી શાંતિનું પ્રતીક બનાવી દીધુ. જે કહેવા તો ઘણું માગે છે, પણ બયાન નથી કરી શકતી એટલે ખાલી પ્રતિકાત્મક હાવભાવથી જ બધુ બયાન કરી નાખે છે. આ સ્ટોરી થોડી ઘણી સમાજની સાઈકોલોજી વિશેની થઈ. નેક્સટ….


ક્રિતી (2016)

નેપાળના અનિલ નેપુને નામના શોર્ટ ફિલ્મ સર્જકે એવો દાવો કરેલો કે આ ફિલ્મ તો તેની શોર્ટ ફિલ્મ બોબથી પ્રેરિત છે. પણ શિરીષ કુંદર, જે આખી કારકિર્દી સેકેન્ડ અભિષેક બચ્ચન બનવા માગતો નહીં હોય તેણે આવી સરસ મજાની શોર્ટ ફિલ્મ આપી. એક વર્ષ પહેલા આ જોઈ ત્યારે લખ્યું ન હતું. હવે લખવું છે. સાઈકોલોજીકલ શોર્ટ ફિલ્મ બનાવવા માટે જગત આખાના શોર્ટ ફિલ્મકારો ઠેકડા મારતા હોય છે. જ્યારથી નોલાનની ડુડલબગ જોઈ ત્યારથી લોકોને આવી ફિલ્મો બનાવવાનું ઘેલુ ચઠ્યું છે. આ પહેલા રાધિકા આપ્ટેની જ અહલ્યા જોઈ લો. જે જયેશ અધ્યારૂએ અહલ્યા સાથે સત્યજીત રે કેવી રીતે કનેક્ટ થઈ ગયેલા છે, તે વાંચ્યું ત્યારે ખબર પડી.

ક્રિતી એક સાઈકોલોજીકલ શોર્ટ ડ્રામા છે. તેની સાઈક્રેટીસ્ટ તેને વારંવાર કહેતી હોય છે કે, ‘તેણે જે રીતે રચનાના પાત્રનું સર્જન કર્યું તેવી રીતે ક્રિતી પણ છે.’ પણ આપણો નાયક મનોજ બાજપાઈ જ્યારે ગાંધીયુગમાંથી ટપક્યો હોય તેમ માનવા તૈયાર નથી. વીડિયોકોલ ચાલુ રાખી તે પોતાની સાઈક્રેટીસ્ટને બતાવે છે, બે વાર બતાવે છે. નાયકના મતે તો ક્રિતીને એગ્રોબોફિયા છે, જેથી તે ઘરની બહાર નથી નીકળતી. તેની મનોવૈજ્ઞાનિક દાક્તર તેને સમજાવે છે કે, ક્રિતી તેના મન દ્વારા ક્રિએટ કરેલું એક પાત્ર છે. રાઈટર હોવા છતા ક્રિતીએ કોઈ દિવસ તેની વાર્તા નાયકને સંભળાવી નથી. શું કામે ? આ વાતે ઘરે ગયા બાદ ટસલ થાય છે. મનોજ બાજપાઈ ક્રિતીને બહાર લઈ જવા માટે મથામણ કરે છે, પણ ક્રિતી આવવા તૈયાર નથી હોતી. છેલ્લે છરીથી મનોજ જ ક્રિતીનું ખૂન કરી નાખે છે. પછી શું થાય છે એના માટે ફિલ્મ જોઈ લેવી. કારણ કે આમા સસ્પેન્સ રહેલું છે. લેખકના મગજના વિચારો સાચા થઈ જાય ત્યારે કેવી આફતોનું સર્જન કરે તે તો ક્રિતી જોયા બાદ જ ખ્યાલ આવે. ઉપરથી ગાંડા લેખકના વિચારો સાચા થાય ત્યારે ? નેક્સટ….


તાંડવ (2016)

દેવાશિષ મખીજાના ડિરેક્શનમાં બનેલી તાંડવનું શું કહેવું ?? મનોજ બાજપાઈ એક એવો પોલીસવાળો છે, જે સત્યમાં માને છે. સ્કુલમાં દિકરીની ફી ભરવા પૈસા નથી. તેની પત્ની તેનાથી રિસાયેલી રહે છે. તેના ખુદના પોલીસ કર્મચારીઓ એક ગેંગને પકડ્યા બાદ મનોજને મનાવે છે, ‘યાર એક કામ કરીએ આ પૈસા આપણે રાખી લઈએ, ત્રણેના હાથમાં મોટી રકમ આવી જશે.’ મધ્યમવર્ગનો પોલીસ ઓફિસર હોય અને ઉપરથી દિકરીની ફીના પૈસા ભરવાના પણ બાકી હોય ત્યારે તે સમજી જવાનો, રૂપિયા ઉપાડી લેવાનો…. આપણને જોતા એમ જ લાગે…. પણ ના આ સાહેબ તો ગાંધીજી છે. સત્યના માર્ગે ચાલવાવાળા. પત્ની, ઘર, કંકાસ, ફી આ બધાથી કંટાળી ચૂક્યા છે, કોઈ વખત હસતો નથી, ઘરના લોકો પણ કંઈક આજ પ્રકારના છે. એવામાં ગણેશચતુર્થીના સમયે ભાઈનું પોસ્ટિંગ થાય છે. બે રીક્ષાવાળાઓ લડતા હોય છે, અને ઘોંઘાટમાં મનોજ બાજપાઈની પાસે જાય છે. તેને આ અવાજમાં બંન્નેની ફરિયાદ નથી સંભળાતી. આપણને થાય કે હમણાં મનોજ બાજપાઈ આ બંન્નેની મદદ કરશે, પણ ના કહાની મૈં ટ્વીસ્ટ હૈ.

મનોજ ગન લઈ બંન્ને ધમકાવે છે. જ્યાં ટોળુ નાચતું હોય છે, ત્યાં લઈ જાય છે. નચાવે છે. આખુ ટોળુ પોલીસની આ હરકતના કારણે ભાગમભાગ કરી વિખાય જાય છે. કારણ કે આપણા નાયકે તો પિસ્તોલ કાઢી તેને લોડ કરી રાખી છે. અને અચાનક તેને શું થાય છે, તે નાચવા માંડે છે. તેનો સાથી કર્મચારી તેનો વીડિયો ઉતારી લે છે. લોકો પણ ઉતારી વાયરલ કરે છે. પોલીસવાળો ફેમસ થઈ જાય છે. પણ શું ? તેની આ હરકતના કારણે સસ્પેન્ડ થઈ જાય છે. આટલું તો તે પોતાના લગ્નમાં પણ નહીં નાચ્યો હોય, પણ જ્યારે તેના પરિવારના લોકો આ વીડિયો જુએ છે, ત્યારે તેઓ પણ હસતા નથી રોકાતા. સારૂ એક તાંડવના કારણે આપણો નાયક ખુશ છે, કારણ કે પરિવારના ચહેરા પર ખુશી તો લાવી શક્યો. તેની દિકરી પણ બોલતી હોય છે, ‘દેખો પપ્પા નાચ રહે હૈ…’ પરિવારની ખુશી માટે તાંડવ પણ કરવું હોય તો પુરૂષ એ પણ કરી લે. લગ્ન બાદ તો પુરૂષ પોતાના માટે કમાતો નથી, અરે, ખુશી પણ નથી કમાતો !!! નેક્સટ….


ધ બાયપાસ (2003)

અગ્નિપથનો પેલો ડાયલોગ સાંભળ્યો છે…. કાદર ખાન જેવા કોમેડિયનની કલમે લખાયેલો ધારદાર ડાઈલોગ. “કહેને કો યે સિર્ફ શહેર હૈ, પર યહાં જંગલ કા કાનૂન ચલતા હૈ, જંગલ કા… હાય…. બિસ્તુયા કો ચીંટી ખા જાતી હૈ, ચીટી કો મેંઢક, સાંપ મેંઢક કો નિગલતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કો ખા જાતા હૈ ઔર શેર ભેડિયે કા શિકાર કરતા…. હૈ…હાય… યહાં હર એક જાનવર અપને સે કમજોર કો મારકર જીતા હૈ…” આ અફલાતુન ડાઈલોગ પરથી જ કદાચ ડિરેક્ટર-રાઈટર અમિત કુમારને ધ બાયપાસ નામની શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હોય તો નવાઈ નહીં.

હું આખી સ્ટોરી નહીં કહું. અગાઉની એટલે કહી કે, તે સોશિયલ ડ્રામા હતા. નંબર વન ફિલ્મ આખી સાઈલેન્ટ છે. જે એક માણસ આ… ઉ …. એ… આવુ તુષાર કપૂરની માફક કરે છે, તેને બોલવું છે, પણ તે તો મૂંગો છે. ઈરફાન ખાન સાથે નવાઝુદ્દીન સિદ્દીકી જેવો ધુરંધર કલાકાર છે. ભારતમાં એવા ઘણા રસ્તાઓ છે, જે ચોરોથી જ ભરેલા હોય. જાનથી મારી નાખનારા લૂંટારૂઓ. તેમ આપણા અમિત કુમારનો બાયપાસ પણ આવો જ રણમાર્ગ છે. હનીમૂન પર નીકળેલું એક જોડુ જેને પત્થર મારી નવાઝ લૂંટે છે. તેની સાથે રહેલો બહેરો એટલે કે અભિનેતા સુંદર દાથ ડેથા જાલીમ છે, એવી રીતે મારે કે આપણું કાળજુ કંપાય જાય. તમામ વસ્તુ લૂંટી લે છે, બસ પેલા નવા લગ્ન કરી આવેલા અને મૃત્યુશૈયા ઓઢી લેનારા ડેબ્યુ વરરાજાના હાથમાં રહેલી કાંડા ઘડિયાળ નવાઝને પ્યારી લાગી જાય છે….. જેનું સસ્પેન્સ તમે ફિલ્મ જોઈ લે જો….. છેલ્લે સુધી ઘડિયાળ તેનો પીછો નથી છોડતી…. ઈરફાન જેવા કરપ્શનીસ્ટ પોલીસ ઓફિસરને આ લોકોનો ખ્યાલ હોય છે. પણ તે તો પોલીસના રૂપમાં સૌથી મોટો લૂંટારો છે, અને છેલ્લે ત્રીજી લૂંટારૂ ટોળકી સાથે પૈસા કોની પાસે જાય છે, તે જોવાની સસ્પેન્સ થ્રિલર મજા જ અનેરી છે. ફિલ્મમાં 500ની નોટ દેખાશે ! જે રસિકોને પાછી જોવી હોય તો… બીજુ આમા ડિરેક્ટર અમીત કુમારે એક પ્રતીક સરસ મુક્યું છે. રણના પક્ષીઓનું કામ શું ? ભોજન માટે જમીનમાં ઘર બનાવી રહેતા કીડાને લૂંટવું જે બખોલમાંના કીડાઓએ બીજાને લૂંટ્યા હોય છે…. બસ આ જ શ્રેણીમાં અગ્નિપથના ડાઈલોગની જેમ ચાલતી આ શોર્ટ ફિલ્મ તમારા શ્વાસ થંભાવી દેશે.

બે વધુ હોરર સાઈકોલોજીક ડ્રામા અનબિલીવેબલ અને ટ્રેપ્ડ જોયેલ, પણ તેમાં મજા ન હતી આવી. આ બંન્ને ફિલ્મો વિશે યુ-ટ્યુબમાં પ્રશસ્તિ ભાવનો ચાંદલો લગાવી લખવામાં આવ્યું છે કે, એર્વોડ વિનર ! તેમાં ટ્રેપ્ડને મળ્યો હોય તો હું હજુ ખુશ છું, પણ અનબિલીવેબલને મળ્યો હોય તો મને બિલીવ નથી.


~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.