Scam 1992 - The Harshad Maheta Story - Janamejay Adhwaryu - Sarjak.org
Filmystan Gujarati Writers Space

Scame 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી

👉 “રિસ્ક હૈ તો ઈશ્ક હૈ !” કોઈપણ હિંદી વેબસીરીઝને જો આઇએમડીબીએ સૌથી ઊંચું રેટિંગ આપ્યું હોય તો આ સીરીઝનો નંબર બીજો છે 9.4 રેટિંગ. જે નીરજ પાંડેની સિક્રેટસ ઓફ સનૌલી જે ડીસ્કવરી પર આવી હતી અને તે માત્ર એક જ એપીસોડની સિરિયલ હતી તેનાં પછી આ સ્કેમનો નંબર આવે છે. જે સ્કેમ ૯૨ની અપાર સફળતા સૂચવે છે. એમાં કોઈ જ શક નથી કે મને જો કોઈ સીરીઝ વારંવાર જોવી ગમે તો તે છે આ સ્કેમ -૯૨ ! આનો ઈમ્પેક્ટ હજી મારાં મનમાંથી ઓસર્યો નથી !
આ સીરીઝને બેસ્ટ વેબ સીરીઝ અને આપણા મુંબઈ જઈ વસેલા સુરતી ગુજરાતી પ્રતિક ગાંધીણને બેસ્ટ ott સીરીઝનો ઉચ્ચ કલાકારનો એવોર્ડ મળ્યો છે. જે માટે આપણે સાચે જ ગૌરવ લેવું જોઈએઆ સીરીઝમાં ઘણાં ગુજરાતીઓએ અભિનય આપ્યો છે, તો એને બનાવવા પાછળ ઘણાં ગુજરાતીઓનો સિંહફાળો છે

થોડીક પ્રાથમિક માહિતી :-

આ વેબ સીરીઝ ૯ ઓક્ટોબર ૨૦૨૦નાં રોજ સોની LIV પર રજુ થઇ હતી OTT પ્લેટફોર્મ પર, આ સીરીઝ ૧૦ એપીસોડની છે. પ્રત્યેક એપિસોડ ૪૦ મિનીટનો છે એટલે કુલ ૪૦૦ મિનીટ થઇ. વળી આ સીરીઝ એ ” સ્કેમ” જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પત્રકાર સુચેતા દલાલ અને દેબાશીશ બાસુએ લખેલા ૫૮૦ પાનાંનાં પુસ્તક પર આધારિત છે. સુચેતા દલાલ તો આ વેબસીરીઝમાં ઇન્વેસ્ટીગેશન કરતી અને કૌભાંડ બહાર પાડતી બતાવવામાં પણ આવી છે તો દેબસીશ બાસુને પણ સહિયારું કામ કરતો દર્શાવવામાં જ આવ્યો છે. બધું જ વાસ્તવિક લાગે તે માટે જ સ્તો ! ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફીસ પણ બતાવવામાં આવી છે. આ સીરીઝના દિગ્દર્શક છે હંસલ મહેતા જેમનાં કામનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં જ છે. આ દિગ્દર્શક માટે એક જ વાકય વપરાય – હેટસ ઓફ ! સહાયક નિર્દેશક છે જય મહેતા, જેની પટકથા લખી છે – સુમિત પુરોહિત, સૌરવ ડે, વૈભવ વિશાલ અને કરણ વ્યાસે ! થીમ સોંગ બહુજ મસ્ત છે જે રિંગટોનમાં બધે જ ઉપલબ્ધ છે જેનું સંગીત છે અચિંત ઠક્કરનું. ફોટોગ્રાફી પ્રથમ મહેતાની છે. સીરીઝના એડિટર સુમિત પુરોહિત અને કુણાલ વાલ્વે છે. પ્રોડક્શન Applause Entertainmentનું છે. સીરીઝનાં મુખ્ય કલાકારોમાં પ્રતિક ગાંધી, શ્રેયા ધનવંતરી, હેમંત ખેર, નીખીલ દ્વિવેદી , ચિરાગ વોરા, વિશેષ બંસલ અંજલી બારોટ, અયાઝ ખાન, કેવિન દવે, સોબ્બી બાવા, ફૈઝલ રશીદ, કે કે રૈના, રજત કપૂર, સતીશ કૌશિક, અનંત મહાદેવન, લલિત પારીમુ, શાદાબ ખાન, રજત કપૂર, વિવેક વાસવાની અને ખુદ હંસલ મહેતા વગેરે ….. વગેરે !

હવે હર્ષદ મહેતા વિશેની માહિતી :-

હર્ષદ મહેતાનું આખું નામ છે— હર્ષદ શાંતિલાલ મહેતા. તેમનો જન્મ પાનેલી મોટી – રાજકોટ ખાતે થયો હતો કે જે અત્યારે રાજકોટનો જ એક હિસ્સો છે. તેમનો જન્મ ઇસવીસન ૧૯૫૪માં ૨૯મી જુલાઈએ થયો હતો. પિતા શાંતિલાલ મધ્યમ વર્ગીય હતાં અને એક નાના પાયે ધંધો કરતાં હતાં. તેમને તેમનું બાળપણ મુંબઈમાં બોરીવલીમાં વિતાવ્યું હતું. તેઓ જનતા પબ્લિક સ્કૂલ ભીલ્લાઈમાં ભણ્યા હતાં પછી તેમને મુંબઈમાં સ્કૂલ પૂરી કરી. હર્ષદ મહેતાને ક્રિકેટ રમવાનો ભારે શોખ, ઈસ્વીસન ૧૯૭૬માં તેમને મુંબઈની લાલા લજપતરાય કોલેજમાંથી B Com કર્યું. આમ તો તેમને ભણવાનું બહુ ગમતું નહીં પણ ભણવા ખાતર ભણ્યાં અને કરવાં ખાતર કોલેજ પણ પૂર્ણ કરી B.comની ઉપાધી લીધી. પણ મુંબઈ જેવું શહેર પિતાજીનો ધંધો જ જ્યાં માંડ માંડ ચાલતો હતો તો આજીવિકા રળવા ખાતર તેમણે થોડાં વર્ષોમાં ઘણા નાનાં મોટાં ધંધાઓ કર્યા. શરૂઆતમાં તેમને સિમેન્ટનો ધંધો પણ કર્યો પણ એ એમને બહુ ફાવ્યો નહીં એટલે તરત જ તે છોડી દીધો. હીરાનો પણ ધંધો કરી જોયો પણ તે ચાલ્યો નહીં .
પછી તેમને થોડો થોડો રસ સ્ટોક માર્કેટમાં પડવા માંડયો. તો એમને સેલ્સ પર્સન તરીકે ન્યુ ઇન્ડીયન એસ્સ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL)માં નોકરી કરી. પછી શરૂઆતના દિવસોમાં એમને હરજીવનદાસ નેમીદાસ સિક્યોરીટીઝ બ્રોકરેજ ફર્મમાં જોબ કરી. આહીથી તેમને શેર માર્કેટનું ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમણે પ્રસન્ન પ્રાણજીવનદાસને પોતે શેર માર્કેટના જ્ઞાન માટે ગુરુ બનાવ્યા.

ઇસવીસન ૧૯૮૪માં હર્ષદ મહેતા બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)માં શેર બ્રોકર તરીકે જોડાયા. તેમને પોતાનું સ્વપ્ન પૂરું કર્યું “ગ્રો મોર રીસર્ચ અને એસેટ મેનેજમેન્ટ” નામની ફર્મ એટલે કે પોતાની ઓફીસ ખોલીને ! લગભગ ૧૦ વરસ સુધીમાં એટલે કે ૧૯૮૦થી ૧૯૯૦ સુધીમાં તો તેમણે બ્રોકર તરીકે નામ કાઢી લીધું અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જના એક સૌથી મોટાં શેર બ્રોકર બની ગયાં. આને જ લીધે બીઝનેસ ટુ ડેએ એમને શેરબજારના અમિતાભ બચ્ચન કહ્યા. ત્યાર પછી તેઓ ઇન્ડિયા ટુ ડે અને ઈલેસટ્રેટેડ વીકલી અને ધર્મયુગ જેવાં ઘણા પબ્લિકેશન્સ અને મેગેઝીન્સનાં કવર પેજમાં છવાયેલા રહ્યા. ઇસવીસન ૧૯૯૦ -૧૯૯૧માં મીડીયાએ તો એમને “ધ બીગ બુલ”નું બિરુદ આપી જ દીધું.

તેઓ એટલાં બધાં પૈસા કમાયા કે વર્ષમાં તેઓ ૩ વાર તો ફોરેન ટૂર કરતાં. તેઓ એક ઓરડા જેવાં ચાલીના ઘરમાં રહેતાં હતાં પહેલાં તેમણે દક્ષિણ મુંબઈમાં વરલીમાં એક ૧૫૦૦૦ સ્ક્વેરફૂટવાળું પેન્ટહાઉસ ખરીદ્યું કે જેમાં એક ખુબસુરત સ્વીમીંગ પૂલ અને ગોલ્ફ કોર્સ પણ હતાં . તેમને મડ આઈલેન્ડમાં વીકએન્ડ ગાળવા માટે એક ફાર્મ હાઉસ પણ ખરીદ્યું હતું. તેમને ઘણી મોંઘી લક્ઝરી કારો પણ ખરીદી હતી. જેમાં સ્ટારલેટ, ટોયોટા કોરોલા, ટોયોટા સેરા અને એનાજેવી ઘણી ઘણી કારો ખરીદી હતી જે માત્ર ઘણાં અમીર માણસો જ ખરીદી શકે એવી બાકી સામાન્ય માણસણને તેમાં બેસવું પણ પોસાય નહીં ખરીદવાની વાત તો દૂર રહી !

તેઓ નાની ઉમરમાં એટલે બધે આગળ નીકળી ગયાં હતાં કે હવે તેમને માત્ર વધારેને વધારે પૈસા જ દેખાતા હતાં. જે કોઈની પણ આંખમાં ખુંચે એ સ્વાભાવિક જ છે એટલે એમનાં ઘણાં દુશ્મનો ઉભા થયાં. વિદેશી નિવેશકારો , મૂડીવાદીઓ , કેટલાંક શેર બ્રોકરો, ભારતીય બેંકો અને ખુદ ભારતની સરકાર પણ. આ દસ બાર વર્ષોમાં ભારતમાં ઘણી સરકારો આવી અને ગઈ કારણકે તે બધી ગઠબંધનવાળી હતી. એ વાત જુદી છે કે સરકાર ઉથલાવવામાં અને સરકારનું ગઠન કરવામાં હર્ષદ મહેતા જ કરોડો રૂપિયા આપતાં હતાં. આજ વાત હર્ષદ મહેતાને નડી એ એવું માનવા લાગ્યા, કે હું છું તો સરકાર છે બાકી સરકાર કશું જ નથી. મારાં જ પૈસે સરકાર તાગડધીન્ના કરે છે અને સરકાર જ મને પૈસા જોઈએ તેટલાં પૈસા કમાવા દે છે. આવું ઘણી બધી જગ્યાએ બન્યું છે બનતું રહેવાનું છે. એકવાર સરકારનું નામ જાહેર કરવાની ભૂલ તેમને ભારે પડી, આને લીધે ભારતીય રીઝર્વ બેંક, ઇન્કમટેક્સ ખાતું, પ્રધાનમંત્રી અને કંઈ કેટલાય મંત્રીઓ તેમની પાછળ ખાઈ ખાપુચીને લાગી ગયાં હતાં.

રીઝર્વબેંક એ માટે પાછળ પડી કે આટલાં બધાં શેર ખરીદવા માટે એમની પાસે પૈસા એટલે કે ફંડ આવે છે ક્યાંથી ? કોણ એમને પૈસા ધીરે છે આટલાં બધાં ? શંકાની સોય તો અન્ડરવર્લ્ડ તરફ પણ દોરાઈ હતી. પણ એમાં તો કશો ભલીવાર આવ્યો નહીં ! આખરે એક મહિલા પત્રકાર સુચેતા દલાલે અને તેનાં સાથી મિત્ર દેબાશીષ બાસુએ ગહન ઇન્વેસ્ટીગેશન કરતાં માલુમ પડયું કે – આ તો બેંક રસીદનું કૌભાંડ છે. પછી રિઝર્વ બેંક અને સરકારે આખી તપાસ CBIણે સોંપી અને આખરે હર્ષદ મહેતા પર ૭૦ જેટલાં ચાર્જીસ લગાડયા તેઓ મર્યા ત્યારે તેમનાં પર ૧૪થી ૨૭ જેટલાં કેસ બાકી હતાં. હર્ષદ મહેતા મર્યા ત્યારે તેમની ઉમર માત્ર ૪૭ વરસની જ હતી
તેમનું અવસાન જેલમાંથી હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ થયું હતું. આ તારીખ હતી ૩૧મી ડિસેમ્બર ૨૦૦૧. આખો દેશ જ્યારે પાર્ટી અને દારૂના દ્નાશામાં ગળાડૂબ હતો ત્યારે એમના અવસાનની નોંધ પણ સરખી રીતે કોઈએ નહોતી લીધી. તેઓ મર્યા ત્યારે તેમની પાસે પત્ની અને કુટુંબીજનો સિવાય કોઈએ નહોતું. જે સામાન્ય માણસોને તેમને શેરબજારની તેજીમાં અમીર બનાવ્યા હતાં તેઓ તેમનાં અંતિમ દર્શન માટે ફરક્યાં સુધ્ધાં નહોતાં !

હર્ષદ મહેતાની કૌટુંબિક વિગતો :-

પિતા – શાંતિલાલ મહેતા
માતા – રસીલાબેન મહેતા
પુત્ર – અતુલ મહેતા
પત્ની – જ્યોતિ મહેતા
ભાઈઓ – અશ્વિન મહેતા, હિતેશ મહેતા અને સુધીર મહેતા

કૌભાંડની વાત આપણે પછી કરશું પણ એ પહેલાં આ સ્કેમ -૯૨ સિરિયલ વિષે વાત કરી લઈએ

સ્કેમ ૯૨ની વાર્તા :-

ઉપર જણાવેલી બધી જ વિગતો આ સીરીયલમાં વણી લેવામાં આવી જ છે. હર્ષદ મહેતાનો એક જ ભાઈ અશ્વિન મહેતા આમાં બતાવવમાં આવ્યો છે તો હર્ષદ મહેતાના ખાસ મિત્ર ભૂષણ ભટ્ટની વાત આમાં નવી છે. એમની ભાભીઓ પણ આમાં જ દર્શાવાઈ છે છોકરાં એટલે કે પુત્રો બે બતાવ્યા છે. વાર્તા બહુ જ ટૂંકાણમાં કહું તો, શરૂઆત એક ઓરડામાં રહેતાં હર્ષદ મહેતાના કુટુંબથી શરુ થાય છે. હર્ષદ મહેતાને કોઇપણ રીતે દલાલ સ્ટ્રીટમાં ઓફીસ લેવી હતી અનેમાં પગપેસારો કરવો હતો. એક બ્રોકરને તે દિવસમાં ૨૫૦૦૦ કમાવી આપે છે. આનાથી હર્ષદ મહેતામાં મહત્વાકાંક્ષા જાગે છે અને એને એક સારો અને સાચો મિત્ર મળે છે, ભૂષણ ભટ્ટ. પછી તેઓ સાથે મળીને ગ્રોમોર નામની ફરમ સ્થાપે છે. શેરબજારમાં ટીપ્સ બહુ મહત્વની હોય છે, એ આપોઆપ મળતી નથી એ માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. એમાં જ નામ આવે છે પ્રીમિયર ઓટો, ઝુઆરી એગ્રો, એપોલો ટાયર્સ અને ACC સિમેન્ટસ. આ બધાનાં ભાવ વધારવા હોય તો પુષ્કળ પૈસા જોઈએ તે માટે હર્ષદ મહેતા બેંકો પાસે ધા નાંખે છે એનક રસીદને નામે પૈસા લે છે અને તેમાંથી બધાં પૈસા તે શેરો ખરીદવા પાછળ વાપરે છે અને ખરીદ્યા પછી તેનાં ભાવો વધારીને તેની ટીપ્સ ગ્રાહકોને આપી તેમને માલામાલ કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પત્રકાર સુચેતા દલાલ આ શું ચાલી રહ્યું છે તેની તપાસ કરીને આખરે સાચી વસ્તુ શું બની હતી એનો પર્દાફરાશ કરે છે. સાથો સાથ રીઝર્વબેંકના ગવર્નર એસ વેંકટરામનન (અંનત મહાદેવન ) પણ હર્ષદ મહેતા પાછળ ખાઈ ખાપુછીને પાછળ પડયા છે આ કલાકારનું કામ કાબિલે તારિફ છે. એનાં સંવાદો અને એની તપાસ પણ જોરદાર અને ચોટદાર છે.

હર્ષદ મહેતા પોતાની પત્ની સાથે અને કુટુંબ સાથે વરલીના પેન્ટ હાઉસમાં શિફ્ટ થઇ જાય છે. એક વાર તેઓ સહકુટુંબ તાજ જેવી મોંઘી હોટેલમાં જમવા પણ જાય છે. આ પછી તેઓ તેમની પત્નીને ફોરેન ટુર કરાવે છે છોકરાઓને ભણાવે છે અને સૌ આનંદથી રહે છે. મનુ મારફતિયા ( સતીશ કૌશિક) જેવાં શેરબજારના જુના જોગીનો રોષ પણ હર્ષદ મહેતાએ વેઠવો પડયો છે, તો બેંક ઓફ અમેરિકાના ટ્રેઝરી ચીફ બનતા કલાકાર ઐયાઝ ખાનનો પણ સામનો પણ હર્ષદ મહેતાએ કરવો પડયો છે. આ સિવાય ઘણા બધનો રોષ વેઠવો પડયો છે હર્ષદ મહેતાએ. આખરે જયારે CBIને તાપસ સોંપાય છે ત્યારે CBIના જોઈન્ટ ડાયરેક્ટર કે માધવન (રજત કપૂર) અને હર્ષદ મહેતા વચ્ચે સંઘર્ષ જામે છે. વચ્ચે વચ્ચે ઇન્કમટેક્સની પણ રેડ પડે છે તેમાંથી હર્ષદ મહેતા કુશળતાપૂર્વક બચી જાય છે. પછી અંતે CBIની રેડ પડે છે તેમાંથી હર્ષદ મહેતા છટકી નથી શકતો અને તેણે સેબી દ્વારા શેર માર્કેટના બ્રોકર તરીકે રોક લગાવી તેને ગિરફ્તાર કરે છે. કોર્ટમાં રજુ કરાય છે બેલ ૭ દિવસમાં મળી જશે એમ કહી બેલ મળતાં ૧૧૧ દિવસ લાગી જાય છે. ફરી પાછાં હર્ષદ મહેતા બહાર આવી પોતાનું કાર્ય શરુ કરે છે, પણ પ્રધાનમંત્રીના નામનો ઉલેખ કરી ઉલમાંથી ચૂલમાં પડી જાય છે.
ફરી પાછી જેલ થાય છે, હર્ષદ મહેતાનો કેસ સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ શ્રી રામ જેઠ મલાની લડતાં હોય છે તેઓએ તો CBI પર રીતસરની નોટીસ પણ ફટકારી દીધી. પણ તોય હર્ષદ મહેતાને જેલમાંથી બહાર નાં કાઢી શક્યાં. અંતે ૩૧ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ હર્ષદ મહેતા હ્રદયરોગના હુમલાથી અવસાન પામે છે !

હર્ષદ મહેતા તરીકે પ્રતિક ગાંધી :-

કોઈ ક્રાઈમ થ્રિલર જોતાં હોઈએ એટલી સરસ છે આ વેબસીરીઝ સ્કેમ- ૯૨. જેની સંપૂર્ણ સફળતાનો યશ હર્ષદ મહેતા બનતાં કલાકાર પ્રતિક ગાંધીને આપવો ઘટે. પ્રતિક ગાંધીનો આત્મવિશ્વાસ અને એની મહત્વાકાંક્ષાને આબેહૂબ રજુ કરાઈ છે પ્રતિક ગાંધીએ આ સીરીઝમાં પોતાનો જાન રેડયો છે અને એટલે જ એને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે જે સંપૂર્ણપણે વ્યાજબી જ છે. પોતાના ઘરમાં ઇન્કમટેક્સના અધિકારીઓ સાથેની વાતચીત કે પોતાની ઓફિસમાં ફંડ એકત્રિત કરવાં માટેની તેની ગોઠવણો અને CBI સાથેની તેની વાતચીત તથા પત્ની સાથેની તેની વાતચીત, મોંઘી કારો ખરીદતા હર્ષદ મહેતા કે સ્વીમીંગ પુલમાં ન્હાતાં ન્હાતાં ફોન પર વાતો કરતાં હર્ષદ મહેતાની જાહોજલાલી વર્ણવવા માટે પૂરતાં છે. પ્રતિક ગાંધીનું જમા પાસું તેની લાજવાબ એક્ટિંગ અને એનાં ચહેરા પરનાં હાવભાવ છે ! હેટસ ઓફ પ્રતિક ગાંધી. વેલડન પ્રતિક વેલડન !

હર્ષદ મહેતા કૌભાંડ :-

મહેતા બેન્ક-૧ (બેંક જે તેમની સિક્યોરિટીઝ વેચવા માંગે છે) તેનો સંપર્ક કરશે. અને તેમને થોડો સમય આપવા માટે પૂછ્શે જેથી તે અન્ય બેંકો શોધી શકે જે સિક્યોરિટીઝ ખરીદવા માંગે છે. હવે આ વખતે હર્ષદ મહેતાએ બ્રોકર તરીકે બેંક-૨(બેંક જે સિક્યોરિટીઝ ખરીદવા માંગે છે) નો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તેઓ તેમને જરૂરી સિક્યોરિટીઝ આપશે અને તે સિક્યોરિટીઝને તેમના નામમાં ચેક રજૂ કરશે. અહીં આ કિસ્સામાં, મહેતાએ કેટલાક સમય માટે પૂછ્યું. (નોંધ: આરબીઆઇ માર્ગદર્શિકા અનુસાર, કોઈ બેંક બ્રોકરના નામ પર ચેક આપી શકશે નહીં. ધિરાણ બેંકને ધિરાણ બેંકના નામ પર ચેક રજૂ કરવો પડશે. પરંતુ આ કૌભાંડમાં, બેંકોએ હર્ષદ મહેતાના નામે ચેક જારી કરી (આ આ કૌભાંડનો એક મોટો હિસ્સો હતો) તેથી, મહેતાને કેવી રીતે ફાયદો થયો? શું તમને ખબર છે ખરી કે મહેતાએ બેંકને વધારાના સમય માટે પૂછ્યું? આ સમયે હર્ષદ મહેતાએ બેંક પાસેથી પૈસા શેરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યું હતું. તેમણે એસીસી , વિડિયોકોન, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જેવી કેટલીક કંપનીઓના શેરને પસંદ કર્યા અને ફક્ત તે શેરોને વધુ માત્રામાં ખરીદયા, આમ નાટકીય રીતે શેરની માંગમાં વધારો કર્યો. તે પછી તે શેર્સને વેચે છે અને પૈસાને બેંકમાં પાછાં આપે છે અને સાથોસાથ પોતે પુષ્કળ નફો કરે છે. પરંતુ જ્યારે બેંક-૧ તેમની સિક્યોરિટીઝના પૈસા માંગે છે, ત્યારે હર્ષદ મહેતા અન્ય બેંક-૩નો સંપર્ક કરે છે જે સિક્યોરિટીઝ ખરીદવા માંગે છે અને બેંક-૩ના પૈસાથી, તે તેને બેંક-૧ને આપે છે. તે વિવિધ બેંકોનો સંપર્ક કરતો હતો જે તેમની સિક્યોરિટીઝ ખરીદવા અથવા વેચવા માંગે છે. તેણે આ બેંકો સાથે બેંક-૧, બેંક-૨ અને બેંક-૩ સાથે સમાન વસ્તુ કરી હતી, તેથી તેણે આને સાંકળ તરીકે ઉપયોગ કર્યો. પરંતુ પૈસાની તેમની ઇચ્છા સમાપ્તિનું નામ લેતી નથી. તે વધુ લોભી બન્યો અને વધુ પૈસા માંગતો હતો. તેથી, તેણે આ કૌભાંડને આગલા સ્તર પર પ્રયાણ કર્યું. તેમણે બેંકોનો સંપર્ક કર્યો જેઓ નકલી બેંકની રસીદ (બીઆર રસીદ) છાપવામાં તેમને મદદ કરવા તૈયાર હતા. આ હતું નકલી રસીદ કૌભાંડ !

જ્યારે કોઈ બેંક સિક્યોરિટીઝ વેચે છે, ત્યારે તેઓ વાસ્તવમાં બેંકને બેંક રસીદ (બીઆર રસીદ) આપે છે જે સિક્યોરિટીઝ ખરીદે છે જે બેંકને સિક્યોરિટીઝની વેચાણની પુષ્ટિ કરે છે. હવે, જ્યારે કોઈ બેંક કેટલીક સિક્યોરિટીઝ માંગે છે, ત્યારે મહેતા તેને નકલી બેંક રસીદ આપે છે અને પરત ફરવાથી બેંકને બેંક સિક્યોરિટીઝ મળી છે
અને તે પૈસાની મદદથી, તેમણે શેરબજારમાં ભારે રોકાણ કર્યું અને આના કારણે, પૈસાના શેરના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો. જ્યારે શેરબજાર તેના શિખર સુધી પહોંચે છે, ત્યારે હર્ષદ મહેતા તેના પોતાના શેરને અને પોતાનો નફો રાખે છે અને નાણાંને પૈસા આપે છે, અને પછી તેના નકલી બીઆરને પાછી લઇ લે છે. તેમણે એસીસી શેરમાં એટલું ભારે રોકાણ કર્યું કે એસીસી શેરનો શેર ભાવ ફક્ત 3 મહિનામાં 200 રૂપિયાથી વધીને 9,000 રૂપિયા થયો હતો. આ ખૂબ જ લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો, પરંતુ જ્યારે રીંછ રન થયો ત્યારે શેરના ભાવમાં ઘટાડો થયો અને હર્ષદ મહેતા પૈસા ગુમાવ્યાં અને તે પૈસાને બેંકમાં પાછો આપી શક્યો નહીં.

👉 ૨૩ એપ્રિલ ૧૯૯૨ ના રોજ સુચેતા દલાલ કોલમ એડિટર ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ટાઇમ્સમાં આ કૌભાંડનો પર્દાફરાશ અને પછી બેંક જાણવા મળ્યું કે તેમની બેંકની રસીદો નકલી છે જેમાં કોઈ મૂલ્ય નથી અને બદલામાં હર્ષદ મહેતાએ દોસ્તીના કરોડોનીની કમાણી કરી હતી.

👉 બેન્કિંગ સિસ્ટમમાં આશરે ૩૫૦૦ કરોડનુંથી ૪૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે આ કૌભાંડનો ખુલાસો થયો ત્યારે શેરબજારને ક્રેશ થયું, અને ઘણા રોકાણકારોએ તેમનાં પૈસા ગુમાવ્યા

👉 વિજયા બેંકના ચેરમેને એક મોટી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી, કારણ કે તેણે હર્ષદ મહેતાના નામ પર ભારે રકમ જારી કરી હતી. ઘણી બેંકોએ હર્ષદને તેમના પૈસા પાછા માટે પૂછ્યું, પરંતુ રીંછના રનને લીધે, હર્ષદ તેમના પૈસા પાછા આપી શક્યા નહીં.

👉 ૯ નવેમ્બર, ૧૯૯૨ના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) હર્ષદ મહેતાને ધરપકડ કરી. તેમને ૬૦૦ સિવિલ ઍક્શન સુટ્સ અને ૭૦ ફોજદારી કેસોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ને સ્ટોક માર્કેટમાં કાયમી ટ્રેડિંગથી પણ પ્રતિબંધિત કર્યા હતાં

👉 પરંતુ 3 મહિનાની જેલ થયાં પછી, તેને જેલમાંથી છોડવામાં આવ્યો હતો, પરંતુ ૧૯૯૭માં તેને ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને થાણે જેલમાં પૂરવામાં આવ્યો હતો

👉 ૩૧ ડિસેમ્બર ૨૦૦૧ના ના રોજ, જ્યારે દરેક જણ નવા વર્ષની ઉજવણી કરતો હતો, ત્યારે તેણે તેના છાતીમાં દુખાવો ઉપડયાની ફરિયાદ કરી હતી અને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ તેમણે જીવન સામે લડત હારી અને તેઓ મૃત્યુ પામ્યા

👉 તેમના મૃત્યુ પહેલાં, ૨૭ ફોજદારી કેસોમાંથી, તેને ફક્ત ચાર કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો.

👉 સીરીઝ વિષે વાત કરીએ તો એ બધીજ રીતે સારી છે કોઈ મસ્ત ક્રાઈમ થ્રિલર જોતાં હોઈએ એવી જ છે. જે એની પકડ ક્યારેય ગુમાવતી નથી. વારંવાર જોવી ગમે તેવી જ છે પણ એક જ ખામી છે તેમાં તે એ કે એમાં પુષ્કળ ગાળો આવે છે શું હર્ષદ મહેતાના મોઢામાંથી શું CBI ઓફિસરના મોઢામાંથી કે શું અશ્વિન મહેતાના મોઢામાંથી કે શું ભૂષણ ભટ્ટનાં મોઢામાંથી !
આ સીરીઝ જો કોઈએ ના જોઈ હોય તો ખાસ જોજો પણ એકલાં સહકુટુંબ નહીં જ !

👉 એક વાત મારે ખાસ કહેવી છે કે — શું કામ આવા પુસ્તકો કે કૌભાંડો પર વારંવાર એક જ વિષય પર ફિલ્મો કે સીરીઝો બને છે જયારે ગુજ્રરાતના ભારતના ઈતિહાસ કે શૌર્યગાથાઓ પર એકેય સીરીઝ કે ફિલ્મો કેમ નથી બનતી. આપણે નવી પેઢીને સંસ્કાર ભારતીય સંસ્કૃતિનાં આપવાના છે નહીં કે ખલનાયકો અને કૌભાંડોના !
વાત કડવી છે પણ પચાવવી તો પડશે જ !

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.