Gujarati

એક અછાંદસ સંવાદ

તમે ; આટલી વહેલી સવારે ક્યા ચાલી ?
હું ; આજે મોર્નીગ ક્લાસ છે વહેલા જવાનું છે
તમે ; કોલેજમાં આટલા વહેલા ક્લાસ હોય ખરા? હું તારાથી મોટો ખરો પણ અમારા વખતમાં આવા ક્લાસ નહોતા.
હું ; હા પણ પંદર વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે… હું હસીને બોલી
તમે ; ભલે જે હોય તે પણ આટલી વહેલી તારો ચમકતો ચહેરો લઈને બહાર ના નીકળ
હું ; કેમ ભલા?
તમે; ખુદ સુરજ પણ ગોટે ચડે છે કે આજે મારે બદલે કોણ ઉગી આવ્યું ?
હું ; શું તમે પણ………………

હું ; અરે તમે કેટલા વર્ષે મળ્યા ?તે પણ આમ અંતરીયાત સ્ટેશન ઉપર , હું તો પહેલા તમને ઓળખીજ ના શકી ?
તમે ; હા લગભગ પચ્ચીસ વર્ષ પછી.. પણ હું તો ઓળખી ગયો તું હજુ પણ પેલા સુરજ જેવીજ લાગે છે, બસ ફર્ક એટલોકે હવે શિયાળાનો પૂર્ણ પ્રકાશિત.
હું ; અને તમે સાવ બદલાએલા લાગો છો, તમારા ચહેરામાં અને વાળમાં ઝાંખપ લાગે છે
તમે ; હા હું હવે વનમાં આવ્યો ને એટલે એવું લાગતું હશે , ત્યાની આબોહવા જરા જુદી હોય છે, માણસની પ્રકૃતિ બદલી નાખે છે
હું ; જોજો વનમાં સંન્યાસી ના બની જતા
તમે ; વનમાં પ્રવેશે ઝાઝો સમય નથી ગયો ને થોડા થોડા અંતરે વસ્તી અને સ્ટેશન આવતા રહે છે
હું ; બસ તો આમ મળતા રહેજો
તમે ; હા જ્યાં સુધી સ્ટેશન આવશે મળીશું પછી સાભળ્યું છે અંદર તો ઘેરું અંધારું હશે, કોઈ આચાર વિચાર માટેનો માર્ગ પણ નથી .. તે ફિક્કું હસ્યા

“જ્યાં સુધી જીવનમાં સ્ટેશનો આવ્યા કરે છે ત્યાં સુધી ગમતા અણગમતા ચહેરા મળતા રહેશે પણ વનમાં ઊંડા ઉતરતા જાવ તેમ પડાવ ઘટતા જાય છે અને આવા સ્ટેશનો પણ ઓછા થતા જાય છે, ત્યારે માત્ર યાદો સાથ આપે છે….
બસ ક્યારેક યાદોમાં પણ સાથ આપતી રહેજે”
આવજે કહી તેમણે સ્નેહપૂર્વક હાથ હલાવ્યો”

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.