Gujarati Writers Space

એક સમયે ગમતું થોડા, પછી નડતું કેમ હોય છે

મુદ્દા પર આવતા એક ફિલ્મની નાની એવી વાત…
એ ફિલ્મ એટલે મિસ્ટર બેચારા… અનીલ કપૂર, શ્રી દેવી, નાગાર્જુન અભિનીત… આ ફિલ્મમાં છેલ્લા છેલ્લા સંવાદોમાં અનુપમ ખેર અનીલ કપૂર ને ખુબ જ સરસ પ્રશ્ન પૂછે છે અનુપમ ખેર કહે છે કે “તારી માતાનો સ્વર્ગવાસ થયો તો, ત્યારે તું જેવું અને જેટલું રડ્યો હતો તેવું જ ને તેટલું જ આજે ને અત્યારે રડી ને બતાવ.”

કહેવાનો મર્મ એટલો જ કે જે વસ્તુ, સંબંધ, સમય કે સંજોગમાં આપણે જેટલા દુઃખી કે ખુશ હોઈએ છીએ, સમય જતા એના માટે એટલી જ તિવ્રતા કેમ રહેતી નથી

આમ કહું તો હું ફિલ્મો માત્ર સંવાદો માટે જ જોઉં છું. ઘણી ડાયરીમાં માત્ર ફિલ્મોના સંવાદોનું કલેક્શન જ કર્યું છે. અમુક સંવાદોમાં ખરેખર સુંદર મર્મ છુપાયેલા હોય છે.

આપણો માનવ સહજ સ્વભાવ કહો કે કુદરતની પરિવર્તન પ્રક્રિયા…નાની નાની વાતોમાંથી ક્યારેક આવા વિચારો આવે. ખરેખર, લખવાનું હતું, જૂની ને જાણીતી વસ્તુઓ પર… કારણ કે, વેકેશનમાં જુના ફોટોગ્રાફ્સ જોયા અને થયું કે બધું જ કલેક્શન સ્કેન કરીને ડીજીટલાઈઝડ કરી લેપટોપમાં લઈ લઉં. અને પછી આ વિચાર જન્મ્યો.. એક સમયે ફોટોગ્રાફ્સ માટે કેવું કરતા ફોટો પડાવો, પછી સ્ટુડિયોમાં ફોટાનો રોલ આપવાનો, ૨-૩ દિવસ પછી ફોટા રેડી થાય.. અને ત્યાં સુધી ચેન ના પડે.. એ જ ફોટોગ્રાફ્સ હવે આજે નડતરરૂપ બનવા લાગ્યા છે.

હમણાં જ દીકરીના બુક્સને કવર ચડાવતા એની એક્સાયટમેન્ટ જોતા, વળી આ વિચાર યાદ આવ્યો કે આજે જે કીમતી છે તે વર્ષના અંત પછી નડતરરૂપ લાગશે. મને યાદ છે હું મારી બુક્સ મારી પાડોશીને આપતી, અમે એક ધોરણ આગળ-પાછળ હતા. અને એ મારી પાસેથી જ લઇ જતી, એના માટે મારી પુસ્તકો લક્કી હતી. પણ મારું વર્ષ પૂરું થતા મારે તો કાઢવાની જ હતી.

આવું જ દરેક બાબતે, જે જીદ કરીને, બે દિવસ અબોલા પાળીને કે એક દિવસ ભૂખ્યા રહીને, સાયકલ, સ્કુટર, મોબાઈલ કે અન્ય કોઈ ગમતી વસ્તુ આપણા મમ્મી-પપ્પા પાસે લેવડાવી હોય, થોડા સમય સુધી તો તેની કેટલી કાળજી લેતા હોઈએ કે ધ્યાન રાખતા હોઈએ, પણ પછી વખત જતા આ જ ગમતી વસ્તુ નડતરરૂપ કે બિનઉપયોગી લાગે અથવા તો પસંદગીની તીવ્રતા ઘટી જાય. અને એ વસ્તુને આપણે આપણાંથી અલગ પણ કરી દઈએ છીએ. એક સમયે જે અતિપ્રિય હોય, તે જ સમય જતા આપણને બોરિંગ કે વેસ્ટેજ લાગે છે.

હોલીવુડમાં ઘણી ફિલ્મો આવી બને છે… ટોયઝ સ્ટોરી…નાઈટ એટ ધ મ્યુઝીયમ… આ બધી ફિલ્મોમાં આ વસ્તુઓનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. વસ્તુને પણ કેવો આપણી સાથે લગાવ થઈ જાય છે. એક સંબંધ બંધાય જાય છે. મને યાદ છે જયારે હું કોલેજમાં ભણતી ત્યારે મારું નામ બોલવામાં અઘરું એટલે બધા મને વાઈટ સ્કુટીવાળી છોકરી કહેતા. એ સ્કુટી મારી ઓળખ હતી.

વસ્તુઓ સુધી ઠીક છે. પણ સંબંધો અને વિચારોમાં પણ ક્યારેક એવું બને છે. બાળપણમાં મમ્મી-પપ્પા જ આપણું સર્વસ્વ હોય, સમય જતા મિત્રો અને પછી જીવનસાથી આપણી ફસ્ટ પ્રાયોરીટી બની જાય. વળી, અહિયાં પણ વિરામ તો ન જ આવે. તે પછી પણ સંતાન અને પછી તેના સંતાન. આપણી પસંદગી કે પ્રાયોરીટી બદલાતી જ રહે છે અને એટલે જ આપણને એક વખત ગમતું પછી કામ વગરનું થઈ જાય છે., બની જાય છે. બાળકનો જન્મ હોય કે દામ્પત્ય જીવન કે પછી કોઈ સ્વજનનું મૃત્યુ… જીવનના દરેક પ્રસંગો કે સંબંધો પ્રત્યેની લાગણી કાળક્રમે બદલાતી રહે છે.

એક વાર્તા હમણાં વ્હોટસ એપ પર વાંચી….

માતા-પિતાના અકસ્માત બાદ દાદાએ પૌત્રનો ઉછેર કર્યો. તેની દેખભાળ કરી, ભણાવ્યો, ગણાવ્યો, લાયક બનાવ્યો અને પછી પરણાવ્યો. પૌત્રને પણ દાદા પ્રત્યે અતિશય પ્રેમ. પરંતુ, થોડા સમય પછી તેમની પત્ની ના કહેવાથી એ જ પ્રિય દાદાજીને ગામડે જવા પૌત્ર એ સલાહ આપી…

આવું દરેક જગ્યાએ સંબંધોમાં બને છે… ઘણા પુરુષો આજે પણ તેમની માં અને પત્નીમાં પીસાતા જોવા મળે છે. ક્યારેક પત્ની અને દીકરી… તો ક્યારેક બહેન અને પત્ની… સંબંધો ભલે જુદા હોય… અર્થ એક જ છે.

આવું જ વિચારોમાં પણ છે.. એક સમયે આપણને ગમતો વિચાર હવે આપણા પર એવો હાવી થઈ જાય કે આપણે તેનાથી છૂટવાનો કોઈક માર્ગ શોધતા હોઈએ.

કદાચ આપણા માનવ સહજ મનની પ્રકૃતિ જ એવી હશે… ક્યારેય ઈચ્છા તૃપ્ત જ ન થાય… એક વસ્તુ, સંબંધ કે વિચાર જ્યાં સુધી ન મળે કે ફળીભૂત ન થાય, ત્યાં સુધી તેના માટે તીવ્રતા રહ્યા કરે, જેવી એ મળીને ઈચ્છા તૃપ્ત થાય એટલે એની કીમત પૂરી. વળી, નવી ઈચ્છા ને નવી વસ્તુ, સંબંધ કે વિચારોની ખોજમાં…

જુનું થાય તો જ નવું આવે સાચું પણ અમુક ગમતી વસ્તુઓ એવી હોય જે આપણે આજ સુધી સાચવી રાખી હોય. ખેર, વસ્તુઓ સુધી તો ઠીક પણ લાગણીઓ અને સંબંધો કે વિચારોનું શું જીવનમાં અમુક વખતે આપણે એટલા આગળ નીકળી જઈએ છીએ કે અમુક સંબંધો સહજતાથી જાણ્યે-અજાણ્યે દૂર થઈ જાય છે. ક્યારેક આપણને તો ક્યારેક સામે પક્ષે એકબીજાને એક સમયે ગમતા અચાનક નડતરરૂપ લાગવા લાગીએ છીએ. સંબંધોના સમીકરણોમાં પણ એક સમયે ગમતું આખરે નડતું કેમ બની જાય છે

આવા કેટલાય ઉદાહરણો આપણી આસપાસ જોવા મળશે. વસ્તુ હોય કે સંબંધ નવીનતા જરૂરી છે પણ જૂના કે પુરાતનને ખોવાની ભૂલ શું યોગ્ય છે

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૫ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.