Gujarati Writers Space

આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ

રસ્કિન બૉન્ડ એક સ્કૂલમાં પોતાની બુક રસ્ટિના પરાક્રમ પર ઓટોગ્રાફ આપતા હતા. બાળકો ખુશ હતા. એવામાં એક બાળકે રસ્કિન બૉન્ડને પૂછ્યું, ‘દાદા, આ રસ્ટિ એ તમે જ છો ને…?’ રસ્કિન બોન્ડ હસવા લાગેલા. પછી બાળકોએ ઓફર કરી કે પ્લીઝ તમારા નામની જગ્યાએ રસ્ટિના નામથી ઓટોગ્રાફ આપજો. અને રસ્કિન બૉન્ડે પોતાના નામની જગ્યાએ રસ્ટિના નામથી ઓટોગ્રાફ આપ્યા.

રસ્કિન અને તે પહેલા કે તેની સમકક્ષ ગણી શકાય તેવા આર.કે નારાયણ. નારાયણ પાસે તેનું માલગુડી ટાઉન છે. જે ડિરેક્ટર શંકર નાગે માલગુડી ડેઝમાં ઉતાર્યું હતું. ગામની વચ્ચોવચ મોટું પુતળું. દેડાકા ગાડીઓ રખડતી હોય. છોકરાઓ ખાદીના વસ્ત્રો પહેરી આટા મારતા હોય. ગામમાં એક નદી. જ્યાં સ્ત્રીઓ કપડાં ધોતી નજર ચઢે. પુરૂષો નહાતા હોય. છોકરા ભફાંગ કરતા કુદકા મારતા હોય. માલગુડી ગામની નજીક કુંભક ગામ. જે માલગુડી કરતા પ્રસિદ્ધ હોવાનું નારાયણ પોતાની બુક સ્વામી એન્ડ ફ્રેન્ડસમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે. મદ્રાસ તો માલગુડી માટે અમેરિકા સમાન ! ત્યાં જવાના લોક માત્ર સપનાઓ જોતા હતા.

આર.કે નારાયણે સ્વામી એન્ડ ફ્રેન્ડસ, બેચલર ઓફ આર્ટસ અને ધ ઇંગ્લીશ ટીચર નામની ટ્રાયોલોજી લખી. કોને ખબર કે આ ટ્રાયોલોજી છે ? સ્વામી એન્ડ ફ્રેન્ડસ સમયે ભારત કેદમાં છે. સ્વતંત્રતાની લડાઇ ચાલી રહી છે. ત્રણ મિત્રો. સ્વામી પોતે, મણી અને રાજન. છેલ્લે રાજન જે ડીએસપીનો છોકરો છે તે ચાલ્યો જાય છે. મણી અને સ્વામી માલગુડીમાં એકલા રહી જાય છે. પછી સ્વામીનું શું થયું તે આર.કે નારાયણને ખબર. ટ્રેનને જતી જોઇને હવે સ્વામીના જીવનમાં ક્યા ઉતાર ચઢાવ આવ્યા હશે. સોરી… નારાયણ પોતે જ સ્વામી છે, તો નારાયણે પોતાના મિત્રના ગયા પછી શું થયુ હશે તેના વિચારમાં તે ઉભો રહી જાય છે, પણ આ વિચારોમાં તે એકલો નથી. તેનો પાક્કો મિત્ર મણી પણ ત્યાંજ ઉભો છે. તે આ રૂદન પ્રસંગમાં સહભાગી બનવા માટે સ્વામીના ખભ્ભા પર હાથ રાખી દે છે. સ્વામી એન્ડ ફ્રેન્ડસ પૂરી થાય છે. સ્કૂલની મસ્તી. એમસીસી ક્રિકેટ કલ્બની સ્થાપના. પિતાજીની ડાંટ, દાદીનું કોમળ હ્રદય, માતાની લાગણી, મિત્રોનો પ્રેમ અને માસ્તરો સાથેની દુશ્મની. પણ માલગુડીમાં આ પછી એક ઓર વાર્તા આકાર લે છે, તેનું નામ છે ધ વેન્ડર ઓફ સ્વીટ્સ. ગુજરાતીમાં મીઠાઇવાળો.

~ તેનું નામ છે જગન્નાથ. પત્નીએ એક બાળક આપી માંદગીના કારણે વિદાય લીધી છે. પુત્રનું નામ છે માલી જેને તે અનહદ પ્રેમ કરે છે. માલીની માતાના ગયા પછી જગન્નાથ કોઇ દિવસ માલીને વઢતા નથી. મીઠાઇની દુકાને વધારે ભાવ લઇ ગ્રાહકોને લૂંટે છે. ગાંધી વિચારોમાં માને છે. રાત્રે એક હજારનો વકરો કરી ટેક્સ ન ભરવો પડે એટલે પૈસા ખાનગી જગ્યાએ સંતાડી દે છે. વર્ષોથી આવુ કરતા આવ્યા છે. પણ હવે માલી મોટો થયો છે. તેને રાઇટર બનવું છે. પિતા પણ છેલ્લા કેટલાય સમયથી પ્રકાશકની દુકાને ધક્કા ખાતા હોય છે. જગન્નાથે પોતાની પ્રત પ્રકાશકને આપી હોય છે, જે ક્યારે છાપે ?

માલી ભણવામાંથી ઉઠી જાય છે. પિતાના પૈસા ચોરી તેની પીઠ પાછળ અમેરિકા ચાલ્યો જાય છે. અમેરિકાથી પાછો આવે છે ત્યારે તે બદલાઇ ગયો છે. તેના શરીરમાં પરિવર્તન આવ્યુ છે અને સાથે હોય છે જગન્નાથની વહુ ગ્રેસ.

ગ્રેસના કારણે જગન્નાથના નજીકના સંબંધીઓ તેની સાથેનો તાલુક્કાત તોડી નાખે છે. દિકરાને હવે બીઝનેસ ખોલવો છે. અમેરિકાથી તે એક રાઇટિંગ મશીન લઇ આવ્યો છે. જેમાં ચાપ દબાવો અને જે પ્રકારની નવલકથા વિશે વિચારો તે લખાઇ જાય. આ માટે દિકરો પિતા પાસે 50,000 ડૉલર માગે છે, પણ પિતા આપતા નથી. તેનો બ્રાહ્મણ મિત્ર નહરસિંમ્હા કહે છે, 50,000 એટલે બે લાખ જેવુ થયું.

દિકરો પિતા સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરે છે. દિકરાના દિલમાં શું ચાલે છે તે નરસિંમ્હાને કહેડાવી જગન્નાથ સાંભળતા હોય છે. પણ એક દિવસ દિકરો દારૂ પિતા પોલીસના હાથે પકડાઇ છે. એ સમયે જગન્નાથજી પોતાના પુરખોનું ઘર છોડી જતા હોય છે. દિકરાની જમાનત માટે તે બ્રાહ્મણને 2000 રૂપિયા આપે છે. અને કહે છે, તે સંસારનો ત્યાગ કરી દૂર જવા માગે છે. નરસિમ્હા બ્રાહ્મણ તેને પૂછે છે,‘તારા વિના આ બધુ કેમ ચાલશે ?’

જગન્નાથનો જવાબ હોય છે,‘મહાન વ્યક્તિનું મૃત્યુ થવાથી કે તેનું હાર્ટ ફેલ થવાથી દુનિયા ઉભી નથી રહી જતી. મારૂ પણ હાર્ટ ફેલ થયુ છે.’

~ આર.કે.નારાયણને માલગુડીની વાર્તાઓ માટે જગતભરમાં ઓળખવામાં આવે છે. અલબત એ માલગુડીની વાર્તાઓની શૈલી તેમણે ગ્રેહામ ગ્રીન પાસેથી ઉધાર લીધેલી હતી. પણ ઇંગ્લેન્ડના અભ્યાસુઓ પાસે જ્યારે સ્વામી એન્ડ ફ્રેન્ડસની પ્રથમ પ્રત ગઇ તો તેઓ ખુશ થઇ ગયા. ગ્રેહામ ગ્રીન સ્ટાઇલ જોઇ તેમણે આ પુસ્તકને છાપવાનું અઠંગ મન બનાવી લીધેલું. એ માલગુડીમાં જેટલી કહાનીઓ રચાઇ તેમાની એક ધ વેન્ડર ઓફ સ્વીટ્સ, મીઠાઇવાળો.

~ નવલકથાનું ટાઇટલ ધ વેન્ડર ઓફ સ્વીટ્સ છે. પણ પ્રોટોગોનીસ્ટ જગન્નાથના જીવનમાં હંમેશા મીઠાઇ કડવી બનીને આવી છે. તેને તેનો ભૂતકાળ હંમેશા કોરી ખાતો હોય છે. ગાંધીજીની અહિંસાની લડતમાં તે જોડાયેલો છે એટલે અહિંસાવાદી છે. ચપ્પલ સિવવા માટેનું ચામડુ કોઇ ગાય મરી ગઇ હોય તો પોતે મહિનાઓ સુધી રખડી મરેલી ગાય શોધી ઉતારી લે છે. તો પછી તેના બ્રાહ્મણ હોવાનો અર્થ શું ? અહીં તેની ચીકણાઇ દેખાઇ આવે છે. માંદી પડેલી પત્નીને વિદેશી દવા નહીં ઘરનો લીમડો સ્વસ્થ કરે. મૃત્યુપર્યત: તેને પૈસા બચાવી લેવા છે. ઘેર આવી કપડા ધોતા સમયે તેની પત્ની તેને વઢતી હોય છે. તેને ગાયના ચામડાની વાંસ પસંદ નથી હોતી. પણ જગન્નાથ તો અહિંસામા માનનારો માણસ છે. પત્નીની મૃત્યુ પછી તે ચામડુ મોચી પાસેથી કપાવડાવે છે. આ સમયે જગન્નાથ પૂછતો હોય છે,‘ગાય મરેલી હતીને ?’મોચી હા પાડે છે, પણ તે કેટલું સત્ય ઉચ્ચારે છે તે વાક્યમાં આવતા ….. પરથી જાણી શકાય છે. પત્ની સાથેનો ભૂતકાળ યાદ આવતા પોતાના ચપ્પલ હજુ ટકશે આમ કહી ચાલ્યો જાય છે. એક સ્વસ્થ માણસની ઇમેજ એક અહિંસાવાદીની છે, પણ તે બદલતી દુનિયામાં ખુદને રોકી શક્યો છે, સંકોચાઈ ગયો છે.

~ દિકરા માટે હાથે ભોજન બનાવે છે. જે દિકરા માલીને પસંદ નથી. જગ્ગનાથ પોતે ભોજનમાં મીઠું નહીં નાખવાનું પ્રણ લઇ ચૂક્યા છે. અને દિકરાને પણ આવુ જ ભોજન કરાવે છે. પાડાના વાંકે પખાલીને ડામ ! દિકરો રિસાઇ આમ તો પિતાને ખીજાઇ ત્યાંથી ચાલતી પકડે છે. વૃદ્ધ માણસને લોકો ઓછો પ્રેમ કરે તેની પાછળનું કારણ તેની જૂની વિચારસણી જ હોવાની. દિકરા પર તેનું અમલીકરણ તેના હાર્ટફેલનું કારણ બને છે.

~ દિકરો અદ્દલ રામનારાયણ વિશ્વનાથ પાઠકની મુકુંન્દરાય જેવો છે. જેને શુટ બુટમાં રખડવું છે. મોજ મજા કરવી છે. અમેરિકા જવુ છે. પિતાના પૈસાથી બિઝનેસ કરવો છે. જગન્નાથ જ્યારે કહે કે,‘મારી મીઠાઇનો વેપાર સંભાળ.’ ત્યારે તેને છરીની જેમ આ વાત ભોંકાય છે. તે સમસમી જાય છે. દિકરો મોટો થાય એટલે તે નવી જનરેશનનો હોવાથી પિતાની વાતને નથી માનવાનો. પિતા સામે ઉંચા અવાજે બોલ્યા રાખે છે. તેમની ઉંમરને કોસ્યા રાખે છે. ઘરમાં પિતાના પૈસા રાખવાની જગ્યાથી તે પરિચિત છે. પણ પિતા તે પૈસા પણ લોકોને લૂંટીને કમાઇ છે. મીઠાઇની દુકાને વધારે ભાવ લે છે. જે ખોટના પૈસા દિકરો આમ ઉડાવી દે છે. જમ બહાર નથી હોતો ઘરમાં જ હોઇ છે. તે કહેવત અહીં સાર્થક થતી જોવા મળશે. પ્રોડીગલ સન વિશે અંગ્રેજી અને ગુજરાતી સહિતની રિજનલ ભાષાઓમાં ઓછું લખાયું છે, જેમાં ધ વેન્ડર ઓફ સ્વીટ્સ ગણવી રહી.

~ દિકરાએ ભણવાનું છોડી દીધુ એટલે આસ-પડોશના લોકો જગન્નાથજીને પૂછવા આવે છે. શું સાચે જ માલી એ અભ્યાસ છોડી દીધો ? પિતા લોકોને જવાબ આપી આપી થાકી જાય છે. ઘરમાં બેસી રહેતો પતિ અને ન ભણતો દિકરો એક સમાન જ હોવાના. પત્નીને પતિના ઘેર બેસી રહેવાથી અને દિકરાના ન ભણવાથી પિતાને ફટકો પડવાનો જ. લોકોનું સાંભળવાનો વારો આવવાનો જ .

~ દિકરો અમેરિકાથી પાછો આવે છે ત્યારે તેનામાં આવેલું પરિવર્તન જગન્નાથની મીઠાઇ જેવુ જ છે. જગન્નાથ મીઠાઇમાં ભેળસેળ કરતા હોય છે. દિકરામાં પણ હવે તેવુ જ પરિવર્તન આવી ચૂક્યુ છે. તેણે દાઢી વધારી લીધી છે. શુટબુટ પહેરે છે. આખો દિવસ માલગુડીમાં ટાઇ પહેરી આટા માર્યા કરે છે. અમેરિકન પ્રોનાઉન્સીએશનમાં ઇંગ્લીશ બોલ્યા કરે છે. અહીં જગન્નાથની મીઠાઇની માફક મીઠાઇનો સ્વાદ એક સરખો જ હોવાનો માત્ર ઉપરનો કલર બદલે છે. તેમ દિકરાનો રંગ બદલી ગયો પણ તેની અંદર કોઇ પરિવર્તનનો અંશ નથી દેખાતો.

~ એટલામાં ગ્રેસની એન્ટ્રી થાય છે. ગ્રેસથી જગન્નાથ પ્રભાવિત છે, પણ જ્યારે તેમને ખબર પડે છે કે તેણે દિકરા સાથે લગ્ન નથી કર્યા ત્યારે તેને ગીતા યાદ આવ્યા કરે છે. ભગવતગીતામાં લખ્યું છે, લગ્ન વિના સંસાર ન માણવો. પોતાના ભવ્ય ઇતિહાસની વાતોને યાદ કરે છે. રામાયણ-મહાભારત. અરે નવલકથાની વચ્ચે એક સરસ મઝાનો ડાઇલોગ છે. માલીને નવલકથા લખવાનો કોર્ષ કરવા અમેરિકા જવુ છે. પિતાને ઉડતી ઉડતી વાતની જાણ થાય છે તો તે બોલે છે,‘વાલ્મિકી કે તુલસીદાસ આપણા મહાનગ્રંથ રચી ગયા પણ તેમણે કોર્ષ કરવા માટે અમેરિકા જવાની તો જરૂર નથી પડી.’

~ એક સમયે તેઓ ગાયનું ચામડુ ચપ્પલ માટે લાવતા જેની માંદગીમાં પત્નીનું મૃત્યુ થયું. અને હવે પુત્રવધુ ગાયનું માંસ ખાનારી આવી છે. બે પેઢીમાં કેટલો તફાવત ?

~ આર.કે.નારાણની નવલકથાઓમાં સટાયર મહત્વનો છે. પણ અહીં તે ઓછી જગ્યાએ જોવા મળશે. ઘરનું વાતાવરણ બદલી જાય છે એટલે જગન્નાથજી પોતાના રહેવાના કક્ષને પણ અલગ કરી નાખે છે. પરિવારમાં જેમ સભ્ય વધે તેમ ભાગ પડવાના. જગન્નાથજીનો દિકરો માલી રોજ બરોજ ઘેરથી ભાગી જાય ત્યારે ખૂદ સાથે વાર્તાલાપ કરે છે, સારૂ મકાનમાં આંગણું છે, બાકી આ મને કોઇ દિવસ રૂમમાં જોવા જ ન મળેત. મકાન મોટુ છે, પણ અંદર રહેનારા એટલા મોટા દિલના નથી. જગન્નાથને દિકરાની કરતૂત યાદ આવે છે. પેટના જ પેટ બાળે. દીકરાનો જન્મ થાય આ માટે કેટલી કામના કરેલી. પોતાના પિતા અને માતા સાથે મંદિરે માથુ ટેકવેલું પણ એ જ દિકરો હવે જગન્નાથની કોઇ વાત માનવા તૈયાર નથી હોતો.

~ દિકરાનો સંવાદ,‘હું મીઠાઇની દૂકાનમાં કામ નહીં કરૂ…’ જે સ્પષ્ટ છે કે, પિતાનો વ્યવસાય કોઇ દિકરાને પસંદ નથી આવવાનો. તે કામ નથી જ કરવાનો. ભલે મોટુ ટર્ન ઓવર હોય. તેની પોતાની બુદ્ધિ છે, પોતાનું મગજ છે, તે વિચારશે પણ પિતાના રસ્તે નહીં ચાલે.

~ અહીં એક તરફ રામાયણ-મહાભારત-ભતગવદ્દગીતામાં લીન રહેતા જગન્નાથ સામે તેની ટક્કર પોતાના જ દિકરા માલીના વેસ્ટર્ન કલ્ચર સામે છે.

~ મીઠાઇની દુકાનનો બોર્ડ બદલે છે. લખે છે 25 પૈસામાં મીઠાઇ. લોકોની ભીડ વધે છે, માલગુડીના બીજા મીઠાઇવાળાઓના ધંધા પ઼ડી ભાગે છે. તે લોકો જગન્નાથ પાસે રિક્વેસ્ટ કરવા આવે છે, પરંતુ જગન્નાથને લાગે છે કે, આ સમયે માણસના મનને શાંત કરવા સોડાની આવશ્યકતા છે. તે સોડા પીવડાવી વિરોધીઓને ઠંડા કરે છે. અહીં સોડા પણ વેસ્ટર્ન પ્રતિક છે. કદાચ દિકરો બિઝનેસ કરે છે, તેમ હું જો થોડી વેસ્ટર્ન સ્ટાઇલ શીખી જાઉં તો આ લોકો માની જશે. બાકી હર હમેશ લીમડાનું ઉકાળેલુ પાણી પીતા જગન્નાથને સોડાની મંચ્છા ક્યાંથી જાગી ? તેમની સાથે કામ કરતા લોકોને હવે જગન્નાથજીનો ધંધો પડી ભાંગશે તેવુ લાગ્યા કરે છે.

~ રોજ ભીખારીને પૈસા આપવા એ પોતે હવે ગરીબ બનવા માગે છે તેની નિશાની છે. જગન્નાથને ગરીબ બનવું છે, પણ દિકરાને એક પાઇ હવે આપવી નથી. આખો દિવસ રેંટીયો ચલાવતા જગન્નાથજીનું જીવન સુતરાઉ કાપડની જેમ આરપાર દેખાઇ તેવુ થઇ ગયુ છે. લોકોને તેમના ઘરની બધી ખબર છે. ગરીબોને રૂપિયા આપવાથી ખોટી રીતે કમાયેલા પૈસા સારા કામમાં જશે, કદાચ દિકરો પણ સુધરે !! ઇશ્વરનો ઉપકાર રહે…

~ છેલ્લે તો સમગ્ર સમસ્યાનો ઇલાજ આપણા પુરાણોમાં, વેદમાં, ઉપનિષદોમાં છે, પણ આ વાંચ્યા પછી તેનો શું ફાયદો જ્યારે ઘરનો દિકરો બદલી શકતો નહોય ???

આ બધુ લખ્યા પછી દિલ બળે કે, નારાયણની આ સૌથી નબળી નવલકથા છે. ધ વેન્ડર ઓફ સ્વીટ્સને તેમની જ બીજી નવલકથાઓની તુલનામાં અધ્યયન કરવામાં આવે તો તેને પાસિંગ માર્ક માંડ મળવાના. પણ અહીં જે વસ્તુ છે તે 1961માં બુક છપાઇ અને 2018માં ચાલતા પિતા પુત્રના સંઘર્ષની વાત છે. મુકુન્દરાય અજરા અમર છે, તેમ ધ વેન્ડર ઓફ સ્વીટ્સ પોતાની રીતે અજેય છે. કદાચ એટલે જ ડિરેક્ટર શંકર નાગે સ્વામી એન્ડ ફ્રેન્ડસ બાદ ટીવી એડેપ્શન માટે ધ વેન્ડર ઓફ સ્વીટ્સ પર નજર દોડાવેલી.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.