Gujarati Writers Space

આર. કે. નારાયણનું માલગુડી વિશ્વ, ઈશ્ક મેં શહર હોના

ઈન્ટરનેટ પર એક સાઈટ છે. જેનું નામ છે જ્ઞાની પંડિત. આ મહાનતાના દર્શન કરાવતી સાઈટે આર. કે. નારાયણની જગ્યાએ તેમના ભાઈ આર. કે. લક્ષ્મણનો ફોટો રાખ્યો છે. હા ડિટેલ બધી છે, એમની એમ જ છે. તેમાં કોઈ વસ્તુ ખોટી નથી. બાળપણમાં આર. કે. નારાયણના કેરેક્ટર સ્વામી એન્ડ ફ્રેન્ડઝનો પાઠ ભણવામાં આવતો અને ત્યારે પાસ થવાની અભિલાષાએ સાહેબો મારી-મારી અને ભણાવતા તે બાદ તો કોલેજમાં પણ આર.કે સાથે પનારો પડી ગયેલો. જે છેલ્લે ગાઈડ નામની નવલકથા વાચ્યા બાદ અને ફિલ્મ જોયા બાદ અંત આવ્યો. તેમનો અને ખુશવંત સિંહનો અનેરો સંબંધ. ખુશવંત સિંહના નિબંધો તેમની નવલકથાઓ કરતા વધારે રસપ્રદ હોય છે. ખુશવંત સિંહના ક્યા નિબંધમાં એ તો ખ્યાલ નથી, પણ જ્યારે તેમનું કલેક્શન વાચ્યુ ત્યારે તેમાં એક નિબંધની વચ્ચે ફકરો હતો. જેમાં ખુશવંત સિંહે એવુ નોંધેલુ કે હું અને આર.કે લેખક તરીકે મિત્ર અને પોર્ન મુવી જોવામાં દુશ્મન રહ્યા છીએ. મને રશિયન પોર્ન જોવુ ગમે અને આર.કેને ચાઈનીઝ. અને આ કારણે સીડી લેવા બાબતે અમારે ઝઘડો થયેલો. ત્યારથી એક વીક સુધી હું આર. કે. સાથે બોલ્યો સુધ્ધા ન હતો. મને એમ કે તે મારી સાથે કોઈ દિવસ નહીં બોલે, પરંતુ તેની નાગરાજ કિતાબ પ્રકાશિત થઈ અને હું તેમની સાથે બોલતો થઈ ગયો.

તો વાત કરવી છે આર. કે. નારાયણના પેલા કાલ્પનિક ગામ માલગુડીની. એ વાચ્યા બાદ ઘણા આ ગામ શોધવા નિકળી પડેલા. જો કે હકિકતમાં આવુ કોઈ ગામ નથી, પણ કોઈમ્બતુરની નજીક એક ગામ આવેલુ છે. જે બિલ્કુલ નારાયણજીના કાલ્પનિક ગામ જેવુ જ દેખાય છે. નજીકમાં પેલી સર્યુ નદી જેવી જ નદી, જે મમ્પી જંગલની નજદીક આવેલી હોય તેવી. માલગુડી એટલી ફેમસ ગઈ કે તેના પરથી કન્નડ ડિરેક્ટર શંકર નાગે ટેલીવિઝન શ્રેણી તૈયાર કરી. જેનું નામ માલગુડી ડેઝ રાખવામાં આવ્યુ. 1986માં આ ટીવી શ્રેણી તૈયાર થઈ. ખૂબ ઓછી એવી કૃતિઓને બહુમાન મળતુ હોય છે, કે તમે જેવુ લખો અને વિચારો તેવા જ પ્રકારનું પડદા પર નિર્માણ થાય. 39 એપિસોડ સાથે માલગુડી ડેયઝ પ્રસારિત કરવામાં આવી. દરેક એપિસોડની લિમિટ 22થી 23 મિનિટની હતી. અને તેનું ટાઈટલ સોંગ ત્યારે ઘણું જ ફેમસ થયુ. માલગુડી ડેઝમાં જે ગામ દેખાય છે, તે કર્ણાટકના શિમોંગા જિલ્લાના અગુંમ્બે ગામનું છે. જે વાસ્તવમાં આર.કેજીની કલ્પના પ્રમાણે દેખાતુ હતું. તો પણ તેને તૈયાર કરવાનું કામ ટાઉન પ્લાનર અને આર્ટ ડિરેક્ટર જ્હોન દેવરાજને સોંપવામાં આવ્યુ. જેમણે કલાકો સુધી અને વારંવાર આ બુકને વાચવી પડતી. પરિણામ એ આવ્યુ કે માલગુડી વાચતા વાચતા લોકોના અને દેવરાજ આ બંન્નેના વિચારો એક સમાન થઈ ગયા. આ માટે દેવરાજે ઘણી મશક્કત કરવી પડી. 180 પરિવારના ઘરોનું નિર્માણ કરવુ પડ્યુ. બેલગાડીથી લઈ અને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે નારાયણજીએ પોતાની કિતાબમાં લખેલી તે લાવવી પડી. સૌથી મોટી સમસ્યા ગધેડાની હતી. ગધેડા ક્યાંથી લાવવા ? અગુમ્બે ગામ જ્યાં આ ગામનું નિર્માણ થતુ હતું, ત્યાં આજુબાજુ દૂર સુધી ગધેડા ન હતા. જ્હોન ત્યારે સેટ પર ગુસ્સે થઈ કહેતા, ‘આટલા બધા ગધેડા થઈ એક ગધેડો નથી લાવી શકતા.’ જે બાદ જગદિશ મલંદ નામના વ્યક્તિને 20 કિલોમીટર દૂર ઉજ્જડ ગામમાં ગધેડો લેવા માટે મોકલ્યો. આ માણસ સક્સેસ થઈને પણ આવ્યો. તો માલગુડીમાં તમને એક જૂનુ મકાન દેખાય છે. જેને જોતા એવુ ફિલ થાય કે યાર આ મકાનમાં રહ્યા હોય, તો મોજો આવી જાય. તમને જણાવી દઉં, આ મકાન 150 વર્ષ જૂનુ છે. જેના મકાન માલિકોએ માલગુડીના શુટિંગ માટે એક પણ રૂપિયો માગ્યો ન હતો. આજે પણ આ મકાન ત્યાં જ હયાત છે. બન્યુ એવુ કે ત્યારે આ મકાન હર્યુ ભર્યુ રહેતુ હતું. ઘણા લોકો હતા, પણ આજે ત્યાં મુલાકાત લો ત્યારે કસ્તુરી નામની એક જ મહિલા રહે છે. જેના કારણે આ મકાન ભુત બંગ્લો વધારે લાગે છે. આ મકાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ત્રણ કૂવા આવેલા છે. સિરીયલ જુઓ ત્યારે સ્વામી આ મકાનના દરેક ખૂણામાં હોય છે. જેથી આખુ આલીશાન મકાન તમને ટીવી પર જોવા મળી જાય.

આ સિરીયલનું ડિરેક્શન કરનારા શંકર નાગ કેવલ 36 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા અન્યથા તે કન્નડના સૌથી મોટા દિગ્દર્શક હોત. માલગુડી દ્વારા તો તેમણે પોતાની શખ્સીયત સાબિત કરી નાખી, તે સિવાય તેમની પુત્રી કાવ્યા તે જ ગામના સ્કુલમાં ભણી અને મોટી પણ થઈ. આ તાકાત હતી શંકર નાગના ડિરેક્શનની. 2004માં શંકર નાગની ગેરહાજરીમાં કવિતા લંકેશે તેને ફરીવાર ડિરેક્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કવિતાએ પોતાની બધી તાકાત લગાવી છતા તે શંકરના પેંગડામાં પગ ન નાખી શકી. શંકર નાગે જેટલા પણ એપિસોડ ડિરેક્ટ કર્યા તે અડધી કલાકમાં પૂર્ણ થઈ જતા, સિવાય કે પાંચ એપિસોડ જે ચાર ચાર દિવસ ચાલ્યા. આમ પણ તે લાંબા હતા.

સ્વામી એન્ડ ફ્રેન્ડઝમાં વાસ્તવમાં છે શું ? આ માલગુડીની પહેલી કહાની છે, જેમાં તમને તમારૂ બાળપણ યાદ આવે. તોફાન, શિક્ષકોના હાથે માર ખાતો સ્વામી, દાદીનો પ્રેમ, પપ્પાની માર આ બધા પ્રસંગો સ્વામીના એક કેરેક્ટરમાં સમાયેલા. અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે આ યુગ આથમી ગયો છે, તે વાતનું દુખ છે. સ્વામી માલગુડીમાં આવેલી એક ક્રિર્શ્ચીયન સ્કુલમાં અભ્યાસ કરે છે. જ્યાં તેને માસ્તર ક્રિષ્ન ભગવાનની બુરાઈઓ અને લોર્ડ જીસસની અચ્છાઈઓ ભણાવે છે. સ્વામી આ વાતને માનતો નથી અને તેને માર ખાવાનો વારો આવે છે. અહીંથી સ્વામીની વાર્તા શરૂ થાય છે. સ્વામીનો બીજો મિત્ર રાજન જેના પિતા માલગુડીના ડીએસપી ઓફિસર હોય છે. સ્વામી તેની સાથે દોસ્તી કરે છે અને આ જોડી પૂરી થાય છે, ત્રીજા મિત્ર મણીથી. મણી ઈર્ષ્યાળુ સ્વભાવનો હોય છે. જેને રાજનની અમીરીથી જલન થતી હોય છે. જે બંન્ને વચ્ચે અંટસ થાય છે અને પછી દોસ્તી કેમ થાય છે તે જોઈ લેવુ. આ સિવાય વેન્ડર ઓફ સ્વીટ નામની પણ એક અદભુત વાર્તા છે, પણ તે જોઈ લેવી. અને હા આ બુક હજુ પણ જુનાગઢની લાઈબ્રેરીમાં સફેદ કલરના પૂઠે મઢેલી અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલી ધુળ ખાય છે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.