Education Exclusive Gujarati Writers Space

બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…

બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…

તાજેતરમાં જ એકઅતિશય હોંશિયાર એમ.બી.બી.એસ ડોકટર દોસ્ત પી.જીમાં એડમિશન ના મળતા ડિપ્રેશનમાં આવી ગયો. અને માનસિક રોગની સારવારના ચક્કરમાં એમ.બી.બી.એસ.ની અમૂલ્ય ડીગ્રી પણ ચાર વર્ષથી વેડફાય રહી છે. આજે ચાર વર્ષ પછી કોન્ફિડન્સ અને આવડત બન્ને પર થોડો થોડો કાટ લાગી ગયો હોવાથી હવે આગળનું કરીઅર અધ્ધરતાલ..! આ સતત ટોપર હોવાના વહેમમા રાચતા વિધાર્થીઓ અને વાલીઓ માટે રજનીશના ઉદાહરણોની જેમ ગોખીને આત્મસાત કરી લેવા જેવો કિસ્સો છે.

નાના બચ્ચાઓ પંચાણું, અઠ્ઠાણું કે પુરા સો ટકા માર્કર્સે પાસ થાય એ ખરેખર પેરેન્ટ્સ, કુટુંબ અને સમાજ માટે ગૌરવની વાત છે.(દેશ માટે ગૌરવ તો અભી દિલ્હી બહોત દૂર હૈ.) પણ સોશિયલ મીડિયામાં બીજી બધી બાબતોની જેમ પરિક્ષાઓના રિઝલ્ટ પણ સેન્સિટીવીટી અને મેગ્નિફાય કરવાની ટેવ બની ચુકી છે, જે અમુક એંગલથી કુમળીવયના બાળકો માટે ભવિષ્યમાં ખતરો ઉભો કરી શકે છે.

મેડિકલ,એન્જીનીયરીંગ કે મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ કરીઅરમાં ટોપ પર પહોંચવા માટે હવે લગભગ સો ટકાની નજીકના માર્ક્સ ફરજીયાત બની ગયા છે અને એ હકીકત દરેક વિદ્યાર્થી અને વાલીઓએ સ્વીકારી લીધી છે. એટલે આવા કોઈ સપનાનાં બીજ મનમાં વાવ્યા હોય ત્યારે પ્લેગ્રુપ, કે.જી., કે એકડીયા બગડીયામાં સરસ માર્ક્સ આવે ત્યારે વાલીઓના હરખનો પાર નથી રહેતો. અને એ હરખ ગામને બતાવવમાં પણ કંઈ જ ખોટું નથી. હરખમાં ભાગ પડાવવાનું તો કોને ના ગમે!

પણ સમાંતરે જ બીજી તકલીફ એ છે કે વાલીઓ આ રીતે બાળકને સતત વિજેતા બનવાનું પ્રેશર અજાણતા જ નાદાનીમાં ઉભું કરી દે છે. બાળક પોતે પોતાને ‘આઈ એમ ડિફરન્ટ ધેન મેની અધર્સ’ જેવો કોમ્પ્લેક્ષ લઈને મોટો થાય છે. પણ જિંદગી હોય કે કરીઅર સતત સુખ ક્યારેય કોઈને મળતું નથી. પ્રાયમરી સ્કૂલમાં અઢળક માર્ક્સ લાવવા એ એક વાત થઈ ને હાયર સ્ટડીઝમાં જ્યાં આપણા જેવા જ બીજા માથાઓ ટકરાય ત્યારે પરિણામ બદલાઈ શકે છે. બહુ લાંબા ઉદાહરણો ના લઈએ તો પણ એક સીધા ને સાદા તર્કથી સમજીએ કે દસમા ધોરણમાં ટોપર હોય એમાંના ઘણા બાર સાયન્સમાં જ ખોવાય જતા હોય છે. બાર સાયન્સમાં ઘણાં છાપા-ન્યૂઝચેનલોમાં ચમક્યા પછી કોલેજમાં હવાય જતા હોય છે. દુનિયાને નામ કે ચહેરાઓ યાદ રાખવાની દરકાર હોતી નથી બાકી સ્પષ્ટ થઈ જાય કે જે તે શહેર કે રાજ્યના એસ.એસ.સી.,એચ.એસ.સી. કે કોલેજના ટોપર્સનું લિસ્ટનો અભ્યાસ કરતા ખ્યાલ આવશે કે અપવાદને બાદ કરતાં દસમાં ધોરણમાં ટોપર હતો(મોટેભાગે હતી જ) એ બારમા ધોરણમાં હોતો નથી અને બારમામાં હતો એ કોલેજમાં દેખાતો નથી.

આ બધી આમ જોવા જાઓ તો સાવ સામાન્ય બાબત છે પણ જે બાળકને તમે ત્રણ વર્ષની ઉંમરથી વિજેતા બનવાની જ ટેવ પાડી છે એ આ બધું થોડાઘણા અંશે સહન કરી શકતો નથી. એમાંથી શરૂ થાય છે ડિપ્રેશનની એક લાંબી દુઃખદાયક સફર. અને ઘણા કિસ્સાઓમાં આમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ જાય છે.

વાત ફક્ત ટકાવારીની જ નથી, પણ ઘણાં પેરેન્ટ્સને જ પાક્કો ખ્યાલ નથી હોતો કે એમના લાડકા-લાડકી માટે કયુ કરીઅર અનુકૂળ છે. એટલે પછી જુગારની જેમ બાળકને બધી દિશાઓમાંથી દાવ પર લગાડી દેવાનું! સવારે મેથ્સનું ટ્યુશન, સાંજે ડાન્સનો કલાસ, ઇંગલિશ મીડિયમમાં ભણતા હોવા છતાં સ્પીકિંગ ઇંગ્લિશના કોર્સ અલગથી. આટલું ઓછું લાગતું હોય એમ હવે અમુક નવા નવા પૈસાદાર થયેલા વાલીઓ મ્યુઝિક અને સ્કેટિંગ કે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસિસનો બોજો અલગથી બાળકોના કુમળા દિમાગ પર ફટકારે છે.

મતલબ કે તમને એક જ બાળકમાં માઈકલ જેક્શન, માધવ રામાનુજ અને એ.આર રહેમાન અને નરેન્દ્ર મોદીની પ્રતિભાઓ જથ્થાબંધ જોઈએ છે! આ તો કોઈ કાળે શક્ય નથી જ. અને માનો કે બાળક આ બધી એક્ટિવિટીઝ અતિઉત્સાહથી કરે છે તો પણ સાઇકોલોજીના નિયમ પ્રમાણે એક કરતાં વધારે ફિલ્ડની પ્રવૃત્તિઓ કોઈ પણ મનુષ્ય અવતાર અમુક વરસો થી વધારે ઉત્સાહપૂર્વક ના જ કરી શકે. એટલે વધુમાં વધુ બે ઘોડાઓ પર સવારી કરવાનું જોખમ જમાના પ્રમાણે આવશ્યક છે પણ અડધો ડઝન ઘોડાઓ પર એકસરખી સ્પીડમાં સવારી કરવાની લાલસા એ હકીકતમાં મૂર્ખામીભર્યું કામ છે.

આપણી આસપાસ હે સોળ-સત્તર વર્ષના કિશોરોને ચીડિયા થતા જોઈએ છીએ, પેરેન્ટ્સ સામે બળવો પોકારતા જોઇએ છીએ કે ડિપ્રેસડ થઈને ક્યારેક આપઘાતનો આશરો લેતા જોઈએ છીએ એ બધું જ બાળપણમાં પેરેન્ટસે કરેલા ઇમોશનલ-ઇનોસન્ટ અત્યાચારનું જ રિએક્શન છે, બીજું કંઇ નથી.

બચ્ચાઓ તો નદીની જેમ ખળખળ વહેવા જોઈએ,પવનની જેમ ખીખિયાટા કરવા જોઈએ અને પંખીની જેમ ક્લબલ કરવા જોઈએ. પાંચ સાત વર્ષની ઉંમરે એને માર્ક્સ યાદ ના રહેવા જોઈએ. નવ્વાણું ટકા કે પાંત્રીસ ટકા એનાં દિમાગનાં ઊંડાણ સુધી હરગીઝ ના જ પહોંચવા જોઈએ. બસ, એ ફક્ત હોંશિયાર વિદ્યાર્થી છે એટલું જ આત્મદર્શન એને કરાવવું એ જ વાલીઓની પ્રાથમિક ફરજ… બાકીના રસ્તાઓ એ જાતે શોધી લેશે.

અંતે,ગુણવંત શાહ કહે છે એમ વૃદ્ધાવસ્થામાં તમારા સંતાનો તમારી સાથે એવું જ વર્તન કરશે જેવું તમે એમની સાતગે એમના બાળપણમાં કર્યું હતું..😐

~ ભગીરથ જોગીયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.