Gujarati Writers Space

સંબંધ અને સંબોધન

ભાઈ-બહેન, સાસુ-વહુ, બાપ-દીકરો, દેરાણી-જેઠાણી, દરેક સંબંધને (એક જીવલેણ રોગની જેમ આખી જિંદગી જીવંત રાખવાનો) એક લા-ઈલાજ રોગયુકત શરીરની જેમ સંબંધને જીવંત રાખવાનો.. તો પછી પતિ અને પત્નીના સંબંધને જ કાયદાએ “છુટ્ટાછેડા” અને સમાજે છુટ્ટા પડવાની શા માટે મંજુરી આપી ?

દરેક સંબંધ માટે સમાજ અને કાયદાની એક સરખી વિચારશરણી કેમ ન હોય શકે? ઘણીવાર ન ઈચ્છવા છતાં અમુક સંબંધો જીવંત રાખવા પડતા હોય છે, તો પછી આ એક સંબંધને જ કેમ પૂર્ણવિરામ આપવામાં આવે છે ? જેનાથી ઘણા લોકોને મોટું નુકસાન થઈ શકે છે. એક સંતાન કોઈ એકથી એટલે કે માં કે પિતાથી વિખૂટું પડી જાય છે, તો કોઈ એક માં કે પિતા સંતાનથી વિખૂટું પડે છે. અનાયાસે ઘણા સંબંધોનું પૂર્ણવિરામ પણ આવી જાય છે. જે સ્ત્રી વહુ, ભાભી, કાકી, મામી, દેરાણી, જેઠાણી કે જે પુરુષ પતિ, જમાઈ, બનેવી, ફૂવા, માસા જેવા નવા સંબંધોથી જોડાય છે. આ બધા જ સંબંધો સાથે સંબોધનોનો પણ અંત આવી જાય છે.

મેં ક્યાંક વાચેલું, સંબંધ બદલાય એટલે સંબોધન બદલાઈ જાય છે, પણ સંબોધન બદલાતા સંબંધ બદલાઈ જતો નથી.

ખરેખર, આ કેટલું યોગ્ય છે ? કાયદાઓમાં ચાલતા આવતા આવા કાયદાઓમાં ફેરફાર કરવાની કે પરિવર્તન લાવવાની એક સમાજ કે કાયદાના જાણકાર અને બુદ્ધિજીવીઓની કોઈ જવાબદારી કે ફરજ ખરી કે નહિ ?

એવું સાંભળ્યું હતું કે આપણા જેવા થોબડા ઘણા હોય, પણ આપણા જેવા ડીટ્ટો એ ડીટ્ટો, સેમ તો સેમ વિચારો પણ કોઈ અન્યને આવે. ત્યારે ખરેખર અહો આશ્ચર્યમ થાય. આ ફિલોસોફી અને સાયકોલોજીની બહુ મોટી મોટી વાત થઈ ગઈ. પણ આને ટેલીપથી, એલોપથી, કે કોઈપણ પથી કહીએ, તો પણ હાળું દુઃખ થાય કે યાર થોડા મોડા પડી ગ્યા નહિ !!

વસ્તુની, વ્યવહારની, કાર્યની કે કોઈપણ ચોરી થાય, તો સજા થાય… પણ આ વિચારોની ચોરીનો કોઈ ઉપાય ખરો ??? જસ્ટ જોકિંગ….

હા, વિષય વિચાર ભલે એક હોય પણ વિચારશૈલી જુદી હોય છે ને હોવી જોઈએ જ. એટલે હાશશશ લાગે કે બચી ગયાં. પણ આપણું મન એવું ને કે બીજાના ભાણામાં ભટક્યા કરે.

બીજું તો કઈ નહિ પણ વિચારના આ વિષય પર વધારે વિચારવું પડે.. ક્યારેક શંકા-કુશંકા પણ થાય. અને ઘણી વાર ડીશક્રીપ્શનના ચક્કરમાં ડિપ્રેશન આવી જાય. ઘણી વાર મુડ અંકલ બગડી જાય ને પછી આળસભાઈ આવી જાય.

ક્યારેક ફુલણશી કાગડો થઈ જવાય કે વાહ, આપણા વિચારો કેવા મહાન ને સુ-લોકો સાથે મળતા આવે છે, તો ક્યારેક દુઃખ ભી થાય કે આપણા વિચારો સેરોગેટ મધરની જેમ આપણા મનના ગર્ભમાં ઉદભવ્યા ને તેનું પાલન(અમલી) કોઈક અન્ય દ્વારા થાય છે.

મારી સાથે આવું ઘણી વાર બન્યું છે ? તમારી સાથે આવું થયું છે ખરું ??

શું મારો આ વિચાર તમને પણ આવ્યો છે ખરો ???

★ ખાસ નોંધ –

કોઈએ પર્સનલ થવું નહિ.. આ મારી કે તમારી વાત નથી.. આ બધાની વાત છે.

આસપાસ નજર નાખતા અમુક મુદ્દા પર લખવું, વાંચવું, વહેચવું ને સમજવું ગમે માત્ર એટલે જ.

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૨૮ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.