Gujarati Writers Space

રાહુલ દ્રવિડ : દિવારનામા

વિશ્વ ક્રિકેટમાં એવું શા માટે કહેવામાં આવે કે રાહુલ દ્વવિડ જેવો બીજો કોઈ ખેલાડી નથી. શા માટે શોએબ અખ્તરે બયાન આપેલું કે, ‘હું સચિનને આઉટ કરી શકું દ્રવિડને નહીં.’ તેનું કારણ મેદાનમાં જાણવા મળશે. મોટાભાગના ખેલાડીઓ ટેસ્ટમાંથી નિવૃત થઈ રહ્યા હતા. હવે ટીમમાં સચિન અને દ્રવિડ જ રહ્યા. કોચ ગેરી ક્રસ્ટને નક્કી કર્યું કે, ટીમના યુવા ખેલાડીમાં કેટલો હોસલો છે તે જોવા નિયમો ઘડવા પડશે. ગેરીએ નક્કી કર્યું, ‘કાલે સવારે તમારે બધાએ પ્રેક્ટિસ માટે આવવાનું છે, જેને કરવી હોય તેણે જ.’ જેની પાછળનું કારણ T-20 હતું. ટીમ શોર્ટ ફોર્મમાં વધુ રમી રહી હતી જે ટેસ્ટ માટે ઘાતક પૂરવાર થઈ શકે તેમ હતું. બીજી સવારે મેદાનમાં એક માત્ર ખેલાડી હાજર હતો જેનું નામ રાહુલ દ્રવિડ. ગેરી ક્રસ્ટને કહ્યું, ‘આ તમારા જેવા સિનિયર ખેલાડી માટે નથી.’

તો રાહુલનો જવાબ હતો, ‘આ વસ્તુથી મારે પણ લડવાનું હતું.’ ગેરી તેની સામે જોઈ રહ્યા.

રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ અંડર-19 વિશ્વ કપ જીતી, પછી કોચ વિશે ‘‘વોલ’’ ટાંકીને ઘણું સુવાચ્ય અક્ષરે લખાયું. ભારતીય ક્રિકેટ ટીમમાં ગેરી ક્રસ્ટન અને જ્હોન રાઈટ ટીમના સારામાં સારા કોચ હતા. એકે વર્લ્ડ કપ જીતાવ્યો બીજાએ વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચાડ્યા. તો ગ્રેગ ચેપલ જેવો કોચ પણ મળ્યો. સચિન અ બિલિયન ડ્રિમ્સ ફિલ્મમાં સચિન પોતાના વોઈસ ઓવરથી કહે છે કે, ‘વિશ્વ કપને હવે માત્ર એકાદ વર્ષ જેટલી વાર હતી. તમામ ટીમો જીજાન લગાવીને તૈયારી કરી રહી હતી. અને ગેરીએ ટીમમાં ફેરફાર કરી નાખ્યા, મને ઓપનીંગમાંથી સીધો ચોથા નંબરે મોકલી દીધો. જે હું ટેસ્ટમાં રમતો હતો. મેં આઈસીસીને આ વાતની જાણ કરી પણ તેમણે આ વાતને ગંભીર રીતે ન લીધી.’ અને પછી જે માછલા ધોવાયા તે ગ્રેગ પર નહીં રાહુલ દ્વવિડ પર ધોવાયા. દ્રવિડની કરિયર ત્યાં જ ખત્મ થઈ ગઈ હોત, પણ તે ટેસ્ટનો આધારભૂત બેટ્સમેન હોવાથી વધુ કેટલાક વર્ષ સુધી ચાલ્યો. અને આજે પાછી એ વોલની પ્રશંસા થઈ રહી છે. ચંદ્ર પરથી ચીનની દિવાલ દેખાય કે નહીં ખબર નથી, પણ ધરતી પર એક વોલ છે. જીવતી વોલ છે.

બેંગ્લોર. શરદભાઈ પોતાના દિકરાની આંગળી પકડી ક્રિકેટ મેચ જોવા માટે લઈ ગયા. ટીમના ખેલાડીઓ હતા ગાવસ્કર, કપિલ દેવ, ગુડપ્પા વિશ્વનાથ અને કેપ્ટન કાલીચરણ. સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ હતી. ગાવસ્કર આઉટ થયા, ઝીરોમાં આઉટ થયા ! એટલે છોકરો પિતાને વળગી પડ્યો. તેની આંખોમાંથી આંસુ આવી ગયા હોત. પિતાએ કહ્યું, ‘કાલીચરણની રમત જો તું, ક્રિકેટમાં ટેક્નિક મહત્વની છે.’ રાહુલ આ મેચ પૂરો થયો પછી રોજ એક મિત્રને ખોજતો જે તેની સાથે ક્રિકેટ રમે અને બોલ ફેકે. પણ રાહુલને સમય પહેલા જ સમજાય ગયું કે વાત ખાલી બોલ અને બેટ પૂરતી નથી. ફિટનેસ પણ હોવી જોઈએ. ત્યારે ટીમમાં ફિઝયોથેરેપિસ્ટ ન હતા. આ વાત તો ત્યારે સપના જેવી લાગતી. પણ રાહુલ ક્રિકેટમાં લાંબી ઈનિંગ કાઢી શક્યો તેનું કારણ જ તેની ફિટનેસ હતી.

ગયા મહિને 11 જાન્યુઆરીએ રાહુલ દ્રવિડનો જન્મદિવસ હતો. આ સિવાય રાહુલ દ્વવિડની ફેન ફોલોંઈગ કંઈ ઓછી નથી. અમેરિકન રેસલર જ્હોન સીનાએ પણ તેનું સ્પોર્ટસનું વિધાન ટ્વીટર પર શેર કરેલું છે. મૂળ તો મરાઠી, જન્મ થયો મધ્યપ્રદેશના ઈંન્દોરમાં, બેંગ્લોરમાં રહ્યો અને ત્યાંજ અંડર 15,17 અને 19માં રાજ્ય કક્ષા તરફથી ક્રિકેટ મેચ રમ્યો. પિતાનું મૂળ કામ એક કંપનીમાં જામ અને અચાર બનાવવાનું હતું. એટલે દ્રવિડને બાળપણમાં જેમ્મી તરીકેનું નિકનેમ મળ્યું. જે પછીથી બેંગ્લોરમાં જેમ્મી ટ્રોફી અને જેમ્મી ઓફ ધ યેરની પણ શરૂઆત થઈ. અને રહી વાત માતાની તો તે પિતા કરતા વધારે કમાતી કારણ કે એન્જિનિયરીંગની પ્રોફેસર હતી.

1996નો વિશ્વકપ હતો. ભારતીય ટીમનો ખેલાડી વિનોદ કાંમ્બલી તમને યાદ હશે. મેચ હારી ગયા પછી વિનોદ કાંમ્બલી રડતો હોય તે વીડિયો આજે પણ ઘણી જગ્યાએ દેખાય જાય છે. બોર્ડની કમિટિએ નિર્ણય લીધો કે કાંમ્બલીએ પોતાની ટેક્નિક અને જીનીયસનેસ શરૂઆતમાં જેટલી બતાવવી હતી તેટલી બતાવી દીધી, હવે નવા ખેલાડીની શોધ કરો. બોર્ડ નવા ખેલાડીની શોધમાં લાગી ગયું. ચયન એટલે કે પસંદગી કરવામાં આવી અને જે હાથમાં લાગ્યું તે હતો રાહુલ દ્વવિડ. દ્રવિડને તેનો પહેલો મેચ સિંગાપોરમાં શ્રીલંકા સામે રમવાનો હતો. ભારતની ટીમ વિશ્વકપ હારી ચૂકેલી એટલે નિંદાનો સામનો કરવો પડી રહ્યો હતો. મેદાનમાં રાહુલ ઉતર્યો. વિનોક કાંમ્બલીને તેણે રિપ્લેસ કર્યો હતો એટલે જવાબદારી તો હોવાની જ. પણ સામે બોલર તરીકે શ્રીલંકાનો દિગ્ગજ ખેલાડી મુરલીધરન હતો. માત્ર ત્રણ રનમાં મુરલીએ રાહુલને પવેલિયનનો રસ્તો બતાવી દીધો. રાહુલ નિરાશ થયો, પણ બેટિંગ સિવાય પણ ક્રિકેટમાં કેટલીક વસ્તુઓ હોય છે. આ મેચમાં રાહુલે બેટીંગથી નહીં તો ફિલ્ડીંગથી પોતાની ટેલેન્ટનો પરચો બતાવ્યો. જ્હોન્ટી રોડ્સની કેચ પકડવાની સ્ટાઈલ તો તમને યાદ જ હશે. એક જ મેચમાં ઉપરાછાપરી આવા બે કેચ તેણે પકડી લીધા. અને ટીમમાં સ્થાન બેટીંગથી નહીં તો ફિલ્ડીંગથી જમાવ્યું. તેની જગ્યા પાક્કી થઈ ગઈ એટલે વિનોદની પડતી શરૂ થઈ. બોધ નંબર 1: શેર પર સવાશેર હોય છે.

બીજી વનડે રમવાની હતી પાકિસ્તાન સામે. પાકિસ્તાનના ખૂંખાર બોલરોને તે પચાવી ન શક્યો અને 4 રનમાં આઉટ થઈ ગયો. ધીમું પણ સારૂ એવું પ્રદર્શન જોતા તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો. બોર્ડનું માનવું હતું કે, ‘જે માણસે વન-ડેમાં કંઈ ઉકાળ્યું નથી તે ટેસ્ટમાં શું કરશે ?’ દ્વવિડની એન્ટ્રી સાથે બીજા ક્રિકેટરોના પત્તા કપાઈ રહ્યા હતા. વિનોદ કાંમ્બલી પછી બીજો વારો આવ્યો સંજય માંજરેકરનો. સંજય ઈન્જર્ડ થયેલો અને રાહુલને લોટરી લાગી ગઈ. થયું એવું કે, સંજય માંજરેકર કહી રહ્યો હતો, ‘બીજી ટેસ્ટ માટે હું ફીટ છું.’ એટલે તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવ્યો. સંજય ફેલ થયો. અને છેલ્લી દસમી મિનિટે ટીમમાં ફેરફાર કરી નક્કી કરવામાં આવ્યું કે, રાહુલને મેદાનમાં ઉતારો.

કોચ સંદિપ પાટીલ રાહુલને ખબર આપવા ગયા. રાહુલને તો આ વાતની જાણ ન હતી. રાહુલને માંજરેકરની જગ્યાએ ઉતરવાનું હતું. લોર્ડસનું મેદાન હતું. ઈંગ્લેન્ડના ઘાતક બોલર્સ હતા અને રાહુલનું નસીબ ચમકી ગયું. પહેલી જ ટેસ્ટમાં 95 રન મારી તેણે સાબિત કરી બતાવ્યું કે, હું વોલ છું. પહેલા દિવસની રમત પૂરી થઈ એટલે ટીમે નક્કી કર્યું કે, જ્યાં સુધી સંજયની ઈન્જરી રિકવર ન થઈ જાય રાહુલને ટીમમાં રાખવો પડશે, પણ સંજય રિકવર થયો અને પત્તુ કપાયુ અજય જાડેજાનું. એટલે કહી શકાય કે રાહુલ નસીબનો બળીયો હતો. બોધ નંબર 2: સવાશેરની માથે પણ એક શેર તો હોવાનો જ !

એ પછી ટીમે ફરી નક્કી કર્યું કે, રાહુલ વિદેશી જમીનો પર સારૂ રમે છે. તો તેમને વિદેશમાં જ્યારે ટેસ્ટો હોય ત્યારે જ પસંદ કરવા. રાહુલના કાને આ વાત પડી ગઈ. અને દિલ્હી પછી અમદાવાદની ટેસ્ટ મેચમાં રાહુલે ધબધબાટી બોલાવી દીધી. એટલે ટીમ મેનેજમેન્ટને લાગ્યું કે, રાહુલને હવે તમામ ટેસ્ટમાં લેવા. પણ ત્યાં સુધીમાં વર્લ્ડ કપ આવી ગયો. 1999ના આ વિશ્વકપમાં રાહુલને જગ્યા મળી ગઈ. સાતમાં વિશ્વકપમાં રાહુલે સૌથી વધારે રન બનાવ્યા. 461 ! અને વનડેમાં રાહુલે પોતાની જગ્યા બનાવી લીધી.

રાહુલે જ્યારે નિવૃતિ લીધી ત્યારે તેના શબ્દો સાંભળવા જેવા હતા, ‘‘ક્રિકેટમાંથી મેં નિવૃતિ લઈ લીધી છે, હવે શું કરીશ એનો જવાબ પણ મારી પાસે છે, મારે મારા બીજા સપનાઓ પૂરા કરવાના છે, હું સારૂ ખાવાનું બનાવાનું શીખશ, અને હા, ગીટાર શીખવાની મને ઘણી ઈચ્છા છે, મારે એ પણ શીખવું છે.’’ રાહુલે નિવૃતિ બાદ પણ પોતાના શોખને જીવતો રાખેલો. પણ ક્રિકેટ કોઈ દિવસ તેમનાથી દૂર ન રહી શક્યું.

સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમ વિદેશમાં જીતે આ માટે ટીમમાં ઉર્જાનો સંચાર કર્યો હતો, પણ યાદ છે, સૌરવ દાદાનો ઉર્જા સંચાર ખાલી દ્રવિડમાં જ થયો હતો. ગાંગુલીની આગેવાનીમાં ટીમ વિદેશમાં 23 ટેસ્ટ મેચ રમી. તેમાં 23 ટકા સરેરાશ રનનો ફાળો તો રાહુલનો જ હતો. દ્રવિડ રેકોર્ડ માટે કોઈ દિવસ નથી રમ્યો. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ઈતિહાસ રચવા માટે જાણીતું છે. આ પહેલા એડમ ગિલિક્રિસ્ટે લગાતાર 96 ટેસ્ટ રમ્યા હતા અને દ્રવિડ 95મી ટેસ્ટ રમવાનો હતો, પણ તાવ આવવાના કારણે તેણે આ ટેસ્ટ મેચ છોડી દીધી અને ગિલીના રેકોર્ડની બરાબરી ન થઈ શકી. તો સતત 120 વનડે મેચમાં દુનિયાનો કોઈ માઈકાલાલ બોલર તેને ડકમાં આઉટ નથી કરી શક્યો.

ક્રિકેટમાં ઓડિયન્સ માટે એક સમય એવો આવ્યો કે મેદાનમાં રાહુલ દ્રવિડ ઉતરે એટલે લોકો ટીવી ઓફ કરી દે. કારણ કે રાહુલ ડોટ બોલ સૌથી વધુ કાઢતો. પણ ત્યારે કોઈની નજર સ્કોરબોર્ડ પર ન રહેતી. જ્યાં આપણી પાંચ વિકેટો પડી ગઈ હોય. રાહુલ સામેના બેટ્સમેનને સ્ટ્રાઈક પણ ઓછી આપતો કારણ કે ત્યાં અને તેમાં પણ ટેસ્ટમાં વિશ્વાસ કર્યા જેવું હતું નહીં. એક ટેસ્ટમાં સહેવાગ, સચિન, ગંભીરની વિકેટ પડી ગયા પછી પાકિસ્તાને દ્વવિડને આઉટ કરવાની કોશિશ કરવા માંડી. પણ બોલ ફેકે ત્યારે દ્વવિડ એ ઘાતક બોલની સામે માત્ર ટપ કરે. અને પાકિસ્તાનના બોલરો જો પવેલિયનથી રનીંગ લઈ ફાસ્ટ બોલ ફેંકે તો પણ દ્રવિડ આઉટ ન હતો થઈ રહ્યો. જ્યારે ટીમ ટી બ્રેક માટે પવેલિયન પરત ફરી ત્યારે ડેવ વોટમોરે આદેશ આપ્યો, ‘ગમે તે હિસાબે દ્રવિડને આઉટ કરો.’

અખ્તરનો જવાબ હતો, ‘એ અઘરૂ છે, સચિનને દ્રવિડની જગ્યાએ મોકલો તો આઉટ કરી દઉં.’ કોચ સામે ફટ દઈ ખેલાડી આવો જવાબ આપી દે, એટલે દ્રવિડની કાબેલિયત કરતા અખ્તરની બેટ્સમેનને પારખવાની ક્ષમતાને માનવી પડે.

પણ એક વાત તમારા જાણ બહાર હશે, દ્રવિડ 2004થી 2005નો ભારતીય સ્પોર્ટસનો સેક્સી ખેલાડી પણ ધોષિત થયેલો. અને તેણે જીત મેળવેલી સાનિયા મિર્ઝા અને યુવરાજ સિંહ સામે ! અરે MTVના શૉમાં રાહુલને એક છોકરીએ પ્રપોઝ કરેલું ત્યારે રાહુલે કહેલું, ‘પહેલા તમે તમારૂ એજ્યુકેશન તો પૂરૂ કરો…’ રાહુલ માટે તો પ્રારંભ ત્યાંજ અંત પણ રહ્યો. જે ટીમ સામે ટેસ્ટમાં ડેબ્યુ કરેલું તે ઈંગ્લેન્ડ ટીમ સામે જ તેણે નિવૃતિ લીધેલી. ધ જેન્ટલમેન ઓફ ટેસ્ટ.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.