Gujarati Historical Traveling Talk

મેવાડનું અમરનાથ : પરશુરામ મહાદેવ ગુફા મંદિર

મારો અનુભવ, મારો પ્રવાસ

બ્રાહ્મણો ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામને બહુ જ પૂજે છે, અને ગર્વથી બોલતાં જરાય સંકોચ નથી અનુભવતાં “જય પરશુરામ”

ભગવાન પરશુરામ પર મેં એક દળદાર લેખ પણ લખ્યો છે, જે તમે ઓનલાઈન પણ વાંચી શકશો. ખ્યાતનામ નવલકથાકાર શ્રી કનૈયાલાલ મુનશીએ ભગવાન પરશુરામ નામની નવલકથા પણ લખી છે. એમાં આવતું ડડનાથ અઘોરીનું પાત્રાલેખન અદ્ભુત છે, આ પાત્ર આજેય મારે મન પ્રિય છે.

રાજસ્થાન એ શૌર્યભૂમિ તરીકે જેટલી પ્રખ્યાત છે, એટલી જ એ દેવભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. રાજસ્થાન એ પહાડો અને રણનો પ્રદેશ છે. રાજસ્થાનમાં જે પહાડો છે એ અરવલ્લીની ગિરિમાળા છે. રણ એ થારનું મોટું રણ છે !!!

રાજસ્થાનના બે ભાગ છે મેવાડ અને મારવાડ

મેવાડમાં પહાડો વધારે છે એટલે ત્યાં કિલ્લો મંદિરો અને ગુફાઓ વધારે હોય એ સ્વાભાવિક છે. તો મારવાડમાં રણ, કિલ્લો અને મંદિરો છે. પણ મારવાડમાં પહાડોની કમી છે, એટલે એની સુંદરતામાં કમી આવે એ સ્વાભાવિક જ છે. રાજસ્થાનમાં ઉનાળામાં પ્રવાસ વર્જ્ય છે, કારણકે ત્યાંની ગરમી બહુજ વધારે છે.

શું મારવાડ કે શું મેવાડ ? પણ રાજસ્થાનને માણવું હોય અને મહાલવું હોય તો વરસાદી વાતાવરણમાં ત્યાં જવું વધારે યોગ્ય ગણાય…

રાજસ્થાનમાં પહાડો અને જંગલ વચ્ચે એક અદભૂત જૈન મંદિર આવેલું છે રાણકપુર. આ જગ્યાએ આમ તો હું ૩ વખત જઈ આવ્યો છું, પણ એક જૂની પુરાણી એમ્બેસેડરમાં છેલ્લે એટલે કે આજથી ૧૩ વર્ષ પહેલાં આ પ્રવાસ કર્યો હતો રોકાયા હતાં RTDCમાં. બુકિંગ અગાઉથી જ કરાવી લીધું હતું. અમદાવાદથી જ ગાડી ભાડે કરી અમે સવારના નીકળ્યા હતાં તે વચ્ચે રોકાતાં રોકાતાં અમે છેક રાત્રે પહોંચ્યા રાણકપુર. રાણકપુર આમેય મંદિર સંકુલ છે, એની આજુબાજુ માત્ર ચા નાસ્તો જ મળે છે.

જોકે રાણકપુર મંદિરમાં રહેવાં જમવાની ઉત્તમ સગવડ છે, પણ એમાં તો એવું છે ને ભાઈ કે ત્યાં જૈનોને જ પ્રથમ સ્થાન મળે છે.
જો તમારી ઓળખાણ હોય, તો જ એમાં રહેવાની સગવડ મળે અને સગવડ બહુજ સારી છે. જમવાનું અને નાસ્તો પૌષ્ટિક મળે છે કિફાયતી દામમાં !!!

આ પ્રવાસનો હેતુ અમારો બહુજ ઉદાત્ત અને ધાર્મિક હતો
પરમ પૂજ્ય દાદાની અવસાન તિથી જે જન્માષ્ટમી પછીની નોમ આવે છે એ છે આરસો રજાઓનો હોય એટલે અમે એ અરસામાં એકાદ ધાર્મિક સ્થળ અવ્રીએ અને બાકીના દિવસોમાં આજુબાજુ ફરવાનું કરીએ. રાણકપુર પણ આ જ હેતુસર ગયાં હતાં. RTDCએ એના મસ્ત લોકેશન માટે આમેય જાણીતું જ છે સમગ્ર રાજસ્થાનમાં. આ RTDC પણ પહાડ પર જ સ્થિત છે બિલકુલ રાણકપુર મંદિરની બાજુમાં જોવાની ફરવાની અને રહેવાની જમ્વાની મજા આવે એવું સ્થળ છે.

એક રાત તો ત્યાં રોકાયા, થાક ઉતાર્યો અને નીચે જઈ ફરી આવ્યાં. વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ હતો. સામે નદી અને તે પછી પહાડો જ્યાં વાઈલ્ડ લાઈફ સેન્ચુરી પણ છે. જે બીજે દિવસે સવારમાં જોઈ. એક અમદાવાદી આમારી નજીક જ રહેતાં કુટુંબની સાથે જંગલ ખાતાના અધિકારીને સાથે લીધો
જેઓ પણ આ RTDCમાં જ ઉતર્યા હતાં. એમની સાથે ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ ગઈ. મજા આવી ગઈ ત્યાંથી પહાડ પરથી રાણકપુર મંદિરના ફોટો લેવાની મજા પડી ગઈ તે વખતે સ્માર્ટ ફોન તો બહુ હતાં જ નહિ પણ ડીજીટલ કેમેરાએ એ મારો શોખ પૂરો કર્યો.

બપોરે જમ્યાં રાણકપુર મંદિરની ભોજનશાળામાં પછી આરામ કર્યો RTDCમાં. પર્વતોમાં ચાલવાનો ચઢવાનો થાક એવો તો લાગ્યો હતો, કે નીચે ચા પીવા પણ અમે પેલા મિત્ર જેઓ પણ ગાડી કરીને આવ્યાં હતાં. તેમનો ડ્રાઈવર જ અમને નીચે ચા નાસ્તો કરવાં લઇ ગયો. પછી તેઓ પણ સાંજે એક ધોધ છે જે અમે રાત્રે આવતાં જોયો હતો ત્યાં જવાના હતાં, અમે એ ચાંદની રાતમાં જ જોયો હતો પણ વરસાદે મજા બગાડી દીધી હતી, પણ એ જોયો હતો એટલે ત્યાં જવું અમને ઠીક લાગ્યું નહીં થયું કે ક્યાંક બીજે જ જઈએ. જે ૪૦-૫૦ કિલોમીટર જ દુર હોય બહુ બહુતો ૬૦ કિલોમીટર !!!

સાંજે આજુ બાજુનાં સ્થળોની માહિતી એકઠી કરી ત્યારે RTDCના મેનેજરે અમને એવી જગ્યાઓ વિષે માહિતી આપી.
એમાં મુછાળા મહાવીર બીજું એક મહાવીર મંદિર અને અતિ પ્રખ્યાત અને અતિપુરાણું પરશુરામ ગુફા મંદિર. આ રસ્તો તો મને ખબર હતો જ જે સાદડી ફાલના થઈને જાય છે, અમે એજ રસ્તે ગયાં પેલા મેનેજરને પણ અહી રહેવાનું હોવાથી તેમને અમે સાદડી ઉતારી દીધાં. રસ્તામાં જોયું તો આજબાજુ અને મોંઘા રિસોર્ટ બની ચુક્યા હતાં.

મનમાં થયું વાહ બહુજ સરસ !!! પણ અમે જે જગ્યાએ ઉતર્યા છીએ એ પણ રિસોર્ટથી કોઈ કામ નથી એમ માની મન મનાવ્યું.
અમે આગળ વધ્યાં ત્યાં બે મહાવીર મંદિરો જોયાં. પછી એ દિવસનું નું અંતિમ સ્થાન હતું આ પરશુરામ ગુફા મંદિર !!!

જંગલો અને પહાડી રસ્તાઓ જ્યાં કોઈની અવરજવર પણ ના હોય. ભેંકાર રસ્તો ઉંચે નીચે પહાડો પર થતાં આજુબાજુ ઝરણાઓ જોતાં. આજુ બાજુ જોતાં જ હાજાં ગગડી જાય કાચા પોચા માણસોનું એ કામ જ નહિ. આજ રસ્તો આગળ જઈને રાજસમંદ જાય છે. જેની મને ખબર હતી જ !!!

આજુબાજુના દ્રશ્યો એટલા સુંદર હતાં, કે અમે જોતા માણતા ૪૦-૪૫ કિલોમીટર ક્યાં કપાઈ ગયા એની અમને ખબર જ ના પડી. માતા -પિતા-પત્ની અને અને બે પુત્રો એ જોવામાં જ મશગુલ હતાં !!! અંતે અમે પહોંચ્યા પરશુરામ ગુફા મંદિરે !!!
બહાર ગાડી પાર્ક કરી જોયું તો ત્યાં અનેક ગાડીઓ અને બસો હતી. મને થયું કે રસ્તામાં તો કોઈ જ દેખાયું નહિ તો આ બધાં આવ્યાં ક્યાંથી ?

પાચ તરત જ મન મનાવ્યું કે રાજસમંદ બાજુએથી !!!
અમે અંદર દાખલ થયાં અરે મંદિર તો હજી આગળ હતું. આ તો ત્યાં જવાનો રસ્તો માત્ર હતો. પણ એ જ રસ્તા પર એક ટોલ નાકા જેવું હતું, ત્યાં ટોલ ભર્યો અને ડાબી જમણી બાજુએ લીંબુ શરબત અને ભજીયાની લારીઓ અને રમકડાના સ્ટોલ હતાં.
જે પહેલી લારી દેખાઈ ત્યાંથી લીંબુ શરબત પીધું. મમ્મી પાપને ત્યાં જ બેસાડ્યા જેઓ પછીથી ચાલતા કુંડ સુધી જઈ આવ્યાં ખરાં. સાંજ રાત્રીમાં પરીણમવાની તૈયારી કરતી હતી, કારણ કે વાતાવરણ વરસાદી જો હતું. પણ એની પરવાહ કર્યા વગર અમે આગળ વધ્યાં ૫૦૦ પગથીયાને ઠંડા-ગરમ પાણીના કુંડ પસાર કર્યા પછી બે પહાડોની વચ્ચે અથડાતાં કુટાતાં હું મારી પત્ની અને બે પુત્રો અને અમારો ડ્રાઈવરભાઈ પહોંચ્યા આ મંદિરે

★ કેવું છે આ ગુફા મંદિર ?

આ મંદિરને ટાંગીનાથ ધામ કહેવામાં આવે છે. અહી ભગવાન પરશુરામે ભગવાન રામની આરાધના કરી હતી. આ જ જગ્યાએ એમણે પોતાનાં શસ્ત્ર પરશુની સ્થાપના પણ કરી હતી. આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન પરશુરામે બે પથ્થરોને પોતાનાં પરશુથી કાપીને કર્યું હતું !!!

આ ગુફા મંદિર સુધી જવામાં લગભગ ૫૦૦ પગથીયા ચડીને જવું પડે છે. અમેય ચડયાં અને ગયાં !!!

આ ગુફાની અંદર એક સ્વયંભુ શિવલિંગ છે !!!

સ્વયભું શિવલિંગનું મહાત્મ્ય એ પ્રસ્થાપિત શિવલિંગ કરતાં વધારે જ હોય અને આસ્થા અને શ્રધા પણ વધારેજ હોય !!!

આ જ શિવલીંગની ભગવાન પરશુરામે ઘણાં વર્ષો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાની ફલશ્રુતિ સ્વરૂપે ભગવાંન શિવજીએ અતિપ્રસન્ન થઈને ભગવાન પરશુરામને ધનુષ, અક્ષયપાત્ર અને પરશુની ભેટ આપી હતી

👉 આશ્ચર્યજનક વાત તો એ છે કે આ આખી ગુફા એ એક જ પથ્થરમાંથી બનેલી છે. શિવલિંગનો ઉપરી ભાગ ગાયના થુન જેવો છે. પ્રાકૃતિક સ્વયંભૂ લીંગની ઉપર ગૌમુખ બનેલું છે. જેનાથી શિવલિંગ પર અવિરત પ્રાકૃતિક જળાભિષેક થયાં જ કરે છે. માન્યતા એવી છે કે શિવલીંગની નીચે બનેલી ધૂણી પર કયારે ભગવાન પરશુરામે ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી હતી. આ ગુફામાં એક એક શીલા પર રાક્ષસની એક આકૃતિ કોતરાયેલી -ચિતરાયેલી છે. જેનો વધ ભગવાન પરશુરામે આ પરશુથી કર્યો હતો !!!

👉 દુર્ગમ પહાડો

વાંકા ચુકા ઘુમાવદાર રસ્તાઓ
પ્રાકૃતિક શિવલિંગ
ખળ ખળ વહેતાંઝરણાઓ
અને નયનરમ્ય પ્રાકૃતિક સૌન્દર્ય સાથે ઓતપ્રોત થઈ જવાનાં કારણે ભક્તોએ આ જગ્યાને મેવાડનું અમરનાથ એવું નામ આપી દીધું છે.

અરે ભક્તોની વાત તો બાજુએ રાખો મારા મનમાં પણ આજ વિચાર એ જોયું ત્યારે સ્કુર્યો હતો જેના વિશે વાંચ્યું પછીથી અનુભૂતિ પહેલાં થઇ હતી મને !!!

જે સાચે જ સાર્થક કરે છે આ નામ ને !!!

👉 આ સ્થળની ઊંચાઈ સમુદ્રતળથી ૩૬૦૦ ફૂટ છે, અહીંથી થોડેક જ દૂર સાદડી ક્ષેત્રમાં પરશુરામ મહાદેવનો બગીચો પણ સ્થિત છે. ગુફા મંદિરથી થોડાંક જ માઈલ દૂર માત્રુકુંડિયા નામનું સ્થળ છે. જે આ સ્થળે એમણે એમની માતાનો વધ કરેલો એ માતૃહત્યાના પાપમાંથી મુક્તિ મળી હતી એમને !!!

આ સિવાય અહીંથી ૧૦૦ કિલોમીટર દૂર ભગવાન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિની તપોભૂમિ છે

👉 આ સ્થળ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ :-

● એક માન્યતા એવી પણ છે કે ભગવાન બદ્રીનાથના કપાટ એજ વ્યક્તિ ખોલી શકે છે, જેણે ભગવાન પરશુરામ મહાદેવનાં દર્શન કર્યા હોય !!!

● બીજી એક માન્યતા ગુફામાં સ્થિત શિવલિંગ સાથે જોડાયેલી છે. માન્યતા મુજબ આ ગફામાં સ્થિત શિવલિંગમાં એક છિદ્ર છે, જેનાં વિષે માન્યતા એવી છે કે એનાં પર દુધનો અભિષેક કરવાથી દૂધ છીદ્રમાં નથી જતું, જ્યારે પાણી અઢળક ઘડા નાંખવાથી પણ એ નથી ભરાતું. આ જ જગ્યાએ ભગવાન પરશુરામે દાનવીર પરાક્રમી કર્ણને શિક્ષા આપી હતી !!!

👉 આ મંદિર એટલે કે પરશુરામ માહાદેવ ગુફા મંદિર રાજસ્થાનના રાજસમંદ અને પાલી જીલ્લાની સીમા પર સ્થિત છે.મુખ્ય મંદિર રાજસમંદ જીલ્લમાં આવેલું છે, જ્યારે કુંડ ધામ પાલી જીલ્લમાં સ્થિત છે. પાલીથી આનું અંતર લગભગ ૧૦૦ કિલોમીટર અને વિશ્વ પ્રસિદ્ધ કુંભલગઢથી એ માત્ર ૧૦ જ કિલોમીટર દુર છે. પણ કુંભલગઢથી ત્યાં કેવી રીતે જવાય એ મને હજી સુધી ખબર નથી પડી, નહીં તો હું પણ ત્યાં ગયો જ હોત.

જ્યારે જ્યારે મેં કુંભલગઢ જોયો છે, ત્યારે જ વિચારતો કદાચ પહાડી રસ્તેથી કોઈ ટૂંકો રસ્તો હોય પણ ખરો. કારણ કે આ રસ્તેથી તો આગળ રાજસમંદ જ આવે, ત્યાંથી નાથદ્વારા, ઉદેપુર થઈને પાછાં અમદાવાદ અવાય. આમે આજ રસ્તે રાણકપુર મંદિર જે અમે ત્રીજે દિવસે સવારમાં જોયું હતું
ત્યાંથી બપોરે આ જ રસ્તે નાથદ્વારા આવ્યાં હતાં ને રોકાયા હતાં. ચોથે દિવસે નાથદ્વારાના દર્શન અને એકલિંગજીના દર્શન કરીને નાગદા થઈને ઉદેપુરની સહેલીઓ કી વાડી અને સુખડીયા સર્કલમાં બોટિંગ કરીને રાત્રે અમદાવાદ પરત ફર્યા હતાં !!!

આ પરશુરામ ગુફા મંદિરમાં શંકર ભગવાનને અતિપ્રિય એવો શ્રાવણ મહિનામાં દર વર્ષે શુક્લ ષષ્ઠી અને સપ્તમીએ અહીં વિશાળ મેળો ભરાય છે. પરશુરામ જયંતી પર અહીં કોઈ ખાસ કાર્યક્રમ નથી થતો.

આમ ૧૮ -૧૮ વખત પૃથ્વી પરથી નિ:ક્ષત્રીય નાશ કરવાની એમને તાકાત ભગવાન શિવજીએ આ સ્થળેથી પ્રાપ્ત કરાવી હાતી. કઠોર તપસ્યાની ફલશ્રુતિ સ્વરૂપે તે સ્થળ તમે જો ના જોયું હોય તો તમે જઈ જ આવજો. આજે પણ એ સ્થળની સ્મૃતિ મારમાં અકબંધ છે. એટલે જ ૧૩-૧૪ વર્ષ પછી પણ હું લખી શક્યો છું. મારે મન આ સ્થાનનું મહત્વ બહુ જ વધારે છે, એ મારાં જીવનનું એક અમુલ્ય લ્હાણું બની રહ્યું છે !!!!

તમારું પણ બનશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી બોલો તમે સૌ ક્યારે જાઓ છો તે !!!

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.